એ વખતે હિટલર એક જ હતો, ને આજે અનેક છે, એટલે યુદ્ધમાં અને યુદ્ધ વગર પણ અનેક નિર્દોષોના ભોગ લેવાય છે. યુદ્ધમાં તો મરનારના આંકડા હાથ લાગતા હશે, પણ યુદ્ધ વગર જે મરે છે તેની સંખ્યા યુદ્ધમાં મરતા લોકો કરતા વધી જતી હોય તો નવાઈ નહીં ! યુક્રેનના નાટોમાં જોડાવાની વાત માત્રથી રશિયાએ યુદ્ધ છેડી દીધું છે. નાટોમાં તો એ હજી જોડાયું પણ નથી, ત્યાં યુક્રેને ભીષણ યુદ્ધનો સામનો કરવાનો આવ્યો છે. અમેરિકા અને નાટો યુક્રેનને મદદ કરે છે, પણ લડવાનું તો તેણે જ છે. કિવ અને ખારકિવ મળીને આઠેક શહેરોને રશિયાએ તબાહ કરી દીધાં છે. આટલું ઓછું હોય તેમ તેણે ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત પરમાણુ શસ્ત્રો વડે કરવાની જાહેરાત પણ કરી દીધી છે. મીડિયા કોઈ ફિલ્મનાં દૃશ્યો બતાવતું હોય તેમ ભારે ઉત્સાહથી યુક્રેનનાં શહેરોનાં દૃશ્યો બતાવીને ફરજ બજાવી રહ્યું છે. આમાં મીડિયાની ભૂમિકા બહુ સંદિગ્ધ છે. તે જાણે કોઇની દલાલી કરતું હોય તેમ વર્તે છે.
યુદ્ધ ચાલે છે તેનો જાણે લાભ ઉઠાવતું હોય તેમ મીડિયા મોંઘવારી વધવાની આગાહી કરતું રહે છે. ખાસ કરીને પેટ્રોલના ભાવ લિટરે 30 રૂપિયા સુધી વધી જવાની વાત મીડિયા એ રીતે કરે છે કેમ જાણે સરકાર ભાવ વધારવાનું ભૂલી જવાની હોય ! આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ 110 ડોલર થયો છે તે યાદ અપાવીને મીડિયા કહેતું ફરે છે કે જોજો, હં ! ભાવ વધારવાનું ભુલાય નહીં ! મીડિયા નથી જાણતું કે દુનિયામાં ક્રૂડના ભાવ તળિયે હતા ત્યારે પણ ભારતમાં પેટ્રોલ-ડિઝલના ભાવ વધતા હતા? તો, દુનિયામાં ભાવ વધ્યા હોય ને સરકાર ભાવ વધારવાનું ભૂલી જાય એટલી ભોળી નથી.
એક તમાશો ચાલે છે, જાણે ! જેના પર વીતે છે તે સિવાયનું જગત તેમાં ભારે રસ લઈ રહ્યું છે. જગત આખાને યુક્રેન માટે સહાનુભૂતિ છે, પણ સહાનુભૂતિથી વિનાશ રોકાતા હોત તો જોઈતું જ શું હતું? અત્યારે તો કોઈ એવું નથી જે રશિયાને સંહારકની ભૂમિકામાંથી બહાર કાઢે. ગંધ તો એવી પણ આવે છે કે કહેવાતી મહાસત્તાઓ ઈચ્છે છે કે વિશ્વયુદ્ધ થાય. આમાં સૌથી ભૂંડી ભૂમિકા અમેરિકાની છે. તેનો કોઈ જ સીધો પ્રભાવ રશિયા પર પડતો જણાતો નથી. રશિયા પર પ્રતિબંધો મુકાયાં છે, પણ તેથી તે લાજવાને બદલે ગાજ્યું છે. પ્રતિબંધો પછીનું પહેલું રિએક્શન પરમાણુ હથિયારોના ઉપયોગનું આવ્યું છે અને ભૂલેચૂકે જો રશિયા પરમાણુ યુદ્ધ છેડે તો બીજાં રાષ્ટ્રો પણ કૈં દાંડિયા રાસ તો નહીં જ રમે, એ પણ પરમાણુ, પરમાણુના મણકા ફેરવશે જ ! એનાં પરિણામો દૂરગામી કે નજીકગામી નહીં જ હોય, કદાચ કહેવા-જોવા જેટલો સમય પણ કોની પાસે બચે, તે વિચારવાનું રહે. સાચું ખોટું તો ખબર નહીં, પણ એમ કહેવાય છે કે અનેક વખત આ પૃથ્વીનો સર્વનાશ કરી શકાય એટલાં પરમાણુ શસ્ત્રો જગતે વિકાસાવ્યાં છે ને તેમાંના થોડાનો પણ ઉપયોગ થાય તો કોઇની પાસે એટલું રડવાનો વખત પણ નહીં રહે કે આટલાં શસ્ત્રો તો ફાજલ જ પડી રહ્યાં, કારણ પૃથ્વી જ બચી નહીં હોય કે તેને બીજી વાર ખતમ કરવા અણુબોમ્બ નાખવો પડે ! એ સાચું લાગે છે કે ચોથું વિશ્વયુદ્ધ પથ્થરથી લડાશે, કારણ નવેસરથી જ શરૂ કરવું પડશેને બધું !
સાચું તો એ છે કે આપણને ટી.વી.માં દેખાય છે તે કોઈ ફિલ્મનાં દૃશ્યો જેવું લાગે છે, પણ એ ફિલ્મનું શૂટિંગ નથી, એમાં તૂટતી ઇમારતો ખરેખર તૂટે છે ને હજારો લોકો મર્યાં છે તે હકીકત છે. તે કૈં શૂટિંગ પૂરું થતાં ફરી કામે લાગવાના નથી. એ ઊઠવાના જ નથી, ‘ઊઠી ગયા’ છે. આખા વિશ્વે યુદ્ધની વિનાશકતા પ્રમાણવાની જરૂર છે, સાથે જ રશિયાથી ચેતવાની પણ જરૂર છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુદ્ધમાં વચ્ચે પડનાર કોઈ પણ દેશ સામે અણુશસ્ત્રોના ઉપયોગની ધમકી આપી છે. આટલું ઓછું હોય તેમ અમેરિકી પ્રમુખ બાઈડન એ જ જૂનો રાગ આલાપે છે કે રશિયન પ્રમુખે કોઈ પણ ઉશ્કેરણી વિના યુક્રેન પર આક્રમણ કર્યું છે તે બદલ તેણે કિંમત ચૂકવવી પડશે. આવું બોલવાથી રશિયન પ્રમુખનું તો કૈં બગડતું નથી, પણ યુદ્ધનો સામનો કરી રહેલા દેશનું ઘણું બગડી રહ્યું છે. રશિયન પ્રમુખે અત્યાર સુધીમાં કોઈ કિંમત ચૂકવી હોય એવું પણ બહુ જણાતું નથી, હા, યુક્રેનની પ્રજા ને તેનાં સૈનિકો અત્યારે તો કોઈ વાંક વગર લોહીથી કિંમત ચૂકવી રહ્યાં છે તે નકરું અને નકટું સત્ય છે. અમેરિકી પ્રમુખે એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે તે યુક્રેનને પક્ષે છે, પણ યુદ્ધ તો યુક્રેને જ લડવાનું રહે છે.
ભારતના વડા પ્રધાન મોદી રશિયન પ્રમુખ સાથે વાતો કરે છે ને યુદ્ધવિરામની અપીલ પણ કરે છે, પણ તેમની ભૂમિકા કોઈ પણ પક્ષે મત આપવાની નથી. એક કાળે યુક્રેને જરૂર હતી ત્યારે ભારતને પક્ષે રહેવાનું સ્વીકાર્યું ન હતું, એટલું જ નહીં, ભારતની વિરુદ્ધ પણ મત આપ્યો હતો, એ સ્થિતિમાં ભારતનું તટસ્થ રહેવું જ ડહાપણ ભરેલું છે, પણ તેનો ભોગ યુક્રેનમાં રહેતી ભારતીય પ્રજા બની રહી છે તે ચિંતા ઉપજાવનારું છે. યુક્રેનના સૈનિકો ને ત્યાંના પોલીસો ભારતીય વિદ્યાર્થીઓ સાથે સહયોગ કરી રહ્યા નથી. ખારકિવ સ્ટેશનેથી ટ્રેનમાં ચડીને શહેર છોડવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓને તેમ કરવાની છૂટ અપાઈ નથી ને કોઈ ટ્રેનમાં ચડવાની કોશિશ કરે તો તેને ગોળી મારી દેવાની ધમકી પણ અપાઈ છે. ભારતીય વિદ્યાર્થીઓ અનેક મુશ્કેલીઓ વચ્ચે ત્યાં બંકરોમાં આશરો લઈ રહ્યાં છે, તો ઘણા દૂર દૂર સુધી પગપાળા ચાલીને, ભારત આવવા મથી રહ્યા છે. કેટલા ય ત્યાં ફસાયા છે તો ઘણાંને ભારત લાવવામાં સરકારને સફળતા પણ મળી છે. આખા ભારતમાંથી હજારો વિદ્યાર્થીઓ યુક્રેન ભણવા ગયા છે ને એ જ રીતે બીજા દેશોમાં પણ ગયા છે, જાય છે. ગુજરાતની જ વાત કરીએ ને યુક્રેન પૂરતી જ કરીએ તો મેડિકલ એજ્યુકેશન મેળવવા દર વર્ષે 5 હજારથી વધુ વિદ્યાર્થીઓ યુક્રેન જાય છે. દેશ પૂરતો આ આંકડો વર્ષે અઢાર હજારથી વધુ વિદ્યાર્થીઓનો છે. આ વર્ષે ગુજરાતથી 5,600 વિદ્યાર્થીઓ તબીબી શિક્ષણ મેળવવા યુક્રેન ગયા છે ને વર્ષે દા’ડે ત્યાં અંદાજે 1,100 કરોડ ખર્ચે છે. ઘણી વાર તો એવો વહેમ પડે છે કે ડૉક્ટર બનવા માંગતા વિદ્યાર્થીઓ ભારતમાં રહીને ભણે છે કે બધા જ વિદેશ જાય છે? સરકારે યુક્રેનથી વિદ્યાર્થીઓને પરત લાવવાનું શરૂ કર્યું ત્યારે જ ઘણાને ખબર પડી કે તબીબી શિક્ષણ મેળવવા હજારો ભારતીય વિદ્યાર્થીઓ દેશ છોડીને ત્યાં રહે છે.
આવું કેમ? સરકારને એ ખબર તો હશે જ કે ભારતનું યુવાધન વિદેશ દોડી રહ્યું છે. એ ભણીને પાછા આવશે કે કેમ તે નથી ખબર. ઘણા તો વિદેશમાં જ સેટલ થઈ જતા હોય છે. એક તરફ આવા વિદ્યાર્થીઓને અહીં સાચવવાની વાત નથી ને કોઈ ભારતીય મૂળની વ્યક્તિ અમેરિકામાં સાંસદ શોભાવે છે તો આપણે છાતી ફુલાવીએ છીએ કે એક ભારતીયે વિદેશમાં નામ રોશન કર્યું. એ અહીં નામ રોશન કરે એવી સગવડ આ દેશ કેમ આપી શકતો નથી, તેનું આશ્ચર્ય છે. બીજી તરફ એ પ્રશ્ન પણ થાય છે કે અહીંનો વિદ્યાર્થી આ દેશમાં રહેવાને બદલે વિદેશ ભણવા જાય છે કે ત્યાં જ વધુ કમાવાની લાલચે ગોઠવાઈ જાય છે ને યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાય છે તો ભારત સરકાર પાસેથી અપેક્ષા રાખે છે કે પોતાને જોખમમાંથી બહાર કાઢે. આ યોગ્ય છે? સવાલ તો એ પણ થાય કે ગુજ્જુઓ દાકતર થવા વિદેશ કેમ જાય છે? એનું સાદું કારણ એ છે કે અહીંની ફી એટલી વધારે છે કે યુક્રેન જેવાની ફીથી ચાર વખત ડૉક્ટર થવાય. ગુજરાતની જ વાત કરીએ તો અહીં મેડિકલની સીટ ઓછી છે ને સ્ટુડન્ટ્સ અને તેની ફી વધારે છે. અહીં એમ.બી.બી.એસ. થવું હોય તો એક કરોડ જોઈએ, જ્યારે યુક્રેન જેવામાં 22 લાખમાં ડોક્ટરનું ભણી શકાય. ડૉક્ટરોનો જ મત છે કે યુક્રેનનો તબીબી કોર્સ સરળ છે ને અપડેટેડ છે, જ્યારે ભારતનો તબીબી કોર્સ એ જ વરસો જૂનો ચાલે છે.
આ સ્થિતિ હોય તો અહીંના વિદ્યાર્થીઓ બહાર ન જાય તો શું કરે? અહીંની સરકારને એ ચિંતા નથી કે અહીનું યુવાધન અહીં જ રહે, એ માટે એવી વ્યવસ્થા કરે કે વિદ્યાર્થીઓને બહાર જવાની લાલચ જ ન રહે. અહીં પરત લવાયેલ વિદ્યાર્થીઓની વ્યવસ્થા કરવા સરકાર તૈયાર થઈ છે, પણ અહીંથી બહાર દોડતા વિદ્યાર્થીઓને અહીં જ રહીને ભણવાનું મન થાય એવું કરવા સરકાર તૈયાર નથી. યુદ્ધનાં વાતાવરણમાં સરકાર થાય તે બધું જ કરે છે, પણ આખા વિશ્વમાં ભારતના વિદ્યાર્થીઓ ભણવા કે નોકરી કરવા જાય ને સરકારને એ યુવાનોને સાચવવાનું મન ન થાય તો આ દેશ વૃદ્ધો ને બાળકોને ભરોસે જ રાખવાનો છે કે કેમ એ પ્રશ્ન મૂંઝવે છે. એ વિદ્યાર્થીઓને પણ ફિટકાર છે જે અહીં મોટા થાય છે ને વધુ કમાણીની લાલચે દેશને લાત મારીને વિદેશનો વાવટો ફરકાવે છે ને એ દેશને શું કહેવું જે પોતાનાં યુવાધનને પોતાને માટે સાચવવાને બદલે બીજાને ભરોસે છોડી દે છે ને એનો સંકોચ પણ નથી.
જો કે, ગુજરાતે કાલના બજેટમાં યુક્રેન પરથી બોધપાઠ લઈને ત્રણ નવી મેડિકલ કોલેજ શરૂ કરવાની જાહેરાત કરી છે એ આશ્વસ્ત કરનારી ઘટના છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 04 માર્ચ 2022