જે મુસ્લિમ મહિલા આંદોલન મુસ્લિમ પર્સનલ લોમાં સુધારા માટે લડે છે, તે સમાન સિવિલ કોડનો જબ્બર વિરોધ કરે છે.
તલાકશુદા મુસ્લિમ મહિલાઓ, કાશીપુર (ઉત્તરાખંડ)ના શાયરાબાનો અને જયપુર (રાજસ્થાન)ના આફરીને સર્વોચ્ચ અદાલતમાં દાદ માંગી છે. એમની માંગણી ન માત્ર તીન તલાકની અન્યાયી પ્રથાની નાબૂદીની છે. તેઓ લગ્ન અને છૂટાછેડાને લગતી મુસ્લીમ પર્સનલ લોની જોગવાઈઓ બહુપત્નીત્વ અને હલાલા-ને પણ પડકારે છે. મુસ્લિમ મહિલાઓના અધિકારો માટે સંઘર્ષરત ‘ભારતીય મુસ્લિમ મહિલા આંદોલન’ દ્વારા પણ મુસ્લિમ પર્સનલ લોમાં સુધારા માટે વડાપ્રધાન અને રાષ્ટ્રીય મહિલા આયોગને ૫૦,૦૦૦ મુસ્લિમ મહિલાઓની સહીઓ સાથેના પત્રો લખાયા છે. સુપ્રીમ કોર્ટે આ પત્રને સુઓ મોટો જાહેરહિતની અરજી ગણી સંબંધિતોના જવાબો માગ્યા છે. આ બધાં કારણોસર ધર્મઆધારિત વ્યક્તિગત કાનૂનોમાં સુધારા અને સમાન નાગરિક ધારાની રચનાની ચર્ચા ફરીવાર શરૂ થઈ છે.
ધર્મ અને કાનૂન પુરાણા સમાજમાં એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા હતા અને ધર્મ, કોમ, કે સંપ્રદાયના અંગત કાયદા આધુનિક રાજ્યના કાયદાની અવેજીમાં અસ્તિત્વમાં હતા. ભારતમાં પણ લગ્ન, છૂટાછેડા, વારસાહક, દત્તક વિધિ, ભેટ, વસિયત, ઘરમાલિકી, કુટુંબમાં સ્ત્રી-પુરુષની ફરજો અને અધિકારો વગેરે માટે ધર્મના કાયદા હતા. આ કાયદા કે નિયમો ધાર્મિક ગ્રંથો, પરંપરાગત રિવાજો કે રૂઢિઓ આધારિત હતા. જ્યારે આજના જેવાં આધુનિક રાજ્યો અસ્તિત્વમાં નહોતાં ત્યારે અંગત કાયદા અને રાજ્યના કાયદામાં ઝાઝો ફેર નહોતો. બ્રિટિશ શાસન અને સમાજ સુધારણાની ચળવળો પછી તેમાં સુધારાની ફરજ પડી, પણ તે લાંબુ ન ચાલી.
આઝાદ ભારતમાંબંધારણનું શાસન અમલમાં આવ્યું. બંધારણના અનુચ્છેદ ૨૫ અને ૨૬માં સમાનતાનો અને ધર્મની સ્વતંત્રતાનો તમામ નાગરિકોને હક મળ્યો. પરંતુ વૈયક્તિક કાનૂનો પણ ચાલુ રહ્યા. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતના અનુચ્છેદ ૪૪મા રાજ્યને સમાન નાગરિક ધારો ઘડવાની સત્તા આપવામાં આવી. બંધારણ સભાના મુસ્લિમ સભ્યોએ કોમન સિવિલ કોડની બંધારણમાં જોગવાઈનો વિરોધ કર્યો હતો. તેને તેઓ મુસ્લિમોના અંગત કાનૂનમાં દખલ ગણાવતા હતા. જો કે બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષ ડો. આંબેડકરે દેશ આખામાં મુસ્લિમ કાયદો ન તો એકસરખો છે કે ન તો અપરિવર્તશીલ છે, તેની હકીકતો રજૂ કરી માગણીનો છેદ ઉડાડ્યો હતો.
એ સાચું કે બંધારણના અનુચ્છેદ ૩૭૨(૧)માં દેશના જુદા જુદા ધર્મોના વ્યક્તિગત કાયદાઓનો સ્વીકાર છે, પણ આ કાયદા આધુનિક સમાજ સાથે, નાગરિકના મૂળ અધિકારો સાથે કે સમાનતા — ખાસ કરીને સ્ત્રી-પુરુષ સમાનતા — સાથે કદમ મિલાવી શકતા નથી. આ કાયદાઓમાં મહિલાઓ માટે અન્યાયકારી અને તેમને ઉતરતા દરજ્જાની નાગરિક ગણતી જોગવાઈઓ હોવાથી તેનો સવિશેષ વિરોધ થાય છે. તેમાં પણ શરિયત આધારિત મુસ્લિમ પર્સનલ લોની જોગવાઈઓ સૌથી વધુ ખટકે તેવી છે. ૧૯૩૭થી મુસ્લિમ પર્સનલ લોમાં કોઈ સુધારા થયા નથી. જાણે ધર્મ સુધારણા અને સમાજ સુધારણાની હવા એને અડી જ નથી.
એક તરફ મુસ્લિમ પર્સનલ લો નિકાહ(લગ્ન)ને પતિ-પત્ની વચ્ચેનો કરાર ગણાવી બંનેની સંમતિ જરૂરી ગણાવે છે, પરંતુ તલાક-એ-બિદત તરીકે જાણીતી રીતમાં એક જ સમયે ત્રણ વાર તલાક બોલીને પુરુષ સ્ત્રીની સંમતિ વિના જ છૂટાછેડા આપી દે તેવી જોગવાઈ છે! આવા તલાક મૌખિક રીતે, તાર-ટપાલ-ટેલિફોન-ઈ-મેઈલ-વોટ્સ અપથી આપી શકાય છે. તેમાં સ્ત્રીના ભરણપોષણની જવાબદારી પતિની રહેતી નથી. મુસ્લિમ પર્સનલ લો પુરુષને બહુપત્નીત્વની છૂટ આપે છે, સ્ત્રીને આપતો નથી. મુસ્લિમ પુરુષ એક જ ઈશ્વરમાં માનતી (કિતાબી સ્ત્રી) એટલે કે ખ્રિસ્તી, પારસી કે યહૂદી સ્ત્રીને પરણી શકે છે, પણ મુસ્લિમ સ્ત્રી તેમ કરી શકતી નથી. વારસા હકમાં પુત્રીને પુત્ર કરતાં અડધો જ હિસ્સો મળે છે. સાક્ષીની બાબતમાં મુસ્લિમ સ્ત્રીને બે સાક્ષી રાખવાની જોગવાઈ છે.
સિરિયન ખ્રિસ્તી કાયદાની જોગવાઈ મુજબ સંપત્તિ હકની બાબતમાં દીકરાદીકરી વચ્ચે ભેદ છે. ભારતીય છૂટાછેડાનો કાયદો-૧૯૬૫ ખ્રિસ્તી પુરુષને માત્ર વ્યભિચારના આરોપસર સ્ત્રીને છૂટાછેડાની મંજૂરી આપે છે, પણ સ્ત્રીને આપતો નથી. વડીલોપાર્જિત મિલકત સંબંધિત હિંદુ કાયદામાં પણ દીકરાદીકરી સરખાં હકદાર નથી. પારસી કાયદામાં મિલકત અંગે પુત્ર, પુત્રી અને વિધવા પત્ની વચ્ચે ભેદ છે. હિંદુ સેકશન એક્ટમાં વૃદ્ધ માબાપનું ભરણપોષણ હિંદુ અને મુસ્લિમ બંને સંતાનો માટે કાયદેસરની ફરજ છે, પણ હિંદુ માટે માતાપિતા હિંદુ જ હોવાની શરત છે, મુસ્લિમ માટે તેવી શરત નથી. વ્યક્તિગત કાયદાઓની આવી વિસંગતતાઓ, ઉણપો અને અસમાનતાઓ સમાન નાગરિક કાનૂનની જરૂરિયાત સ્પષ્ટ કરે છે.
શાહબાનુ(૧૯૮૫)થી શાયરાબાનો(૨૦૧૬)ના ત્રણ દાયકામાં સમાન નાગરિક ધારો ઠાલો રાજકીય મુદ્દો જ બની ગયો અને તે દિશામાં કોઈ નક્કર કામ થયું નથી. ૧૯૮૫માં જ્યારે તલાકશુદા મુસ્લિમ સ્ત્રીઓને સર્વોચ્ચ અદાલતે ભરણપોષણનો હક આપ્યો, તો રાજીવ ગાંધીની કોંગ્રેસી સરકારે મુસ્લિમ કટ્ટરપંથીઓ આગળ ઝૂકીને સર્વોચ્ચ અદાલતના ચૂકાદાને ઉલટાવી નાખતો કાયદો ઘડ્યો હતો. મુસ્લિમ સ્ત્રીઓની સમાજસુધારણાની દિશામાં તે મોટી પીછેહઠ હતી. રાજનીતિના માર્ગદર્શક સિધ્ધાંતોના અનુચ્છેદ ૩૬ થી ૫૧ પૈકી ઘણા અનુચ્છેદોમાં સુધારા, કાર્યવાહી અને અમલ થયો છે. એકમાત્ર અનુચ્છેદ-૪૪ (સમાન નાગરિક ધારો) અંગે જ કોઈ કાર્યવાહી વીત્યાં લગભગ ૭૦ વરસોમાં થઈ નથી.
મુસ્લિમ કટ્ટરપંથીઓ મુસ્લિમ પર્સનલ લોમાં કોઈ સુધારા મુસ્લિમોની લાશ પર થશે, એવી ધમકીની ભાષા બોલતા રહે છે. તો હિંદુઓનો એક વર્ગ મુસ્લિમોને સબક શીખવવા સમાન નાગરિક ધારાના જાપ જપે રાખે છે. આઘાત અને આશ્ચર્યની વાત તો એ છે કે ૧૯૫૧માં જે વિચારધારાના લોકો અને પરિબળો હિંદુ કોડ બિલના વિરોધી હતા, તે જ હવે યુનિફોર્મ સિવિલ કોડની માંગણીને પોતાની એકમાત્ર રાજકીય માગણી અને ઓળખ બનાવે છે. જે ભારતીય મુસ્લિમ મહિલા આંદોલન મુસ્લિમ પર્સનલ લોમાં સુધારા માટે લડે છે, તે સમાન સિવિલ કોડનો જબ્બર વિરોધ કરે છે. આ બાબતમાં તે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ કરતાં જરા ય ઉતરતું વલણ ધરાવતું નથી.
શરિયત આધારિત મુસ્લિમ પર્સનલ લોમાં મૂળ શરિયત કાનૂનનો માંડ વીસ ટકા હિસ્સો જ છે, ત્યારે શરિયત કાનૂનમાં સુધારો શક્ય જ નથી તેમ કહેવું યોગ્ય નથી. ભારતીય બંધારણે ધાર્મિક બહિષ્કારનો ઈસ્લામી કાનૂન રદ કર્યો છે. સ્પેશ્યલ મેરેજ એક્ટથી શરિયત કાનૂનનો એક ભાગ રદ કર્યો છે. મુસ્લિમ હજયાત્રીઓ ભારત સરકારનો વીમો અને સબસિડી મેળવે છે. ત્યારે શરિયત કાનૂન સંભારાતો નથી. હા, તલાકશુદા સ્ત્રીને ભરણપોષણના મુદ્દે એને જરૂર આગળ કરાય છે. દુનિયાના અનેક મુસ્લિમ દેશોએ મુસ્લિમ સ્રીઓની તરફેણમાં શરિયત કાયદામાં સુધારા કર્યા છે જ. એટલે તે અપરિવર્તનશીલ નથી.
જો કે સમાન નાગરિક ધારો એટલે હિંદુ ધારો નહીં, પણ તમામ કોમોના કૌટુંબિક અને વૈયક્તિક કાનૂનોની ઉણપો દૂર કરી આધુનિક અને સભ્ય સમાજને લાયક કાયદો ઘડાય તે પ્રાથમિક શરત હોઈ શકે.
e.mail maheriyachandu@gmail.com
સૌજન્ય : ‘વિરોધાભાસ’, “દિવ્ય ભાસ્કર”, 30 જૂન 2016