રાહુલ ગાંધી કંઇપણ કરે, પછી એ સ્ટ્રીટ ફૂડ ખાય કે પોડકાસ્ટ કરે કે પછી કંઇ બીજું કરે – તે ભારતના મતદારોને રિઝવી નથી શકતા
2019માં કાઁગ્રેસે ચૂંટણી હારી એ પછી રાહુલ ગાંધીએ એવો નિર્ણય જાહેર કર્યો કે પોતે કાઁગ્રેસ પ્રમુખની પદવી પરથી રાજીનામું આપી દઇને હારની તમામ જવાબદારી સ્વીકારી લેશે. એ વખતે પત્રકાર બરખા દત્તે એક ટિપ્પણી કરતાં લેખમાં એમ ટાંક્યું હતું કે આ રાજીનામાથી કાઁગ્રેસમાં કોઇ મોટો ફેર આવવાનો નથી કારણ કે કાબૂ તો ગાંધી પરિવારના હાથમાં જ રહેશે અને કાઁગ્રેસની કાર્યકારી સમિતિમાં ખરેખરની પારદર્શી ચૂંટણી થાય તો પક્ષને નવું નેતૃત્વ મળી શકે. વળી ત્યારે તેણે એમ પણ લખ્યું હતું કે સચીન પાયલટ અને શશી થરુર જેવા મોટા માથાઓ જે પક્ષમાં પરિવર્તન લાવી શકે છે તેમની તરફ આંખ આડા કાન કરાય છે. ટૂંકમાં પરિવાર જ્યાં સુધી પક્ષ પરથી કાબૂ જતો નહીં કરે ત્યાં સુધી કોઇ મોટા ફેરફાર આવવાના નથી. રાહુલ ગાંધીએ રાજીનામું આપ્યું અને એ પછી કાઁગ્રેસ કાર્યકારી સમિતિમાં કોઇ પદ ન લીધું. વચગાળામાં સોનિયા ગાંધીએ એ પદ સંભાળ્યું અને હવે 2022થી મલ્લિકાર્જુન ખરગે કાઁગ્રેસ કાર્યકારી સમિતિના પ્રમુખ છે. કાઁગ્રેસ પક્ષ કાં તો સદંતર દિશા હીન છે અથવા તો એમણે એટલી બધી દિશાઓમાં કામ કરવાનું છે કે ક્યાંથી શરૂ કરવું એ સમજાય એમ રહ્યું નથી. જે કંઇ થોડો ઘણો અવાજ થાય છે, કોઇ કંઇ બોલે છે તો તે મલ્લિકાર્જુન ખરગે તરફથી સાંભળવા મળે છે.
રાહલુ ગાંધીએ લોકો સુધી પહોંચવાની, લોકો સાથે જોડાવાની કોશિશ કરવામાં કોઇ કચાશ નથી છોડી, પણ કમનસીબે કાઁગ્રેસને ધાર્યું પરિણામ નથી મળતું. હા, લોકસભાની ચૂંટણીમાં મોદી સરકારના 400 પારના નારાને સાચો ન પડવા દીધો પણ મહારાષ્ટ્રની ચૂંટણીમાં કાઁગ્રેસે મ્હોં ભેર પછડાટ ખાધી. રાહુલ ગાંધી કંઇપણ કરે, પછી એ સ્ટ્રીટ ફૂડ ખાય કે પોડકાસ્ટ કરે કે પછી કંઇ બીજું કરે – તે ભારતના મતદારોને રિઝવી નથી શકતા. લોકસભાની ચૂંટણીમાં મોદી સરકારને ધક્કો મળ્યો તો ભા.જ.પા. સતર્ક થઇને વિધાનસભાની ચૂંટણીમાં બાજી હાથમાં રહે એ માટે મચી પડી પણ કાઁગ્રેસના પ્રયાસો ઠાલા નિવડી રહ્યા છે. રાહુલ ગાંધીએ લવ વર્સિસ હેટનું જે નેરેટિવ પકડ્યું તેને પણ ધારી સફળતા ન મળી અને લઘુમતી મતદારોને પણ એ વાતો ગળે ન ઉતરી. રાહુલ ગાંધી જે કરે છે એ પોતાનું સો ટકા આપીને કરવા માગે છે, પણ છતાં ય 2007 પછી જ્યારથી તેમણે કાઁગ્રેસનું સુકાન સંભાળ્યું છે, પક્ષનો ચહેરો બન્યા છે જાણે ગ્રહો જ આડા ચાલતા હોય એવી હાલત થઇ ગઇ છે. તાજેતરના પરિણામોની વાત કરીએ તો કાઁગ્રેસને ક્યાંક જોરદાર જીત મળી, જેમ કે કર્ણાટક તો ક્યાંક સરિયામ હાર મળી, જેમ કે મહારાષ્ટ્ર. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાથી તેમની છબી સુધરી, લોકોને લાગ્યું કે તેમને ગંભીરતાથી લેવા જોઇએ પણ છતાં પણ કાઁગ્રેસમાં એક પક્ષ તરીકે જે બદલાવ આવવા જોઇએ તે ન આવી શક્યા.
શું રાહુલ ગાંધીએ પોતાની બહેનને કાઁગ્રેસ સંભાળવાની પૂરેપૂરી જવાબદારી આપી દેવી જોઇએ એવી પણ એક શક્યતા ચર્ચાતી રહે છે. રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા ગાંધીએ રાજકારણમાં વધારે આગળ પડતો ભાગ ભજવવાનું નક્કી કર્યું અને તે મહિલા મતદારો સાથે ખાસ કરીને કલ્યાણલક્ષી યોજનાઓને પગલે સારી પેઠે જોડાઇ શક્યાં છે. ઇંદિરા ગાંધીએ એક સમયે પ્રિયંકા ગાંધી માટે એમ કહેલું કે લોકોને તેમનામાં મારી છબી દેખાશે પણ આખરે તે રાજકારણને બદલશે. કાઁગ્રેસ પાસેથી થોડી ઘણી આશા રાખનારા લોકોનું પણ માનવું છે કે પ્રિયંકા ગાંધી હશે તો કદાચ વિખેરાયલી કાઁગ્રેસને કોઈ દિશા મળે. ભા.જ.પા.એ રાહુલ ગાંધીને ‘પપ્પુ’નું ઉપનામ આપ્યું અને પ્રિયંકા ગાંધીએ જ્યારે પણ રાજકારણમાં કંઇક આગળ પડતું કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ભા.જ.પા.એ તેની પણ ટીકા કરી છે. પણ એ રાહલુ ગાંધી જેટલા ટાર્ગેટ થતા રહે છે તેની સરખામણીએ ઘણું ઓછું છે. વળી પ્રિયંકા ગાંધીની રાજકીય અપીલ છે. ભા.જ.પા.માં એક સમયે સુષમા સ્વરાજ જેવાં નેતાઓ હતાં, પણ આજે એક મજબૂત મહિલા અવાજની ભા.જ.પ.માં ચોક્કસ ખોટ છે એમ કહી શકાય. સ્મૃતિ ઈરાની જેવાં ચહેરાઓ ભા.જ.પા. પાસે છે એ ખરું પણ પ્રિયંકા ગાંધી તેની સામે ઝિંક ઝિલી શકે એમ અત્યારે તો લાગે છે. પ્રિયંકા ગાધી ધારે તો કાઁગ્રેસમાં ધરમૂળથી ફેરફાર લાવી શકે છે અને તેમ કરવામાં તેમણે રાહુલ ગાંધીનાં કોઇ મૂલ્યોને જતાં કરવાની જરૂર નથી.
આ તરફ રાહુલ ગાંધીમાં કાઁગ્રેસને બદલીને ફરી બેઠી કરવાની, મજબૂત બનાવવાની તાકાત છે એવું નેરેટિવ ખડું કરવામાં કાઁગ્રેસ કોઇ કચાશ નથી છોડતી. તાજેતરમાં જ સંસદ સભ્ય રાહુલ ગાંધીની રાજકીય કારકિર્દી, તેમની કામ કરવાની શૈલી વગેરેને કેન્દ્રમાં રાખીને ‘રાહુલ ગાંધી – વ્યાકુલ મન કા નાયક’ પુસ્તકમાં સંજીવ ચંદને વિગતે વાત કરી છે. રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ કાઁગ્રેસની નિષ્ફળતાઓની પણ પુસ્તકમાં વાત કરાઇ છે. તેમના મતે રાહુલ ગાંધીમાં પિતા રાજીવની સાદગી અને નમ્રતા છે, માતા સોનિયા ગાંધીની સામાજિક-રાજકીય સંકલનની આવડત છે પણ દાદી ઇંદિરા ગાંધી જેવી હિંમત નથી, ખાસ કરીને રાજકીય પદ્ધતિઓ કે આદર્શોને મામલે – આ બાબત સફળ રાજકારણી માટે અનિવાર્ય છે. રાહુલ ગાંધીએ લીધેલાં કેટલાક નિર્ણયો પણ કાઁગ્રેસની છબીને નબળી પાડવામાં મોટો ભાગ ભજવી ગયા છે, જેમ કે 2013માં લેજિસ્લેટિવ રિવર્સલ. રાહુલ ગાંધીને નેતૃત્વમાં સાતત્ય નથી જળવાતું, ક્યારેક તે શૂરવીરની જેમ ઝંપલાવે છે તો ક્યારેક સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં સમય વેડફતા દેખાઇ આવે છે તો ક્યારેક બોલવામાં ભગાં કરે છે. સરવાળે ગેરલાભ કાઁગ્રેસને જાય છે અને ગાંધી પરિવાર માટેનો અણગમો પણ વધતો જાય છે.
રાજકારણ ‘નેરેટિવ’ – કથાનક પર ચાલતો ખેલ છે. રાહુલ ગાંધીએ આ વખતે લોકશાહી બચાવો વાળા નેરેટિવને આગળ કર્યું તો ખરું પણ મોટા ભાગના ભારતીય મતાદાતાઓને નરેન્દ્ર મોદી અને ભા.જ.પા.થી લોકશાહીને નુકસાન થાય છે એમ નથી લાગતું. વળી લોકસભાની ચૂંટણીમાં જરા બહેતર દેખાવ થયો એમાં કાઁગ્રેસ ગેલમાં આવી ગઇ અને માની લીધું કે ભા.જ.પા. – મોદી સરકારના નેતૃત્વ પર કાઁગ્રેસ અસર કરી શકે છે – આ આત્મવિશ્વાસ પણ કાઁગ્રેસને ભારે પડ્યો. હરિયાણાનો ફટકાને કારણે કાઁગ્રેસને તમ્મતર આવી ગયા. કાઁગ્રેસ જાતને આધારે વસ્તી ગણતરીની વાત કરવા ઇચ્છતી હતી પણ ભા.જ.પા.એ આખી વાતને વિભાજનકારી ગણાવીને મતદાતાઓનું મન બદલી નાખ્યું. કાઁગ્રેસના હવે એવા હાલ છે કે તેમણે દરેક રાજ્યમાં, દરેક સંગઠન કરનારા પક્ષ સાથે અલગ અલગ દૃષ્ટિકોણથી અને અભિગમથી કામ પાર પાડવું પડશે.
આખે આખી કાઁગ્રેસના નેતૃત્વએ પોતાની જવાબદારીઓનું સરવૈયું કાઢવું પડશે, એ દિશામાં કામ કરવું પડશે. સૌથી અગત્યનું તો એ કે આ બદલાવની શરૂઆત રાહુલ ગાંધી અને મલિલ્કાર્જુન ખરગેથી થવી જોઇ. કાઁગ્રેસ હતી ન હતી થઇ જાય એ પહેલાં નેતૃત્વમાં, પક્ષના બંધારણ અને અભિગમમાં બદલાવ એ તેમના સૌથી પહેલાં એજન્ડા હોવા જોઇએ. ઝારખંડના પરિણામને મહારાષ્ટ્રના પરિણામની સામેની કાઁગ્રેસની સિદ્ધિ તરીકે જોવાની ભૂલ કરનારાઓ સારી પેઠે જાણે છે કે આ એક પોકળ દલીલ છે અને આવા પોકળ મુદ્દાઓને નેવે મૂકીને કાઁગ્રેસે પોતાની ભૂંસાઈ રહેલી લીટી નવેસરથી દોરવાની દિશામાં કામ કરવું જોઇએ અને ભા.જ.પા.ની લીટી નાની કરવાના પ્રયાસો પડતા મુકવા જોઇએ.
બાય ધી વેઃ
રાહુલ ગાંધી નક્કર નેતૃત્વ આપાવમાં નિષ્ફળ રહ્યા છે અને પક્ષના લોકો તેમની વાહવાહી કરીને રાજકુમારની માફક તેમને માથે બેસાડવાનું ચાલુ રાખશે ત્યાં સુધી તેમના પ્રયાસોમાં નકરી સચ્ચાઈ હોવા છતાં તેઓ કંઇ બહુ પ્રભાવ નહીં જ પાડી શકે એ એક ન ગમે એવી હકીકત છે. પરિવારવાદ મતદારોને તો કઠ્યો જ પણ હવે તો કાઁગ્રેસનો હિસ્સો રહેલા નેતાઓએ પણ એ બાબતે પોતાનો અણગમો જાહેર કરી જ ચૂક્યા છે. વાયનાડમાં લધુમતિના મળેલા ટેકાને આધારે ભવિષ્યની વ્યૂહરચના બનાવવાની ભૂલ કાઁગ્રેસ ન કરે તો સારું. કાઁગ્રેસે વાસી મુદ્દાઓ પર દેકારા કરવાનું બંધ કરી, ભા.જ.પા.ના નારાઓનો જવાબ આપવાનું છોડી દઇને પોતાનાં મૂલ્યોને પારખી, તેમને પાકા કરી બેઠા થવું પડશે નહીંતર વધુ કપરો સમય જોવો પડે એમ થઇ શકે છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં કાઁગ્રેસે 89 ચૂંટણીમાં હાર વેઠી છે, આ આંકડો સો પર પહોંચે નહીં તેની જવાબદારી કાઁગ્રેસના સભ્યોની છે, તેમણે ગાંધી પરિવારની પાર અને પર જઇને વિચારવું પડશે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 01 ડિસેમ્બર 2024