હમણેનાં દિવસરાત સતત શારતી રહેલી સ્મૃતિ ‘ક્વાયટ ફ્લોઝ ધ દોન’ના સર્જક શોલોખોવની છે. આવો મોટો સર્જક, પણ વિચારધારાવાદનો એવો બંધાણી (કે પછી ઘોર પ્રતિષ્ઠાન-તરફી) કે એણે સોવિયેત દૃષ્ટિબિંદુથી ઉફરાટે વિચારતા લેખકો સંદર્ભે (અલબત્ત, લગારે દિલચોરી વગર) કહેલું કે લશ્કર જ્યારે તાલબદ્ધ કૂચ કરતું હોય ત્યારે શિસ્તભંગ કરનાર સૈનિકને ગોળીએ દેવા સિવાય કોઈ વિકલ્પ હોઈ શકે નહીં.
ગુજરાત સાહિત્ય અકાદમીના પત્ર ‘શબ્દસૃષ્ટિ’માં જે કથિત અનામ નોંધ (પછીથી ‘ઈન્ડિયન એક્સપ્રેસ’ હેવાલથી સ્પષ્ટ થયું તેમ અકાદમીના અધ્યક્ષ અને ‘શબ્દસૃષ્ટિ’ના તંત્રી વિષ્ણુ પંડ્યાની કલમે લખાયેલ અધિકૃત અગ્રનોંધ કે અગ્રલેખ) પ્રગટ થયા પછીની સતત શારતી સ્મૃતિ મેં આરંભે જ ટાંકી છે. આ અકાદમી સ્વાયત્ત તો નથી જ, પણ ઉત્તરોત્તર વધુ સરકારી બનતી ગઈ છે – અગર તો, એને અંગે આપણી સમજ ઉત્તરોત્તર વધુ સાફ થતી ગઈ છે અને પૂર્વે પ્રયોજેલ સરકાદમી એ પ્રયોગ પણ ફીકો માલૂમ પડે છે. આ અગ્રનોંધમાં બલકે વ્યાસપીઠ પરથી આપણને કહેવામાં આવ્યું છે કે ‘અકાદમી સાહિત્યની સંસ્થા છે. તેનો હેતુ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદનો છે … અકાદમી આવી રચના અને આવાં વલણો સાથે શત પ્રતિશત સંમત નહોતી, નથી અને નહીં હોય.’
‘શબ્દસૃષ્ટિ’માં જે રચના નિમિત્તે (હિંદુ નારીને શોભીતી રીતે નામ લીધા વગર) ઊહાપોહ કરાયો છે તે પારુલ ખખ્ખર અને એમની વિશ્વવાઇરલ રચના ‘શબવાહિની ગંગા’ સંદર્ભે છે. ‘શબ્દસૃષ્ટિ’ શરૂ થયા પછી આટલાં વરસમાં પહેલી જ વાર આ પ્રકારે એક રચનાને નિશાન બનાવાઈ ચોક્કસ વિચારધારાકીય ભૂમિકા લેવાઈ છે અને ‘સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ’ પરત્વે વર્તમાન સત્તાપ્રતિષ્ઠાન તરફે હનુમાનની દિલફાડ ઢબે ભક્તિ પ્રગટ કરાઈ છે. અંજીરપાદ સુધ્ધાંની લગારે તમા વગરની આ જે વિચારધારાકીય સ્પષ્ટોક્તિ છે તે પછી કહેવાનું એટલું જ રહે કે ટ્રૉલબહાદુરોની કમરપટા તળેની ને સભ્યતાની મર્ત્ય સમજની પેલે પારની ભાષામાં અગર શોલોખોવની લશ્કરી અપશબ્દાવલીમાં ગયા વગર રચનાકારને વિચારધારાકીય ધોરણે વસ્તુતઃ ‘અનપર્સન’ કરવાનો સત્તાવાર રવૈયો અહીં રૂંવે રૂંવે સોડાય છે.
મુખ્ય મુદ્દો આ છે. બાકી બધી જે શબ્દલીલા (‘જગલરી’નો ગુજરાતી પ્રર્યાય ઝટ સૂઝતો નથી) કરી છે, આચાર્ય આનંદશંકર ધ્રુવને નાહક સંડોવીને કે “કવિતા તો આત્માની કલા છે. ત્યાં તમામ રસોનો અંતિમ શાંત ભાવનો હોય છે. તેની પાસે સંવાદની સંજીવની છે.” વગેરે નકરો બાવાહિન્દી તાશેરો બની રહે છે. આનંદશંકરને અદાલત રૂબરૂ તો આપણે સાક્ષી તરીકે ક્યાંથી બોલાવી શકવાના હતા – જો કે બાઈ પારુલ તે ખખ્ખરસાહેબની સધવાના કેસમાં ‘રાજા નંગા’ બદલ મૂળ ઉશ્કેરનાર ઇસમ હાન્સ ક્રિસ્ચન એન્ડરસન પરે સમન્સ વખતે બજાવાયું પણ હોય! ગમે તેમ પણ, આનંદશંકરે એ જ લેખમાં જાન્યુઆરી પછી ફેબ્રુઆરી મહિનો છે તે પ્રકારની રચના કાવ્ય નથી પણ ‘સહુ ચલો જીતવા જંગ બ્યુગલો વાગે’ એ નર્મદ ઉક્તિ કાવ્ય છે એમ કહ્યું છે, આ કૂચગાનને તમે પરબારું શાંત રસમાં ઠઠાડી શકો? સાહિત્યસંસ્થા અકાદમીનો “હેતુ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદનો છે. તેની ગતિ ‘વસુધૈવ કુટુમ્બકમ્’થી ‘રાષ્ટ્રે જાગૃયામ્વયમ્’ની છે.” આ ઉક્તિ અલબત્ત આનંદશંકરની નથી. પરંતુ આ પ્રકારના અતિવાદી વિચારો વિશે એમણે સાહિત્ય અને રાષ્ટ્ર પરની ટિપ્પણીમાં અસંદિગ્ધ શબ્દોમાં કહ્યું જ છે. હશે ભાઈ, ગજાસ્તત્ર ન હન્યતે.
પારુલ ખખ્ખરની, એને આવડી એવી (અને ચારેકોર ઝિલાઈ એવી) રચના પૂંઠે ષડયંત્ર વાંચવું, જેની નિષ્ઠા ભારતમાં નહીં અન્યત્ર છે એમને સંભારવા, લિટરરી નક્સલ નામની નવી સંજ્ઞાનું નિમિત્ત જોવું આ બધું શોલોખોવની લશ્કરી શિસ્તનો ભંગ કરનાર સૈનિકવાળી અમાનવીય – અસાહિત્યિક માનસિકતાનું દ્યોતક છે.
દડો હવે ગુજરાતની વિશાળ અક્ષરબિરાદરીના ચોકમાં છે. અકાદમી અને એનું પત્ર જો સરકારી વિચારધારાકીય વાજિંત્ર બની રહેવામાં કૃતકૃત્યતા ને સાર્થકતા અગર પરમ ધર્મ અનુભવતાં હોય તો એની સાથે તમારો શો સંબંધ હોઈ શકે. નાગરિક સમાજ એના સહૃદય સાહિત્યસેવી સમુદાય કને આ ક્ષણે વજૂદ અને ઝમીરની અપેક્ષા નહીં રાખે ક્યારે રાખશે.
પ્રસ્તુત અગ્રનોંધ જૂનના બીજા પખવાડિયા લગોલગ લખાઈ રહી છે ત્યારે સ્વાભાવિક જ ૨૫/૨૬ જૂન ૧૯૭૫ની જળથાળ રેખાનું સ્મરણ થઈ આવે છે. ઈંદિરાજીએ ‘ગરીબી હટાઓ’ની નવી રાજનીતિની આશા જગવી અને નઈ રોશનીનો અંજાપો અને અંધાપો કારગત બનતો લાગ્યો ત્યારે દેશ બે રાજકીય છાવણીઓ વચ્ચે ધ્રુવીકૃત થવા લાગ્યો હતો. આ ધ્રુવીકરણમાં વ્યક્તિગત સત્તાગત પક્ષકારણનો ફાળો હશે તેમ બંને બાજુએ કેટલાંક પ્રામાણિક પરિબળો પણ હતાં. કેટલાંકને એમાં નવી આશા દેખાઈ હતી તો કેટલાંકને એમાં અધિકારવાદી પેચ જણાયો હતો. ગમે તેમ પણ, સમર્થકો પૈકી કેટલાકને ‘શંકાનો લાભ’ મળી શકતો હતો. પરંતુ, ૧૯૭૫ની ૨૬મી જૂન સાથે પેલી આશા અને એ અંગે શંકાનો લાભ, બેઉ રહ્યાં નહીં. ‘શબ્દસૃષ્ટિ’ની પ્રસ્તુત સત્તાવાર નોંધ આવી એક જળથાળ ઘડી છે.
એપ્રિલ ૨૦૧૫માં પેરેશુટ પ્રમુખ ઉતારાયા – પ્રમુખની ચૂંટણીનો બંધારણીય વિવેક ચુકાયો – ત્યારે એક વસ્તુ સાફ દેખાવા લાગી હતી કે ૨૦૦૩માં ભોળાભાઈ પટેલની (એક ચુંટાયેલ પ્રમુખ તરીકેની) મુદ્દત પૂરી થઈ તે પછી રાજ્ય સરકારે નવી પ્રક્રિયા શરૂ કર્યા છતાં એને કરમાવા દેવું પસંદ કર્યું હતું. તેમ છતાં તે વખતે આપણા વ્યાપક સાહિત્યરસિક સમાજમાં માનો કે બે પ્રામાણિક છાવણીઓ હતી કે ક્યારેક તો બંધારણીય પ્રક્રિયા હાથ ધરાશે. મે ૨૦૧૭માં વળી પ્રમુખીય નિયુક્તિ થઈ તે સાથે પેલા આશાવાદે બાષ્પીભૂત નહીં થવાનું કોઈ જ નિમિત્ત નહોતું. તેમ છતાં, જેમણે હમણાં સુધી આશાની ગોદ શોધી એમણે સૌએ વિચારધારાવાદની અસંદિગ્ધ ઘોષણા પછી એવી કોઈ વિકલ્પબારીના જૂઠોપિયામાં ભમવાપણું નથી. ૨૬મી જૂન સરખી મોહભંગ ઘટના ‘શબ્દસૃષ્ટિ’ના જૂન અંક સાથે પ્રાગટ્ય પામી છે.
નાચીજ તંત્રી બીજું શું કહી શકે, સિવાય કે જુએ તેનું ભલું ને ન જુએ તેનુંયે ભલું.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2021; પૃ. 01 તેમ જ 08