રાજશેખર કવિઓના જે પ્રકાર પાડે છે તેમાં ભ્રામકકવિનો એક પ્રકાર છે. પુરાણી વસ્તુને પણ પહેલાં ક્યારે ય ન આલેખી હોય એ રીતે વર્ણવી મૌલિક હોવાનો ભ્રમ ઊભો કરે છે તે ભ્રામકકવિ.
વિનોદ જોશીની ‘સૈરન્ધ્રી’ વિશે આટલી બધી વાતો થાય છે કે હવે હું લખ્યા વગર રહી શકતી નથી. બહુ સમયથી, લગભગ ત્રણ વર્ષથી હું વિચારી રહી છું, નોંધો કરી રહી છે. પણ એ કૃતિ હું એક બેઠકે વાંચી જ નથી શકતી. જ્યારે વાંચું છું ત્યારે અમુક શબ્દોનું પુનરાવર્તન, શિથિલ વાક્યરચના, તત્સમપ્રચુર બાની, બદલાતી ભૂમિકાના સંદર્ભે ભિન્ન ભાવદશાની સંકુલતાનો અભાવ, કથક, દ્રૌપદી, સુદેષ્ણાની એકસમાન ભાષા, અસ્વભાવિક અને કિ્લષ્ટ પદાવલી ઇત્યાદિ ઇત્યાદિ બહુ કઠે છે. સૈરન્ધ્રીના જે નિજત્વની વાત કવિ કરવા ધારે છે એ નિજત્વ શબ્દ તો એનો રસક્સ નીકળી જાય એમ આખી કૃતિમાં લગભગ 80 વાર પ્રયોજાય છે. કેટલીક વાર તો એકના એક પૃષ્ઠ પર એકાધિકવાર. એ સિવાય નિજનિર્ભર અને નિજતાનિપુણ જેવા અન્ય શબ્દોનું પુનરાવર્તન (!) ……… એ સિવાય પડછાયો, કૂવો ને એવા બીજા ઘણા શબ્દો …. મારા લેખમાં યાદી આપવાની છું. પાત્રના મનોગતને આલેખવાનો ધ્યેય સમુચિત રજૂઆતના અભાવે, દૃષ્ટિમર્યાદા અને મિથના અનુચિત ઉપયોગને કારણે ઘણી ઘણી વણસી ચૂકી છે. પ્રમોદકુમાર પટેલનો શિખન્ડી વિશેનો અભિપ્રાય સૈરન્ધ્રીને પૂર્ણતઃ લાગુ પાડી શકાય છે. નાયિકા વિષમ સંજોગો વચ્ચે છે એ કબૂલ પણ એનું નિજત્વ અને સ્ત્રીત્વ કામનાગ્રસ્ત છે.
પૌરાણિક પાત્રનું કરાયેલું અવમૂલ્યન અસહ્ય છે. કર્ણને કૃતિના પ્રારંભથી સતત સ્મરતી અને પાંડવો પ્રતિ એનો અણગમો પણ એટલો જ અસહ્ય છે. કર્ણમાં રાચતી અને સ્વપ્ન જોતી કીચકને જોઈને ભાન ભૂલી જાય છે કર્ણઆસક્તિ કીચક દર્શને વહી જાય છે ….. જુઓ
દૃષ્ટોદૃષ્ટ મળ્યાં નરનારી / કરી નિવેદન બાંધવ (એટલે કીચક) ચાલ્યો / નયન થકી દાસીએ (એટલે સૈરન્ધ્રી) ઝાલ્યો / ઉત્તરરૂપે મલકયો આછો / …. . ચાલો માની લઈએ .. કીચક જેવા અદ્ભૂત (!) પુરુષને જોઈને (અદ્દભુત એટલા માટે પણ વિનોદ જોશીએ અહીં એને માટે ‘અચ્યુત” વિશેષણ વાપર્યું છે (!) સૈરન્ધ્રીની મનસ્થિતિ કેવી થઈ છે … (એને કર્ણ અતિપ્રિય છે અને એ પ્રાપ્ત થયો નથી એનું અત્યન્ત દુઃખ અને પીડા સૈરન્ધ્રીને છે સમગ્ર કૃતિમાં એ જ તો કેન્દ્રસ્થાને છે. ભલે)
હવે આ પંક્તિઓ જુઓ:
સૈરન્ધ્રી રંગાઈ અનંગે / છાલક વાગી અંગે અંગે / તરત ખસેડયા સર્વ વિશેષણ (વિશેષણ એટલે શું એ મને તો નથી સમજાયું!) / કર્યું એક સ્ત્રીનું અન્વેષણ / કોણ દ્રૌપદી? કોણ દ્રુપદ દુલારી ? / કોણ યાજ્ઞસેની? / કોણ પાંચ પાંડવની ભાર્યા ? / કોણ છળ દાસીના ધાર્યા / (ગુપ્ત વેશ એ છળ છે એ તો આ વાંચ્યા પછી જ ખબર પડી ..) એક હતી એ સહુમાં નારી / પ્રગટ થઈ સહસા અણધારી …..
હું એવું સમજુ છું કે કીચકને જોયો ન હોત તો નારીરૂપ પ્રગટ્યું ન હોત (!)
આ સ્ત્રી હવે જે વિચારે છે એ પણ જુઓ :
કીચકદર્શને એ આ સ્થિતિને પ્રાપ્ત થઈ છે, અલબત્ત એનો પ્રિયતમ કર્ણ તો સ્મરણલોક અને સ્વપ્નલોકમાં વિહાર કરે છે એ ભૂલવાનું નથી …પાંડવો તો છે જ (!)
વિચલિત ભાસે વ્યાકુળ હરણી, / મંદ સુગંધ સમું મદમાતું / ચંચળ મન મધુમય મલકતું / ઝંખે ગાત્ર સકળ ઓગળવા / અવશ ચિત્ત લાગ્યું ટળવળવા / ……… શુષ્ક કૂપ રસભર છલકાતો / અંગે રંગ વસંત વિલસતા / છાઈ રહે મદભર અલસતા / …… કિચક બેઠો કાળજે, છેડી ઉલ્કાપાત ……. ચાર પૃષ્ઠ ભરીને કર્ણને પ્રેમ કરતી સૈરન્ધ્રી કીચકને જોઈને જે વ્યાકુળતા અનુભવે છે એનું આલેખન કવિએ જે રીતે કર્યું છે એની સાથે હું જરા પણ સહમત થઈ જ નથી શકતી …. કરંડિયા ભરી વખાણ કરનાર કયા આધાર પર વખાણ કરે છે ?????
સૌથી મોટો પ્રશ્ન એ છે કે દ્રૌપદીનું અહીં કરાયેલું પાત્ર ચિત્રણ સર્વથા અનુચિત છે. આપણે ત્યાં દ્રૌપદી સતીનો આદર્શ મનાય છે. એનું આગ ઝરતું વ્યક્તિત્વ મહાભારતમાં જોઈ શકાય છે .. .અહીં તો પુરુષને પામવા મથતી દ્રૌપદી કઈ રીતે સ્વીકાર્ય બને ?? સર્જક જ્યારે આ પ્રકારે વિખ્યાત કથાનકની સામગ્રીનો પોતાની કૃતિમાં વિનિયોગ કરતો હોય ત્યારે મૂળ કથાના પ્રખ્યાત અંશો જળવાવા જોઈએ એ રીતે આલેખન કરે એ જરૂરી છે. દ્રૌપદી કીચકની હત્યા કરે છે એ પણ વિચારણા યોગ્ય મુદ્દો છે.
મનસુખલાલ ઝવેરી અને રાજેન્દ્ર નાણાવટીએ યોગ્ય રીતે જ અનુક્રમે બાદરાયણકૃત જાનકી અને ચિનુ મોદીકૃત સ્વપ્ન દુઃસ્વપ્નનો યોગ્ય રીતે વિરોધ કર્યો છે.
બાદરાયણે ‘જાનકી’માં સીતા પોતે પોતાની રીતે અગ્નિમાં બળી મરવા તૈયાર થાય છે પરંતુ અગ્નિને એવી વિશુદ્ધ સતીનો ભક્ષ કરવો યોગ્ય ન લાગતા પ્રગટ થઈને એ પ્રગટ થઈને રામને સીતાની વિશુદ્ધિની પ્રતીતિ આપે છે એ પ્રકારનું આલેખન કર્યું છે. મનસુખલાલ ઝવેરીએ બાદરાયણે લીધેલી છૂટ વિશે યોગ્ય વિરોધ કર્યો છે. ‘પોતાને અભિષ્ટ રહસ્ય તારવવા માટે એમણે પ્રસંગ ઘટનામાં જે ફેરફાર કર્યો છે એ યોગ્ય છે કે કેમ તેનો વિચાર અવશ્ય કરી શકાય. ‘ઝવેરીના મતે ‘બાદરાયણે આલેખેલી ઘટનામાં ફેરફાર કરવા પાછળ ઔચિત્ય કે કાવ્ય, કોઈની કશી જ દૃષ્ટિ રહી નથી.’
નાણાવટી પણ લખે છે ‘સર્જકને સ્વતંત્રતા-તેની મૌલિકતાને અવકાશ કથાનકના પ્રસિદ્ધ અને મહત્ત્વના અંશો-પ્રસંગો જાળવીને તેના નવા અર્થઘટન પૂરતો જ હોય છે. પુનર્લેખક જ્યારે મુખ્ય ઘટનામાં પરિવર્તન કરે કે એણે કરવું પડે ત્યારે એને સર્જકની શક્તિ કેટલે અંશે ગણવી એ પ્રશ્ન આની સાથે અવશ્ય સંકળાઈ જવાનો.
…. મૂળ કથાની સાથે મૂલ્યબોધ ઉમેરવા માટે તેની કરોડરજ્જુ સમા મુખ્ય કથાનક કે કથાન્શમાં આવડું મોટું પરિવર્તન કરવું પડે એને લેખકની શક્તિ કહીશું કે મર્યાદા ??’
સૈરન્ધ્રીનું કાવ્ય સ્વરૂપ પણ સ્પષ્ટ નથી. ગદ્ય પંક્તિઓ તમને ઠેર ઠેર જોવા મળશે..(!)… કૃતિની સમગ્ર તપાસ ઉદાહરણ સાથે મારા લેખમાં કરવાની છું. સ્વરૂપથી માંડી ભાષા વિશે. અહીં તો મારે થોડી વાત કરવી હતી. ઘણા સમયથી મુખપોથીમાં લખવું હતું પણ પ્રતિકૂળતાને કારણે રહી જતું હતું.
મને પાકી ખાતરી છે મારી વાત મિથના વિનિયોગ સંદર્ભે અને કૃતિ તરીકે પણ નબળી રચના છે એ સંદર્ભે પણ સાચી હોવા છતાં બધાને હજમ નહીં થાય …. ઘણાં ગુસપુસ પણ કરે છે કે મિથ સાથે લેવાયેલી છૂટછાટ અયોગ્ય છે પણ …….
સૌજન્ય : મનીષાબહેન દવેની ફેઇસબૂક દીવાલેથી સાદર