1973માં, “ઝંજીર” ફિલ્મની ધાંયધાંય સફળતા પછી તેના નિર્દેશક પ્રકાશ મહેરાએ, અમિતાભ બચ્ચનને એક સલાહ આપી હતી કે એક જ પ્રકારના રોલ કરવાથી બચજે, બાકી પ્રોડ્યુસરો તારા માટે પોલીસની વર્દી સિવડાવીને રાખશે! જો કે, એન્ગ્રી યંગ મેનની ભૂમિકાઓમાં ફિટ થઇ જવા છતાં, અમિતાભે એ સલાહને અનુસરીને સમગ્ર કારકિર્દી દરમિયાન અલગ-અલગ પ્રકારના કિરદાર કરવાનું મુનાસીબ માન્યું એ તેમની લાંબી વ્યવસાયિક આવરદાનું મુખ્ય કારણ છે.
એટલે બે વર્ષ પછી, 1976માં, “કભી કભી” ફિલ્મમાં અમિતાભ બચ્ચનનું અમિત મલ્હોત્રા નામના કવિ તરીકે આગમન થયું, ત્યારે પ્રકાશ મહેરા સિવાય સૌને આશ્ચર્ય થયું હતું. એ ભૂમિકા એટલી બધી અલગ અને દુર્લભ હતી કે અમિતાભ તે પછી કયારે ય કવિ બની ન શક્યા. કદાચ એ આત્મવિશ્વાસ યશ ચોપરાનો હતો. આગલા વર્ષે આવેલી તેમની “દીવાર” ફિલ્મમાં દર્શકોએ અમિતાભને એક ગુસ્સેલ ગોદી કામદાર તરીકે જોયા હતા અને હવે “કભી કભી”માં તેનાથી વિપરીત એક સરળ, સૌમ્ય અને મૃદુ ભાષી કવિ તરીકે જોવાના હતા. એ જુગાર સફળ રહ્યો.
“કભી કભી” એ વર્ષની સૌથી મોટી હિટ ફિલ્મ સાબિત થઇ. ફિલ્મફેર પુરસ્કારમાં તેને 13 નોમિનેશન્સ મળ્યાં હતાં અને 4માં વિજેતા રહી હતી – શ્રેષ્ઠ સંગીતકાર (ખય્યામ), શ્રેષ્ઠ ગીતકાર (સાહિર લુધિયાનવી), શ્રેષ્ઠ પુરુષ ગાયક (મૂકેશ) અને શ્રેષ્ઠ સંવાદ લેખક (સાગર સરહદી).
ફિલ્મ એટલી સુંદર અને લોકપ્રિય હતી કે ભાગ્યે જ કોઈએ જોઈ નહીં હોય. તેની વાર્તા બહુ જાણીતી છે એટલે દોહારવાની જરૂર નથી. એમાં એક પેઢી (અમિતાભ, વહીદા રહેમાન, રાખી, શશી કપૂર, પરીક્ષિત સાહની, સિમિ ગરેવાલ) અને તેમની બીજી પેઢી (નીતુ સિંહ, નસીમ, ઋષિ કપૂર) વચ્ચેના તાણાવાણાને નાટ્યાત્મક રીતે વણવામાં આવ્યા હતા.
એમાં પ્રેમના ભૂતકાળ અને સંબંધોના વર્તમાનની જટિલતા તો દર્શકોને ખુરશીમાં જકડી રાખવા માટે પૂરતી હતી જ હતી, પણ સંગીકાર ખય્યામ અને ગીતકાર સાહિરને તેમાં બે પેઢીઓનું એક એવું લાંબુ અને ખુલ્લું મેદાન મળ્યું હતું કે તેમણે, ક્રિકેટની ભાષામાં કહીએ તો, ફ્રન્ટ ફૂટ પર જઈને ચોક્કા-છક્કા માર્યા હતા. “કભી કભી”ને આજે જોઈએ, તો ઘણીવાર એવી શંકા જાય કે યશ ચોપરાએ કદાચ ગીતો માટે થઈને જ પૂરા ત્રણ કલાકની ફિલ્મ બનાવી નાખી હતી.
મજાની વાત એ છે કે ફિલ્મની પહેલી પેઢીના પ્રેમીઓ જેટલાં મૃદુ ગીતો ગાય છે, બીજી પેઢીના પ્રેમીઓ એટલી જ ધમાલ સાથે ગીતો ગાય છે. ખય્યામ સાહેબે વાર્તા અને પાત્રોના મૂડને ધ્યાનમાં રાખીને બે અલગ પ્રકારનું સંગીત રચ્યું હતું.
શંકા સાવ અસ્થાને પણ નથી. “કભી કભી”ની સફળતામાં સૌથી મોટું યોગદાન શાયર સાહિર લુધિયાનવીનું હતું. સાહિરે સાહેબે “કભી કભી”માં ગીત નહોતાં લખ્યાં, શુદ્ધ કવિતા લખી હતી. ફિલ્મ એ વાતની સાબિતી છે કે કેવી રીતે હેતુપૂર્ણ અને હૃદયસ્પર્શી ગીતોને પડદા પર જીવંત કરી શકાય છે. ફિલ્મની વાર્તાને એ ગીતો એક અલગ જ ઊંચાઈ પર લઇ જાય છે.
વાત તો એવી પણ છે કે યશ ચોપરાએ સાહિરના ખુદના અધૂરા પ્રેમનો આધાર લઈને “કભી કભી”ના શાયર અમિત મલ્હોત્રાની કલ્પના કરી હતી. એક વાત નક્કી છે કે ફિલ્મનું શિર્ષક અને શિર્ષક ગીત “કભી કભી મેરે દિલ મેં ખયાલ આતા હૈ, કે જૈસે તુજકો બનાયા ગયા હૈ મેરે લિયે” બંને સાહિરની જ એક કવિતા પરથી આવ્યું હતું. સાહિર જ્યારે 25 વર્ષના હતા ત્યારે, 1945માં, તેમની નઝમ અને ગઝલોનો પ્રથમ સંગ્રહ “તલ્ખિયાં” (કડવાહટ) પ્રગટ થયો હતો. “કભી કભી” નઝમ તેમાં હતી.
એ જ અરસામાં, એક મુશાયરામાં સાહિર પંજાબી કવિયત્રી – લેખક અમૃતા પ્રિતમને મળ્યા હતા. ત્યાંથી બંને વચ્ચે એક કમનસીબ રોમાન્સ શરૂ થયો હતો, જે ક્યારે ય પરિપૂર્ણ થવાનો નહોતો. એની કોઈ સ્પષ્ટતા નથી કે સાહિરે અમૃતાને મળતાં પહેલાં “કભી કભી” લખી હતી કે મળ્યા પછી, પરંતુ એમાં એકલતા અને નિરાશાનો જે ભાવ હતો, તે અમૃતા સાથેના રોમાન્સમાં નિયમિત દેખાતો હતો.
અમૃતા સુંદર, સફળ હતાં અને એક અગ્રણી ઉદ્યોગપતિ પ્રિતમ સિંહ સાથે લગ્ન કર્યા હતાં. સાહિર લાહોરથી આવ્યા હતા, જ્યાં તેમની સમાજવાદી વિચારધારાને કોઈ સ્વીકારતું ન હતું, અને કટ્ટરપંથીઓના ત્રાસથી શહેર છોડીને મુંબઈ ફિલ્મ ઉદ્યોગમાં પગ મૂકવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સાહિર અમૃતાના પહેલી નજરનો પ્રેમ હતા. અમૃતાએ છડેચોક પ્રેમ જાહેર કર્યો હતો.
જો કે, નિયતિએ તેમના માટે કંઈક બીજું જ નિર્ધાર કર્યું હતું. સાહિર અને અમૃતાના પ્રેમ પંથ પર પરંપરા, સંસ્કૃતિ, સમાજ અને ધર્મનો અવરોધ હતો. તેમની પ્રેમ કહાની સ્નેહ, પીડા, સ્વીકૃતિ, નિષ્ફળતા, પશ્ચાતાપ, કામુકતા અને એ લાગણીઓ સાથે જોડાયેલી હરેક બાબતોથી બનેલી હતી.
યશ ચોપરા અને સાહિર જ્યેષ્ઠ બંધુ બલદેવ રાજ ચોપરાની બી.આર. ફિલ્મ્સથી સાથે હતા. ત્યાં યશ સહાયક ફિલ્મ નિર્દેશક હતા. મોટાભાઈની કંપની માટે, યશે 1959માં તેમની પહેલી ફિલ્મ “ધૂલ કા ફૂલ”નું નિર્દેશન કર્યું હતું. હિંદુ-મુસ્લિમ એકતા પર બનેલી આ સફળ અને લોકપ્રિય ફિલ્મમાં સાહિરે એક યાદગાર ગીત લખ્યું હતું; “તું હિંદુ બનેગા ના મુસલમાન બનેગા, ઇન્સાન કી ઔલાદ હૈ, ઇન્સાન બનેગા.”
1973માં, યશ ચોપરાએ સ્વતંત્ર રીતે યશરાજ બેનરની શરૂઆત કરી, અને તેની પહેલી જ હિટ ફિલ્મ “દાગ”(રાજેશ ખન્ના, રાખી, શર્મિલા ટાગોર)માં સાહિરે તેમના માટે મધુર ગીતો લખ્યાં હતાં. એવું કહેવાય છે કે આ ફિલ્મના શુટિંગ વેળા જ, યશને સાહિરની “કભી કભી” નઝમ વાંચવામાં આવી હતી. યશના મનમાં સાહિર અને અમૃતાનો ખયાલ હતો કે નહીં તે ખબર નથી, પણ એક વાત ચોક્કસ છે કે તેમણે રાખીને ધ્યાનમાં રાખીને “કભી કભી”ની કલ્પના કરી હતી.
ફિલ્મમાં ભલે અમિતાભની ભૂમિકા મોટી લાગે, પરંતુ વાર્તાના કેન્દ્રમાં રાખીનું પાત્ર પૂજા ખન્ના છે, જે એવી જ રીતે એક કવિ સંમેલનમાં અમિતને મળે છે, જેવી રીતે અમૃતા સાહિરને મુશાયરામાં મળ્યાં હતાં. પહેલી નજરનો એ પ્રેમ ખીલે તે પહેલાં જ કરમાઈ ગયો, કારણ કે પૂજાનાં પેરેન્ટ્સે તેનાં લગ્ન એક આર્કિટેકટ વિજય ખન્ના (શશી કપૂર) કરી દીધાં હતાં. બે દાયકા પછી, ટેલિવિઝન હોસ્ટ બનેલી પૂજા એ જ અમિતનો ઈન્ટરવ્યું કરે છે જે હવે એક મોટો કવિ બની ગયો છે.
આ આખી વાર્તા સાહિર-અમૃતાને મળતી આવતી હતી, પણ એવા સીધો સંદર્ભ ટાળવા માટે યશ ચોપરાએ એમાં બીજા કાલ્પનિક પ્રસંગો અને તાણાવાણા નાખીને મનોરંજક બનાવી હતી. વાર્તામાં સાહિરની કવિતા “કભી કભી” કેટલી મહત્ત્વની છે તેની સાબિતી એ છે કે ફિલ્મમાં તે ત્રણ વખત આવે છે; પહેલી વાર મૂકેશના અવાજમાં, બીજી વાર મૂકેશ અને લતા મંગેશકરની જોડીમાં અને ત્રીજીવાર અમિતાભના અવાજમાં સંવાદ તરીકે.
“કભી કભી” પર સાહિરનો પ્રભાવ કેટલો સખત છે તેની સાબિતી બીજા એક ગીતમાંથી પણ મળે છે ને તે પણ ફિલ્મમાં બે વખત આવે છે; મૈં પલ દો પલ કા શાયર હું, પલ દો પણ મેરી કહાની હૈ અને મૈં હર પલ કા શાયર હું, હર પલ મેરી કહાની હૈ. મૂકેશનાં ગીતોમાંથી આ ગીત સૌથી યાદગાર છે. “કભી કભી મેરે દિલ મેં” અધૂરા પ્રેમની નિરાશાનું ગીત હતું, તો “મૈં પલ દો પલ કા શાયર” લોકપ્રિયતાની ક્ષણભંગુરતાનો અહેસાસ હતો.
એ નોંધવું જરૂરી છે કે “કભી કભી” વખતે સાહિર તેમના અંગત અને વ્યવસાયિક જીવનના અત્યંત ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યા હતા. તેમના એક પણ પ્રેમ સંબંધો સરખા નહોતા. તે શરાબખોરીમાં ડૂબી ગયા હતા. ફિલ્મોમાં અને ફિલ્મી લોકોમાં તેમને અનેક બાંધછોડ કરવી પડતી હતી, જે તેમના આદર્શવાદી સ્વભાવને માફક આવતી નહોતી. તે નિરાશ અને એકલવાયા હતા. એ જ ભાવથી તેમણે લખ્યું હતું :
મુઝસે પહલે કિતને શાયરે આયે ઔર આ કર ચલે ગએ
કુછ આહેં ભર કર લૌટ ગયે, કુછ નગમે ગા કર ચલે ગયે
વો ભી એક પલ કા કિસ્સા થે, મૈં ભી એક પલ કા કિસ્સા હૂં
કલ ઔર આયેગે, નગમો કી ખિલતી કલિયાં ચુનને વાલે
મુઝસે બહતર કહને વાલે, તુમસે બહતર સુનને વાલે
કલ કોઈ મુઝકો યાદ કરે, કયું કોઈ મુઝકો યાદ કરે
મસરૂફ જમાના મેરે લિએ, ક્યૂ વક્ત અપના બરબાદ કરે
(પ્રગટ : ‘સુપર હિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 22 નવેમ્બર 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર