પ્રિય પ્રકાશભાઈ,
અત્યારે ગુજરાતી સાહિત્યજગતમાં સ્વાયત્તતાના નામનો જાણે કે સોપો પડી ગયો છે. સ્વાયત્તતા આંદોલન ક્યાં અદૃશ્ય થઈ ગયું? કે … પછી સ્વાયત્તતા વિના જીવવાની કે સ્વાયત્તતાની એસીતેસી કરી ખુલ્લે આમ સ્વાયત્તતા છોડીને સ્વાયત્તતા વગર મહાલવાની એક મોસમ બેઠી હોય એવું લાગી રહ્યું છે.
ક્યારેક સ્વાયત્તતાની હાસ્યાસ્પદ વ્યાખ્યા કરતાં એવું તર્કહીન વિધાન પણ થાય છે કે ચૂંટાયેલી લોકશાહી સરકાર છે, જે એ કાંઈ કરે છે તે સ્વાયત્ત જ છે. જોવાય છે કે એક પછી એક સ્વાયત્ત સંસ્થાઓનું ધીમે-ધીમે નિગહણ થઈ રહ્યું છે.
એક વાર મનેકમને સ્વાયત્તતા-આંદોલન સાથે જોડનારા મિત્રો પણ અસ્વાયત્ત-સમારંભોમાં મહાલતા થઈ ગયા છે કદાચ ‘સ્વાયત્તતા’ જેવો શબ્દ ગુજરાતી સાહિત્યમાં પરાયો અને અળખામણો બની ગયો છે.
સાહિત્ય પૂર્વજોએ રળેલું ધૂળધાણી થઈ રહ્યું છે. અને ઠંડેકલેજે મૂલ્યોના હ્રાસ પર ઉત્સવો અને સમાંરભો થતા રહે છે. સાહિત્યકારો મહાલતા રહે છે. મૂલ્યવિસ્તરણ સાથે એક પ્રકારની નફ્ફટાઈ વાતાવરણમાં ઊતરી આવે છે. સ્વાયત્તતાના અવસાન પર બમણા વેગે સાહિત્યકારો જયાફત ઉડાવી રહ્યા છે. આ દૃશ્ય ગુજરાતી સાહિત્યજગતના ભવિષ્ય માટે કરાયું છે.
ગુજરાતી સાહિત્યનો આ યુગનો આ સૌથી મોટો હ્રાસ છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2018; પૃ. 03