જ્યારથી પ્રજાને સત્તામાં ભાગીદાર બનાવવાનું શરૂ થયું છે ત્યારથી પ્રજાને મેનેજ કરવાનું પણ શરૂ થયું છે. લોકોને મેનેજ કરી શકાય, જૂઠ બોલવાથી. લોકોને મેનેજ કરી શકાય, સપનાં બતાવીને. લોકોને મેનેજ કરી શકાય, ભ્રમમાં રાખીને. લોકોને મેનેજ કરી શકાય, શ્રેષ્ઠતાનો કેફ ચડાવીને. લોકોને મેનેજ કરી શકાય, ડરાવીને અને દબાવી રાખી ને. જ્યાં સુધી લોકતંત્ર નહોતું ત્યાં સુધી પ્રજાનો કોઈ રાજકીય ખપ નહોતો. પ્રજા રૈયત હતી અને રાજા જીવાડે એમ જીવતી હતી. રાજા પોતાનાં ધર્મની કે કુળની કે વંશની પ્રજાની તરફેણ કરે તો એ સહજ સમજવામાં આવતું હતું. પરધર્મી કે પરવંશીને એમાં કાંઈ અજુગતું નહોતું લાગતું. રાજા જો વધારે પડતો પક્ષપાતી અને જુલ્મી અથવા ગમાર હોય તો લોકો વધુમાં વધુ નવો રાજા ભલો અને સમજદાર મળે એ માટે પ્રાર્થના કરતા. આનાથી વધુ પ્રજા કાંઈ કરી શકતી નહોતી. પ્રજા એક જગ્યાએ હતી અને સત્તા અને શાસન બીજી જગ્યાએ હતાં. જેમ ઈશ્વર પહોંચની બહાર હતો એમ રાજવી પણ પ્રત્યક્ષ હોવા છતાં પહોંચની બહાર હતો.
પણ પછી આધુનિક યુગમાં લોકશાહી પદ્ધતિ વિકસી જેમાં પ્રજાની સત્તામાં ભાગીદારી હોય, શાસક પ્રજાને જવાબદાર હોય, શાસન પ્રજાલક્ષી હોય, પ્રજા પાસે શાસકને શાસનમાંથી હટાવવાનો અધિકાર હોય અને શાસકે દર બાંધી મુદ્દતે શાસન કરવાની અનુમતિ પ્રજા પાસેથી લેવાની હોય એવી જોગવાઈ કરવામાં આવી. હવે ક્લ્પના કરો કે આ પ્રજા શાસક માટે કેટલી માથાનાં દુઃખવારૂપ લાગતી હશે! માત્ર એક મતની મૂડી ધરાવનાર મુફલીસને લાડ લડાવવાના. વળી આનાથી બચવાનો કોઇ માર્ગ પણ નથી. એમાં જો લોકતંત્ર બંધારણીય ચૂસ્ત હોય તો પ્રજાનાં વધારે નાટક સહન કરવાનાં. જ્યાં લોકતંત્ર નામ માત્ર પણ નથી એવા દેશોએ પણ આજનાં યુગમાં બાંધી મુદ્દતે ચૂંટણી યોજવાનું નાટક કરવું પડે છે. આજે દુનિયામાં બહુ ઓછા દેશો બચ્યા છે જ્યાં બિલકુલ ચૂંટણી ન યોજાતી હોય. રશિયામાં, ચીનમાં અને બીજા તાનાશહી દેશોમાં પણ ચૂંટણી યોજાય છે.
આ બાજુ શાસકો ત્રણ પ્રકારના હોય છે. જ્યારે લોકશાહી નહોતી ત્યારે પણ આ ત્રણ પ્રકારના શાસકો હતા અને આજે લોકશાહી ધરાવતા દેશોમાં પણ આ ત્રણ પ્રકારના શાસકો મળે છે. આ ત્રણ પ્રકારમાં પહેલો પ્રકાર છે; પ્રજાવત્સલ શાસકોનો. લોકશાહી નહોતી ત્યારે પણ પ્રજાવત્સલ રાજવીઓ હતા. તેઓ પ્રજાની મરજીનું ધ્યાન રાખતા અને પ્રજાનાં કલ્યાણને વરેલા હતા. બીજો પ્રકાર હતો અને છે સત્તાનો મોહ અને મદ ધરાવનારા શાસકો. તેમનું ચાલે તો તેઓ ક્યારે ય સત્તા છોડે નહીં, પણ મૃત્યુ સામે તેઓ બિચારા લાચાર હોય છે. આવા લોકો મૃત્યુ પર્યંત સત્તા પર બેસી રહેવા આકાશપાતાળ એક કરતા હોય છે અને માટે કેટલાક શાસકો પોતાને આજીવન શાસક ઘોષિત કરતા હોય છે. રશિયાના વ્લાદિમીર પુતિને પોતાને આજીવન શાસક ઘોષિત કર્યા છે. ત્રીજા પ્રકારના શાસકો એવા હતા અને છે જે એમ માને છે કે પ્રજાએ ચોક્કસ રીતે જ જીવવું જોઈએ. તેમની ખાસ વિચારધારા હોય છે અને પ્રજાએ એ વિચારધારાને સ્વીકારવી અને અપનાવવી જોઈએ એવો તેમનો આગ્રહ હોય છે. જો શાસકોની ચોક્ક્સ વિચારધારા સ્વીકાર્ય ન હોય એવા નાગરિકોએ ઓરમાયા વર્તનનો સ્વીકાર કરવો જોઈએ.
અત્યારનાં લોકશાહી દેશોમા (અને લોકશાહી નહોતી એ યુગમાં પણ) મર્યાદામાં માનનારા શાસકો એક લક્ષમણરેખા દોરતા હતા. બને ત્યાં સુધી લાંબામાં લાંબો સમય તેઓ શાસન કરવા ઈચ્છતા હોય છે અને એ માટે પ્રજાને સાચાં ખોટાં વચનો આપવાં, સપનાંઓ બતાવવાં, પોતાને અત્યંત લાયક તરીકે પ્રોજેક્ટ કરવા વગેરે માર્ગ તેઓ અપનાવતા હોય છે, પણ એ પછી પણ જો પ્રજા જાકારો આપે તો તેને તેઓ સ્વીકારી લે છે. પ્રજાને રીઝવવાનો એક હદ સુધી પ્રયાસ કરે છે પણ ગમે ભોગે સત્તા નહીં છોડવાની લક્ષમણ રેખા તેઓ ઓળંગતા નથી. પરાજય અને સત્તાત્યાગ તેમને વસમાં જરૂર લાગે છે પણ તેઓ લોકતંત્રની મર્યાદાઓનું પાલન કરે છે.
બીજા પ્રકારના સત્તાભૂખ્યા શાસકો લોકતાંત્રિક અને સભ્યતાની મર્યાદાઓનું ઉલ્લંઘન કરે છે. જ્યારે લોકશાહી નહોતી ત્યારે સત્તા માટે ભાઇ ભાઈની હત્યા કરતો હતો અને ભવિષ્યમાં સિંહાસન માટે કોઈ દાવો ન કરે એ માટે પરિવારની અંદર બાળકોની હત્યાઓ કરાવામાં આવતી હતી. સત્તાનો નશો તેમની પાસે હિન કૃત્યો કરાવતો હતો. લોકશાહી દેશોમાં સત્તાભૂખ્યા શાસકો પ્રજાને આંજવાની કોશિશ કરીને અને જે ન અંજાય તેને ડરાવી રાખીને સત્તા પર વળગી રહે છે. તેઓ ધીરેધીરે પ્રતિસ્પર્ધીઓને ખતમ કરે છે અને એક દિવસ બંધારણ બદલીને પ્રતિસ્પર્ધીઓને કાયમ માટે સત્તાકીય રાજકરણમાંથી બહાર ફગાવી દે છે. તેમનું બંધારણીય અસ્તિત્વ જ ખતમ કરી નાખવામાં આવે છે. અહીં એક વાત ધ્યાનમાં રાખવામાં આવે. સત્તાભૂખ્યા શાસકોની કેવળ અંગત ભૂખ હોય છે. જ્યાં સુધી જીવશે ત્યાં સુધી તેની સત્તાની ભૂખ સંતોષાવાની નથી. એટલું સારું છે કે ઈશ્વર પાસે તેનું કાંઈ ચાલતું નથી એટલે એક દિવસ તે મૃત્યુને ભેટે છે અને પ્રજાનો છૂટકારો થાય છે.
પ્રજાએ ચોક્કસ વિચારધારાને સ્વીકારવી અને અપનાવવી જોઈએ એમ માનનારા ત્રીજા પ્રકારના શાસકો માટે સત્તા સાધ્ય નથી હોતી, સાધન હોય છે. બીજા અને ત્રીજા પ્રકારમાં આ મૂળભૂત ફરક છે. બીજા પ્રકારના શાસકો માટે સત્તા જ સર્વસ્વ હોય છે, જ્યારે ત્રીજા પ્રકારના શાસકો માટે સત્તા સાધન હોય છે. સર્વસ્વ તો વિચારધારા હોય છે. હા, એ વાત જૂદી છે કે તેઓ પણ યેનકેન પ્રકારેણ સત્તાને વળગી રહે છે અને સત્તા હાથમાંથી ન જાય એ માટે બધું જ કરી છૂટે છે, પણ એની પાછળનો હેતુ સત્તા કબજે કરવાનો નથી હોતો, રાજ્ય કબજે કરવાનો હોય છે. આ ફરક પણ સમજી લેવા જેવો છે. સત્તા કબજે કરવી અને રાજ્ય કબજે કરવું એમાં જમીન આસમાનનો ફરક છે. રાજ્ય કબજે કરવામાં સમય લાગે છે, આ લાંબી પ્રક્રિયા છે અને માટે લાંબો સમય સુધી સત્તામાં રહેવું જરૂરી છે.
રાજ્ય એટલે રાજ્યની નીચેથી લઈને ઉપર સુધીનું સંપૂર્ણ વહીવટીતંત્ર. રાજ્ય એટલે રાજ્યની પ્રત્યેક શાસન સંસ્થાઓ. રાજ્ય એટલે રાજ્ય દ્વારા માન્ય કરવામાં આવેલું શિક્ષણ અને શિક્ષણસંસ્થાઓ. રાજ્ય એટલે રાષ્ટ્રીય સુરક્ષાની અવધારણા, સંરક્ષણ અને સૈન્ય. ટૂંકમાં ચોક્કસ વિચારધારા રાજ્યનો કબજો લે એ માટે સત્તાનો સાધન તરીકે ઉપયોગ કરવામાં આવે છે. બહુમતી પ્રજાને મહાનતાનો અમલ પીવડાવતા રહીને રાજ્ય પર કબજો કરી શકાય છે. આવું સામ્યવાદી દેશોમાં જોવા મળ્યું હતું અને આવું મુસ્લિમ દેશોમાં પણ જોવા મળ્યું હતું. અત્યારે હવે બીજા દેશોને પણ એનો અનુભવ થઈ રહ્યો છે. સત્તાભૂખ્યો શાસક તો એક દિવસ વિદાય લેશે અને સત્તા છોડશે, પણ રાજ્ય ગુમાવ્યા પછી તેને પાછું મેળવવું આસાન નથી હોતું. એમાં સત્તામાં બેઠેલાઓનું લક્ષ સત્તા નથી હોતું, વિચાર હોય છે. લડત લાંબી હોય છે અને અઘરી પણ.
પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 31 ડિસેમ્બર 2023