સાંસદ આદર્શ ગામ યોજના વિકાસ પ્રત્યેનો નવીન દ્રષ્ટિકોણ દર્શાવે છે. તેના ઉદ્દેશોમાં ગાંધીજીની કલ્પનાના આદર્શ ગામનો ખ્યાલ સમાયેલો છે. પરંતુ અમલમાં સાંસદોની નિસબતનો અભાવ અંતરાય બની રહ્યો છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે એમના સંસદીય મત વિસ્તાર ગાંધીનગરનાં પાંચ ગામો સાંસદ આદર્શ ગામ યોજના હેઠળ પસંદ કર્યા એ જ દિવસોમાં આ યોજનાની સર્વાંગી સમીક્ષાની માંગ ઊઠી છે તે કેવળ યોગાનુયોગ હશે ? નરેન્દ્ર મોદીએ વડા પ્રધાન તરીકેના એમના પ્રથમ સ્વાતંત્ર્ય દિન ઉદ્દબોધનમાં, લાલ કિલ્લાની રાંગેથી, સાંસદ આદર્શ ગામ યોજના જાહેર કરી હતી. ૨૦૧૪ની ૧૫મી ઓગસ્ટે ઘોષિત આ યોજનાનો, લોકનાયક જયપ્રકાશ નારાયણના જન્મદિન, ૧૧મી ઓકટોબર ૨૦૧૪થી, દેશમાં આરંભ થયો હતો. હાલમાં યોજનાનું પાંચમું ચરણ કાર્યરત છે ત્યારે જ લક્ષિત ઉદ્દેશ હાંસલ ન કરી શકવાના અને પ્રત્યક્ષ પ્રભાવ ઊભો ન કરી શકવાનાં કારણે આ યોજના અંગે ફેરવિચાર કે સમીક્ષા કરવાનું સૂચન સરકારરચિત સમિતિએ કર્યું છે.

મહાત્મા ગાંધી ગામડાંને ગણતંત્રનું લઘુરૂપ માનતા હતા. સાંસદ આદર્શ ગામ યોજનાની માર્ગદર્શિકામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ‘મહાત્મા ગાંધીની વિચારધારાથી ઊંડાણપૂર્વક પ્રેરિત’ થયા હોવાનું જણાવે છે. સાંસદ આદર્શ ગામ યોજના આદર્શ ભારતીય ગામ અંગેની ગાંધીજીની વ્યાપક કલ્પનાને વર્તમાન પરિપ્રેક્ષ્યમાં યથાર્થ રૂપ આપવાના પ્રયાસનો ઉદ્દેશ ધરાવે છે. આ યોજના દિલ્હીથી ઘડાઈને ગામડામાં ન પહોંચે પણ ગામના લોકો જ તેના ઉદ્દેશો અને કાર્યક્રમો નક્કી કરે તેનો ખ્યાલ રખાયો છે. તેથી સમાજપ્રેરિત, લોકભાગીદારીયુક્ત અને માંગ આધારિત એવું યોજનાનું સ્વરૂપ નક્કી થયું છે. સંસદના બંને ગૃહોના સભ્યોની દેખરેખ અને નેતૃત્વમાં ગામના લોકોના જીવનધોરણમાં સુધારો લાવવાનો, સામાજિક, આર્થિક વિકાસ માટે જાહેર સેવાઓમાં સુધારો આણવાનો, પાયાની સગવડો સાથે ખેતી, પશુપાલન, રોજગાર, આરોગ્ય, શિક્ષણ, સ્ત્રી-સમાનતા અને સ્ત્રી-સન્માન, નાના ઉદ્યોગો, સ્વરોજગાર પોષક આહાર, પર્યાવરણ જતન અને સ્વચ્છતા તથા ગામની માળખાકીય સુવિધાઓના વિકાસના કાર્યક્રમો આ યોજના હેઠળ કરવાના છે. મેદાની પ્રદેશમાં ૩,૦૦૦થી ૫,૦૦૦ અને પહાડી, દુર્ગમ કે આદિજાતિ વિસ્તારમાં ૧,૦૦૦ થી ૩,૦૦૦ની વસ્તી ધરાવતું ગામ સાંસદે પસંદ કરવાનું હોય છે. યોજનાના આરંભથી ૨૦૧૬ સુધીમાં એક અને તે પછી તબક્કાવાર એક-એક ગામ લઈને એક સાંસદે ૨૦૨૪ સુધીમાં પાંચ ગામોને આ યોજના હેઠળ આદર્શ ગામ બનાવવાના છે.
વડાપ્રધાનના દિલની બહુ કરીબ એવી આ યોજનાના અમલ માટે શરૂઆતમાં સાંસદો બહુ ઉત્સાહિત હતા. પરંતુ ડિસેમ્બર ૨૦૧૯માં આ યોજનાનુ ચોથું ચરણ પૂર્ણ થયું ત્યારે પ્રગટ આંકડાકીય વિગતો દર્શાવે છે કે હવે સાંસદોનો ઉત્સાહ ઓસરી ગયો છે અને યોજનામાંથી એમનાં રસરુચિ ઘટી ગયાં છે. લોકસભાના ૫૪૫ અને રાજ્યસભાના ૨૪૫ એમ સંસદના બંને ગૃહોના કુલ ૭૯૦ સાંસદો છે. એમાંથી પ્રથમ ચરણમાં લોકસભાના ૫૦૦ અને રાજ્યસભાના ૨૦૩ મળી કુલ ૭૦૩ સાંસદોએ ગામોની પસંદગી કરી હતી. પરંતુ તે પછી ગામોની પસંદગી કરવાનું ક્રમશ: ઘટતું ગયું છે. બીજા ચરણમાં ૪૯૭, ત્રીજા ચરણમાં ૩૦૧ અને ચોથા ચરણમાં સાવ તળિયે કુલ સાંસદોના ત્રીજા ભાગ કરતાં ય ઓછા માત્ર ૨૫૨ સાંસદોએ જ ગામોની પસંદગી કરી છે. આમ થવાનું મુખ્ય કારણ એ છે કે ગ્રામ્યવિસ્તારના સાંસદના મતવિસ્તારમાં સરેરાશ ૭૦૦થી ૮૦૦ ગામો હોય છે. તેમાંથી કોઈ એક કે પાંચ વરસે પાંચ ગામોનો જો તે વિકાસ કરે તો મતવિસ્તારના બાકીના ગામો પર અસર પડે છે. સાંસદો માને છે કે એમણે મત માંગવા તો બધા ગામોમાં જવાનું હોય પણ જો તે આદર્શ ગામ કોઈ એકને કે પાંચને જ બનાવે તો અન્ય ગામોમાં ઉપેક્ષાનો ભાવ જન્મે છે. એટલે સાંસદો ભવિષ્યના મત મળવા ન મળવાના ખ્યાલે ગામોની પસંદગી કરવાનું ટાળે છે.

સાંસદ આદર્શ ગામમાં જ સતત વ્યસ્ત રહે અને અધિકારીઓ થાકી જાય એટલા બધા કામો આદર્શ ગામમાં કરવાના હોય છે. પરંતુ આ યોજના માટે કોઈ અલાયદી નાણાંકીય જોગવાઈ કરવામાં આવી નથી અથવા તો કોઈ નાણાંકીય જોગવાઈ જ નથી ! હા, સાંસદો પોતાના સાંસદ નિધિનો ઉપયોગ કરી શકે છે, ખરા. પણ જો તે આદર્શ ગામમાં વધુ નાણા ફાળવી દે તો મતવિસ્તારના અન્ય કામોને સહન કરવાનું આવે છે. સરવાળે તેની અસર ચૂંટણી વખતે પડે છે. જે સાંસદો કંપનીઓનાં સામાજિક કામો માટેના ફંડ(સી.એસ.આર.)માંથી નાણાં મેળવી શકે કે અન્ય સરકારી યોજનાઓનો લાભ આ ગામોને અપાવી શકે તે વધુ સારો દેખાવ કરી શકે છે. આ યોજના હેઠળનાં કેટલાંક આદર્શ ગામોની સફળતાની ગાથાઓ પણ જાણવા મળે છે. પરંતુ યોજનાની ખામીઓ અને તેને કારણે નિષ્ફળતા વધુ જણાય છે. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલય હેઠળની આ અને અન્ય યોજનાઓની સમીક્ષા માટે નિવૃત્ત સનદી અધિકારી રાજીવ કૂપરના અધ્યક્ષપણા હેઠળ ૩૧ સભ્યોના કોમન રિવ્યુ મિશનની રચના કરવામાં આવી હતી. આ સમિતિએ ૮ રાજ્યોના ૨૧ જિલ્લાના ૧૨૦ ગામોની મુલાકાત પછી સાંસદ આદર્શ ગામ યોજનાનો દેખાવ નબળો છે અને તે ફેરવિચાર માંગે છે તેવું તારણ કાઢ્યું છે. અલ્હાબાદ વિશ્વવિધ્યાલયના સેન્ટર ઓફ સાયન્સ એન્ડ સોસાયટીએ ઉત્તર પ્રદેશના ૧૦૪ આદર્શ ગામોની પહેલા ચરણની કામગીરીનો અભ્યાસ-મૂલ્યાંકન અહેવાલ આપ્યો છે તેના તારણો પણ બહુ રાજી થવા જેવા નથી.
આદર્શ ગામોની પસંદગીના માપદંડો નિર્ધારિત કર્યા હોવા છતાં પસંદગીમાં વહાલાદવલાંની નીતિ જોવા મળે છે. જ્યાં મુસલમાનોની વસ્તી ના હોય કે નગણ્ય હોય એવાં જ ગામો ગઈ લોકસભા અને વર્તમાન લોકસભાના ઉત્તર પ્રદેશના સત્તાપક્ષના સાંસદોએ આદર્શ ગામ યોજના હેઠળ પસંદ કર્યા છે એવી ફરિયાદમાં તથ્ય જણાયું છે. આ બાબત કેટલાક વિપક્ષી સાંસદોને પણ લાગુ પડે છે. પોતાના વતન ગામ સૈફઈનો ઈર્ષ્યા જન્માવે તેવો વિકાસ કરનાર સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમસિંઘ યાદવે આઝમગઢનું જે તમૌલી ગામ પસંદ કર્યુ હતું. તેમાં ૮૦% વસ્તી તેમના જાતભાઈ યાદવોની છે.! બી.જે.પી.નો મુસ્લિમ ચહેરો ગણાતા મુખ્તાર અબ્બાસ નકવીએ પણ એવા ગામ પર પસંદગી ઉતારી હતી, જ્યાં મુસલમાનોની વસ્તી ના હોય ! વિકાસવંચિતતા કે છેવાડાનું ગામ હોવું તે પસંદગીનો માપદંડ હોવા છતાં મોટા ભાગના સાંસદોએ મોટા શહેરો કે નગરોની નજીકનાં ગામો જ પસંદ કર્યાં છે. દિલ્હીના સાંસદ મહેશ ગિરિએ પહેલા તબક્કામાં દિલ્હીનું ચિલ્લા ગામ પસંદ કર્યું હતું. આ ગામ પૂર્વી દિલ્હીના પોશ વિસ્તારનો ભાગ છે, મેટ્રો સ્ટેશનથી માંડ અડધો કિલોમીટર જ દૂર છે અને ગામમાં ૨૪ કલાક વીજળી ઉપલબ્ધ છે ! આવા બીજા પણ ઘણા ઉદાહરણો છે, જે યોજનાને સફળ થવા દેતા નથી.
જો યોજના પૂર્ણપણે અમલી બને તો પણ દેશના કુલ ગામોમાંથી એકાદ ટકો ગામ જ આદર્શ ગામ બની શકે. બાકીના લાખો ગામો તેનાથી પ્રેરિત થાય કે ઉપેક્ષાભાવ અનુભવે તે કહેવું કઠિન છે.
e.mail : maheriyachandu@gmail.com
પ્રગટ : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, “સંદેશ”, 05 ઑગસ્ટ 2020
![]()



મામાસાહેબ ફડકે તરીકે જાણીતા વિઠ્ઠલ લક્ષ્મણ ફડકેના દેહવિલય(તા. ૨૯મી જુલાઈ ૧૯૭૪)ને આજે તો પોણા પાંચ દાયકા થવા આવ્યા છે. આજની પેઢી માટે તો એ કદાચ પાઠયપુસ્તકનું એક પાનું હશે. પરંતુ જેમણે ‘ગાંધીજીના જમાનાનો હું પહેલો અંત્યજસેવક ગણાઉં’ તરીકે પોતાની ઓળખ આપી છે, તે મામાસાહેબ ફડકે દલિતશિક્ષણના જ નહીં આભડછેટ નાબૂદી અને દલિતોદ્ધારના ભેખધારી હતા. અસ્પૃશ્યતા નિવારણને જીવનધ્યેય બનાવનાર તથા અનેક દલિત વિદ્યાર્થીઓના જીવનમાં કેળવણીનો પ્રકાશ પાથરનાર મામાસાહેબ ખરા અર્થમાં ‘અવધૂત’ હતા.
દલિતોનાં શિક્ષણ અંગે મામાસાહેબમાં ઘણી વૈચારિક સ્પષ્ટતાઓ હતી. આત્મકથામાં તેમણે લખ્યું છે, ‘હું શિક્ષણ આપતો હતો તે સાક્ષરતા વધારવા માટે ન હતું, પણ જીવન સુધારવા માટે હતું. પરીક્ષા પાસ કરે અને છોકરા ધંધે વળગી જાય એવું મારું ધ્યેય ન હતું.’ ગોધરાની આ અંત્યજ શાળા પછી આશ્રમમાં પરિવર્તિત થઈ. ભારતનો સૌ પ્રથમ ગાંધીઆશ્રમ ગોધરામાં શરૂ થયેલો. ઈ.સ.૧૯૨૨માં અમદાવાદમાં કૉન્ગ્રેસનું અધિવેશન યોજાયું હતું. મામાસાહેબે તેમાં જન્મે સફાઈ કામદારો વિના જ સઘળી સફાઈનું કામ સંભાળ્યું હતું. મામાના મુખીપણાએ જે સ્વંયસેવકોએ સફાઈ કામ સંભાળ્યું તેમનો ફોટો પાડવા ગાંધીજી સૂચવ્યું. અનિચ્છાએ મામા તૈયાર થયા. બ્રાહ્મણ, વાણિયા અને મુસલમાન જ્ઞાતિના સફાઈ કામદારો બનેલા સ્વંયસેવકોની એ તસવીર વીતેલા જમાનાના આદર્શોનું ઉત્તમ સંભારણું છે. ૧૯૨૪માં મામાસાહેબના અધ્યક્ષપણામાં બોરસદમાં અંત્યજ પરિષદ યોજાઈ હતી. એ પરિષદમાં તેમણે કહ્યું હતું કે, ‘હિંદુમાંથી અસ્પૃશ્યતાનો રિવાજ જો બંધ કરવો હોય તો તે આપણું ખોબા જેટલા માણસોનું કામ નથી. પણ વયોવૃદ્ધો, પુરુષો, સ્ત્રીઓ, વેપારીઓ, મજૂરો, અને કારીગરોને ગળે વાત ઉતારવી જોઈએ. અસ્પૃશ્યતાનું નિવારણ એ સ્વરાજની એક શરત છે, એટલું જ કહ્યે વાત ગળે ઉતરી શકે નહીં’.