વિશ્વવિખ્યાત કૃષિવિજ્ઞાની સ્વામીનાથન્ના કમિશનને તેનો અહેવાલ રજૂ કર્યે બાર વર્ષ થયાં તેની ભલામણોના અમલની વાત તો બાજુ પર પણ સરકારોએ, તેને સંસદમાં ચર્ચા માટે પણ મુક્યો નથી.
વિધાનસભાઓની તાજેતરની ચૂંટણીમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પક્ષ(ભા.જ.પ.)ની હારનું એક મુખ્ય કારણ ખેતીની દુર્દશાને ગણવામાં આવ્યું છે. હમણાં સાત મહિના પહેલાં એટલે કે મે મહિનાના આખરે રાજસ્થાનનાં કોટાની આસપાસનાં વિસ્તારમાં પાંચ ખેડૂતોએ, ડુંગળીના બંપર પાક પછી, વાજબી ભાવ ન મળતાં આપઘાત કર્યો હતો. ઑગસ્ટમાં એક ખેડૂતે આર્થિક પરિસ્થિતિ કફોડી થતાં જિંદગી ટૂંકાવી હતી. મધ્યપ્રદેશમાં બે વર્ષ પૂર્વે એટલે કે 2016માં દર આઠ કલાકે એક ખેડૂતની આત્મહત્યા નોંધાઈ હોવાની માહિતી કેન્દ્રના રાજ્ય કક્ષાના પંચાયતી રાજ, કૃષિ અને ખેડૂત કલ્યાણ ખાતાના મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ માર્ચ મહિનામાં લોકસભામાં આપી હતી. આમાંથી ઘણાં મોત જે માળવા-નિમાડ પંથકમાં થયા છે ત્યાં કૉન્ગ્રેસે 61માંથી 23 બેઠકો પર જીત મેળવી છે. આ પહેલાંની ચૂંટણીઓમાં અહીં કૉન્ગ્રેસની માત્ર 8 બેઠકો હતી. બાર જિલ્લાને આવરી લેતાં પશ્ચિમ મધ્ય પ્રદેશના માળવા-નિમાડમાં મંદસૌર જિલ્લો પણ આવી જાય છે. મંદસૌરમાં પાંચમી જૂન 2017ના રોજ ખેડૂતોએ પાકના ભાવની માગણી માટે કાઢેલી રેલી પર પોલીસે કરેલા ગોળીબારમાં છ કિસાનોનાં મોત થયાં હતાં. વક્રતા એ છે કે આ જ મંદસૌર જિલ્લાની ત્રણેય બેઠકો ભા.જ.પ. પાસે જ રહી છે. પૂર્વ રાજસ્થાનના હડૌતી પંથકમાં કૉન્ગ્રેસે 17માંથી 7 બેઠકો જીતી છે. અહીં અત્યાર સુધી કૉન્ગ્રેસની એક જ બેઠક હતી. આ વિસ્તારમાં લસણના બમ્પર પાક છતાં સરકારે તે ખરીદવાની પોતાની મુદ્દત ન વધારતાં ખેડૂતો હાલાકીમાં આવી ગયા હતા. છત્તીસઢમાં ડિસેમ્બરના અંત સુધીના અઢી વર્ષમાં તેરસો જેટલા ખેડૂતોએ આપઘાત કર્યા હતા. રાજ્ય સરકારે ખેડૂતોના અસંતોષને ખાળવા સપ્ટેમ્બરમાં ડાંગર પર ક્વિન્ટલ દીઠ ત્રણસો રૂપિયાનું બોનસ જાહેર કર્યું હતું.
ગયા મહિનાની આખરે દિલ્હીમાં કિસાન-મુક્તિ કૂચમાં રાજસ્થાન અને મધ્ય પ્રદેશના ખેડૂતો પણ હતા. તેમાંથી ઘણાં એવા હતા કે જે મતદાન કરીને તરત જ રેલીમાં જોડાવા દિલ્હી તરફ રવાના થયા હોય. એ કૂચના કવરેજમાં ખેડૂતોની જે માગણીઓ હતી તેમાં સર્વત્ર એક માગણી વારંવાર જોવા-સાંભળવા મળતી હતી. રેલીમાં ચાલી રહેલા કિસાનો ટેલિવિઝન પરની બાઇટમાં પોતપોતાની ભાષામાં અને લહેકામાં વાત કરતા હતા. તેમાં ઓછામાં ઓછું એટલું તો સમજાતું હતું કે તેઓ સ્વામીનાથન્ કમિશનની ભલામણોના અમલની માગણી કરી રહ્યા છે.
મનમોહન સિંગની આગેવાની હેઠળની સરકારે નવેમ્બર 2004માં વિશ્વવિખ્યાત કૃષિવિજ્ઞાની એમ.એસ. સ્વામીનાથનના અધ્યક્ષપદે નૅશનલ ફાર્મર્સ કમિશનની રચના કરી. તેનો હેતુ દેશમાં ખેતી પર આવી પડેલી આપત્તિનો ઉકેલ લાવવાનો હતો. ખેતીમાં નજીવી આવકને કારણે અનેક રાજ્યોમાં સેંકડો ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. વિરલ પત્રકાર પી. સાઈનાથના અભ્યાસ મુજબ 1997 થી 2005 દરમિયાન ભારતમાં દર અરધા કલાકમાં એક ખેડૂતે જિંદગી ટૂંકાવી હતી. આ કટોકટીમાં સ્વામીનાથન્ આયોગે તેનો પહેલો અહેવાલ ડિસેમ્બર 2004માં અને પાંચમો (અને અત્યાર સુધીમાં) આખરી અહેવાલ ઑક્ટોબર 2006માં આપ્યો.
સ્વામીનાથન્ અહેવાલની ભલામણોમાં સહુથી જાણીતી ભલામણ ખેડૂતને ખેતીના ઉત્પાદન ખર્ચ કરતાં પચાસ ટકા વધારે ભાવ આપવા અંગેની છે. જો કે, ખેડૂત-આપઘાતો અટકાવવા અંગે પણ આયોગે ગંભીર વિચારણા કરી છે. તે સૂચવે છે કે સરકારે નૅશનલ રુરલ હેલ્થ મિશનને આત્મહત્યાનું ઊંચું પ્રમાણ ધરાવતાં પંથકોમાં સત્વરે વિસ્તારવું જોઈએ. વળી, ગામડાંના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર પોષાઈ શકે તેવો સ્વાસ્થ્ય વીમો મળી રહે તો પણ પરિસ્થિતિમાં ફેર પડી શકે. આજિવિકા માટે પૈસા મળી રહે તેવી માઇક્રો-ફાઇનાન્સ પૉલિસી અને ઘડપણમાં સ્વાસ્થ્ય વીમા સહિતનો ટેકો રહે તેવી સામાજિક સુરક્ષા નીતિ પણ મહત્ત્વનો ભાગ ભજવી શકે. જળસંચય અને પાણીના વિકેન્દ્રીત ઉપયોગ માટેની યોજનાઓ અને ખેડૂત પ્રતિનિધિઓ સાથેના રાજ્ય કૃષિ આયોગની સક્રિયતા પર પણ આયોગ ભાર મૂકે છે.
કમિશને જમીન નીતિ સુધારણા(લૅન્ડ રિફૉર્મ્સ)ને પણ ઘણું મહત્ત્વ આપ્યું છે. તેના મતે ખેડૂતોને ખેતી અને પશુપાલન બંને માટે જમીન મળે તે જરૂરી છે. જમીનની માલિકી અને વહેંચણીમાં દેશમાં અત્યારે બહુ અસમાનતા છે તે દૂર કરવા માટે વધારાની અને પડતર જમીનો ખેડૂતોને આપી દેવી જોઈએ એમ આયોગ માને છે. એટલું જ નહીં, તે એમ પણ જણાવે છે કે ખેતી અને જંગલની જમીન કૉર્પોરેટ સેક્ટરને ખેતી સિવાયના ઉપયોગ માટે ન આપવી જોઈએ. આદિવાસીઓ અને પશુપાલન પર નભતા સમૂહોને જમીન પર ચરિયાણ માટે અને મોસમ પ્રમાણે ખેતી માટે અધિકાર આપવા જોઈએ. તદુપરાંત તેમના માટે સામૂહિક સંપત્તિ સંસાધનો (કૉમન પ્રૉપર્ટી સિસોર્સેસ) સુલભ બનાવવાં જોઈએ. આયોગે નૅશનલ લૅન્ડ યુઝ એડવાઇઝરી સર્વીસની રચનાની પણ ભલામણ કરી છે. આ એજન્સીનું કામ પર્યાવરણ, હવામાન અને બજારનાં પરિબળોને ધ્યાનમાં રાખીને જમીનના ઉપયોગનો નિર્ણય લેવા અંગેનાં સૂચનો કરવાનું રહે છે.
ખેડૂતોને સિંચાઈનું પાણી લાંબા ગાળા માટે અને એક સરખા પ્રમાણમાં મળે તેવી આયોગની ભલામણ છે. આયોગે સારી સિંચાઈ માટે જે માર્ગો સૂચવ્યા છે તેમાં અંદાજપત્રમાં વધુ રકમની ફાળવણી, વરસાદી પાણીનો સંચય, એક્વિફર્સ(ખડક-પડ થકી જળસંચય પદ્ધતિ)ને ફરજિયાત બનાવીને પાણીના સ્તરનાં રિચાર્જિન્ગ અને ‘મિલિયન વેલ્સ રિચાર્જ પ્રોગ્રામ’નો સમાવેશ થાય છે. આયોગની દૃષ્ટિએ ઉત્પાદકતામાં વધારા માટે સરકારે ખેતી સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જાહેર મૂડીરોકાણમાં મોટા પાયે વધારો કરવો જોઈએ.
આ માળખાગત સુવિધાઓમાં સિંચાઈ, જળસંચય, જમીનની ગુણવત્તા સુધારણા, કૃષિ સંશોધન અને રસ્તા બાંધકામ જેવી બાબતોનો સમાવેશ થાય છે. જમીનની ગુણવત્તાના અભ્યાસ માટે જમીન ચકાસણી પ્રયોગશાળાઓ સૉઇલ ટેસ્ટિન્ગ લૅબોરેટરિઝનું નેટવર્ક ઊભું કરવું જોઈએ. ધીરાણ અને વીમાની બાબતમાં આયોગ ફૉર્મલ ક્રેડિટ સિસ્ટમના વ્યાપમાં વધારો, પાક માટેનાં ધીરાણનો 4% વ્યાજ દર અને દેવાની વસુલાત પર રોક લગાવવાની ભલામણ કરે છે. ઉપરાંત મહિલા ખેડૂતો માટે કિસાન ક્રેડિટ કાર્ડસ, પાક-પશુધન-ખેડૂતના સ્વાસ્થ્ય માટેની સંકલિત વીમા યોજના, બધા પાક માટે ઓછા પ્રિમિયમવાળી વીમા યોજનાનાં સૂચનો પણ આયોગે કર્યાં છે.
અન્ન સુરક્ષા માટે આયોગની ભલામણો આ મુજબ છે: સાર્વત્રિક જાહેર અન્ન પૂરવઠો, ન્યુટ્રિશન સપોર્ટ પ્રોગ્ર્રામનું પંચાયતો તેમ જ સ્થાનિક સંસ્થાઓ થકી અમલીકરણ, મહિલાઓના સેલ્ફ-હેલ્પ ગ્રુપ દ્બારા ચલાવવામાં આવતી સામૂહિક અન્ન અને પાણી બેન્ક, ફૂડ ફોર વર્ક અને એમ્પ્લૉયમેન્ટ ગૅરેન્ટી પ્રોગ્રામ જેવી બાબતો સાથેના નૅશનલ ફૂડ ગૅરેન્ટી ઍક્ટની રચના.
સ્વામીનાથન્ કમિશનને તેનો અહેવાલ રજૂ કર્યે બાર વર્ષ થયાં. તેની ભલામણોના અમલની વાત તો બાજુ પર, પણ સરકારોએ તેને સંસદમાં ચર્ચા માટે પણ મૂક્યો નથી. કિસાન કૂચે સંસદમાં ખેતીના પ્રશ્ને એકવીસ દિવસના ખાસ સત્રનો પ્રસ્તાવ મૂક્યો તેમાં પહેલાં જ ત્રણ દિવસ સ્વામીનાથન્ આયોગના અહેવાલની ચર્ચા માટે વિચાર્યા હતા. તાજેતરનાં વિધાનસભાનાં ચૂંટણી પરિણામોને પગલે, ભા.જ.પ.ની કેન્દ્ર સરકાર લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં લઈને બ્લૅન્કેટ લોન વેઇવર અર્થાત્ પૂરેપૂરી લોન માફી જાહેર કરે તેવી શક્યતાઓ ચર્ચાઈ રહી છે. જો કે એ તો માત્ર મલમપટ્ટી જ હશે. ડૉ. સ્વામીનાથને તો રોગને ધરમૂળથી નાબૂદ કરવા માટેનું પ્રિસ્ક્રિપ્શન આપ્યું છે.
********
13 ડિસેમ્બર 2018
સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 15 ડિસેમ્બર 2018