સોસો મણ લોહી સીંચાશે
માટીમાં માટી ગુંદાશે
શિલાલેખ સંઘરશે જિદ્દી રજવાડાની ભૂલ,
કે ઊગશે રાતા સૂરજફૂલ …
કે ઊગશે રાતા સૂરજફૂલ …
ઢોલ અને રણશીંગા ગાજે
કાળ ડાકલાં ડમડમ બાજે
દસદસ સામે એકલ બાઝે
એને રાતા અચકન છાજે
રેતીમાં રોળાતી વીરના આંતરડાની ઝૂલ
કે ઊગશે રાતા સૂરજફૂલ…
કે ઊગશે રાતા સૂરજફૂલ…
ટીલડી ને ઝાંઝરિયા રઝળે
ચક્કરડી ને ગરિયા રઝળે
મેડી રઝળે, ફળિયાં રઝળે
મોભ, કરા ને નળિયાં રઝળે
સોનલવરણા સૂરજમુખીની મોલાતું થઈ ડૂલ
કે ઊગશે રાતા સૂરજફૂલ…
કે ઊગશે રાતા સૂરજફૂલ…
જાહ રે તારા પાયા ગળશે
જાજા રે આંતરડી કળશે
મોલ-બગીચા ભડકે બળશે
જો જે મારા શરાપ ફળશે
દુબળાને કનડીને તે તો ખોયું તારું મૂલ
કે ઊગશે રાતા સૂરજફૂલ…
કે ઊગશે રાતા સૂરજફૂલ…