પ્રતાપ ભાનુ મહેતાએ અશોક યુનિવર્સિટીમાંથી રાજીનામું આપ્યું અથવા તો આપવું પડે એવા સંજોગો ઊભા થયા ત્યારથી ‘પબ્લિક ઇન્ટેલેક્ચુઅલ’ એ શબ્દપ્રયોગ ખૂબ નજરે ચઢ્યો છે.
‘જાહેર બૌદ્ધિક’ એવું ગુજરાતી પણ જાણીતું છે. હવે એ કોણ અને કેમ કહેવાય તે વિશે વિચાર કરવાનું થાય. બધા શિક્ષિતજનોને જેમ બુદ્ધિશાળી ન કહેવાય તેમ બધા બુદ્ધિશાળીઓ માટે બૌદ્ધિક શબ્દ પણ ન પ્રયોજાય. આવા સંજોગોમાં ‘જાહેર બૌદ્ધિક’ કોને કહેવાય તે વિચારવા જેવું તો ખરું. સારું છે કે પ્રતાપ ભાનુ મહેતા બાબતે કોઈએ આવો સવાલ ઊભો કર્યો નથી અને હું પણ તેમ કરવા માંગતો નથી પણ થોડી જાહેર સ્પષ્ટતા થાય તો સારું એવું જરૂર ઇચ્છું.
જાહેર એટલે પ્રજા એવો એક અર્થ ખરો. વ્યાપક પ્રજાને સ્પર્શતી બાબતો એટલે જાહેર બાબતો. બહુ બધા પ્રજાજનો છે અને બહુ થોડા નાગરિકો છે. પ્રતાપ ભાનુ મહેતાનો કિસ્સો જાણનારા અને સમજનારા પણ બહુ થોડા જ. એમને વાંચે તે કદાચ એમના વિશે થોડું જાણે. હવે જાહેર બૌદ્ધિક એવો હોય ખરો જેને જાહેર જનતા જાણતી પણ ન હોય ?
બૌદ્ધિકજગત પ્રેમ ગલીની માફક અતિ સાંકડું બની ગયું છે. લોકોને ખબર જ નથી કે લોકોના પ્રશ્નો વિશે ચિંતા કરનારા અને લખનારા કોણ છે ? તેમની સાચી ખોટી વિશ્વસનીયતાનો પ્રશ્ન તો પછી આવે! લોકો તો સાચા ખોટા રાજકીય વર્ગને જ ઓળખે છે.
હર્ષદ દવે મારા સ્મરણસ્થ વડીલમિત્ર મને પડકારતા અને કહેતા કે તમે પાનના ગલ્લે ઊભા રહેતા નથી, બસમાં ફરતા નથી, ચોરે ચૌટે બેસતા નથી અને જાહેર બાબતો વિશે લખો છો તે તમને શી ખબર પડે ? આ વાત પણ ખોટી તો નહીં.
‘જાહેર બૌદ્ધિક’ જાહેર બાબતોનો કેટલો જાણકાર એ પ્રશ્ન તો સાચો. તે પ્રજાની નાડ કેટલી પારખે એ પણ ખરું. આ જુવારું કેમ ઊભું થાય છે તેની જાહેર ચિંતા કરવાનો પણ આ અવસર છે એવું મને તો સમજાય છે.
આ ચર્ચા ચાલે, મંથન થાય અને કંઈક નવનીત સાંપડે તો લાભ બન્ને પક્ષે થાય એવું લાગ્યા કરે છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઍપ્રિલ 2021; પૃ. 14