અમે, યુનાઈટૅડ કિંગ્ડમ, ઑસ્ટ્રેલિયા, કૅનૅડા, ફ્રાન્સ, જર્મની, ઈટાલી, ભારત, જાપાન, ધ રિપબ્લિક ઑફ કોરિયા, સાઉથ આફ્રિકા, ધ યુનાઈટૅડ સ્ટેટ્સ ઑફ અમૅરિકા અને યુરોપિયન યુનિયન, તમામ માટે સન્માન, તક અને સમૃદ્ધિના પાયા તરીકે મોકળા સમાજો (ઓપન સોસાયટીઝ), લોકતાંત્રિક મૂલ્યો અને બહુપક્ષિયતામાં અમારા સહિયારા વિશ્વાસની અને આપણા ગ્રહ પ્રત્યે જવાબદારીપૂર્ણ કારભાર સંભાળવાની નેમની પુન: પુષ્ટિ કરીએ છીએ. લોકશાહીમાં જીવતી વિશ્વની અડધીથી વધુ વસ્તીના નેતાઓ તરીકે અમે માનીએ છીએ કે આંતર-રાષ્ટ્રીય નિયમો અને ધોરણો માટેના આદર સહિત આપણને એકબીજા સાથે જોડતાં મૂલ્યોની પુન: પુષ્ટિ કરવી અને અન્યોને એ મૂલ્યો અપનાવવાં પ્રોત્સાહિત કરવા અનિવાર્ય છે, જેનો સંદર્ભ નીચે મુજબ છે :
• યુનિવર્સલ ડૅક્લરેશન ઑફ હ્યુમન રાઈટ્સ અને અન્ય હ્યુમન રાઈટ્સ સાધનોમાં નોંધાયેલા નિયમો મુજબ સૌ માટે ઑનલાઈન અને ઑફલાઈન એમ બન્ને માધ્યમો સંદર્ભે માનવ હક તથા કોઈ પણ પ્રકારના ભેદભાવનો વિરોધ જેથી સૌ કોઈ સમાજમાં સંપૂર્ણ અને સમાન રીતે હિસ્સો લઈ શકે;
• લોકશાહી, જેમાં દરેક નાગરિકને નિષ્પક્ષ અને મુક્ત ચૂંટણીમાં મત આપવાનો અધિકાર અને ઉત્તરદાયી અને પારદર્શક શાસન મધ્યે શાંતિપૂર્ણ રીતે એકઠા, સંગઠિત અને ભળવાના અધિકાર સમાવિષ્ટ હોય;
• તમામ માટે સામાજિક સમાવેશ, સુદૃઢતા અને સમાન તક જેમાં ડિજીટલ સમાવેશ અને ભૌતિક તથા ડિજીટલ એમ બન્ને ક્ષેત્રોમાં નાગરિક અને રાજકીય હકનો સંપૂર્ણ અવકાશ;
• કન્યા કેળવણી, જાતિ-લિંગ આધારિત હિંસાને નાબૂદ કરવાની દિશામાં પ્રતિભાવ આપીને અને પગલાં લઈને, મહિલા-કન્યાઓના હકને પ્રોત્સાહન આપીને તથા જાતિય અને પ્રજનન સ્વાસ્થ્યને રક્ષણ પૂરું પાડીને જાતિ-લિંગ સંબંધી સમાનતા કેળવવી અને મહિલાઓ તથા કન્યાઓનું રાજકીય, સામાજિક અને આર્થિક સશક્તિકરણ કરવું;
• અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય, ઑનલાઈન અને ઑફલાઈન, એમ બન્ને માધ્યમોમાં, એવું સ્વાતંત્ર્ય જે લોકશાહીનું રક્ષણ કરે છે અને લોકોને ભય અને દમનથી મુક્ત થઈ જીવવામાં મદદ કરે છે;
• કાયદાનું પાલન અને અસરકારક, સ્વતંત્ર તથા નિષ્પક્ષ ન્યાયતંત્ર જે ભ્રષ્ટ પ્રભાવ અથવા શિરજોરીથી મુક્ત હોય જેથી દરેક વ્યક્તિ માટે ન્યાય ઉપલબ્ધ હોય અને નિષ્પક્ષ સુનાવણીથી એને લાભ થાય;
• અસરકારક બહુપક્ષીય તંત્ર જે મોકળાશ, પારદર્શક્તા અને ઉત્તરદાયિત્વના સિદ્ધાંતોના પાયા પર ટકેલું હોય અને જેમાં મુક્ત અને નિષ્પક્ષ નિયમ આધારિત વેપાર તથા કોવિડ-૧૯ સામે રસીકરણ સહિત વૈશ્વિક પડકારો અંગે સૌના હિત વાસ્તે સહયોગ આપવો;
• નાગરિક અવકાશનું મહત્ત્વ અને વૈવિધ્યપૂર્ણ, સ્વતંત્ર અને બહુલતાપૂર્ણ નાગરિક સમાજો સાથે ભાગીદારી જેમાં માનવ હક અને મૂળભૂત સ્વાતંત્ર્યોને પ્રોત્સાહન આપતા માનવ અધિકાર સંરક્ષકો સહિત;
આ સંસ્થાપન મૂલ્યો આપણાં જીવનનાં સમાવેષક પદ્ધતિને વ્યાખ્યાયિત કરે છે અને આપણા લોકોને લાભ કરે છે. મૂળભૂત સ્વાતંત્ર્યો લોકોને સશક્ત બનાવે છે અને તક મહત્તમ બનાવવા માટે જરૂરી નવપ્રયોગ તથા કૌશલ્યની પ્રેરણા પૂરી પાડે છે, સહિયારા પડકારોનો મુકાબલો કરે છે અને વિશ્વ માટે પ્રગતિ સાધે છે. મોકળાશ સહયોગને પ્રોત્સાહન પૂરુ પાડે છે જેથી કોઈ પણ રાષ્ટ્ર એકલું હાંસલ કરી શકે એના કરતાં વધુ સારાં પરિણામ મેળવી શકાય છે.
મહામારીમાંથી આપણે પાછા બેઠા થઈ રહ્યા છીએ તે દરમ્યાન આપણે આપણા લોકો માટે વધુ સારા જીવનની વ્યવસ્થા કરતા રહેવું પડશે જેમાં કોઈની બાદબાકી કરવામાં ના આવે. આપણે ખૂબ જ નિર્ણાયક તબક્કે ઊભા છીએ જ્યાં વધતી જતી સરમુખત્યારશાહી, મતાધિકાર સંબંધી હસ્તક્ષેપ, ભ્રષ્ટાચાર, આર્થિક જબરદસ્તી, માહિતીની જોડતોડ જેમાં ખોટી માહિતી, ઑનલાઈન હાનિ અને સાઈબર હુમલા, રાજકારણ પ્રેરિત ઈન્ટરનૅટ શટડાઉન, માનવ હકોનું ઉલ્લંઘન અને દુરુપયોગ, આતંકવાદ અને હિંસક કટ્ટરવાદને કારણે સ્વાતંત્ર્ય અને લોકશાહી સામે જોખમોનો સામનો કરી રહ્યાં છીએ. વંશવાદ અને જાતિ-લિંગ સમાનતાના પ્રતિરોધ સહિત સતત અસમાનતા અને ભેદભાવને કારણે આપણા સામાજિક પોત સામેની તવાઈઓનો પણ આપણે સામનો કરી રહ્યાં છીએ. આ તવાઈઓ વચ્ચે તમામ માટે સાર્વત્રિક માનવ હકો અને સમાન તકોને વેગ મળે એવા ભવિષ્ય માટે એક મોકળી અને નિયમ આધારિત આંતર-રાષ્ટ્રીય પરિપાટીનું સર્જન કરવા અમે સાથે મળીને કાર્ય કરીશું. આપણા લોકતાંત્રિક તંત્રો મજબૂત અને સ્થિતિસ્થાપક છે પરંતુ આપણે આત્મસંતોષી બનવું ન જોઈએ — આપણી પોતાની નબળાઈઓ તરફ ધ્યાન આપીને અને સહિયારા જોખમો ભણી ધ્યાન આપવાની જરૂર છે. આ ભાવના સાથે અમે એકબીજાને અને ભાગીદારોને સહયોગ આપવા પ્રતિબદ્ધ થઈએ છીએ:
§ નાગરિક અવકાશ અને સમૂહ માધ્યમોનાં સ્વાતંત્ર્યનું રક્ષણ કરીને, અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય, સભા અને સંગઠનનાં સ્વાતંત્ર્ય, ધર્મ કે આસ્થાના સ્વાતંત્ર્યને પ્રોત્સાહન પૂરું પાડીને અને જાતિવાદ સહિતના ભેદભાવના તમામ પ્રકારો સામે પગલાં લઈને વૈશ્વિક ધોરણે મોકળા સમાજોને મજબૂત બનાવે છે;
§ માનવ હકો, લોકશાહી અને ખોટી માહિતી અને મનસ્વી અટકાયતો જેવાં કાયદા પાલન સામેના જોખમો અંગે માહિતીનું આદાનપ્રદાન ચાલું રાખવું અને અસરકારક પ્રતિભાવોનું સંકલન કરવું અને રૅપિડ રિપૉન્સ મિકૅનિઝમ જેવી સુસંગત ભાગીદારીઓને ઉચિત ઠેરવવી;
§ આર્થિક મોકળાશ અને સ્થિતિસ્થાપકતાને પ્રોત્સાહન પૂરુ પાડવું અને મોકળા બજારો, વાજબી સ્પર્ધા અને કાયદા પાલન પર આધારિત આપણા સહિયારા આર્થિક નમૂનાને પુન:વ્યક્ત કરીને તથા વર્લ્ડ ટ્રેડ ઑર્ગનાઈઝેશનમાં સુધારા આણીને આર્થિક જબરદસ્તીનો વિરોધ કરવો;
§ ભ્રષ્ટાચાર અને ગેરકાનૂની આર્થિક વ્યવહારોને અટકાવી અને એ અંગે પગલાં લઈને સત્યનિષ્ઠા, પારદર્શકતા અને ઉત્તરદાયિત્વને પ્રોત્સાહન આપવું;
§ સર્વસામન્યતાને પ્રોત્સાહન પૂરું પાડતાં અને ડિજીટલ નાગરિક અવકાશનું રક્ષણ કરતા આંતર-રાષ્ટ્રીય સ્તરે સ્વીકારાયેલા ધોરણો માટે આદરને પ્રોત્સાહિત કરવું જેમાં ક્ષમતા વધારવા મારફતે ખાતરી કરવી કે નવી ટૅકનૉલૉજી આપણાં સહિયારાં મૂલ્યોને પ્રતિબિંબિત કરતી હોય, માનવ હકો અને આંતર-રાષ્ટ્રીય કાનૂનનો આદર કરતી હોય, વૈવિધ્યને પ્રોત્સાહન પૂરું પાડતી હોય અને જાહેર સુરક્ષાના સિદ્ધાંતોનું ચુસ્તપણે પાલન કરતી હોય;
§ જાતિ -લિંગ સંબંધી સમાનતાને, સ્ત્રી સશક્તિકરણને, વૈશ્વિક સુધારામાં મહિલાઓ અને કન્યાઓના માનવ હકો સંપૂર્ણપણે માણી શકાય, સાથોસાથ શારીરિક અક્ષમતાની સર્વસામન્યતા અને શિક્ષણ અને રોજગારમાં યુવાન લોકોને સમાન તકો મળે એ બાબતોને અગ્રીમતા આપવી;
§ પોતાની સંશોધન પારદર્શિતા અને સત્યનિષ્ઠાને વધારવા દરેક રાષ્ટ્રને આહ્વાન દ્વારા વૈશ્વિક પડકારો પ્રત્યેના વિજ્ઞાન આધારિત પ્રતિભાવો અંગે સહયોગ આપવો અને નવપ્રયોગને પ્રોત્સાહન આપવું;
§ ‘ન્યાયી, શાંતિપૂર્ણ અને સર્વસમાવેશક સમાજો પ્રોત્સાહિત’ કરવા અને ૨૦૩૦ના ઍજૅન્ડાને સિદ્ધ કરવામાં વિકાસશીલ દેશોને ટેકો આપવો જેમાં વિકાસ સંબંધી પડકારો માટે મુખ્ય નાણાંકીય જરૂરરિયાતો અંગે નક્કર પગલા લેવાનો સમાવેશ હોય એવા ટકાઉ વિકાસ ઉદ્દેશો (સસ્ટેનેબલ ડેવલપ્મેન્ટ ગોલ્સ — SDG), SDG 16 સહિત, પ્રત્યે આપણી પ્રતિબદ્ધતાનું પ્રબલીકરણ કરવું.
G20 Summit, UN અને US Summit for Democracy જેવા અન્ય બહુપક્ષીય મંચ પર આ પ્રતિબદ્ધતા મજબૂત કરવા માટે અમે ઉત્સુક છીએ. સર્વના ભલા માટે આ સહિયારાં મૂલ્યોને પ્રોત્સાહન આપવા ઈન્ડો-પૅસિફિક અને આફ્રિકા સહિત વિશ્વભરના અમારા ભાગીદારોને સહયોગ આપવાનો નિર્ધાર કરીએ છીએ. સમાન વિચાર ધરાવતા ભાગીદારોને અમે આ નિવેદનને ટેકો આપવા માટે આહ્વાન આપીએ છીએ.
~
સ્રોત : https://www.consilium.europa.eu/media/50364/g7-2021-open-societies-statement-pdf-355kb-2-pages.pdf
અનુવાદ : રૂપાલી બર્ક
e.mail : rupaleeburke@yahoo.co.in