કશું બહુ ગાજતું હોય ત્યારે તેના મોહમાં ન આવી જવું, પણ સવાલ કરવો અને ન કરવો હોય તો સવાલ કરનારાઓને એક વાર સાંભળવા તો ખરાં જ. આપણે ત્યાં ફડચામાં ગયેલી બૅંકોના અને ફાઇનાન્શિયલ ફ્રોડ્ઝના બહુ કિસ્સા છે, આ માત્ર થોડો ટેક સેવી ફડચો હતો, એટલો જ ફરક છે.
એક સમયે સ્ટોક માર્કેટમાં ઇતિહાસ રચનાર પેટીએમની જાહેરાત આ વાંચતી વખતે પણ તમારા કાનમાં ગુંજી ઊઠે એમ બની જ શકે છે. તમને એ પણ યાદ આવી શકે છે તમે જેટલી વાર ક્યૂ આર કોડ સ્કેન કરીને પેટીએમ પર પૈસા ચૂકવ્યા હશે એટલીવાર નાનકડી દુકાન કે કોઇ મોટા સ્ટોરમાં પેટીએમ પર ઇતને રૂપિયે પ્રાપ્ત હુએનો સંદેશો પણ કાને પડ્યો હશે. આજકાલ આ પેટીએમ પ્રોબ્લેમની પેટી બનીને ગાજે છે. રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયાએ (RBI) પે ટીએમના કાન અગાઉ પણ આમળ્યા હતા પણ છતાં ય જે નિયમોનું અનુસરણ કરવું જોઇએ એ ન કરીને પેટીએમના માલિકોએ પોતાની બેફિકરાઈ જાહેર કરી અને અંતે RBIએ પેટીએમ સર્વિસીઝને બરાબર સાણસામાં લીધી છે. આ આખો મામલો આખરે છે શું અને આટલા વખતથી બધું બરાબર ચાલતું હતું તો અંતે RBIને વાંકું શું પડ્યું એ સમજવાનો પ્રયાસ કરીએ. વળી એટલું જ નહીં, પણ ફિનટેક એટલે કે ફાઇનાન્શિયલ ટેક્નોલૉજીને મામલે આપણી તકેદારી અને સમજણ બન્નેનું સ્તર કળવાનો પણ પ્રયાસ કરીએ.
વિજય શેખર શર્મા એ પેટીએમના ડાયરેક્ટર છે જે હવે હતા ન હતા થઇ જવાની અણી પર છે. પેટીએમનો આઇ.પી.ઓ. 2021ના અંતમાં આવેલો અને એ પણ તગડી શૅર પ્રાઇઝ સાથે અને લોકોએ તો તેને ફિનટેકના ક્ષેત્રે ઇતિહાસ રચનાર તરીકે માથે મૂકીને દમ લગાડીને શૅર ખરીદ્યા પણ હતા. ભારતના કોર્પોરેટ ઇતિહાસમાં 18,300 કરોડના શૅર વેચાણ સાથે પેટીએમના આઇ.પી.ઓ.એ એક નવી જ ઊંચાઇ પ્રાપ્ત કરી અને તેની વાહવાહી કરવામાં કોઇએ પણ પાછું વળીને ન જોયું. આજે પેટીએમના ભાવ ગગડ્યા તો એવા ગગડ્યા કે ઝીણી આંખો કરીને પાતાળમાં જોઇએ તો ય માંડ દેખાય. ફિટટેક અને સ્ટાર્ટઅપની વાત થાય અને વિજય શેખર શર્માની વાત ન થાય એવું તો બને જ નહીં. પેટીએમ પેમેન્ટ બેંકની તો RBIએ ફેંટ ઝાલી જ છે પણ પેટીએમ એક કંપની તરીકે પણ હવે લોકોનો વિશ્વાસ ખોઇ બેઠી છે.
હકીકત એમ છે કે 35 કરોડ પેટીએમ વૉલેટ્સ છે અને તેમાંથી 31 કરોડ પેટીએમ વૉલેટ્સ નિષ્ક્રિય છે. એક જ પાન નંબરથી એક-બે નહીં પણ હજારો એકાઉન્ટ્સ લિંક કરાયેલા હોવાના કિસ્સા છે. લાખો એકાઉન્ટમાં કોઈ કેવાયસી – નો યોર કસ્ટમર – ગ્રાહકની પ્રાથમિક વિગતો જ નથી. તમને તો ખબર હશે કે બૅંકમાં ખાતું ખોલાવીએ એટલે કેવાયસી કર્યા વિના એક પાંદડું ય ન હલે પણ પેટીએમ જેણે એક વર્ચ્યુઅલ બૅંક ખડી કરેલી એમને આવું બધું કરવાની પડી જ નહોતી. કેવાયસી કરવાનો કંટાળો આવતો હશે પણ જો કેવાયસી ન કરેલું હોય તો કોઈપણ ખાતાનો ઉપયોગ કરીને મની લોન્ડરિંગ, કાળાં નાણાંનો વહેવાર થઇ જ શકે છે. કેવાયસીના એન્ટી મની લોન્ડરિંગ નિયમો હોય છે તેને પણ પેટીએમે વખારે નાખ્યા. વળી RBI જ્યારે ભૂલ કરી હોવાનું સ્વીકારીને ભૂલ સુધારવા વાળો રિપોર્ટ માગ્યો – કમ્પ્લાયન્સ રિપોર્ટ ત્યારે પેટીએમે એમાં ય ગપગોળા ચલાવ્યા. વળી પરિસ્થિતિ સંગીન ત્યારે બની કે વિજય શેખર શર્માના જે બીજા બિઝનેસ હતા, જે બીજી કંપનીઓ હતી – ફાઇનાન્શિયલ અને બિન-ફાઇનાન્શિયલ તે બધી ય આ પેટીએમ બૅંક સાથે જોડાયેલી હતી અને આ તો બહુ મોટો નિયમ ભંગ છે. બૅંક ચલાવવા બેઠા હોઇએ અને લોકોનો વિશ્વાસ સાચવવાનો હોય ત્યારે પાનના ગલ્લે ચાલતા વહેવારોની માફક કામ ન થઇ શકે. RBIS 31 જાન્યુઆરી 2024ના રોજ પેટીએમ પેમેન્ટ બૅંકને ચેતવણી આપી કે હવે તમે બૅંક તરીકે કોઇપણ લેવડ-દેવડ નહીં કરી શકો, નવા ગ્રાહકો નહીં ઉમેરી શકો અને 29 ફેબ્રુઆરી પછી કોઇ નવી ડિપોઝિટ કે બૅંક ટ્રાન્ઝેક્શન્સ, વૉલેટ ટોપ અપ, બિલ ટ્રાન્ઝેકશન્સ પણ સદંતર બંધ કરી દેવા. RBIએ પેટીએમનું બૅંકિગ લાઇન્સ જ રદ્દ કરી દેશે, ઝૂંટવી દેશે એવું થવાની પણ પૂરેપૂરી શક્યતા છે. અત્યારે RBI ચાહે છે કે લોકો પોતાના પૈસા પેટીએમમાંથી કાઢી લે.
પેટીએમ બૅંક શરૂ તો બહુ જોરશોરથી થઇ પણ નિયમ ભંગ, ડેટા બ્રીચ, છેતરપીંડીની શક્યતા, પારદર્શિતાનો અભાવ આ બધા લખ્ખણ બહુ જલદી સપાટી પર આવી ગયા. પેટીએમ બૅંક અસ્તિત્વમાં આવી તેના એક વર્ષમાં 2018માં જે RBIએ પેટીએમનો લાયસન્સિંગની શરતો ન અનુસરવા અંગે કાન આમળી નવી કામગીરી પર પ્રતિબંધ મુકવા કહ્યું પણ પેટીએમ વાળાએ ત્યારે માફી માગીને, હવે પછી આવું નહીં થાય વાળી કરીને વાત વાળી લીધી પણ 2021ના ઑક્ટોબરમાં પેટીએમ બૅંકે આપેલી ખોટી માહિતીને પગલે RBIએ તેમની પર એક કરોડના દંડ ફટકાર્યો પણ છતાં ય અળવીતરા છોકરાંની જેમ પેટીએમ બૅંકનું રેઢિયાળ ખાતું ચાલુ રહ્યું. પેટીએમ બૅંકના સર્વર જ્યાં છે ત્યાં જ પેરન્ટ કંપનીના બીજા 197 એકમ પણ છે, આ સર્વર શેરિંગ એટલે છેતરપીંડીની પૂરેપૂરી શક્યતાઓ. માર્ચ 2022માં ફરી RBIએ પેટીએમને ચેતવણી આપી, ઑડિટ કરાવ્યું પણ તો ય કોઇ ગંભીર પગલાં ન લેવાયા અને ઑક્ટોબર 2023માં RBIએ ફરી પેટીએમ બેંક પર 5.39 કરોડનો દંડ ફટકાર્યો. પેટીએમ બૅંક માળું કંઇક કરતી જ નહોતી એમ કહીએ તો ચાલે, કોઇ પ્રકારનું મોનિટરીંગ થતું જ નહોતું. નિયમોથી પર જઇને કરોડોની લેવડદેવડ પણ પેટીએમ બૅંકમાં થતી હતી, તેના બેનિફિશ્યરી માલિકો કોણ હતા તેની પણ ચોખવટ નહોતી, પેઆઉટ ટ્રાન્ઝેક્શન્સ પર કોઈ નિયંત્રણો નહોતા. ફરી વાર દંડ ફટકારવામાં આવ્યો પણ પેટીએમ પેમેન્ટ બૅંકના લોકોને કોઈ ફેર પડ્યો નહીં. પેટીએમએ મની લોન્ડરિંગ કર્યું છે એવું કોઇ નથી કહેતું પણ એમ તો થઇ જ શકે કે પેટીએમના નિષ્ક્રિય એકાઉન્ટ્સનો ઉપયોગ કરીને કોઈને કોઈનો આર્થિક છેતરપીંડી કરી જ શકે છે. RBI પણ ક્યાં સુધી માફ કરે? વિજય શેખર વર્માની આ દાદાગીરી હતી, આ તેમનો અહમ હતો કે આપણે તો ફિનટેકના ક્ષેત્રમાં ઇતિહાસ રચ્યો છે આપણને કોણ જ કંઇ કરી શકવાનું છે?
પેટીએમની બૅંક ચલાવવાનો મોહ હવે પૂરો થઇ ગયો. સામાન્ય માણસે એ સાચવવાનું કે પેટીએમ વૉલેટમાં જેટલા પૈસા છે એ 29મી ફેબ્રુઆરીમાં વાપરી લેવા કારણ કે પછી એ વૉલેટની કામગીરી બંધ થઇ જશે. પેટીએમની વહારે કોઈ બીજી બૅંક નહીં આવે તો આ વૉલેટ્સ ગયા ખાતે. વળી જે દુકાનદારો પેટીએમ મર્ચન્ટ્સ છે તેમણે બીજા પેમેન્ટ ગેટવેઝની મદદ લેવી પડશે અને RBI તો આ નાના-મોટા વેપારીઓને મદદ કરી જ રહી છે.
પેટીએમની વહારે કોઇ નહીં આવે એટલે પેટીએમ તો પતી ગયું કારણ કે જે રીતે યસ બૅંકને બચાવવા સહાર પૂરી પડાઇ હતી એવું આ મામલે થાય એવું લાગતું નથી. વિજય શેખર શર્માએ આ બધા ગોટાળા પછી જે ટ્વીટ કર્યું એમાં ખાલી સારી સારી વાતો કરી છે એમ જ લાગે છે.
આવું બાઇજુ રવીન્દ્રન અને અશ્નિર ગ્રોવરના કિસ્સામાં બન્યું છે. તેમને લોકોએ ખૂબ માથે ચઢાવ્યા અને પછી એ સાવ તળિયે જઇને બેઠા. આ બધાં જેટલી ઝડપથી ઉપર ગયાં એટલી જ ઝડપથી નીચે પણ આવી ગયા. પોતાની જાતને ભગવાન માનવા બેઠેલાઓને આપણે પણ માથે બેસાડ્યા અને પછી એ બધા ફાટી ફાટીને ધુમાડે ગયા. ભારતમાં પહેલાં પણ બૅંકો બેસી પડી છે, વિજય માલ્યા જેવા ઘણા નંગ પણ પાક્યા જેમણે આપણી બૅંકિંગ સિસ્ટમના ગોટાળા પણ જાહેર કર્યા. કશું બહુ ગાજતું હોય ત્યારે તેના મોહમાં ન આવી જવું પણ સવાલ કરવો અને ન કરવો હોય તો સવાલ કરનારાઓને એક વાર સાંભળવા તો ખરાં જ. આપણે ત્યાં ફડચામાં ગયેલી બૅંકોના અને ફાઇનાન્શિયલ ફ્રોડ્ઝના બહુ કિસ્સા છે, આ માત્ર થોડો ટેક સેવી ફડચો હતો, એટલો જ ફરક છે.
બાય ધી વેઃ
જીઓ ફાઇનાન્સિયલ સર્વિસીઝ અને એચ.ડી.એફ.સી. બૅંક સાથે મળીને પેટીએમ વૉલેટ બિઝનેસને હસ્તગત કરવાના નથી, એ પહેલી ચોખવટ કારણ કે આ અફવા માર્કેટમાં આવી અને શૅર માર્કેટમાં તેની અસર તરત જ દેખાઇ. ફિનટૅકને બબલ કહેનારાઓને માથે માછલાં ધોનારાઓને આજે સમજાયું હશે કે અંતે આ તો એક ક્યૂઆર કોડ જ છે, પેમેન્ટ સિસ્ટમને સરળ બનાવે છે, એમાં બીજું કંઇ છે જ નહીં. નોન બેંકિંગ ફાઇનાન્સ કોર્પોરેશન કંઇ નવી વાત નથી, ક્યૂઆર કોડથી પૈસા ચૂકવાતાં હોય એને અર્થતંત્રની ક્રાંતિ ગણાવીને ખુશ થવાની કોઇ જરૂર હતી જ નહીં. એક માહિતી અનુસાર ડિમોનેટાઇઝેશનના સાત વર્ષ પછી આજે 33 લાખ કરોડ રૂપિયા સર્ક્યુલેશનમાં છે, જે એ વખત કરતાં બમણાં છે. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ હોય, જેમ રોકડાથી વહેવાર થાય એમ જ યુ.પી.આઇ.થી વહેવાર થાય. આ એક સવલત છે આ કોઈ એવી ઘટના નથી જેનાથી અર્થતંત્રની કાયા કલ્પ થઇ જાય.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 11 ફેબ્રુઆરી 2024