રસીને મામલે લોકો ને સરકાર અટવાયાં કરે છે. એક વાત સ્પષ્ટ છે કે સરકારો ગમે એટલી ડંફાસ મારે, પણ પૂરતી સંખ્યામાં રસીના ડોઝ નથી જ. રસીના ડોઝનો ઓર્ડર ભારતની સિરમ ઈન્સ્ટિટ્યૂટને આપવામાં ઢીલ દાખવાઈ અને જરૂરી ડોઝનો ઓર્ડર અન્ય દેશોને આપવાનું પણ બન્યું નહીં. રસીનું વધુ કંપનીઓ દ્વારા ઉત્પાદન કરાવી શકાયું હોત, એટલો સમય પણ હતો, પણ એ દિશામાં સરકાર બહુ મોડી પ્રવૃત્ત થઈ. અન્ય દેશો પાસેથી રસી મેળવવાને બદલે કરોડો ડોઝ પ્રોટોકોલને નામે બીજા દેશોને આપી દેવાયા. રશિયાથી હૈદરાબાદ સ્પુટનિક રસીના 90,000 ડોઝ છેક હમણાં હૈદરાબાદ આવ્યા છે, તે દરિયામાં ખસખસ જેવા છે. અમેરિકાથી ફાયઝર કંપનીની રસીનો ડોઝ ભારત મોકલવાની વાત હતી તેનું પણ મગનું નામ મરી પડ્યું નથી.
વિકસિત સાત દેશોનું ગ્રૂપ G7 અત્યારે ચર્ચામાં છે. આ દેશોએ 100 કરોડ રસીના ડોઝ દુનિયાને આપવાની વાત કરી છે. બ્રિટન 10 કરોડ ડોઝ આપશે. અમેરિકા 50 કરોડ ને ફ્રાંસ 3 કરોડ ડોઝ આપશે. બાકીના બીજા દેશો આપશે. આ 100 કરોડ ડોઝ પણ અપૂરતા છે. સાચું તો એ છે કે આ જાહેરાત ખોટી કરકસરનો નમૂનો છે. ઉદાહરણ તરીકે બ્રિટન પાસે તેની પૂરી વસતિને અપાઈ રહે તે પછી પણ પાંચ ગણી રસીના ડોઝ વધારાના છે, પણ તે આપવા તૈયાર નથી. પશ્ચિમી દેશોને અત્યારે બધા દેશોનું સમર્થન સાંપડે એમ છે, એવે વખતે અમેરિકા, બ્રિટન રસી આપવામાં કરકસર કરે તો બીજા દેશો રશિયા અને ચીનના પ્રભાવમાં આવી શકે. એટલે અંશે લોકશાહી નબળી પડે ને એટલો સરમુખત્યારી પ્રભાવ વધે એમ બને. ખરેખર તો અમેરિકા, બ્રિટન જેવા દેશોએ રસીના જરૂરી ડોઝ આપીને લોકશાહી દેશો વધુ સંગઠિત છે એની પ્રતીતિ જગતને કરાવવી જોઈએ, તેને બદલે રશિયા કે ચીન લોકશાહી દેશોમાં વધુ છીંડાં પાડી શકે એવી તકો સામેથી પૂરી પાડવામાં આવે છે. રસીની માંગ શ્રીલંકાએ ભારત પાસે કરી, પણ ભારત પોતે કોરોનાની બીજી લહેરમાં સપડાયું હતું એટલે એ મદદ થઈ ન શકી. શ્રીલંકાને ભારતે મદદ કરી હોત તો ફરી મૈત્રી સંબંધો વિકસી શક્યા હોત, પણ તે તક ન રહી ને શ્રીલંકાએ ચીનને શરણે જવું પડ્યું ને એમ ચીનને શ્રીલંકા પર વર્ચસ્વ જમાવવાની વધુ એક તક મળી ગઈ. પરિણામ એ આવ્યું કે મદદનાં બદલામાં ભાડાપટ્ટે આપેલું એક બંદર શ્રીલંકાએ ચીનને વેચી દેવું પડ્યું. રશિયા અને ચીન રસીની મદદ કરીને નાના દેશો પર પોતાની સત્તા વધારવાની પેરવીમાં પડ્યા છે, જ્યારે અમેરિકા, ઇંગ્લેન્ડ જેવા દેશો રસીની કંજૂસાઈ કરીને લોકશાહીનો પ્રભાવ ઘટાડી રહ્યા છે.
ભારતની વાત કરીએ તો તેની પાસે રસી પૂરતી માત્રામાં નથી જ ને રસી અનિવાર્ય છે એવું બધા મોબાઈલ કાન કોતરી કોતરીને કહે છે, પણ હકીકત એ છે કે રસી બધાંને પહોંચતી નથી. એમ પણ લાગે છે કે રસી લેનાર કે આપનારમાંથી કોઈ ગંભીર નથી. એક તરફ યુ.પી.માં કોરોના માતાનું મંદિર બને છે, ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી ત્રીજી લહેર ન આવે તે માટે બાધા લે છે, તો બીજી તરફ આદિવાસી વિસ્તારોમાં કોઈ રસી મુકાવવા તૈયાર નથી. તેમનું કહેવું છે કે અમને કૈં થયું જ નથી તો રસી શું કામ મુકાવવાની? ધારો કે બધાં જ રસી મુકાવવા તૈયાર થાય તો સરકાર પાસે એટલી રસી જ નથી કે બધે પહોંચી વળે.
એક તબક્કે લોકો રસી મુકાવવા જ તૈયાર ન હતાં. એ બધાં રસી મુકાવવા રાજી થાય એટલે મંત્રીઓએ અને સેલિબ્રિટીઓએ રસી મુકાવી ને તે જોઈને લોકોને રસીમાં ભરોસો પડ્યો ને રસી મુકાવવા તૈયાર થયાં. સિનિયર્સને કોરોનાનું વધુ જોખમ છે એવું લાગતાં 60+ને પહેલાં રસી આપવાનું શરૂ થયું. તેમનું એઈજ ગ્રૂપ પૂરું થાય તે પહેલાં 45+ને રસી આપવાનું શરૂ કરી દેવાયું. તેનું ઠેકાણે પડે તે પહેલાં 18+ ને રસી આપવાનું ચાલ્યું. તે ઉપરાંત નાની ઉંમરનાં બાળકો પર પણ રસીની ટ્રાયલનો પ્રયોગ થયો. એનું શું પરિણામ આવ્યું તેની ખબર નથી. પૂરતી માત્રામાં રસીઓના ડોઝ હતાં જ નહીં ને બધી ઉંમરના લોકોને રસી આપવાનો ખેલ ચાલ્યો એમાં કોઈ એક એઈજ ગ્રૂપને રસીના બંને ડોઝ પૂરા પડ્યા નહીં ને ઘણાં તો રસીના એક ડોઝ સુધી પણ પહોંચ્યા નહીં. સરકાર એમ માનીને ચાલે છે કે ડિસેમ્બર સુધીમાં રસીકરણ પૂરું થઈ જશે. અત્યાર સુધીમાં વીસેક કરોડને રસી અપાઈ ચૂકી હોવાની વાતો ચાલે છે એ સાચી માનીએ તો આ રસીકરણ 15 ટકા થયેલું પણ ન ગણાય, તેમાં ય ઘણાંને રસીના બે ડોઝ પણ પૂરા અપાયા નથી. ગુજરાત રસીકરણમાં દેશમાં ત્રીજા નંબરે છે. ખરેખર તો આવી હોડ બકવામાં ખોટું ઘણું થાય છે. ટાર્ગેટ મહત્ત્વના બની જાય છે ને મૂળ વાત બાજુ પર મુકાઈ જાય છે. સૌરાષ્ટ્રમાં કોરોનાના ટેસ્ટ કરવામાં એવું બન્યું કે ટાર્ગેટ પૂરો કરવામાં ટેસ્ટ થયા નહીં ને એને કારણે કેસમાં ઘટાડો બતાવાયો. રોગ, રસી અને ટેસ્ટને મામલે ઘણી જગ્યાએ ઘણી ગરબડો થઈ છે ને ઘણાંને એની ગંભીરતા જ હૈયે વસતી નથી તે દુખદ છે. એક તરફ કરોડો ડોઝ આવી રહ્યાના બણગાં ફૂંકાય છે, પણ ઘણી જગ્યાએ ઘણાં રસી મુકાવ્યા વગર જ પાછાં ફરે છે. તંત્રો આંધળો પ્રચાર કરતાં રહે છે કે રસી મુકાવો, પણ હકીકત એ છે કે રસી પૂરતી માત્રામાં નથી જ નથી.
ગમ્મત એ છે કે બે ડોઝ વચ્ચેનો ગાળો ખરેખર કેટલો હોવો જોઈએ એ અંગે કોઈ ચોક્કસ માહિતી નથી. પહેલાં એ ગાળો 28 દિવસનો હતો જે વધીને 90 દિવસનો થયો છે. 28 દિવસનો ગાળો 90 દિવસનો કેમ થયો એનું ચોક્કસ કારણ અપાતું નથી. ઘણાંનું કહેવું છે કે ગાળો વધવાથી ઇમ્યુનિટી વધશે. લાગે છે તો એવું કે રસી ઓછી છે એટલે ગાળો વધ્યો છે. 90 દિવસથી વધુ ગાળો હોય તો ઇમ્યુનિટી વધુ વધે એવું ખરું કે કેમ? તો એવું બને કે ગાળો વધતો જ રહે ને બીજા ડોઝનો વારો આવે જ નહીં. અમેરિકાએ સ્પષ્ટતા કરી છે કે 90 દિવસનો ગાળો ઇમ્યુનિટી વધારે એ વાતમાં તથ્ય નથી. અમેરિકાએ બે ડોઝ વચ્ચેનો ગાળો 28 નહીં, પણ 21 દિવસનો જ રાખ્યો છે. એમ બને કે 90 દિવસનો ગાળો પહેલા ડોઝને પણ બેઅસર કરે ને અપાયેલી રસીનો કોઈ અર્થ જ ન રહે. સરકાર રસીકરણને બહુ લાઇટલી લઈ રહી છે. ડોક્ટરો પણ સાચું કહેતા નથી અથવા તો સરકારની ભાષા બોલે છે. આ ઠીક નથી. કોરોનાને કારણે લાખો લોકોના જીવ ગયા છે. હવે તમામ સ્તરે રમત બંધ થવી જોઈએ. કોરોનાનું જોર નરમ પડ્યું છે એ ખરું, પણ ત્રીજી લહેરનું જોખમ તોળાઈ રહ્યું છે, એમાં રસીકરણ અંગેની બેદરકારી જોખમ વધારશે. બે રસી વચ્ચેનો ગાળો ખરેખર કેટલો હોવો જોઈએ એનો પ્રમાણિક ખુલાસો થવો જોઈએ.
બીજી અપ્રમાણિકતા રસીના મિક્સિંગ અંગેની છે. ભારતમાં બે રસી ખપમાં લેવાઈ રહી છે. એક કોવિશિલ્ડ અને બીજી કોવેક્સિન. શરૂઆતમાં 60+ને રસી મુકાઈ તે કોવિશિલ્ડ હતી. બીજી રસી ત્યારે ન હતી. એટલે ઘણાને બંને ડોઝ કોવિશિલ્ડના જ અપાયા. પછી આવી કોવેક્સિન. રસીની તંગી વચ્ચે એવું થયું કે કોવિશિલ્ડ મુકાયા પછી બીજો ડોઝ પણ એનો જ આપવાનો હતો, તેને બદલે કોવેક્સિનનો અપાયો. આવું ઘણા કિસ્સામાં બન્યું. અમેરિકામાં પણ રસીના મિક્સિંગ અંગે કોઈ સ્પષ્ટતા નથી. કેટલાકનું માનવું હતું કે રસીનું મિક્સિંગ લાભદાયી છે. એનાથી ઇમ્યુનિટી વધે છે, પણ કોઈ ચોક્કસ પરીક્ષણ વગર જ આમ કહેવાતું હતું, એટલે યોગ્ય પરીક્ષણ વગર રસીનાં મિક્સિંગની વાત પડતી મુકાઈ. ભારતમાં એક જ વ્યક્તિને જુદી જુદી રસી અપાઈ ચૂક્યા પછી હવે પરીક્ષણ કરવાની વાત ચાલે છે. આ મુદ્દે નિષ્ણાતો એ વાતે રાજી છે કે કોઈને રસીનાં મિક્સિંગથી મુશ્કેલી નથી થઈ. થઈ હોત તો એમનું શું કાઢી લીધું હોત તે નથી ખબર પણ, આ સારું નથી. સારું છે કે કોઈ વિપરીત પરિણામો આવ્યાં નથી, પણ કશી ચોકસાઈ વગર લોકો જોડે આવી રમત તો ન રમાયને ! બને કે રસીનાં મિક્સિંગથી ઇમ્યુનિટી વધે, પણ એ પણ પરીક્ષણ વગર તો કેમ કહેવાય? અન્ય દેશો કરતાં આપણું આરોગ્યતંત્ર ઘણું બેદરકાર છે. સરકાર બધે તો ન ઊભી રહે ને ! રસીનું મિક્સિંગ કરીને લોકોના જીવને જોખમમાં મૂકવાનું સરકાર કહે છે? ટેસ્ટ કર્યા વગર જ હજારો લોકોની યાદી કરી ટાર્ગેટ પૂરો કરવાનું સરકારે કહ્યું છે? એમ કરીને અનેકોની જિંદગી જોડે રમત કરનારા આપણાં જ માણસો છે. એ આપણાં જ માણસો છે જે દવાઓના કાળાંબજાર કરે છે ને જવાબ સરકારે આપવાનો થાય છે. લોકોની જિંદગી જોડે રમનારા આપણાં જ માણસો છે, તો એવાઓને શું કામ ન લટકાવી દેવા જોઈએ તે કોઈ કહેશે
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 14 જૂન 2021