સલૂણી આજ આવીને, ઊભી આ સાંજ ઝળહળતી;
જરા થોભો અરે સૂરજ, ન લાવો રાત ધસમસતી.
હજી હમણાં જ ઊતરી છે, બપોરે બાળતી ઝાળો,
જરા થોભો અરે ભાનુ, ભૂલાવો વાત બળબળતી.
હવે મમળાવવી મારે અહીં કુમાશ કિરણોની,
જરા થોભી, ફરી ખોલું, હતી બારી જે ઝગમગતી.
અહો કેવી મધુરી સ્હેલ આ સંસાર સાગરની,
જરા થોભો તમે નાવિક, ભલે આ નાવ ડગમગતી.
કટુ કાળી અને અંતે જતી અણજાણ નિર્વાણે,
જરા થોભો વિધિ ‘દેવી’, સજુ એ રાત તનમનથી !!
°
વીડિયો પ્રસ્તુતિ લીંકઃ
સ્વરાંકનઃ ભાવના દેસાઈ
https://www.youtube.com/watch?v=NdS7rgAiqFk
e.mail : ddhruva1948@yahoo.com