‘મારું
કોઈ સાંભળતું નથી’
એ વ્યથા
સમયની છાતી પર
કોતરાઈને
વળ લેતી આવી છે
છેક વ્યાસથી.
ત્રસ્ત અને મસ્ત
નામાભિધાન પામેલા
બે ધોરી રસ્તા
ભીડથી ઊભરાય છે.
એક આત્મસંજ્ઞા માટે મથે છે
બીજો આત્મસંજ્ઞાનું લિલામ
કરી રહ્યો છે.
એકે
આ કે તે
વેઠ કે વેદનને
કાન સાથે
જોડ્યાં છે,
બીજાનો
કાન જ ગાયબ છે.
એકને
ચૂપ, ચૂપકી સિવાય વિકલ્પ નથી
બીજાનો માર્ગ જ
હૂડ કે હૂડહૂડનો છે
નરતું અંધારું
મુઠ્ઠીભર પ્રકાશ પાછળ પડ્યું છે.
વનવાસનાં વર્ષો
વધતાં જાય છે
કુરુક્ષેત્ર
સજાતું રહ્યું છે
મહાભારત સદાકાળનું છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2021; પૃ. 16