સમસ્યા જ્યારે વિકટ અને જટિલ હોય અને ઉપાય જ્યારે દૃષ્ટિ, મહેનત અને ધીરજ માગી લેનાર હોય ત્યારે તેનું સરળીકરણ કરવામાં આવે છે. જેમ કે કોઈ શારીરિક વ્યાધિ હોય અને ધોરણસરના વૈદકશાસ્ત્રનો કોઈ ઉપાય કારગર ન નીવડતો હોય ત્યારે બાવાઓ, બાપુઓ, તાંત્રિકો, ઊંટવૈદો વગેરે તેનો લાભ લેતા હોય છે. જો કોઈ પેચીદી આર્થિક મુશ્કેલી હોય ત્યારે પણ ધુતારાઓ તેનો લાભ લેતા હોય છે. બાપુઓના માંડવામાં આળોટવાથી શાંતિ મળે પણ સમસ્યા ન ઉકલે એટલે ઘેર આવે ત્યારે હતા ત્યાંને ત્યાં. આવું ક્યારેક રાષ્ટ્રજીવનમાં પણ બનતું હોય છે અને વૈશ્વીકરણના જમાનામાં વૈશ્વિક સ્તરે પણ બનતું હોય છે, બની રહ્યું છે.
૨૦૦૮ પછી વિકાસનો વૈશ્વિક રથ અટકી પડ્યો છે, કહો કે ફસાઈ પડ્યો છે. વિશ્વના અલગ અલગ દેશો આમ તો એક સરખી પણ પોતાના રાષ્ટ્રના સંદર્ભે અલગ અલગ સમસ્યામાં ફસાઈ પડ્યા છે. ભારતના ઉંબરે સંકટ આવ્યું ત્યારે ભારતના વડા પ્રધાન વિશ્વ જેને સાંભળતું હતું એવા બાહોશ અર્થશાસ્ત્રી ડૉ. મનમોહન સિંહ હતા. તેઓ કોઈ ઉપાય અજમાવી ન શક્યા. કાં તો તેમની પાસે કોઈ ઉપાય નહોતો અને કાં તેમના ઉપાયને અજમાવવા દેવાની અનુકૂળતા નહોતી. સાચી વાત શું છે એ આપણે જાણતા નથી. કોઈ બાહોશ ડોક્ટર જવાબ આપી દે અને એ પછી ઊંટવૈદો પ્રવેશ કરે એમ જ ભારતમાં પણ બન્યું. ડૉ. મનમોહન સિંહ ઘૂંટણીએ પડતાની સાથે જ કેટલાક લોકો મેદાનમાં આવી ગયા.
અરવિંદ કેજરીવાલ અને તેમના મિત્રો અન્ના હજારેને આગળ રાખીને દિલ્હીમાં જન્તરમન્તર રોડ ઉપર બેસી ગયા અને સમસ્યાનું સરળીકરણ કરતાં કહ્યું કે ભારતની સમસ્યાનું એક માત્ર કારણ ભ્રષ્ટાચાર છે. અમે કહીએ એવું જનલોકપાલ બીલ દાખલ કરો અને એક ચપટી વગાડતા ભારતમાં રામરાજ્ય સ્થાપિત થઈ જશે. કહેતા ભી દીવાના અને સુનતા ભી દીવાના, પણ જોતજોતામાં એવો માહોલ બન્યો કે જનલોકપાલ જ જાણે કે જડીબુટ્ટી હોય. એ જોઇને કેટલાક લોકોને સમજાઈ ગયું કે ભારતની પ્રજા ધારવા કરતાં વધારે હતાશ છે અને વિકલ્પની ખોજમાં છે. પ્રજા એટલી હતાશ છે અને વિકલ્પ માટે એટલી ઉતાવળી છે કે તેને જે પકડાવી દઈશું એ પકડી લેશે.
૨૦૧૧ના એપ્રિલ મહિનાના જન્તરમન્તરના પ્રયોગ પછી માદળિયાં વેચનારા નજુમીઓ વચ્ચે હરીફાઇ શરૂ થઈ. એ પહેલાં તેઓ બધા દિલ્હીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સંસ્થા વિવેકાનંદ ફાઉન્ડેશનમાં મળતા હતા અને રણનીતિ બનાવતા હતા. દરેકને એક બીજાના સહારાની જરૂર હતી. સંઘ પાસે સ્વયંસેવકોની ફોજ હતી, બાબા રામદેવ પાસે ભગવાં વસ્ત્રો હતાં, અરવિંદ કેજરીવાલ પાસે બોલવાની અને અવસર પારખવાની આવડત હતી અને અન્ના હજારે પાસે ત્યાગ અને પ્રામાણિકતાની મૂડી હતી. બધાએ પડદા પાછળ રહીને અન્નાની મૂડીનું રોકાણ કરવાનું નક્કી કર્યું. પણ અન્ના સહિત બધાના આશ્ચર્ય વચ્ચે જન્તરમન્તરમાં એ ટૂંકી મૂડી નરસિંહ મહેતાની હૂંડી સાબિત થઈ. અન્નાનો એક રૂપિયો એક અબજનો સાબિત થયો.
ના, આ ન ચલાવી લેવાય. અન્નાની મૂડી વટાવીને અરવિંદ કેજરીવાલ આગળ નીકળી જશે, માટે કોઈ ઉપાય કરવો જોઈએ. વળી પ્રજા એટલી હતાશ અને વિકલ્પ માટે તલસે છે કે અન્ના શું, આપણે પણ પ્રજાને ઉપાયનું માદળિયું પહેરાવી શકીએ એમ છીએ. બાબા રામદેવે અલગ પડીને પહેલો કૂદકો માર્યો, પણ તેમને કૂદકો મોંઘો પડ્યો. ૨૦૧૧ના જૂન મહિનામાં બાબા રામદેવ દિલ્હીમાં રામલીલા મેદાનમાં ઉપવાસ કરવા બેઠા હતા. સરકારે રાતે બાબાની ધરપકડ કરવા પોલીસ મોકલી તો ડરી ગયેલા બાબા મંચ પરથી કૂદકો મારીને ભાગી ગયા. પછીથી કોઈક જગ્યાએ સંતાઈને તેમણે સ્ત્રીનાં કપડાં પહેર્યાં અને દિલ્હીની બહાર ભાગવાની કોશિશ કરી. તેઓ સ્ત્રીનાં વેશમાં પકડાયા હતા એ યાદ હશે. આમ બાબા રામદેવે ઉપાય અને ઈજ્જત બન્ને ગુમાવી દીધાં અને ભારતની પ્રજાને માદળિયું પહેરાવવાની હરીફાઇમાંથી કાયમ માટે ફેંકાઈ ગયા.
ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જોયું કે પ્રજા વિકલ્પ માટે અધીરી છે અને જો અત્યારે મેદાનમાં વિકલ્પ લઈને નહીં આવીએ તો અન્ના હજારેને વેચીને અરવિંદ કેજરીવાલ બાજી મારી જશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો પણ આવો જ મત હતો એટલે વિવેકાનંદ ફાઉન્ડેશનમાં મળતી બેઠકો બંધ થઈ ગઈ. હવે નજૂમીઓ હરીફાઇમાં ઉતર્યા હતા અને એકબીજાના પ્રતિદ્વંદ્વી હતા. એમાં નરેન્દ્ર મોદી બાજી મારી ગયા. બીજા લોકો તો ઉપાય બતાવતા હતા કે જુઓ આ માદળિયું પહેરશો તો લાભ થશે, વગેરે. એની વચ્ચે ગુજરાતના મુખ્ય પ્રધાને તો ગુજરાતીને જ દેશની સમક્ષ ઊભો રાખીને કહ્યું કે જોઈ લો, તમારી સગી આંખે જોઈ લો આ મારા ગુજરાતીને! છે ને સુખી, તંદુરસ્ત અને પ્રસન્ન? આ આપણા કારણે.
અને એ પછી ચારે ય બાજુ સુખી, તંદુરસ્ત અને પ્રસન્ન ગુજરાતીને પ્રોજેક્ટ કરવામાં આવ્યો તે ત્યાં સુધી કે માંદા અને દુઃખી ગુજરાતીને પણ એમ લાગવા માંડ્યું કે તે ખરેખર જગતમાં સૌથી સુખી, તંદુરસ્ત ને પ્રસન્ન છે. એટલું જ નહીં, જે કોઈ ગુજરાત અને ગુજરાતીને જુએ એને તેના પર આભામંડળ દેખાય અને એ જોઇને ગદગદ થઈ જાય, પછી વાસ્તવિકતા ભલે તેનાથી જુદી હોય. સમસ્યાનું સરળીકરણ કરનારાઓ નરેન્દ્ર મોદીના સુખમાં હિલોળા લેતા ગુજરાતી સામે પરાજીત થયા. સાક્ષાત્ દૃષ્ટાંત હતું. આવા બનવું છે તો આવો મારી સાથે.
આજે? સમસ્યા વધુ વકરી છે. કોઈ પાસે ઉપાય તો હતો જ નહીં, સરળીકરણ જ હતું. ૨૦૧૧માં જે લોકો વિકલ્પ માટે અધીરા હતા એ બે ભાગમાં વહેંચાઇ ગયા છે. હિંદુ કોમવાદીઓને હવે વિકલ્પની તલાશ કરવામાં રસ નથી. તેઓ વિકાસના ગુજરાત મોડેલને ભૂલી ગયા છે. ગુજરાત બી.જે.પી.ના અધ્યક્ષ પાસેથી પાંચ હજારની સંખ્યામાં કોરોનાની બીમારીમાં ઉપયોગી એવા રેમેડીસીવરના ઇન્જેક્શન મળે તો પણ કોઈ શરમ અનુભવતા નથી. ભક્તો તો કહેશે કે એ ગરીબોને વહેંચવા માટે ભેગાં કરવામાં આવ્યાં હતાં. તમે પૂછશો કે પાંચ હજારની સંખ્યાનો પુરવઠો ભેગો થાય એ પછી જ ગરીબોને જીવતા રાખી શકાય એવું હતું તો મૂંગા થઈ જશે.
અને બાકીના લોકો છેતરાયા હોવાનો અનુભવ કરી રહ્યા છે.
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 15 ઍપ્રિલ 2021