કોલકત્તાથી ૮-૧૦ કિલોમીટરના અંતરે આવેલું અમારું ગામ ત્યારે સાવ નિસ્તેજ લાગતું. ન કોઈ નવી ઘટના બને કે ન કોઈ નવા લોકો દેખાય, પણ હા, વર્ષમાં એક વાર આખું ગામ નવી પરણીને આવેલી દુલ્હનની જેમ શણગારાતું. દર વર્ષે ઘંટેશ્વરી માનો મેળો ભરાય ત્યારે આખું ગામ હિલોળે ચઢતું. કદાચ બધાં કરતાં વધુ ઉત્સાહિત હું લાગતો, પણ મારા ખુશ થવાનું કારણ મેળા કરતાં ય આ સમયે કોલકત્તાથી બાટા અંકલ આવતા એ હતું.
“છોટુ, એ ય છુટકુ, ક્યાં ગયો? જલદી જલદી આવ અને જો, હું તારા માટે શું લાવ્યો છું?”
કાકાનો અવાજ સંભળાય એ ભેગો હું વીજળીની ઝડપે આવીને કાકાના હાથમાંથી એમનો થેલો લઈ લેતો. જો કે, આવું કરવામાં વિવેક કરતાં લોભ વધારે હતો. ‘શું હશે થેલામાં મારે માટે?’ મારા મનમાં થતી ચટપટીથી સાવ અજાણ હોય એમ કાકા નિરાંતે ના’વા જતા, જમતા અને પછી ‘બહુ થાકી ગયો છું’ કહીને સૂઈ જતા. કાકાને પૂછ્યા વિના થેલાને હાથ નહીં લગાડવાની માની કડક સૂચના હતી એટલે રાહ જોવા સિવાય મારાથી કશું થઈ ન શકતું. એ જે હોય તે, પણ મને કાકા બહુ ગમતા.
એ જે ચંપલ પહેરીને આવેલા એ બાટા નામની કંપનીના હતા એ જાણ્યું ત્યારથી અમે એમને બાટા અંકલ કહેવા લાગેલા. એમના ધોળા બાસ્તા જેવા કુરતાનું મને ખૂબ આકર્ષણ રહેતું. સુગંધી તેલ નાખીને એ સરસ રીતે વાળ ઓળતા. એમની પાસે દર વખતે જુદા જુદા અત્તરની મહેક આવતી રહેતી. મા પણ કાકાને ખૂબ માન આપતી. એ કહેતી,
“તારા કાકા બહુ મોટા માણસ છે. એમને ઘરે ભલે જાત જાતનાં પકવાન બનતાં હોય પણ આપણે ય મિષ્ટાન્ન તો બનાવવું જ જોઈએ.”
“કાકા શું કામ કરે છે?”
“મને તો બહુ ખબર ન પડે, પણ તારા બાપુ કહેતા હતા કે એમના હાથ નીચે કેટલા ય માણસો કામ કરે છે. કોલકત્તામાં એમની મોટી ઑફિસ છે.”
હું આદરથી કાકાને જોઈ રહેતો અને મોટો થઈને હું પણ એમના જેવો બનીશ, એવા મનસૂબા સેવતો. મોટીબહેન પણ એમને ખુશ કરવાની કોશિશ કરતી પણ કાકા એને કંઈ મારી જેટલો ભાવ ન આપતા. જુઓને, આ વખતે પણ એને માટે તો ફક્ત બંગડી અને બુટ્ટી જ લાવેલા જ્યારે મારે માટે આખા ગામમાં કોઈએ જોયું નહીં હોય એવું કાચનું રમકડું લાવેલા. હું તો રાજીના રેડ થઈ ગયેલો.
દિવસમાં કેટલી ય વાર હું રમકડું કાઢી કાઢીને જોતો. અચાનક જ મારું ધ્યાન ગયું કે, આગળથી જોઈએ તો રમકડામાં મહારાજા દેખાય છે પણ પાછળ ફેરવીએ તો એક નિરાશ, દુ:ખી ચહેરાવાળો વૃદ્ધ દેખાય. કોણ જાણે કેમ, પણ મને એ દુ:ખી માણસ જોવો ન ગમતો. હું તો મહારાજાને જ જોયા કરતો. કાકાનો જવાનો દિવસ આવે ત્યારે હું ઉદાસ થઈ જતો. એમને કહેતો, “કાકા, હંમેશ માટે અહીં જ રહી જાવને?”
હસીને મારે ગાલે ટપલી મારતાં એ કહેતા, “પછી મારા કામકાજનું શું? કામ કર્યા વિના થોડું ચાલશે?”
હું મેટ્રિકમાં પાસ થયો ત્યારે મેં મા-બાપુને એક શર્ટ અને ફુલ પેંટ અપાવવા કેટલી વાર કહ્યું પણ દર વખતે કાકા અપાવશે એમ કહીને તેઓ ટાળતાં રહેતાં. સતીષ સર અમારી પાડોશમાં જ રહેતા અને મારી સાથે શિક્ષક નહીં પણ મિત્રની જેમ જ રહેતા. એક દિવસ એમણે કહ્યું,
“પરમ દિવસે મારે કોલકત્તા જવું છે. તારે સાથે આવવું છે?”
હું તો સાંભળતાંની સાથે ઊછળી પડ્યો. ત્યાં જાઉં તો તો કાકા મને ચોક્કસ શર્ટ-પેંટ અપાવી જ દે. સતીષ સર સાથે હતા એટલે ઘરમાંથી પણ રજા મળી ગઈ. મેં બાપુ પાસે એક કાગળમાં કાકાની ઑફિસનું સરનામું લખાવી લીધું. ત્યાં પહોંચીને સરને કામ હતું એ પતાવીને અમે કાકાની ઑફિસે જવા નીકળ્યા. સરે ક્યાંક જમી લેવાનું કહ્યું તો મેં કહ્યું કે, “કાકા જ આપણને કોઈ મોટી હોટેલમાં લઈ જશે.”
ઑફિસ શોધતાં શોધતાં પહોંચ્યા અને પટાવાળાને પૂછ્યું, “સાહેબ છે?”
“ના, એ તો સાઈટ પર છે. અહીં બાજુની ગલીમાં બિલ્ડીંગ બની રહ્યું છે ત્યાં તમને મળી જશે.”
હવે મને કાકાને મળવાની ખૂબ ઉતાવળ આવી હતી. સાઈટ પર પહોંચીને જે પહેલો માણસ મળ્યો એને કાકાનું નામ કહ્યું.
“હં હં ત્રિલોકબાબુ? હમણાં બોલાવું.”
એણે જેમને મોકલ્યા એ ભાઈને જોઈને મેં કહ્યું,
“આ મારા અંકલ નથી. મારા અંકલ તો ઈસ્ત્રી ટાઈટ, એક પણ ડાઘ વગરનો કુર્તો પહેરે છે. એમની પાસે પર્ફ્યુમની સુગંધ આવતી હોય છે. આ માણસ તો કોઈ મજૂર લાગે છે. એનાં કપડાં માટીથી ખરડાયેલાં છે ને એણે માથે તગારું ઉપાડ્યું છે. આ મારા કાકા શી રીતે હોઈ શકે?”
માથે બાંધેલું ફાળિયું છોડીને એ મારી નજીક આવ્યા અને કહ્યું, “મારી આંખોમાં જો બેટા, હું જ તારો બાટા અંકલ છું પણ હું કોઈ ધનવાન માણસ નથી. કોલકત્તા આવીને માંડમાંડ જે કામ મળ્યું એ સ્વીકારીને કર્યા કરું છું. મોટાભાઈએ પેટે પાટા બાંધીને મને ભણાવ્યો છતાં હું મજૂરી કરું છું એવું જાણે તો એમને આઘાત લાગે એટલે મારે બનાવટ કરવી પડે છે. તને મારા સમ જો ઘરે કોઈને આ વાત કરી છે તો!”
બોલતાં બોલતાં એમની આંખમાંથી ચોધાર આંસુ વહેતાં હતાં. મારી ઝળઝળિયાં ભરેલી આંખોમાં પેલા રમકડામાંના વૃદ્ધ, દુ:ખી માણસનું પ્રતિબિંબ પડતું હતું. એમણે મને રોકવાની ઘણી કોશિશ કરી પણ હું સરનો હાથ પકડીને ચાલી નીકળ્યો. મારું કિશોરાવસ્થાનું સુંદર સપનું નંદવાયું હતું.
ઘરે પહોંચીને સૌથી પહેલાં હું કબાટમાંથી રમકડું કાઢીને એક વાર ધ્યાનથી જોવા જતો હતો ત્યાં મારા હાથમાંથી એ છટકીને ફૂટી ગયું. માએ પૂછ્યું, “શેનો અવાજ આવ્યો, બેટા?”
મેં ધીમેથી મનોમન કહ્યું, “મારો ભ્રમ ભાંગવાનો.”
તૂટેલા કાચના કટકા ભેગા કરતાં હાથમાંથી લોહી વહેતું હતું એના કરતાં અનેક ગણી પીડા મારું લોહીલુહાણ હૈયું અનુભવી રહ્યું હતું.
(ગૌરા હરિદાસની ઓડિયા વાર્તાને આધારે)
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 16 ઍપ્રિલ 2025; પૃ. 24