હુલ્લડની બૂમ
ફરી એક બૂમ હુલ્લડની પડી છે,
કહીં છે ગન, કહીં ચાકુ-છૂરી છે.
થયો છે લોહીનો વરસાદ જાણે,
કે રસ્તા તર ને છલકાઈ ગલી છે.
કહીં કણસે છે જખ્મી, રોડ વચ્ચે,
કહીં કંઈ કેટલી લાશો પડી છે.
આ કોના હાથપગને શ્વાન સૂંઘે,
આ કોનું શીશ, કોની ખોપરી છે.
અહીંયાં થાય છે દરરોજ માતમ,
અહીં સંગીત કે ના શાયરી છે.
છે બદમાશોની બદમાશીના દિવસ,
શરીફોની લૂંટાઈ પાઘડી છે.
હકૂમતને નથી દેખાતું કાંઈ,
કે ખુરશીઓ થઈ ગૈ આંધળી છે.
જુલમગ્રસ્તો કરે ફરિયાદ કોને,
ન કોઈ સાંભળે, ના સાંભળી છે.
અમસ્તી રાખ ના ખંખોળ ‘દીપક’,
અમારી તો બધી મિલકત બળી છે.
(કાવ્યસંગ્રહ : ‘વિસાત’, પૃ. 43; 2018)