હું જાણતો હતો; કે કદમ જોખમી તો છે,
એ પણ હતી ખબર; કે સફર જોખમી તો છે.
બેસી રેʼવાય ક્યાં લગી ખૂણે ને ખાંચરે ?
ઊભો છું જે જગહ; એ જગહ જોખમી તો છે.
છાનાં જો છે તો એમ ને એમ જ રહે ભલે,
એના તમામ ભેદ-ભરમ જોખમી તો છે.
પાણી વિષે રહીને મગર સાથ વેર પણ !
જાણું છું એ ય હું; કે મગર જોખમી તો છે.
હર એક વાતે હોય ન વિગતે ખુલાસો સહુ,
આપી રહ્યો છું હું જે સબબ; જોખમી તો છે.
કોઈક ગાંધીજી જ એની આદરે સફર !
આ સત્ય કેરી સખ્ત ડગર; જોખમી તો છે.
લાગે કે દિલ્હી દૂર નથી; આ રહ્યું નજીક !
જે જઇ રહી એ તર્ફ સડક જોખમી તો છે.
તણખો બનીને આગ એ વિકરાળ થઇ શકે !
શાયરનો શબ્દ છે; એ શબદ જોખમી તો છે.
કાયમ સલામ કોઇને ભરવી પડે છે ત્યાં !
હદથી વધારે હોય અદબ; જોખમી તો છે.
નામર્દની તો કૈં જ નથી; કૈં જ પણ કિમ્મત;
ને હોય છે જે વ્યક્તિ મરદ; જોખમી તો છે.
ચારિત્ર્યહીન હોય ભણેલાઓ, અર્થ શો ?
માની લીધું, કે સહુએ અભણ જોખમી તો છે.
વાતાવરણ વિશે ય કલેશો જ છે ફકત,
એનું વધારે જિદ્દી વલણ; જોખમી તો છે.
જેઓ બચી ગયા છે એની પણ દશા ખરાબ !
હિંસા ને ખૌફની ય અસર જોખમી તો છે.
ખામોશ કઇ રીતે એ રહી પણ શકે અહીં ?
વાંચન-લેખન ને સાથ મનન જોખમી તો છે.
ચળકાટ સૌને એનો પમાડે છે મોહ બહુ,
દુનિયા મહીં સોનાનું હરણ જોખમી તો છે.
તન્હાઇ તો એથી ય વધારે છે જોખમી !
લોકોનું આગમન ને ગમન જોખમી તો છે.
જો હોય કાચબાની ગતિ – મોડું થઇ શકે,
હદથી વધારે હોય ઝડપ; જોખમી તો છે.
સંબંધ રોજ રોજ વધારો ભલે ‘પ્રણય’,
મારગ એ જોખમી છે; કળણ જોખમી તો છે.
તા. ૨૫-૦૭-૨૦૨૨