ચાલો જોવા જઈએ આજે
મુંબઈનો કિલ્લો, કિલ્લાની બજાર, બજારની દુકાનો
આજે આપણે મુંબઈના ફોર્ટમાં લટાર મારવાના છીએ. આજના નહિ, ૧૮૩૧ના મુંબઈ શહેરના ફોર્ટમાં. અને એ પણ મિસિસ પોસ્ટાન્સની આંગળી પકડીને. એસ્પ્લનેડ પરથી કિલ્લામાં દાખલ થતાં પહેલાં કિલ્લા કહેતાં ફોર્ટની બહારની ખાઈ ઓળંગવી પડશે. કિલ્લાના ત્રણે મુખ્ય દરવાજા પાસે લાકડાના પૂલ બાંધેલા છે તેના પરથી ખાઈ ઓળંગીને કિલ્લામાં દાખલ થવાનું. કિલ્લાની અંદર આવેલાં મકાનો છે ઊંચાં, રૂપકડાં, સુશોભિત. ખાસ્સ્સાં પહોળાં પગથિયાંવાળા દાદર ચડીને ઉપર જવાનું. પહેલે માળે મોટો વરંડો અચૂક હોય. ઓરડા પણ ખાસ્સ્સા મોટા, બારીઓને કારણે પુષ્કળ હવા-ઉજાસવાળા. હા, પણ રસ્તાઓ સાંકડા અને ધુળિયા. મકાનોનાં ઢળતાં છાપરાંના છેડા અડધી ગલ્લીને ઢાંકી દે. એટલે એ ગલીઓમાં પવન તો ક્યાંથી મળે? આવામાં તમે ફોર્ટ માર્કેટમાં ખરીદી કરવા જાવ તો? ભલે તમે પાલખીમાં બેઠા હો, એ પાલખી રેશમી ખોળવાળા ગાદી-તકિયાથી સજાવેલી હોય, ભલે સુગંધી ખસના પડદા ઝૂલતા હોય, છતાં એ બધું તમને અસહ્ય ગરમીથી બહુ બચાવી તો ન જ શકે.
મુંબઈનો કિલ્લો – બોમ્બે કાસલ
કિલ્લાની અંદર ત્રણ મોટી દુકાન આવેલ છે જે પિનથી માંડીને પલંગ સુધીની જાતજાતની નાની મોટી વસ્તુઓ વેચે છે. જ્યારે જયારે બ્રિટિશ કે ફ્રેંચ જહાજ મુંબઈના બારામાં નાંગરે ત્યારે તેમાંથી જાત જાતનો માલ સામાન ઊતરે છે અને આ દુકાનોમાં ઠલવાય છે. આવો બધો જ સરસામાન કાચના શો કેસમાં આકર્ષક રીતે ગોઠવાયો હોય છે. તેના ભાવ ઇંગ્લન્ડ કે ફ્રાન્સમાં હોય તેના કરતાં અહીં વધારે હોય છે. અને એની પાછળનાં બે-ત્રણ કારણ છે. એક તો પરદેશથી માલ અહીં લાવવાનો ખરચ. બીજું રસ્તામાં થોડી ઘણી વસ્તુઓ ભાંગે તૂટે તેની નુકસાની ભરપાઈ કરવાની. અને ત્રીજું, આ બધો માલ દુકાનદારે ગ્રેટ બ્રિટન કે ફ્રાંસમાં ખરીદવો પડે રોકડેથી, પણ તેના પૈસા છૂટા થાય જેમ જેમ અહીં માલ વેચાતો જાય તેમ. એટલે યરપની બજારમાં જે ચીજ ત્રણ શિલિંગમાં મળે, તેના અહીં આઠ શિલિંગ આપવા પડે. અને આ ભાવે પણ માલ વહેલો મોડો વેચાઈ જતો હોય છે.
અલબત્ત, અહીં તમે કોઈ પણ દુકાનમાં જાવ, ભાવ-તાલ કરવાનો રિવાજ બધે જ છે. કારણ અહીંના દુકાનદારો અને ઘરાકો, બન્ને માને છે કે ભાવ-તાલ કરવા એ તો અમારો જન્મસિદ્ધ હક્ક છે. ફિક્સ ભાવ રાખવાથી દુકાનદાર અને ઘરાક વચ્ચે જે વિશ્વાસ બંધાય છે તેનું મહત્ત્વ અહીંના લોકના ગળે ઉતરતું જ નથી. તો બ્રિટન અને ફ્રાંસ સિવાયના બીજા દેશમાંથી આવેલ વસ્તુ સસ્તી મળતી હોય, અને સારી પણ હોય, તો ય મોટે ભાગે ઘરાક તે ખરીદતો નથી. બ્રિટન કે ફ્રાંસની વસ્તુનો જ આગ્રહ રાખે છે. જેમ કે ચીનથી આવેલું રેશમી કાપડ સસ્તું હોવા છતાં ગ્રાહક મોટે ભાગે તેને બદલે મોંઘુ દાટ યુરોપિયન કાપડ જ ખરીદે છે. કેમ? કારણ બીજું ‘હલકું’ કપડું પહેરવાથી પોતાની જમાતના લોકો વચ્ચે છાકો પડતો નથી.
આ ત્રણ દુકાનો ઉપરાંત કિલ્લાની અંદર કેમિસ્ટની બે દુકાન, બે ચોપડીઓની દુકાન, એક મ્યુઝિકલ સરક્યુલેટિંગ લાઈબ્રેરી, પણ આવેલી છે, અને એક છે અંગ્રેજની ઘરેણાંની દુકાન. આ ઉપરાંત અહીં પારસીઓની તો ઘણી દુકાન આવેલી છે. તેમાં સૌથી સારી છે જહાંગીરજી નસરવાનજીની દુકાન. ત્યાં તમને જાંબલી રંગના વેલવેટથી માંડીને સ્ટ્રોબેરીના જામ સુધીની બધી જ વસ્તુ મળે. ત્યાં કઈ કઈ વસ્તુ મળે છે એની યાદી બનાવવા બેસું તો પાનાંનાં પાનાં ભરાય. જહાંગીરજીની દુકાનનાં બારણાં દિવસે ખુલ્લાં જ હોય. બારણાંની બંને બાજુ લાકડાની બેંચ. જ્યારે જુઓ ત્યારે તેના પર બે પારસી બેઠા હોય – એક જાડિયો પાડિયો દુકાનનો માલિક, અને બીજો એનો દૂબળો પાતળો મુનીમ. દુકાન છે મોટી, પણ અંધારી. ચારે દીવાલો પર કાચના શો કેસમાં ફ્રેંચ ક્રોકરી, સોનેરી-રૂપેરી લેસ, બ્રાન્ડીનો આથો ચડાવેલાં ફળફળાદિ, ઘોડા માટેની ચાબૂક, જેવી કંઈ કેટલીયે વસ્તુ ગોઠવેલી હોય. દુકાનના વચલા ભાગમાં જરઝવેરાત અને ઘરેણાં, ફ્રેંચ ઘડિયાળો, અને બીજી કિંમતી વસ્તુઓ જોવા મળે. તો એક ખૂણામાં કાચની બરણીઓમાં જુદી જુદી જાતનાં ચીઝ, હેમ, સારડિન, અને બીજી ખાદ્ય સામગ્રી જોવા મળે. તો દુકાનની સિલિંગ પરથી લટકાવ્યાં હોય પાળેલાં પંખીઓ માટેનાં પાંજરાં, ઝુમ્મરો, આકર્ષક ફ્રેમમાં મઢેલાં ફ્રેંચ લિથોગ્રાફ ચિત્રો. દુકાનના ભંડકિયામાં ભર્યાં હોય બીર, વાઇન, બ્રાન્ડી, અને બીજાં પીણાંના બાટલા. અને અંગ્રેજ સૈનિકોની ‘મેસ’ માટે જરૂરી એવી બધી જ વસ્તુઓ પણ ખડકી હોય.
પારસીની આ દુકાન તગડો નફો કરે છે. કારણ સાધારણ રીતે વેપારી જે રીતે ભાવ નક્કી કરે તેના કરતાં તેમની રીત સાવ જૂદી છે. વળી એમની રીત જેવો ઘરાક એવો ભાવની હોય છે. અને જો તમે માલ ઉધાર લીધો, તો તો બિલ મોકલે ત્યારે એમાં અલગથી વ્યાજની તગડી રકમ ઉમેરી જ દે. કાયદા પ્રમાણે તો દુકાનદાર અને ઘરાક વચ્ચે એ અંગે લેખિત કરાર થયો હોય તો જ વ્યાજની રકમ ઉમેરી શકાય. પણ આ દુકાનદારો કાયદાને ઘોળીને પી જાય છે. પણ એ જ પારસી વેપારી બીજા કોઈ પાસેથી માલ ખરીદે અને વેચનાર એ જ વખતે રોકડા પૈસા માગે, તો પેલો વેપારી બિલની કુલ રકમમાંથી અમુક ટકા કાપી લે છે – રોકડા પૈસા ચૂકવવા બદલ ‘રેડી મની’ના નામે! અહીંથી, તહીંથી, ગમે ત્યાંથી, પણ વધુમાં વધુ નફો રળી લેવાણી બાબતમાં આ વેપારીને કોઈ ન પહોચે.
થોડા ઘણા નુકસાનવાળા માલનું તો લગભગ રોજ અહીં લીલામ થાય છે. બીજો બધો સામાન તો જાણે સમજ્યા પણ ઘોડા અને ગાડીઓનું પણ અહીં આ રીતે લીલામ થાય છે! લીલામમાં વેચાતો માલ ખરીદનારા મોટે ભાગે વહોરા વેપારીઓ હોય છે. તેઓ પાણીનાં મૂલે વસ્તુઓ ખરીદે છે, થોડા રંગરોગાન કે સમાર કામ કરીને મોંઘા ભાવે વેચે છે. તો અહીં વેચાતાં ઘોડા અને ગાડી મોટે ભાગે પારસી દલાલો ખરીદે છે. ગાડીને ભડક રંગે રંગે છે, ઘોડાને માલિશ કરી થોડા તાજા દેખાડે છે અને પછી પુષ્કળ નફો લઈને વેચી દે છે.
ફોર્ટ કહેતાં કિલ્લાની અંદર બે મોટાં બજાર આવેલાં છે. એક ચીના બજાર અને બીજું ચોર બજાર. પહેલી બજારમાં ચીનથી આવેલ ચા, રેશમી કાપડ, પોર્સલેનનાં વાસણ, હાથથી હવા ખાવાના પંખા, વગેરે અનેક ચીજો વેચાય છે. તો બીજી બજારમાં વપરાઈને ભંગાર જેવી થઈ ગયેલી યુરોપિયન જણસો પાણીને મૂલે વેચાય છે. અહીંની ઘણી દુકાનો પેલા પારસીઓની દુકાનો કરતાં ઘણી મોટી હોય છે અને તેમનાં ગોડાઉન કિસમ કિસમના સામાનથી ઊભરાતાં હોય છે. બ્રેકફાસ્ટ અને ડિનર માટે વપરાતાં કાચનાં વાસણો અને બીજી ઘરગથ્થુ જણસો અહીં ઢગલાબંધ વેચાય છે. કારણ? કારણ આ બજારનું નામ જ સૂચવે છે : આમાંની મોટા ભાગની વસ્તુઓ ચોરીનો માલ હોય છે.
આ બધી બજારોની ભીડમાંથી નીકળીને ‘બોમ્બે ગ્રીન’ નામની ખુલ્લી, મોકળી, લીલોતરીભરી જગ્યામાં આવીને ચોખ્ખી હવામાં શ્વાસ લેવા એ એક આનંદ અને રાહતકારક અનુભવ છે. અર્ધ વર્તુળાકાર મેદાનની ધાર પર એક સરખાં મકાનો આવેલાં છે જેમાં વિદેશની અને દેશની મોટી મોટી કંપનીઓની ઓફિસ આવેલી છે. અ બધાં મકાનો એક સરખી ઊંચાઈનાં છે, તેમનો બહારનો ભાગ અર્ધ ગોળાકાર છે, અને બધાં જ મકાન એક સરખા પથ્થરનાં બનેલાં છે. અહીં આવેલા કોર્નવોલિસના ભવ્ય પૂતળાથી થોડે દૂર સંખ્યાબંધ પાલખીઓ ઊભી હોય છે. અને તેના છાંયડામાં બેસીને ભોઈ લોકો કાં ગપ્પા મારતા હોય છે, કાં કોઈ નાનું મોટું કામ કરતા હોય છે.
ટાઉન હોલ, ૧૯૦૪માં
આ ગ્રીન્સને બીજે છેડે ટાઉન હોલની ભવ્ય ઈમારત આવેલી છે. લાઈબ્રેરી, કાઉન્સિલ માટેના ઓરડાઓ, અને બીજી કેટલીક સગવડો આ એક જ મકાનમાં આવેલી છે. બ્રિટિશ મ્યુઝિયમ અને પેરિસમાં આવેલી લાયબ્રેરીને બાદ કરતાં યુરપની બીજી કોઈ પણ લાઈબ્રેરી સાથે ઊભી રહી શકે તેવી આ ઈમારત છે. આ મકાનની અંદર આવેલા વિશાળ હોલમાં સર જોન માલ્કમ, મિસ્ટર એલ્ફિન્સ્ટન અને બીજા અંગ્રેજોના આદમકદ પૂતળાં મૂકેલાં છે. અવારનવાર આ હોલમાં જાહેર સભાઓ ભરાય છે.
કોટન ગ્રીનમાં આરામ ફરમાવતા પાલખીવાળા
કોટમાં આવેલી દુકાનો કે ઓફિસોમાં કામકાજ સવારના અગિયાર પહેલાં શરૂ થતું નથી. તે પહેલાં અહીંના બધા જ રસ્તાઓ પર પાણી છાંટવામાં આવે છે, જેથી ગરમી થોડી ઓછી લાગે. ઉનાળાના દિવસોમાં તો આ રીતે દિવસમાં ત્રણ-ચાર વખત રસ્તાઓ પર પાણી છંટાય છે. અને છતાં બોમ્બે પ્રેસિડન્સીનાં બીજાં ગામો કરતાં મુંબઈમાં લૂ લાગવાના કિસ્સા વધુ જોવા મળે છે. જો કે સાંજ પડે એટલે દરિયા તરફથી આવતી ઠંડા પવનની લહેરો વાતાવરણને થોડું સહ્ય બનાવે છે.
મુંબઈ ઇલાકામાં સૌથી વધુ બાહોશ પોલીસ દળ જો ક્યાં ય હોય તો તે છે મુંબઈમાં. હા, હજી અહીં ખાનગી મિલકતની સલામતી માટે ‘પગી’ રાખવાનો રિવાજ પણ ચાલુ છે. પગીનો માસિક પગાર ૧૪ શિલિંગ જેટલો હોય છે. આખી રાત તેઓ મકાનની આસપાસ, કંપાઉંડમાં ચક્કર મારતા રહે છે. થોડે થોડે વખતે તેઓ સંભવિત ચોરને સાવધ કરવા ખોંખારો ખાય છે અને હાથમાંનો દંડૂકો જમીન પર પછાડે છે. અને છતાં જો ચોરી થાય, તો આ પગીએ કાં ચોરને પકડી લાવવો પડે છે, કાં માલિકને થયેલું નુકસાન પોતે ભરપાઈ કરી આપવું પડે છે.
મુંબઈ પોલીસ ૧૯મી સદીમાં
પણ જાહેર રસ્તાઓ અને ઇમારતો, બજારો અને મેદાનો વગેરેની રખેવાળી કરવા માટે પોલીસના માણસો ખડે પગે રહે છે. તેમનાં યુનિફોર્મમાં છે ઘેરા ભૂરા કલરનો કોટ, તેના પર કાળા ચામડાનો પટ્ટો, માથે પીળી પાઘડી. અહીંના લોકો પોલીસ તરફ માનની નજરે જુએ છે, અને ચોર લૂંટારા તેમનાથી ગભરાય છે. કહે છે કે કંપની સરકારનું રાજ આવ્યું તે પહેલાં અહીં ચારે તરફ ભય અને અંધાધૂંધીનું વાતાવરણ હતું. પોર્ટુગીઝ રાજવટ વખતે પણ પોલીસ હતી તો ખરી. પણ તેમનું કામ લોકોના જાનમાલનું રક્ષણ કરવા કરવા કરતાં વધુ તો લોકોને ડરાવી ધમકાવીને પૈસા પડાવવાનું હતું.
ફોર્ટમાં ફર્યા પછી આવતે અઠવાડિયે મિસિસ પોસ્ટાન્સની સાથે ફરવા જશું કોલાબા.
e.mail : deepakbmehta@gmail.com
xxx xxx xxx
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 30 ડિસેમ્બર 2023