મોદીની બોડી લેંગ્વેજમાં કે વર્લ્ડ લિડર્સને સંબોધવાનું આવે ત્યારે ઠહેરાવ ઓછો અને ઉત્સાહ વધારે દેખાય છે. મુત્સદ્દીપણાની આ દુનિયામાં મોદીએ વડાપ્રધાન તરીકેની અનૌપચારિકતાને જાણે ફગાવી દીધી છે.
થોડા દિવસ પહેલાં ફ્રાંસનાં પ્રેસિડન્ટ ફ્રાંસવાં ઉલોન ભારતની મુલાકાતે આવ્યા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમને પાછળથી ભેટતાં હોય એવી તસવીર વાઇરલ થઈ ગઈ. આ તસવીર પર ઘણાં જોક્સ પણ કરાયાં અને પછી ચંદીગઢ ગાર્ડનમાં થયેલા આ ‘ટાઇટેનિક હગ’નો ખરો ચિતાર આપતો વીડિયો જોયો ત્યારે ખ્યાલ આવ્યો કે એક વાર ભેટી લીધા પછી મોદી બીજી વાર તો પ્રેસિડન્ટને ફોટોગ્રાફરો માટે સરખી રીતે ઊભા રહેવા કહેતા હતા, એ કંઈ તેમને ભેટ્યા નહોતા. પણ છતાં ય આ સ્તરની વ્યક્તિને કમરેથી પકડીને ખસેડવી કોઈ એંગલથી શોભનીય તો નથી જ. સૌથી મોટી લોકશાહી ગણાતા દેશના વડા પ્રધાન તરીકે મોદીએ મોટા ભાગનાં વર્લ્ડ લિડર સાથે મુલાકાત કરી લીધી છે. જોવાનું એ છે કે મોદીની બોડી લેંગ્વેજમાં કે વર્લ્ડ લિડર્સને સંબોધવાનું આવે ત્યારે ઠહેરાવ ઓછો અને ઉત્સાહ વધારે દેખાય છે. આ દરજ્જાના નેતા હોવું અને અન્ય સમાંતર પદવી ધરાવનારાને બાળ ગોઠિયાની જેમ સંબોધવા કે પછી ‘બિછડે હુએ’ ભાઈની જેમ ભેટી પડવું કેટલું યોગ્ય છે? મુત્સદ્દીપણાની આ દુનિયામાં મોદીએ વડાપ્રધાન તરીકેની અનૌપચારિકતાને જાણે ફગાવી દીધી છે.
મોદીનો ઉત્સાહ અને ઉમળકો દરેક વર્લ્ડ લિડરને માફક આવે એ જરૂરી નથી. ફ્રેંચ પ્રેસિડન્ટ માટે મોદીનું ભેટવું જરા વિચિત્ર થઈ પડ્યું કારણકે ફ્રાંસમાં તો ‘હગ’ કરવાનો કોન્સેપ્ટ જ નથી. એમ નથી કે ફ્રાંસમાં લોકો એકબીજાને ભેટતાં નથી, પણ તે અભિવાદનનો વિકલ્પ તો ચોકક્સ નથી. લોકોને ઉત્સાહથી ભેટી પડવાની મોદીની ફિતરત માટે વિશ્લેષકોનું માનવું છે કે એમ કરીને તે જાણે ખુદને અને સામે વાળાને જતાવવા માગે છે કે, તે બધાં એક જ સ્તરે છે. પણ વડાપ્રધાનની પદવી હોય અને તમે આંતરરાષ્ટૃીય પ્લેટફોર્મ પર એ જ સ્તરનાં માણસ સાથે ઊભા હોય ત્યારે શારીરિક ઉત્સાહ દર્શાવીને પોતાનું સ્થાન સ્પષ્ટ કરવું કેટલું યોગ્ય છે? આટલું ઓછું હોય તેમ મોદીએ તો વર્લ્ડ લિડર્સને બિંધાસ્ત તેમનાં પહેલાં નામથી બોલાવવાની છૂટ પણ લઈ લીધી છે. અમેરિકન પ્રેસિડન્ટ બરાક ઓબામાને ‘બરાક’ કહીને બોલાવતી વખતે મોદીએ એમ નહોતું નોંધ્યું કે મિસ્ટર ઓબામા તેમને નરેન કે નરેન્દ્ર કહીને નથી બોલાવી રહ્યા, બલકે મિસ્ટર મોદી, મિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર કે પ્રાઇમ મિનીસ્ટરનું ઔપચારિક સંબોધન જ કરી રહ્યાં છે. વર્લ્ડ લિડર્સ એક બીજા સાથે ભલે રોજેરોજ વાત કરતાં હોય પણ નામથી બોલાવવાની બાબતને અમેરિકન એક્સપર્ટ માઇકલ સ્ટ્રેઈન તોછડાઈ અને દોસ્તીનાં દંભમાં ખપાવી તેને સદંતર અયોગ્ય ઠેરવે છે.
મલેશિયાનાં પ્રાઈમ મિનિસ્ટર નજીબ રઝાક, સેક્રેટરી ઓફ સ્ટેટ જ્હોન કેરી, જાપાનિઝ પ્રાઈમ મિનિસ્ટર શિન્ઝો અબે, ફેસબુકના માર્ક ઝુકરબર્ગ, અમેરિકન પ્રેસિડન્ટ બરાક ઓબામા, ઓસ્ટ્રેલિયન પ્રાઈમ મિનીસ્ટર ટોની અબોટ, યુ.કે.ના પ્રાઈમ મિનિસ્ટર ડેવિડ કેમેરુન એવાં કેટલાંક નામો છે જેમને મોદીએ ‘લગ જા ગલે’ કરી પાડ્યું છે. મોદી પાછા જેન્ડર સેન્સિટીવ પણ છે, એ જર્મન ચાન્સેલર એન્જેલા માર્કેલને નહોતા ભેટ્યાં. દરેકની પ્રતિક્રિયાઓ જુદી જુદી રહી છે પણ હવે કોઈ ખેંચીને ભેટી જ લે, તો બીજું કરી પણ શું કરાય. આંતરરાષ્ટૃીય સ્તરે અખબારોમાં વધારે પડતી દોસ્તી દર્શાવવા બદલ મોદી પર ટિપ્પણી પણ કરવામાં આવી છે.
રાજકારણીઓની બૉડી લેંગ્વેજમાં પણ રાજકારણ રહેલું હોય છે અને દરેક હિલચાલને નાણી લેતાં વાર નથી લાગતી. મોદીનાં કિસ્સામાં તેમનો ઉમળકો બાલ્ય લાગે છે. આવું પહેલાં ક્યારે ય કોઈ પણ નેતાએ નથી કર્યું. દલીલ કરનારાઓ એમ પણ કહી શકે કે એ તો પાવરફુલ છે તો કંઈ પણ કરી શકે પણ સામેવાળી વ્યક્તિ તમારા એ વહેવારને કઈ રીતે નાણે છે અથવા તો તેની સાથે કેટલી ક્મ્ફરટેબલ છે એ જોવું પણ જરૂરી છે.
સ્વાભાવિક છે કે રાજકીય નેતાનું વક્તવ્ય સાંભળતાં પહેલાં દર્શકો કે મતદારો તેને જોતાં હોય છે. તેનો દેખાવ, હિલચાલ દરેક બાબત તેની પહેલી ઇમ્પ્રેશન ઘડવામાં કામ લાગે છે. અન્ય નેતાઓની વાત કરીએ તો હિલેરી ક્લિન્ટને છેલ્લાં કેટલાક મહિનાઓથી તેમની બૉડી લેંગ્વેજમાં હળવાશ ઉમેરી છે. ક્યાં ય ટીકા કે આકરો અભિગમ નથી વર્તાતો, પણ છતાં પોતાની લાગણીઓ પોતાના કાબૂમાં છે, પ્રકારનો ચહેરો સ્પષ્ટ કરે છે. એ કોઈનાં ય દબાણમાં આવે તેમ નથી. ભારતની વાત કરીએ તો ઇંદિરા ગાંધીની બૉડી લેંગ્વેજમાં એક જુદાં જ પ્રકારનો પાવર દેખાઈ આવતો. તેમનો વહેવાર એગ્રેસિવ હતો પણ આડકતરી રીતે. તેમની હાજરીમાં ક્ષુલ્લકતાને કોઈ સ્થાન નહોતું. મોટે ભાગે શાંત લાગતાં ઇંદિરા પોતાનાં વહેવારથી જ સ્પષ્ટ કરતાં કે તે પોતાનાં વિચારોને વળગી રહેવામાં ખૂબ મક્કમ છે.
સોનિયા ગાંધી જેને રાજકારણ સાથે લગિરેક લેવા દેવા નહોતી તેઓ અત્યારે જે રીતે જાહેર વક્તવ્યમાં આવે છે તે જ દર્શાવે છે કે એક સમયે રાજીવ ગાંધી સાથે ટ્રોફી વાઈફ બનીને ઊભી રહેનાર આ સ્ત્રી ખૂબ માનસિક સંઘર્ષ બાદ ઘડાઈ છે. જ્યારે સોનિયા ગાંધીએ વડાપ્રધાન પદ જતું કર્યું ત્યારે તેમની ચાલમાં એક અલગ જ પ્રકારનો ઠસ્સો હતો. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની સરખામણી થાય તો સ્વાભાવિક રીતે પ્રિયંકામાં રાજકારણનું મુત્સદ્દીપણું અને ગુમાન દેખાઈ આવે. રાહુલ ગાંધી ગમે એટલાં જેન્યુઈન પ્રયાસ કરે તે હંમેશાં કાં તો બાળકની માફક આક્રોશ બતાવતા હોય તેવા અથવા તો થોડાં ખોવાયેલ કે લોસ્ટ જ દેખાઈ આવે છે. લાલુ પ્રસાદ યાદવને લોકો ભારતિય રાજકારણનાં કોમિડિયન ભલે કહેતાં હોય પણ એ જે રીતે પોતાનાં લોકો સાથે કનેક્ટ થાય છે તેમાં તેમની બૉડી લેંગ્વેજનો સૌથી મોટો ફાળો છે. લાલુ પ્રસાદ સંસદમા હોય કે મિટીંગમાં હોય કે પછી જાહેર સભામાં હોય તે પોતાનું કોમિક ટાઇમિંગ, ભાષા કે શૈલીમાં લગિરેક ફેર નથી લાવતા. આ દર્શાવે છે કે તેમને પોતાનાં પર કેટલો આત્મવિશ્વાસ છે. મનમોહન સિંઘ જ્યારે મુશર્રફને મળતાં ત્યારે તમની બૉડી લેંગ્વેજમાં પોતે બધી ક્ષમતાઓમાં પાકિસ્તાનથી ઉચ્ચ સ્તરીય દેશનાં વડા છે તેવો ભાવ રહેતો, પણ કોઈ પણ પ્રકારની તોછડાઈ તેમાં ન વર્તાતી. ઓબામા જ્યારે મનમોહન સિંઘને મળ્યા, ત્યારે તેમને ખભે જે રીતે હાથ થાબડ્યો એ દર્શાવતું હતું કે જાણે કોઈ સિનિયર કોઈ જુનિયરને ફિકર ન કરતા પ્રકારનો સંદેશો આપી રહ્યા છે અને મનમોહન સિંઘની બૉડી લેંગ્વેજમાં નમ્રતા અને આભારવશતા હતી. ગાંધીજીમાં ભારોભાર આદર્શ હતા તો મુત્સદ્દીપણાંમાં પણ એ કાબેલ હતા. અંગ્રેજો સાથે વાત કરતા હોય અને પોતાનાં અનુયાયીઓને સંબોધતા હોય ત્યારે તેમનાં બોલવામાં મોટો ફેર આવી જતો. ગાંધીજીની સાદગી તેમનું શ્રેષ્ઠ રાજકીય હથિયાર હતું, તેમ ઇતિહાસકાર સુમિત સરકારે નોંધ્યું છે. નહેરુમાં આંતરરાષ્ટૃીય નેતા બનવાનાં બધાં લક્ષણ હતાં, તે સ્ટાઇલિશ હતા અને સામેવાળાને વાત ગળે ઉતારી શકે તે રીતે વાત કરતા.
કહેવાય છે કે નેતાઓ પોતાનો મુદ્દો રજૂ કરવા હાથ હલાવે, કે પછી લોકો તરફ હાથ કરીને પોતાના શરીર તરફ પાછા લાવે, ખભા સીધા રાખે અને જરૂર પડે હાથની મુવમેન્ટ માથાની ઉપર સુધી લઈ જાય, ત્યારે સ્પષ્ટ થાય છે કે તે ખુલ્લા દિલે અને આત્મવિશ્વાસથી વાત કરે છે.
ગોઇંગ બેક ટુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, એ જ્યારે પણ વક્તવ્ય આપે ત્યારે તે સંકલ્પ મુદ્રાનો વારંવાર ઉપયોગ કરે છે, જેમાં તર્જની અને અંગુઠાને જોડીને પોતાનો મુદ્દો રજૂ કરવામાં આવે છે. વળી તે જ્યારે પરદેશમાં ભારતીયોને સંબોધે ત્યારે તેમની ઊભા રહેવાની રીતમાં એક અનૌપચારિકતા હોય છે જે, “તમે ચિંતા ન કરતાં હું તમારે માટે હાજર છું” પ્રકારની દોસ્તી દર્શાવવાનો પ્રયાસ છે. મોદીની બૉડી લેંગ્વેજ ઓડિયન્સ પ્રમાણે બદલાય છે, ભારતીય ઓડિયન્સ સાથે અંતર જાળવે છે તો વર્લ્ડ લિડર્સને ભેટી પડે છે તથા વિદેશી ભારતીયો સાથે મજાની દોસ્તી કેળવીને વાત કરે છે. રાજકારણમાં બૉડી લેંગ્વેજ બહુ અગત્યનો ભાગ ભજવે છે અને અત્યંત મુત્સદ્દી ક્ષેત્રમાં અનૌપચારિકતાની ટીકા જ થાય છે. જોઈએ મોદી હજી બીજા કેટલા સાથે ‘લગ જા ગલે’નો દાવ નાખે છે.
બાય ધી વેઃ મોદી જ્યારે અબુધાબીનાં ક્રાઉન પ્રિન્સ શેખ મોહંમદ બિન ઝાયેદ અલ નહ્યાનને મળ્યા અને તેમની બૉડી લેંગ્વેજમાં પ્રતિકુળતા હતી. નિતીશ કુમાર અને અન્ય સેક્યુલર નેતાઓએ તેની ટીકા પણ કરી હતી. અલ નહ્યાનને ભેટી પડવાને બદલે મોદીએ જાણે સજાગ રીતે સહેજ અંતર પર રહ્યા. જો કે દોસ્તી બતાવવા તેમને ‘માય શહેઝાદા’ તરીકે સંબોધ્યા પણ ખરા. મોદીએ સદ્દભાવના મિશન વખતે મુસ્લિમ ટોપી પહેરવાની ના પાડી હતી પણ અહીં આબર હેડગિયર પહેર્યું હતું. એની વે બધાં જ હગ્ઝ, શારીરિક અંતરંગતા દર્શાવવામાં અને પહેલાં નામથી બોલાવવા વાળી ઘટનાઓમાં સૌથી વધારે કોમિક માર્ક્સ તો કમરેથી પકડાયેલા ફ્રેન્ચ પ્રેસિડન્ટ અને માર્ક ઝૂકરબર્ગને (અલા, ફોટો પાડે છે; હખણો રહે) ખસેડી દેનારી ઘટનાને જ મળે છે. જો નરેન્દ્ર મોદીનું નામ બદલવું હોય તો હગેન્દ્ર મોદી (અફકોર્સ અંગ્રેજી વાળું હગ) કરાય કે પછી ભેટેન્દ્ર મોદી રાખીએ, યોર કોલ .. નક્કી કરો ત્યાં સુધી એક ટાઇટ હગ.
e.mail : chirantana@gmail.com