રાફેલ વિમાની સોદાની સર્વોચ્ચ અદાલતે તેની નજર હેઠળ તપાસ કરાવવી જોઈએ એવી માગણી કરતી પિિટશન ફગાવી દેતાં સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપતાં કહ્યું હતું કે રાફેલ સોદામાં કાંઈ ખોટું થયું હોય એવું અમારાં ધ્યાનમાં આવ્યું નથી એટલે તપાસ કરવાની જરૂર નથી. કાંઈ ખોટું થયું નથી એવાં તારણ પર અદાલત શેના આધારે પહોંચી? સર્વોચ્ચ અદાલતે તેના ચુકાદાના પચીસમાં ફકરામાં કહ્યું છે કે સોદાના ભાવતાલ અંગેની ચકાસણી કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ(સી.એ.જી.)એ કરી છે, સી.એ.જી.નો અહેવાલ જાહેર હિસાબ સમિતિએ ચકાસ્યો છે, અને તેની સુધારેલી આવૃત્તિ સંસદમાં રજૂ કરવામાં આવી છે એટલે સોદાની આખી પ્રક્રિયા લોકો જોઈ-ચકાસી શકે એમ ખુલ્લી છે.
વારુ. સર્વોચ્ચ અદાલતને કોણે કહ્યું કે સોદાના ભાવતાલની તપાસ સી.એ.જી.એ કરી છે, જાહેર હિસાબ સમિતિએ તેની ચકાસણી કરી લીધી છે અને તેનો સંશોધિત અહેવાલ સંસદમાં પણ રજૂ કરવામાં આવ્યો છે, અને એ રીતે ભાવતાલના નિર્ણયની આખી પ્રક્રિયા પ્રજા જોઈ શકે એવી ઉઘાડી છે? સર્વોચ્ચ અદાલત પોતે કહે છે કે એક બંધ કવરમાં સરકારે અમને આ માહિતી આપી હતી. વાસ્તવમાં સર્વોચ્ચ અદાલતે તપાસ કરવાની માગણી કરતી પિટિશન બે મહિના પહેલાં દાખલ કરી હતી ત્યારે સરકારને આદેશ આપ્યો હતો કે સોદાની વિગતો બંધ કવરમાં અદાલતમાં રજૂ કરવામાં આવે. એના પ્રતિસાદમાં સરકારે ઉક્ત માહિતી બંધ કવરમાં આપી હતી.
અહીં બે સવાલ.
સવાલ પહેલો. સરકારે દાવો કર્યો છે એમ સોદાના ભાવતાલની અને અનિલ અંબાણીના સોદામાં પ્રવેશને લગતી તપાસ સી.એ.જી.એ કરી છે, જાહેર હિસાબ સમિતિએ તેની ચકાસણી કરી લીધી છે, સુધારેલો અહેવાલ સંસદમાં રજૂ કરવામાં આવ્યો છે, પ્રજા જોઈ શકે એમ બધું ખુલ્લું છે, તો બંધ કવરની જરૂર ક્યાં ઊભી થઈ? શું દેશના મુખ્ય ન્યાયમૂર્તિ સહિત સર્વોચ્ચ અદાલતના ત્રણ વિદ્વાન ન્યાયમૂર્તિઓના મનમાં આવો સાદો પ્રશ્ન ઉપસ્થિત ન થયો? શા માટે બંધ કવર જ્યારે કે સરકાર દાવો કરે છે એમ બધું ઉઘાડું છે?
સવાલ બીજો. સરકારની સોદાના ઉઘાડાપણા વિશેની ઉઘાડી દલીલ સામા પક્ષને એટલે કે વાદીને શા માટે આપવામાં ન આવી? પહેલાં તો પારદર્શક સોદાને લગતું એ બંધ પરબીડિયું આખા જગત માટે ખોલી નાખવું જોઈતું હતું, અને જો નહોતું ખોલવું તો વાદીને આપવું જોઈતું હતું અને કહેવું હતું કે ભાઈ, સગી આંખે અને સગી બુદ્ધિએ ખાતરી કરી લો, બધું જ ઉઘાડું હોવાનો સરકાર દાવો કરે છે અને આ રહ્યાં એનાં પ્રમાણો. સર્વોચ્ચ અદાલતે પ્રતિવાદીઓની માગણી છતાં બંધ પરબીડિયું જોવા માટે આપ્યું નહોતું. જેની પ્રજાને જાણ છે, એની જાણ વાદીને શા માટે કરવામાં ન આવી?
દેશની સુરક્ષાના રાષ્ટ્રીય હિત ખાતર. હવે જો દેશની સુરક્ષાનું રાષ્ટ્રીય હિત જાળવવાનું હતું તો સોદાની વિગતો વાયા સી.એ.જી. – જાહેર હિસાબ સમિતિ – સંસદ દ્વારા લોકોને ઉપલબ્ધ શા માટે કરી આપવામાં આવી? બન્ને વાત એક જ સમયે સાચી કઈ રીતે હોઈ શકે? કાં તો સોદો બંધ પરબીડિયામાં સરકાર કહે છે એમ પારદર્શક હોય અને કાં રાષ્ટ્રીય હિત માટે ગોપનીય હોય. વાદીને રાષ્ટ્રીય હિતના નામે સોદાની વિગતોથી વંચિત રાખવામાં આવે અને ચુકાદામાં બધું ઉઘાડું છે એમ કહેવામાં આવે તો આમાં સત્ય શું છે?
સત્ય રાહુલ ગાંધીએ ઉઘાડું પાડ્યું છે. શુક્રવારે ચુકાદો આવ્યો અને એ જ સાંજે રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ બોલાવી. પત્રકાર પરિષદમાં તેમની સાથે લોકસભામાંનાં કૉન્ગ્રેસ સંસદીય પક્ષના નેતા મલિકાર્જુન ખડગે બેઠા હતા. રાહુલ ગાંધીએ પત્રકારોને કહ્યું હતું કે સરકારે અદાલતમાં ખોટી રજૂઆત કરી છે અને અદાલતને ગેરમાર્ગે દોરી છે. એ પછી તેમણે સરકારને અને અદાલતના ચુકાદાને પડકારતા કહ્યું હતું કે ‘હું રેકોર્ડ પર કહું છું કે રાફેલ સોદામાં ભ્રષ્ટાચાર થયો છે અને ચોકીદાર ચોર છે, એટલું જ નહીં હું સાબિત કરવા તૈયાર છું.’ સર્વોચ્ચ અદાલતના ચુકાદા પછી પણ રાહુલ ગાંધીનો પડકારનારો મિજાજ જોઇને પત્રકારોને આશ્ચર્ય થયું હતું.
પત્રકારોએ જ્યારે સર્વોચ્ચ અદાલતના ચુકાદાનો આશ્રય લીધો ત્યારે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કાયદા મુજબ સી.એ.જી. તેણે કરેલા ઓડિટિંગનો અહેવાલ જાહેર હિસાબ સમિતિને સુપરત કરે છે, અને તે તેની ચકાસણી કરે છે. બંધ પરબીડિયામાં સરકારે પણ આવો જ દાવો કર્યો છે અને સર્વોચ્ચ અદાલતે સરકારના દાવાને ગ્રાહ્ય રાખ્યો છે. એ પછી તેમણે કહ્યું હતું કે મારી બાજુમાં જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ મલિકાર્જુન ખડગે બેઠા છે. તેમને પૂછી જુઓ કે રાફેલ સોદાની ચકાસણીનો સી.એ.જી.નો અહેવાલ જાહેર હિસાબ સમિતિને મળ્યો છે? મલિકાર્જુન ખડગે જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ છે. મલિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે સી.એ.જી.એ કોઈ અહેવાલ રજૂ કર્યો નથી, એટલે તેની ચકાસણી કરવાનો, તેમાં ફેરફાર કરવાનો કે સુધારવાનો અને સંસદમાં રજૂ કરવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે લોકસભાના સ્પીકર, કે સરકાર કે પછી સર્વોચ્ચ અદાલત જો તેઓ ખોટું બોલતા હોય તો તેમની સામે કાનૂની કારવાઈ કરી શકે છે.
રાહુલ ગાંધીની પત્રકાર પરિષદ પછી જાહેર હિસાબ સમિતિના બીજા સભ્યોએ પણ કહ્યું હતું કે સી.એ.જી.એ કોઈ અહેવાલ અમને આપ્યો નથી અને એવો કોઈ અહેવાલ અમે જોયો નથી. દરમિયાન ગોદી મીડિયા ક્લીન ચીટનો જયજયકાર કરી રહ્યા હતા, પણ દેશમાં પંદર-વીસ પત્રકારો એવા છે જે વેચાતા નથી અને ડરતા નથી. તેમણે સી.એ.જી. પાસેથી ખુલાસો માગ્યો હતો અને સી.એ.જી.એ કહેવું પડ્યું હતું કે તેણે રાફેલ સોદાની તપાસ કરી જ નથી. એની ચકાસણી આવતા વરસમાં કરવામાં આવશે. શા માટે? રાફેલનો સોદો ચાલુ નાણાકીય વરસમાં થયેલો નથી કે જેની તપાસ આવતા નાણાકીય વરસમાં કરવામાં આવે. પણ એ વાત જવા દો.
સવાલ એ છે કે પેલા બંધ પરબીડિયામાં સરકારે જે રજૂઆત કરી એ સાફ જૂઠાણું હતું. કેન્દ્ર સરકારે દેશની સર્વોચ્ચ અદાલત સમક્ષ ખોટી રજૂઆત કરી હતી. અત્યારના શાસકો જૂઠાણા માટે ખ્યાતિ ધરાવે છે, પણ સર્વોચ્ચ અદાલતમાં પણ ગપ? આટલી હિંમત? આશ્ચર્ય એ વાતનું છે કે સર્વોચ્ચ અદાલતે એ જૂઠાણું ગ્રાહ્ય રાખ્યું હતું. ત્રણ ત્રણ વિદ્વાન ન્યાયમૂર્તિઓને એવો પ્રશ્ન નહોતો થયો કે જ્યારે સોદાની વિગતો પબ્લિક ડોમેનમાં (દરેક જોઈ શકે એમ ખુલ્લી) હોવાનો દાવો કરવામાં આવે છે તો હવે પરબીડિયાને બંધ રાખવાની જરૂર શું છે અને વાદીઓને આપવામાં વાધો શું છે? જો વાદીઓને પરબીડિયાની વિગતો આપી હોત તો તેમણે સર્વોચ્ચ અદાલતમાં જ વટાણા વેરી દીધા હોત.
શુક્રવાર સાંજ સુધીમાં સરકારને સમજાઈ ગયું કે જૂઠાણું ભારે પડી શકે એમ છે. બી.જે.પી.ના અધ્યક્ષ સર્વોચ્ચ અદાલતના સબરીમાલાના ચુકાદાનો આદર કરવાની ના પાડે, ચુકાદાની ઐસીતૈસી કરવાની લોકોને સલાહ આપે એના તરફ તો સર્વોચ્ચ અદાલતે આંખ આડા કાન કર્યા છે, પરંતુ સરકાર સર્વોચ્ચ અદાલતમાં હડહડતું જૂઠ બોલે, સાવ ખોટી રજૂઆત કરે એને સર્વોચ્ચ અદાલત ગંભીરતાથી લેશે તો? વધારે મોડું થાય એ પહેલાં સરકારે સર્વોચ્ચ અદાલતમાં ચુકાદામાં સુધારાની અરજી કરી છે. જુઓ ફલાણું વાક્ય આમ હોવું જોઈએ. આમ લખવાથી આવો ખોટો અર્થ નીકળે છે, વગેરે. એટલે તો રવિવારનાં કેટલાંક અંગ્રેજી અખબારોમાં મથાળાં હતાં કે કેન્દ્ર સરકારે સર્વોચ્ચ અદાલતને ખોટો નિબંધ પકડાવ્યા પછી હવે ગદ્ય સુધારીને વ્યાકરણ શીખવાડવામાં કામમાં લાગી છે.
સાલી હિંમતને તો દાદ આપવી પડે! આટલી ક્રેડિટ તો આપવી જ જોઈએ. આઝાદી દિન જેવા પવિત્ર દિવસે લાલ કિલ્લા પરથી દેશના વડા પ્રધાન એક ડઝન જૂઠ બોલી શકે અને સર્વોચ્ચ અદાલતને જૂઠ પકડાવી શકે એ કોઈ કાચાપોચાનું કામ છે? એને માટે ૫૬ ઈંચની છાતીની જરૂર પડતી હોય છે. દરમિયાન મુખ્ય ન્યાયમૂર્તિ રાજન ગોગોઈ વિદેશપ્રવાસે ગયા છે અને તેઓ પંદર દિવસ પછી પાછા ફરશે. ચુકાદો આપનારી ત્રણ જજોની બેન્ચમાં તેઓ પણ હતા. સરકારનું જૂઠાણું એની જગ્યાએ, પણ સર્વોચ્ચ અદાલતે પણ ઉપર કહી એ બાબતે અને હજુ બીજા ખુલાસા કરવા પડે એમ છે.
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 17 ડિસેમ્બર 2018