જૅસી ઓઅન્સ (૧૯૩૦-૧૯૮૦) સફળ અમૅરિકન રમતવીર હતા, જેમણે ૧૯૩૬માં બર્લિનમાં યોજાએલી ઑલિમ્પિક રમતોમાં ચાર સુવર્ણ ચંદ્રક જીતીને બે વિશ્વ વિક્રમ તોડ્યા હતા. એમનું આ સંસ્મરણ (‘માય ગ્રેટસ્ટ ઑલિમ્પિક પ્રાઈઝ’) રમતગમતમાં અત્યંત જરૂરી ખેલદિલીનો બોધ છે.
°°°
૧૯૩૬નો ઉનાળો હતો. ઑલિમ્પિક રમતો બર્લિનમાં યોજાવવાની હતી. પોતાના ખેલાડીઓ ‘ગુરુવંશ’ના સભ્યો હતા, એવા ઍડૉલ્ફ હિટલરના બાલિશ ઢબના આગ્રહને કારણે રાષ્ટ્રવાદી ભાવના ક્યારે ય નહીં એવી ઊંચાઈએ હતી.
મને આથી કોઈ ખાસ ચિંતા નહોતી. રમતોને ધ્યાનમાં રાખીને મેં ૬ વર્ષ સુધી તાલીમ લીધેલી, પરસેવો પાડેલો અને શિસ્ત કેળવેલું. હોડી વાટે જતી વખતે મારા મનમાં એક જ વિચાર હતો, એક અથવા બે સુવર્ણ ચંદ્રક ઘેર લઈ આવવા હતા. મારી મીટ ખાસ કરીને રનિંગ બ્રૉડ જમ્પ પર હતી. એ વર્ષ પૂર્વે ઓહાઈઓ યુનિવર્સિટીમાં સૉફૉમૉ તરીકે મેં ૨૬ ફૂટ ૮-૧/૪ ઈંચનો વિશ્વવિક્રમ સ્થાપેલો. એ રમતમાં હું જીતું એવી બધાંની અપેક્ષા હતી.
મને આશ્ચર્ય થયું. બ્રૉડ જમ્પની ટ્રાયલનો વખત થયો ત્યારે પ્રૅક્ટિસ માટે એક ઊંચા છોકરાને ખાડામાં લગભગ ૨૬ ફૂટનું અંતર કૂદતા જોઈ હું ચકિત થઈ ગયો! એ લૂસ લૉંગ નામનો જર્મન ખેલાડી હતો. મને જાણવા મળ્યું કે લૉંગ મારફતે કૂદકાની રમત જીતવાની આશાએ હિટલરે એને પડદા પાછળ રાખેલો.
મેં અનુમાન લગાવ્યું કે જો લૉંગ જીતશે તો નાઝીની આર્ય-પ્રભુતાની વિચારધારામાં નવો જોમ ભળશે. આખરે, હું અશ્વેત છું. હિટલરની રીતોને લીધે થોડો ખિન્ન થયો અને નિર્ધાર કર્યો કે રમતના મેદાનમાં જઈને ‘ડફ્યુરર’ અનેએના ગુરુવંશને બતાવી આપવું છે કે કોણ ચઢિયાતું છે અને કોણ નથી.
આવેશમાં ખેલાડી ભૂલ કરી બેસતો હોય છે એવું કોઈ પણ કોચ કહેશે. હું અપવાદ ન હતો. ફાઈનલ રમત માટે લાયક ઠરવાના ત્રણ કૂદકામાંના પ્રથમ કૂદકામાં હું ટેક-ઑફ બોર્ડથી ખાસ્સા ઈંચ દૂરથી કૂદ્યો એટલે ફાઉલ થયો. બીજા કૂદકા વખતે પ્રથમ કૂદકાથી પણ ખરાબ ફાઉલ થયો. “૩,૦૦૦ માઈલ હું આના માટે આવેલો?” કડવાશથી મેં વિચાર્યું. “ટ્રાયલમાં જ ફાઉલ થવાથી બહાર ફેંકાય જાંઉ અને મૂર્ખો ઠરું?”
ખાડાથી થોડે દૂર જઈને મેં તિરસ્કારથી માટીમાં ઠેસ મારી. એકાએક મારા ખભા પર કોઈએ હાથ મૂક્યો. મેં પાછળ ફરીને ઊંચા જર્મન બ્રૉડ જમ્પના ખેલાડીની માયાળુ માંજરી આંખોમાં જોયું. એ પ્રથમ ટ્રાયલમાં જ લાયક ઠરી ગયો હતો. એણે મારી સાથે મક્કમ હસ્તધૂનન કર્યું.
“જૅસી ઓઅન્સ, હું લૂસ લૉંગ છું. આપણે કદાચ મળ્યા નથી.” અંગ્રેજી એ સરસ બોલતો હતો, અલબત્ત થોડી જર્મન છાંટ સાથે.
“મળી આનંદ થયો,” મેં કહ્યું. પછી મારો ગભરાટ છૂપાવવાનો પ્રયત્ન કરતાં ઉમેર્યું, “કેમ છે, તું?”
“મજામાં છું. પ્રશ્ન એ છે કે તું કેમ છે?”
“મતલબ?” મેં સવાલક ર્યો.
“તને અંદરથી કાંઈ કોરી ખાતું હશે,” — અમૅરિકન સ્લૅંગ પર પ્રભુત્વ મેળવેલા વિદેશીઓ જેવો ગર્વ અનુભવે તેવો ગર્વ દાખવીને એ બોલ્યો, “ આંખ મીંચીને તું લાયક ઠરી શકીશ.”
“તું માનશે, મને ખાતરી છે,” મેં એને કહ્યું — કોઈને એવું કહી શકવાથી સારું લાગ્યું.
આગામી થોડી મિનિટો અમે વાતચીત કરી. મને શું ‘કોરી ખાય’ છે એ લૉંગને મેં જણાવ્યું નહીં. પરંતુ એ મારો ગુસ્સો સમજી શક્તો હતો. મને ખાતરી આપવા એણે જહેમત ઉઠાવી. નાઝી ચળવળમાં તાલીમ પામેલો હોવા છતાં જેમ હું નાઝીની આર્ય-ગુરુતાની વિચારધારામાં નહોતો માનતો એમ એ પણ નહોતો માનતો. પરંતુ દેખાવમાં એ અદ્દલ એવો લાગતો હતો એ વાત પર અમે ખૂબ હસ્યા. મારા કરતાં એક ઈંચ ઊંચો, પાતળો સ્નાયુબદ્ધ બાંધો, નિર્મળ ભૂરી આંખો, સોનેરી કેશ અને ધ્યાનાકર્ષક દેખાવડો અને અણિયારો નાકનકશો ધરાવતો હતો. આખરે મને થોડોક ટાઢો પડેલો જોઈ એણે ટેક-ઑફ બોર્ડ તરફ આંગળી ચીંધી.
“જો,” એ બોલ્યો, “બોર્ડથી અમુક ઈંચ પાછળ તું એક લીટી દોરી લે અને ત્યાંથી કૂદકો મારવાનું લક્ષ્ય રાખ. આમ તું ફાઉલ નહીં થાય અને લાયક ઠરવા માટે તારે ખાસ્સું દૂર પણ કૂદવું પડશે. પ્રૅક્ટિસમાં પ્રથમ ક્રમ ના આવ્યો તેથી શું? આવતીકાલનો દેખાવ મહત્ત્વનો છે.”
એના શબ્દોનું સત્ય મને સ્પર્શ્યુ એવો જ મારા શરીરમાંથી બધો તણાવ બહાર વહી ગયો. બોર્ડથી એક ફૂટ પહેલાં મેં લીટી દોરી અને ત્યાંથી કૂદવા તૈયાર થયો. હું લાયક ઠરી શક્યો અને એ પણ લગભગ એક ફૂટના અંતર સાથે.
એ રાત્રે ઑલિમ્પિક ગામમાં હું લૂસ લૉંગનો આભાર માનવા એના ઓરડામાં ગયો. મને ખ્યાલ હતો કે એના લીધે જ હું આવતીકાલની રમત માટે લાયક ઠર્યો હતો. અમે બે કલાક સુધી સાથે બેસી વાતો કરતા રહ્યા — ટ્રેક અને રમતમેદાન વિશે, વિશ્વની પરિસ્થિતિ વિશે અને ડઝન બીજી બાબતો વિશે.
છેવટે જ્યારે હું જવા માટે ઊભો થયો, અમને ખાતરી થઈ ચુકેલી કે અમારી વચ્ચે સાચી મિત્રતા બંધાઈ ચુકી છે. આવતીકાલે લૂસ મને હરાવવાનો પ્રયત્ન કરે એ સ્વાભાવિક હતું. પરંતુ હું જાણતો હતો કે હું મારો સર્વશ્રેષ્ઠ દેખાવ કરું એવું એ ચાહતો હતો. પછી ભલેને હું જીતું એવો અર્થ થાય.
બન્યું એવું કે લૂસે પોતાનો જ વિક્રમ તોડ્યો. આમ કરીને એણે મને વધુ સારો દેખાવ કરવા મજબૂર કર્યો. મને યાદ છે કે મારા અંતિમ કૂદકા પછી — જેથી મેં મારો જ ૨૬ ફૂટ ૫-૫/૧૬ઈંચનો વિક્રમ તોડેલો — એ મારી પડખે મને અભિનંદન પાઠવતો હતો. સો વારથી પણ ઓછા અંતરે પૅવિલિયનમાં બેઠેલા હિટલર અમને તાકી રહ્યા હતા, તેમ છતાં લૂસે મક્કમતાથી મારી સાથે હાથ મિલાવ્યો — એનું હસ્તધૂનન ‘નકલી સ્મિત અનેભગ્નહૃદય’વાળું નહોતું.
નાઓટો તાજીમા, જૅસી ઑઅન્સ તેમ જ લૂસ લાઁગ
મને મળેલા તમામ સુવર્ણ પદકો અને કપ તમે ઓગાળી નાખો તો ય લૂસ લૉંગ પ્રત્યે અનુભવાતી ૨૪ કૅરૅટની મૈત્રી પર ઢોળ ચઢાવી શકાય એમ ન હોતું. મને એ પણ ભાન થયું કે આધુનિક ઑલિમ્પિક રમતોના સ્થાપક પ્યાંડ કૂબાંટાંના મનમાં આ શબ્દો બોલતી વેળાએ શું ચાલતું હશે, “ઑલિમ્પિક રમતોમાં જીત એટલી મહત્ત્વની નથી જેટલો એમાં હિસ્સો લેવો છે. જીવનમાં વિજયી થવા કરતાં બરાબર લડત આપવી અગત્યનું છે.
e.mail : rupaleeburke@yahoo.co.in