૨૦૨૨નું વર્ષ અંગત સ્મૃતિમાં બે વિશિષ્ટ અને પ્રશિષ્ટ કૃતિઓના કૌંસમાં બેસે છે. આધુનિક સમાજને હતાશાના કારણે પેદા થતી ઘૃણા અને હિંસાની જે સમજ મળી છે, તેમાં રોબર્ટ બર્ટનના પુસ્તક ‘ધ એનેટોમી ઑફ મેલન્કોલી’ અને મેલાની ક્લેઈનની અજાગૃત મન વિશેની થિયરીનો મોટો ફાળો રહ્યો છે. બર્ટનનો મહાન નિબંધ ૧૬૨૧માં પ્રકાશિત થયો, અને ક્લેઈનની થિયરી તેની ત્રણ સદી પછી ૧૯૨૩માં. બર્ટને તબીબી અને સાંસ્કૃતિક વિશ્લેષણ કરીને એ માનસિક બીમારીને મેલન્કોલિયા નામ આપ્યું. ક્લેઈને અનકોન્શિયસ – અજાગૃત મનને પદાર્થો સાથેના સંબંધોના દૃષ્ટિકોણથી તપાસીને બતાવ્યું કે માણસ પુખ્તવયે દુનિયાની જટિલ અને સંદિગ્ધ પરિસ્થિતિઓમાં કેવી રીતે વર્તે છે તેનો આધાર બાળપણમાં તેની નાનીમોટી ઇચ્છાઓ પૂરી થઈ હતી કે અધૂરી રહી ગઈ હતી તેના પર છે. ક્લેઈનની થિયરી હતાશા અને આત્મઘાતી વૃત્તિ સાથે સંકળાયેલી માનસિક બીમારીઓનું નિદાન કરવામાં મદદરૂપ નીવડી. ઘૃણા અને ધિક્કારની જે લાગણીઓ હિંસા તરફ લઈ જાય છે તેને સમજીએ તો એ માનસિક પરિબળો જોવા મળશે જેને ક્લેઈને ડિપ્રેશનનું નામ આપ્યું અને તેની પહેલાં બર્ટને જેને મેલન્કોલિયા ગણાવ્યું. આવી બીમારીઓથી પીડાતી વ્યક્તિઓમાં આવાં પરિબળો ભારે લલચામણી વાક્છટા અને આમૂલ પરિવર્તનની ઉમેદમાં વ્યક્ત થાય છે. ૧૮મી-૧૯મી સદીના અંગ્રેજ રાજદ્વારી નેતા ચાર્લ્સ જેમ્સ ફોક્સે પણ એ જ બાલિશ ઘેલછા તરફ આંગળી ચીંધી હતી, જ્યારે તેમણે તેમનું જાણીતું વિધાન કર્યું, કે સૌથી વરવી ક્રાન્તિ એ હોય છે જેમાં જૂની સ્થિતિને ફરી પ્રસ્થાપિત કરવામાં આવે. “The worst of revolutions is a restoration.” દેશમાં હિન્દુત્વનો માહોલ વરતે છે તે પણ આ જ માનસિક પરિબળોનો ભયાવહ દાખલો બતાવે છે.
નરેન્દ્ર મોદીના ૨૦૦૨ના નરેન્દ્ર મોદીએ ૨૦૦૨માં કોમી રમખાણનું એક સરળ વિશ્લેષણ આપેલું કે દરેક ક્રિયાની પ્રતિક્રિયા હોય છે, પણ હવે રિસ્ટોરેશન હિન્દુત્વ પરિયોજના ત્યાંથી ઘણી આગળ વધી ગઈ છે. હવે એવી અધીરાઈ અને એવો જુસ્સો છે કે પાશવી પ્રતિક્રિયા જ બાકી રહી છે, કોઈ ક્રિયા ઘટવી જરૂરી રહી નથી. આ રિસ્ટોરેશન-હિન્દુત્વ હિન્દુ-વિચાર અને સંસ્કૃતિનાં અત્યાર સુધીમાં જોવા મળેલાં તમામ સ્વરૂપોથી બિલકુલ અલગ છે.
ચાહે ધર્મ અંગેની હોય કે રાજકારણ વિશેની, દરેક વિચારધારા કે થિયરી માટે અમુક પાસાં આવશ્યક હોય છે. દરેક સિદ્ધાન્ત સાથે એક એપિસ્ટેમોલૉજી – જ્ઞાનમીમાંસા કે પ્રમાણશાસ્ત્ર – હોય છે જે દર્શાવે છે કે આપણે જે વિષય પર મનન કે સંશોધન કરવાના છીએ તેનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કયાં સાધનો અને કઈ રીતિઓ યોગ્ય છે. એવી જ રીતે, દરેક વિચારક્ષેત્રની એક એક્ઝિઓલૉજી હોય છે, જેમાં આપણે પસંદ કરેલી જ્ઞાનશાખાનાં મૂળ મૂલ્યો ક્યાં ગણવાં તે નક્કી કરવામાં આવે છે. પહેલાંના સમયમાં હિન્દુ વિચારમાં સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, મીમાંસા, વેદાન્તનાં વિવિધ અર્થઘટનો અને બીજે છેડે ચાર્વાક અને આજીવિક પણ હતા. મધ્યકાળમાં કવિતા અને સંગીતમાં ભક્તિપરંપરા બની તેમાં હિન્દુ-વિચારનું પ્રાદેશિક અને સુધારાવાદી સ્વરૂપ બહાર આવ્યું હતું. પ્રાચીનકાળમાં વેદાન્તની વિવિધ સમજોને સમાન્તર બૌદ્ધ અને જૈન વિચાર જેમ હતા, તેમ મધ્યકાળમાં લિંગાયત-શરણ અને શીખ પરંપરાઓ સમાન્તરમાં હતી. દર્શનો અને તેમની સમાન્તર ચાલેલી વિચારધારાઓમાંથી દરેકેદરેક પાસે પ્રમાણશાસ્ત્ર અને મૂલ્યવિધાન, એ બે વસ્તુઓ ચોક્કસપણે હતી.
આપણી સામે આજે જે નવું દર્શનશાસ્ત્ર વિકસી રહ્યું છે તે જોઈએ તો હિન્દુત્વના નવા અવતારની એક્ઝિયોલૉજી, તેનાં મૂલ્યોમાં માત્ર અસહિષ્ણુતા, ઘૃણા, સંવેદનશીલતાનો અભાવ, ઘમંડ અને જે કાંઈ પવિત્ર હોય તેને ભ્રષ્ટ કરવાની વૃત્તિ (intolerance, hatred, insensitivity, arrogance and desecration) જ જણાય છે. જેમણે આ નવું દર્શન અપનાવ્યું છે તેઓ નિર્દોષ મહિલાઓની હરાજી માટે તેમની તસવીરો વેબસાઇટ પર મૂકે છે. તેઓ ટોળામાં ભેગા થઈને નિર્દોષ માણસોને મોતને ઘાટ ઉતારે છે, એટલું જ નહિ, એ પછી તેમને કંઈ ખોટું કર્યાની ભાવના પણ થતી નથી. દેખાવકારોને રાજધાનીમાં પ્રવેશતાં રોકવા માટે તે લોકો રસ્તા પર મોટા ખીલા ઠોકે છે અને કાંટાળા તારની વાડ બનાવે છે. તેઓ અન્ય ધર્મોનાં પવિત્ર સ્થાનોમાં ઘૂસી જઈને તેને અપવિત્ર બનાવવાનો પ્રયત્ન કરે છે. જેમનો પોષાક કે ખાનપાન તેમનાથી જુદાં હોય તેમના માટે તેમની પાસે ધિક્કાર સિવાય કોઈ લાગણી નથી. કોઈ ફિલ્મનિર્દેશક, નાટ્યકાર કે લેખક કંઈક જુદી વાત કરે તો તેઓ તેને ધાકધમકી આપવા દોડે છે. બની બેઠેલા સંતોની બેઠકમાં બીજા ધર્મના અનુયાયીઓ પર ઝેર ઓકવામાં આવે છે અને નરસંહાર કરવા સુધીની વાતો થાય છે. તેઓ ઇતિહાસના મહાન નેતાઓ અને વિભૂતિઓનું જાણે અપહરણ કરીને પોતાના ખેમામાં લઈ જાય છે – જો અને જ્યારે તેમને અનુકૂળ લાગે તો અને ત્યારે. કાયદાકાનૂન અને બંધારણની તેમને પડી નથી સિવાય કે તેમના હેતુ સિદ્ધ કરવા માટેનાં સાધન તરીકે. તેઓ તેમના પ્રતિસ્પર્ધીઓને ભૂંડા ચીતરવા, અપમાનિત કરવા અને ભય પમાડવા સોશિયલ મીડિયામાં તેમની પર વારંવાર હુમલા કરે છે. સ્ત્રીઓ અને કચડાયેલા સામાજિક વર્ગો ગુલામી કરવા સર્જાયા છે એવું તેમનું માનવું છે. સત્ય કે હકીકત કરતાં સરકારી પ્રચારતંત્ર ચડિયાતું છે અને જૂઠાણાં ફેલાવવા એ ઘણું આવશ્યક કામ છે એવું તેમનું માનવું છે. શાસકોના દેખાડા અને ઠાઠમાઠમાં ભૂખ્યાંજનોના જઠરાગ્નિ શાંત કરવાની શક્તિ છે એવું પણ તેમનું માનવું છે.
અગાઉનાં તમામ દર્શનશાસ્ત્રમાં નિરીક્ષણ કરવા પર, વાસ્તવિકતા પારખવા પર અને તેનું હાર્દ સમજવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. માટે જ તો એ ‘દર્શન’ કહેવાયાં – વાસ્તવિકતાનું દર્શન કરવાની રીત અને એ દૃશ્યની અભિવ્યક્તિ એ અગાઉની સૌ હિન્દુ બૌદ્ધિક પરંપરાની ઓળખ હતી. પણ અત્યારે જે આવૃત્તિ બહાર પડી છે તે જોવામાં નથી માનતી, બલકે ચારે બાજુ ધ્યાન ખેંચતાં નગ્ન સત્યોને ન જોવાનું પસંદ કરે છે. તેમને દર્શન કરતાં અદૃશ્ય માટે અહોભાવ છે. માટે તે પ્રજાજીવનને સ્પર્શતી માહિતી અને આંકડાને અદૃશ્ય કરવાનું પસંદ કરે છે. આ વિધિને ‘રાષ્ટ્રીય સુરક્ષાની પ્રાથમિકતા’ પણ કહેવામાં આવે છે. તેઓ હકીકતોને જ નહિ, માણસોને પણ અદૃશ્ય બનાવી શકે છે, જો તેઓ અઘરા પ્રશ્નો પૂછે તો. આ વિધિને ‘યુ.એ.પી.એ.’ કહેવામાં આવે છે. તેના સમર્થકો અખબારોને ધાકધમકી આપીને તેમને ચૂપ કરાવે છે. આને ‘લોકપ્રિયતા’ કહેવામાં આવે છે.
હિન્દુત્વનું પ્રમાણશાસ્ત્ર સર્વસ્વીકૃત જ્ઞાન અને વિજ્ઞાનને ઉવેખવા પર આધારિત છે. તે જૈવિક ઉત્ક્રાન્તિનો સિદ્ધાન્ત સ્વીકારતું નથી. તે માને છે કે આધુનિક પાશ્ચાત્ય જ્ઞાનના કારણે ભારતની બૌદ્ધિક અને વૈજ્ઞાનિક પરંપરાની ધારા દૂષિત થઈ છે. તેને આઈ.આઈ.ટી. અને રાષ્ટ્રીય પ્રયોગશાળાઓ આધુનિક વિષયો પર સંશોધન કરે તે પસંદ નથી, પણ છાણ અને ગૌમૂત્ર પર સંશોધન કરવા તેમના પર દબાણ લાવવામાં આવે છે. તે યુનિવર્સિટી અને કૉલેજના વિદ્યાર્થીઓ પર ‘નવી’ શિક્ષણ નીતિ લાદે છે જેનો મૂળ મંત્ર છે ‘સનાતન વિદ્યા’. હિન્દુત્વનો આ પ્રવાહ માને છે કે સઘળું જ્ઞાન ભારતમાંથી જ બાકીના વિશ્વમાં પ્રસર્યું અને બહારથી અંદર જે કાંઈ આવ્યું તેમાં કાંઈ મૂલ્યવાન હતું જ નહિ. તેના ઇતિહાસવિદોનું એક જ કામ છે, ભારત વિશેની તેની જે સંકુચિત સમજ છે તેને સાબિત કરી આપવી. તેમનું માનો તો, સંસ્કૃતની પહેલાં કે પછી બીજી કોઈ ભાષાએ જ્ઞાનસર્જનમાં એટલું યોગદાન નથી આપ્યું જેટલું સંસ્કૃતે આપ્યું છે. તેમનું માનો તો, બીજી બધી સંસ્કૃતિઓ – ઇજિપ્ત, મેસોપોટેમિયા, એસિરિયા, અક્કાડિન, દ્રાવિડિયન, ગ્રીક, લૅટિન કે સ્લાવિક – ગૌણ છે.
હિન્દુ બૌદ્ધિક પરંપરાની અગાઉની તમામ શાખાઓએ તેમની મૂળભૂત માન્યતાઓને સ્થાપિત કરવા માટે ‘પ્રમાણ’ – તર્કબદ્ધ પુરાવા – આપવાં પડતાં. જો પ્રમાણની રાહ જોવાય એમ ના હોય તો તેઓ કમ સે કમ જ્ઞાન પરંપરામાંથી ‘વચન’ કે ‘વેદોક્તિ’નો આધાર આપતા. પણ હિન્દુત્વની સમકાલીન શાખાને પુરાવા કે વૈજ્ઞાનિક ઇતિહાસ માટે હાડોહાડ ચીડ છે.
૨૦૨૨ના ભારતમાં આ હિન્દુત્વ આપણી સામે પરદા પાછળથી મંચ પર આવી રહ્યું છે. ધર્મ-પરિવર્તન પર પ્રતિબંધ મૂકતા કાયદા પસાર થઈ રહ્યા છે, દેવળ પર હુમલા થઈ રહ્યા છે, બલ્લીબાઈ એપ ચાલી છે, કહેવાતી ધર્મસંસદમાંથી આખી મુસ્લિમ વસતિનો સંહાર કરવાની ઘોષણા થાય છે, નાગાલૅન્ડ પર ફરીથી સેનાને વિશેષ સત્તા આપતો કાયદો ઠોકવામાં આવે છે, આધારને મતદારપત્ર સાથે જોડવામાં આવે છે, હાસ્યાસ્પદ ઇતિહાસનાં કૅલેન્ડર બહાર પડે છે, વિપક્ષના સાંસદોને સંસદમાંથી કાઢી મૂકવામાં આવે છે, ચેપી રોગચાળા વચ્ચે જંગી ચૂંટણી-પ્રચાર સભાઓ યોજાય છે, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર નાગરિક સમાજને યુદ્ધના શસ્ત્ર સાથે સરખાવે છે, સેવાનું કામ કરતી સ્વૈચ્છિક સંસ્થાઓને મળતું દાન અટકાવાય છે, અને ગાંધીના બદલે તેમના હત્યારાને મહાત્મા ગણાવાય છે. વિશ્વગુરુ ભારતનાં પ્રશસ્તિગાન ગાવામાં જોડાઈ જવાનો સમય છે આ. ન્યૂયૉર્કનાં નવાં રાજ્યપાલ કેથી હોશુલે હમણાં ઍન્ટિ-હેટ કાનૂન પસાર કર્યો કારણ કે ઘૃણા, ધિક્કાર લોકશાહી માટે હાનિકારક છે, પણ એ વાત બાજુએ મૂકો. ચે ગુવેરાની એ વાત પણ બાજુએ મૂકો કે, “ક્રાન્તિ એ કાંઈ સફરજન નથી જે પાકે ત્યારે ઝાડ પરથી આપમેળે પડે. એને તમારે પાડવું પડે છે.” સફરજનની ક્યાં વાત કરો છો, જ્યાં શાસનતંત્ર આખું બંધારણ જ નીચે પાડવા બેઠું છે.
અનુવાદક : આશિષ મહેતા
ગણેશ દેવી પીપલ્સ સર્વે ઑફ ઇન્ડિયાના અધ્યક્ષ છે.
(અનુવાદ ‘ધ ટેલિગ્રાફ’ના સૌજન્યથી, જ્યાં આ લેખ અંગ્રેજીમાં પ્રકાશિત થયો હતો.)
https://www.telegraphindia.com/opinion/against-evidence/cid/1847151
સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2022; પૃ. 03-04