ચાલ, બસ એવું કશું કરીએ હવે,
આપણે આપણામાં વિસ્તરીએ હવે.
હેડકી એને ય હો આવી રહી;
કોઈ ભૂલ્યા જણને સાંભરીએ હવે.
વૃક્ષ કેરી સાવ સૂકી ડાળ પર
પર્ણ લીલું થઈને ફરફરીએ હવે.
ભીતરી રણને સતત ભૂલી જવા
ઘાસિયા મેદાનમાં ફરીએ હવે.
વૃક્ષતા પામ્યા પછીની છે ફરજ,
રણ મહીં લીલાશ પાથરીએ હવે!
આ ધરાની સાવ કોરી આંખમાં
શ્રાવણી આકાશ ચીતરીએ હવે!
મહુવા, જિ. ભાવનગર
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2018; પૃ. 09