હું જેમની પાસે વેદાંત શીખવા જતો હતો એ શ્રદ્ધેય સ્વામી કાશિકાનંદગિરિજી મહારાજને મેં પૂછ્યું હતું કે શંકરાચાર્ય કહે છે એમ જો આ આખું જગત માયા છે તો પછી તેમણે શંકરાચાર્યની પરંપરા, ચારે દિશામાં ચાર ગાદી, દશમેશ અખાડા અને એ બધા માટે આમ્નાય (અચારસંહિતા – બંધારણ) વગેરે ઘટાટોપ કરવાની શું જરૂર હતી? મહારાજે મને જવાબ આપ્યો હતો કે લોકસંગ્રહ માટે. પ્રજાના ક્લાયણ માટે અર્થાત્ સનાતન ધર્મીઓના કલ્યાણ માટે. મહાપુરુષો સદા બ્રહ્મમાં લીન રહેતા હોવા છતાં કરુણાભાવથી પ્રેરાઈને પ્રજાકલ્યાણનો વિચાર કરતા હોય છે.
ઉપનિષદો અને બ્રહ્મસૂત્રની ચતુ:સૂત્રી ભણી લીધા પછી મેં મહારાજશ્રીને કહ્યું હતું કે, ‘આ બધા ગ્રંથો વિશેનો શાંકરમત તો ભણવા મળ્યો, પણ મારે બીજા મત પણ ભણવા છે. આપે ભારતના ૨૦ દર્શનો (ષડ્દર્શન તરીકે ઓળખાતા છ દર્શનો, અદ્વૈત દર્શનની શાખાઓ, જૈન, બૌદ્ધ અને પદાર્થવાદી ચાર્વાક વગેરે દર્શન અને તેના પેટા સંપ્રદાય બધું મળીને મુખ્યત્વે ૨૦ દર્શનો થાય છે.) વિષે પુસ્તક લખ્યું છે જે થોડું અઘરું પડે છે, માટે મારે એ દરેક દર્શન તમારી પાસેથી ભણવું છે.’
મહારાજશ્રીએ જે જવાબ આપ્યો હતો એમાં અનેક નવા પ્રશ્નો ઉપસ્થિત થશે. તેમણે મને કહ્યું હતું કે, ‘તમારે જો બાકીનાં દર્શનો વિષે જાણવું હોય તો તમારે મારું એ પુસ્તક પ્રયત્નપૂર્વક વાંચવું જોઈએ. જ્યાં સમસ્યા હોય ત્યાં પૂછી શકો છો, પણ મને જે આ મૂલ્યવાન જીવન મળ્યું છે અને ભગવાન્ શંકરાચાર્યની કૃપા મળી છે તે હું શંકરમતને લોકો સુધી પહોંચાડવા સિવાય બીજા કોઈ કામ માટે ખર્ચવા માગતો નથી. મેં તો વીસેય દર્શનો વિષે એટલા માટે લખ્યું છે કે વાચકો વિવિધ દર્શનો વચ્ચે તુલના કરી શકે.’
મહારાજશ્રીનો એ અધિકાર હતો અને તેઓ તો અધિકારી પણ હતા. મેં મારી જિંદગીમાં તેમના જેટલા વિદ્વાન અને પવિત્ર સાધુને જોયા નથી. કોઈ મળવા આવે તો એમાં તેમને વ્યવધાન લાગે. વ્યવહારબુદ્ધિ નામની જ હતી. બોલતી વખતે શ્રોતાઓનું રંજન કરે નહીં. તેઓ કહેતા પણ ખરા કે બે ટૂચકા અને બે ડુસકા જોઈતા હોય તો શ્રોતાઓએ અન્યત્ર જવું જોઈએ, અહીં એ મળી શકે એમ નથી. નક્કર તત્ત્વની વાત. ચોવીસે કલાક તત્ત્વમાં જ ડૂબેલા હોય અને મુમુક્ષુને એમાં જ ડુબાડવા અત્યંત કરુણાભાવથી રત હોય. સાચો મુમુક્ષુ કે જિજ્ઞાસુ મળે તો રાજી રાજી થઈ જાય. આવા વિદ્યાર્થીની આંગળી એવી રીતે ઝાલે જેમ બાપ સંતાનની ઝાલે.
પરંતુ તેમના ઉત્તરમાંથી અનેક પ્રશ્ન ઉપસ્થિત થાય છે જેમાંથી એક પ્રશ્ન અહીં પ્રાસંગિક છે. એ પ્રશ્ન મેં મહારાજશ્રી સમક્ષ ઉપસ્થિત નહોતો કર્યો, પણ વાચકો સમક્ષ કરું છું. પ્રતિબદ્ધતા કોના માટે? સનાતન ધર્મ માટે કે શાંકરવેદાંત માટે? મહારાજશ્રીને મેં જો આ પ્રશ્ન પૂછ્યો હોત તો તેમનો જવાબ હોત કે શાંકરમત જ સનાતન ધર્મની સાચી વ્યાખ્યા કરે છે અને તે જ સનાતન ધર્મનું રક્ષણ કરી શકે એમ છે.
આ સનાતન ધર્મનું સ્વરૂપ છે. આ વડવાઈઓનો બનેલો વડલો છે જેમાં થડ શોધવું મુશ્કેલ છે. જેને તમે થડ કહો એ પણ વડવાઈ હોઈ શકે છે અને દરેક વડવાઈ પોતાને જ થડ માને છે. એવું પણ બને કે મૂળ થડ લુપ્ત થઈ ગયું હોય જેમ વેદકાલીન દેવતાઓ પૂજાતા બંધ થઈ ગયા છે. રામ, કૃષ્ણ, હનુમાન વગેરેનો ઈશ્વર તરીકેનો ઉલ્લેખ વેદોમાં મળતો નથી. વેદોમાં વરુણ અને ઇન્દ્ર સર્વોચ્ચ દેવતા હતા જેની આજે નામ પૂરતી પૂજા થાય છે અને તેમનાં મંદિર તમને ભારતમાં ભાગ્યે જ મળશે. તો એ શું આપણા પૂર્વજોની બીદ્દ્ત હતી? શું અનુવર્તી દેવતાઓ શિર્ક હતા? જૂના જમાનાની વાત છોડો, હજુ સો વરસ પહેલાં સંતોષી માતા જેવી એક ડઝન દેવીઓ અસ્તિત્વ ધરાવતી નહોતી. દશામા તો સાવ તાજાં છે. તેમનાં કરતાં મારી દીકરીની ઉંમર મોટી છે.
આદિ શંકરાચાર્ય જ્યારે થયા ત્યારે હિંદુઓને હજુ ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મના સ્વરૂપની ખાસ જાણકારી નહોતી. કેરળના લોકોને થોડીક હતી અને શંકરાચાર્ય કેરળના હતા એ જોતાં કદાચ સનાતન ધર્મના પુનર્જીવનમાં એ વાતનો પણ થોડો પ્રભાવ હોઈ શકે છે. તેમણે ઉપર કહ્યું એમ અનુવર્તી શંકરાચાર્યની પરંપરા, ચારે દિશામાં ચાર ગાદી, દશમેશ અખાડા અને એ બધા માટે આમ્નાય (અચારસંહિતા- બંધારણ) વગેરેની રચના કરી હતી. ઉદ્દેશ હતો સનાતન ધર્મને ચુસ્ત દુરુસ્ત કરવાનો.
પણ પરિણામ શું આવ્યું? શંકર પછી થયેલા આચાર્યોએ શંકરના વિવર્તવાદ સામે પ્રશ્નો ઉઠાવ્યા. એ પછી તો રામાનુજમત, મધ્વમત, નિમ્બાર્કમત, વલ્લભમત વિકસ્યા. એમાંથી વળી પેટા સંપ્રદાયો વિકસ્યા. સનાતન ધર્મના પુનર્જીવન માટે આદિ શંકરાચાર્યે જે ભવન બાંધ્યું હતું એ શંકર ભવન બનીને રહી ગયું, સનાતન ભવન ન બની શક્યું. શાંકરવેદાંતીઓને પણ સનાતન ધર્મના દિગ્વિજય કરતાં શાંકર-દિગ્વિજય સ્થાપિત કરવામાં વધારે રસ છે. કાશિકાનંદ મહારાજે પણ શાંકર-દિગ્વિજય પર પુસ્તક લખ્યું છે અને મધ્વ સંપ્રદાયના વિદ્વાનો સાથે શાસ્ત્રાર્થ કર્યો હતો. ટૂંકમાં આપણે ત્યાં પ્રધાનપણે દાર્શનિક વિમર્શ સાંપ્રદાયિક છે, ખંડન-મંડન કરનારો છે. શૈવ, શાક્ત, વૈષ્ણવ વગેરેથી આપ પરિચિત છો.
આની વચ્ચે હિંદુઓને ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મનો નજીકથી વિશેષ પરિચય થયો. તેઓ વિદેશી તેમ જ લઘુમતીમાં હોવા છતાં હિંદુઓ પર રાજ કરી શક્યા એ જોઈને અસ્વસ્થ કરનારા પ્રશ્નો ઉપસ્થિત થવા લાગ્યા કે હિંદુઓમાં કોઈક તો ખામી છે જ. આ ખામી સનાતન ધર્મના સ્વરૂપમાં શોધવામાં આવી. આ ચહેરા-મોહરા વિનાનો ધર્મ છે, એમાં હદ કરતાં વધુ સ્વતંત્રતા છે, એમાં સ્વચ્છંદતાને પણ ચલાવી લેવામાં આવે છે, એમાં દયાનંદ સરસ્વતીએ કહ્યું છે એમ પાખંડીઓ પૂજાય છે, વગેરે. ટૂંકમાં સાવ ભેળાણ છે.
સમસ્યા એ હતી કે વડવાઈઓના બનેલા વડલામાં થડ કોને માનવું? થડ જડતું નહોતું એટલે ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મની નકલ કરીને એકેશ્વરવાદ અને ઈશ્વરના નિરાકારવાદના પ્રયોગ કરવામાં આવ્યા. બ્રહ્મ-સમાજ, પ્રાર્થના-સમાજ, આર્ય-સમાજ, આદિ-ધર્મ સમાજ વગેરે ૧૯મી સદીના આ દિશાના પ્રયત્નો હતા. એમાં કોઈ કહેતા કોઈને સફળતા મળી નહીં. સનાતની હિંદુઓએ સનાતન ધર્મનો ચહેરો કંડારવાના પ્રયાસને અપનાવ્યો નહીં. ૧૯મી સદી ચહેરો કંડારવાના પ્રયાસની સદી હતી તો વીસમી સદી તેના અસ્વીકારની સદી હતી.
આ સ્થિતિમાં એક પ્રયાસ મદનમોહન માલવિયા અને બીજા કેટલાક હિંદુઓએ કર્યો. તેમને એમ લાગ્યું કે સનાતન ધર્મનો ચહેરો કંડારી ન શકાતો હોય તો વાંધો નહીં, હિંદુનો હિંદુ તરીકેનો ચહેરો કંડારવાનો પ્રયાસ કરવો જોઈએ. હિંદુ રેનેસાં માટે પ્રયાસ કરવો જોઈએ. સનાતન ધર્મનો એવી રીતે ઉપયોગ કરવામાં આવે કે જેમાંથી હિંદુ ચેતના (હિંદુ કોન્શ્યસનેસ) વિકસે. એ ચેતના હિંદુને ઓળખ પણ આપતી હોય પણ એ સાથે હિંદુ અંતર્ગત પૃથક્તાવાદી ન હોય. સમગ્ર હિંદુ ચેતના સાથે આખો હિંદુ ઘડવામાં આવે. કોઈક પ્રકારનું હિંદુઈઝમ. તેમણે એ વાતનું પણ ધ્યાન રાખ્યું હતું કે તે પાશ્ચાત્ત્ય શિક્ષણથી વંચિત ન રહેવો જોઈએ. સમગ્ર હિંદુ ચેતના સાથેનો આખો હિંદુ; સારો એન્જીનિયર, ડોક્ટર, વિજ્ઞાની, સાહિત્યકાર કે કલાકાર કેમ ન હોય! બનારસ હિંદુ યુનિવર્સિટી આવો એક પ્રયાસ હતો. આર્યસમાજીઓએ પણ દયાનંદ એંગ્લો-વૈદિક સ્કૂલો સ્થાપીને આવો એક પ્રયાસ કર્યો હતો. બીજા પણ કેટલાક પ્રયાસ કરવામાં આવ્યા હતા.
એનાં શું પરિણામ આવ્યાં એની વાત હવે પછી.
સૌજન્ય : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 29 સપ્ટેમ્બર 2019