ભારતનું પાકિસ્તાનીકરણ થઈ રહ્યું છે ત્યારે કૉન્ગ્રેસ પણ પાકિસ્તાનીકરણની પ્રક્રિયામાં જોડાય એને તો દુર્ભાગ્ય જ કહેવું જોઈએ. એક તરફ રાહુલ ગાંધી દેશના સેક્યુલર ઢાંચા વિષે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે પંજાબમાં તેમની જ સરકાર ધર્મના અપમાનને લગતા ભારતીય દંડસંહિતામાંના કાયદાને વધારે વ્યાપક બનાવી રહી છે. દેશમાં ધાર્મિક દુર્ભાવના રોકવા અંગ્રેજ સરકારે ૧૯૨૦ના દાયકામાં ભારતીય દંડસંહિતામાં સેક્શન ૨૯૫નો કાયદો ઘડ્યો હતો. સેક્શન ૨૯૫ મુજબ સમાજમાં કોમી વિખવાદ પેદા કરવાના ઈરાદે જો કોઈ ધાર્મિક સ્થળને નુકસાન પહોંચાડે તો એ ફોઝદારી ગુનો બને છે, અને એ ગુના માટે બે વરસની જેલની સજા અને દંડ બન્ને થઈ શકે છે. આ કાયદો અસ્તિત્વમાં આવ્યો એ પછી એમાં સેક્શન ૨૯૫(એ)નો ઉમેરો કરવામાં આવ્યો હતો જે મુજબ જાણીબૂજીને કોઈની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવી એ પણ ગુનો બને છે.
હવે પંજાબ સરકારે હજુ વધુ ઉમેરો કરીને ૨૯૫(એ)એનો કાયદો ઘડવાનો નિર્ણય લીધો છે જે મુજબ ધર્મગ્રંથ સાથે છેડછાડ કે અપમાન ફોઝદારી ગુનો બનશે. પહેલાં ધર્મસ્થળ, એ પછી ધાર્મિક લાગણી અને હવે ધર્મગ્રંથ. એમ લાગે છે કે ઈશ્વર અને ધર્મ આ જગતમાં એટલા નિર્બળ છે કે તેમને ટકી રહેવા માટે દુન્યવી કાયદાઓની અને પોલીસની મદદની જરૂર પડે છે. ના, એટલી મદદ પણ પૂરતી નથી. હવે તો તેમની આણ ટકી રહે એ માટે કોમી ટોળાંઓની પણ જરૂર પડે છે. ટોળાંઓ સર્વશક્તિમાન અંતર્યામી ઈશ્વરને રક્ષણ પૂરું પાડે છે. વિનોબા ભાવેએ કહ્યું હતું કે સંગઠિત ધર્મના ઠેકેદારો અને રાજકારણીઓ મળીને બન્ને સંસ્થાનો વિનાશ નોતરશે અને એ પછી શુદ્ધ આધ્યાત્મ પાછળ રહેશે. અત્યારે આની શરૂઆત થઈ ગઈ છે. ભારત થોડું પાછળ હતું, પણ હવે એ પણ પહેલી હરોળમાં આવી રહ્યું છે. બહુ ઝડપથી ભારતનું પાકિસ્તાનીકરણ થઈ રહ્યું છે.
પંજાબના મુખ્ય પ્રધાન કૅપ્ટન અમરિન્દર સિંહને જાણ હોવી જોઈએ કે ધર્મ અને રાજકારણની સાંઠગાંઠના કારણે પંજાબ કેવા દોજખમાંથી પસાર થયું છે. અલગ ખાલિસ્તાન માટેનું આંદોલન શરૂ થયું અને તેમાં હજારો યુવાનો હોમાઈ ગયા એ હજુ ત્રણ દાયકા જૂની ઘટના છે. વાત એમ હતી કે ૧૯૭૨માં પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં અકાલી દળનો કારમો પરાજય થયો હતો, જે રીતે ૧૯૮૪માં લોકસભાની ચૂંટણીમાં બી.જે.પી.નો કારમો પરાજય થયો હતો. એ પછી ૧૯૭૩માં અકાલી દળે આનંદપુર સાહિબ ખાતે પક્ષનું અધિવેશન બોલાવીને કેટલાક કોમી ઠરાવ કર્યા હતા, જેનાં પરિણામે ખાલિસ્તાનનું આંદોલન શરૂ થયું હતું. ડીટ્ટો બી.જે.પી.એ ૧૯૮૭માં પાલમપુર ખાતે અધિવેશન બોલાવીને અયોધ્યાને સળગાવવાનો ઠરાવ કર્યો હતો. અલગ ખાલિસ્તાન માટેનું આંદોલન અને રામજન્મભૂમિ આંદોલન બન્ને કોમી આંદોલન હતાં જેમાં હજારો લોકોએ પ્રાણ ગુમાવ્યા છે.
મૂળમાં આ સત્તા માટેનો ખેલ છે અને ધર્મનો દુરુપયોગ કરવામાં આવે છે. ધર્મનું અપમાન, દ્વેષ, દુરુપયોગ શાસકો અને રાજકારણીઓ કરે છે; પ્રજા નથી કરતી. પ્રજા તો બિચારી એટલી ભોળી છે કે તે ક્યારે ટોળાંમાં ફેરવાઈ જાય છે તેનું તેને ભાન પણ નથી રહેતું. આ તો તેમને જોઈએ છે; પ્રજાને ટોળાંમાં ફેરવો એટલે બાકીનો રસ્તો ખૂલી જશે. અકાલી દળે ૨૦૧૬માં પંજાબ વિધાનસભાની ચૂંટણીની પૂર્વસંધ્યાએ ફરી એકવાર સિખોને ધાર્મિક ટોળાંમાં ફેરવવાનો પ્રયાસ કર્યો હતો કે જેથી અકાલી દળની ડૂબતી નૌકા ઊગરી જાય. ભારતીય દંડસંહિતાના સેક્શન ૨૯૫(એ)માં હજુ એક એ ઉમેરવા પાછળનો નિર્ણય અકાલી દળની સરકારનો હતો. ઇન્ડિયન પીનલ કોડ (પંજાબ એમેન્ડમેન્ટ બીલ) ૨૦૧૬ અકાલી દળે વિધાનસભામાં રજૂ કર્યું હતું. એ સમયે કૉન્ગ્રેસ અને આમ આદમી પાર્ટી સત્તા મેળવવા માટે વીંગમાં ઊભા હતા. કૉન્ગ્રેસે સિખોના મત ગુમાવવા ન પડે એ સારું ખરડાને ટેકો આપ્યો હતો અને આમ આદમી પાર્ટીએ ચુપકીદી સેવી હતી.
સેક્શન ૨૯૫ (એએ) મુજબ ગુરુ ગ્રંથસાહિબનો અનાદર કે અપમાન એ ગુનો બનતો હતો. એ ખરડો ત્યારે પસાર થઈ શક્યો નહોતો અને જો ખરડો પસાર થયો પણ હોત તો પણ અકાલી દળનો પરાજય નિશ્ચિત હતો. બાદલ પરિવારનો ભ્રષ્ટાચાર અને કેફી દ્રવ્યોના કોપના કારણે અકાલી સરકાર ઊગરી શકે એમ નહોતી. હવે કૉન્ગ્રેસ સરકારે એ ખરડામાં સુધારો કરીને ગુરુ ગ્રંથસાહિબ ઉપરાંત ભગવત ગીતા, કુરાન અને બાયબલનો પણ ઉમેરો કર્યો છે. કૉન્ગ્રેસ ધાર્મિક ભેદભાવ નહીં કરનારો સર્વસમાવેશક પક્ષ ખરોને! પંજાબમાં કૉન્ગ્રેસની સરકાર આવ્યે દોઢ વરસ થવા આવ્યું છે, પરંતુ પંજાબમાં કેફી દ્રવ્યોના વપરાશનો અંત આવ્યો નથી. ગામડાંઓમાં નવયુવાનો તેમાં હોમાઈ રહ્યા છે. પંજાબમાં કૃષિવિકાસ ઠપ થયેલો છે, અને યુવાનોમાં બેરોજગારી વધી રહી છે. પ્રકાશ સિંહ બાદલની માફક ધર્મના અફીણની કૉન્ગ્રેસી મુખ્ય પ્રધાન કૅપ્ટન અમરિન્દર સિંહને પણ જરૂર છે.
આગળ કહ્યું એમ કૅપ્ટન અમરિન્દર સિહે ખાલિસ્તાન આંદોલનના યાતનામય દિવસો જોયા છે. તેમણે પોતે ઓપરેશન બ્લ્યુસ્ટાર પછી વિરોધના ભાગરૂપે કૉન્ગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું અને અકાલી દળમાં જોડાયા હતા. અકાલી દળમાં તેમણે ધર્મની ગુંગળામણ અને ધર્મનું વરવું રાજકારણ જોયું હતું અને તે સહન નહીં થતા તેઓ કૉન્ગ્રેસમાં પાછા ફર્યા હતા. ધર્મનિંદા(બ્લેસ્ફેમી)ના કાયદાએ અને હૂદુદના કાયદાએ પાકિસ્તાનની જે હાલત કરી છે એ આખું જગત જોઈ રહ્યું છે. ધાર્મિક લાગણીઓને બહુ પંપાળવાની ન હોય, કારણ કે લાગણીઓ ધવાવાનો કોઈ અંત જ નથી. જેટલી રાજકીય જરૂરિયાત વધુ એટલો ધર્મનો દુરુપયોગ વધુ. કૅપ્ટન અમરિન્દર સિંહ પંજાબમાં નર્કના દરવાજા ખોલી રહ્યા છે. રાહુલ ગાંધી સાંભળે છે?
કાયદાશાસ્ત્રમાં સ્લિપરી સ્લોપ આર્ગ્યુમેન્ટ્સ વિષે સતત ઊહાપોહ થતો રહે છે, કારણ કે શીર્ષક સૂચવે છે એમ તેમાં લપસી પડવાનો હંમેશાં ભય રહે છે. કેટલીક દલીલો પહેલી નજરે ગળે ઊતરી જાય એવી હોય છે, પરંતુ વાસ્તવમાં એ લપસણી દલીલો હોય છે. ધાર્મિક સૌહાર્દ, અમન, દેશપ્રેમ, મૂલ્ય રક્ષણ, દેશની સુરક્ષા, કાયદાનું રાજ વગેરે આવા લપસણા પ્રદેશ છે. ભાવનાથી પ્રેરાઈને લોકો ડંડાશાહીને સ્વીકૃતિ આપે છે અને અદાલતો તેને કાયદાકીય માન્યતા આપે છે. દેશના મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રાએ સિનેમા ઘરોમાં ફરજિયાત રાષ્ટ્રગીત ગાવાનો અને તેને આદર આપવાનો ચુકાદો આપ્યો હતો, એનું કારણ સ્લિપરી સ્લોપ આર્ગ્યુમેન્ટ્સ અર્થાત્ મનને ભાવે એવી લપસણી દલીલો હતી. પાછળથી રિવ્યુ પિટિશન સાંભળતી વખતે સાથી જજોએ મુખ્ય ન્યાયમૂર્તિનું ધ્યાન દોર્યું હતું કે મનભાવક દલીલો લપસણી હોય છે અને દેશને અરાજકતાની ખાઈમાં ધકેલી શકે છે.
પાકિસ્તાન અને બીજા મુસ્લિમ દેશો આજે દોજખમાં ધકેલાઈ ગયા છે તો એનું મુખ્ય કારણ ધર્મઘેલછાથી પ્રેરાઈને શાસકોની મનભાવક દલીલોને આપેલી માન્યતા છે. અહીં વાચકોને એટલી જ વિનંતી કે આંખ-કાન ખુલ્લા રાખીને તમારા સંતાનોનું ભવિષ્ય સુરક્ષિત કરતા જાઓ.
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 27 અૉગસ્ટ 2018