કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અત્યારે બ્રિટન અને જર્મનીના પ્રવાસે ગયા છે અને ત્યાં તેઓ વિદ્યાર્થીઓ સહિત અનેક લોકોને મળી રહ્યા છે. રાહુલ ગાંધીના મુક્ત વાતચીતના સંભાષણોમાં લંડનમાં ‘લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ’માંનું સંભાષણ રસપ્રદ છે. એક વાત અહીં નોધવી જોઈએ કે રાહુલ ગાંધી સામી છાતીએ પ્રશ્નકર્તાના પ્રશ્નો લેવાની હિંમત અને ઉત્તર આપવાની ખેલીદીલી ધરાવે છે જે આપણા વડા પ્રધાન નથી ધરાવતા. નરેન્દ્ર મોદી કદાચ દુનિયાના પહેલા શાસક છે જેમણે પોતાની મુદત દરમ્યાન એક પણ પત્રકાર પરિષદ નથી સંબોધી કે કોઈનો પણ પ્રશ્ન નથી લીધો. તેઓ જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે એવી ઘટનાઓ બની છે જેમાં તેઓ ટી.વી. સ્ટુડિયોમાં ન ગમે એવો પ્રશ્ન પૂછાયો હોય ત્યારે મોઢું ફેરવી લે અને જવાબ ન આપે અથવા સ્ટુડિયો છોડીને ભાગી જાય. હવે તો તેમણે પ્રશ્નકર્તાને નજીક આવવા દેવાનું જ બંધ કર્યું છે.
રાહુલ ગાંધીએ ‘લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ’માંના સંભાષણમાં તેમણે સામી છાતીએ આકરો પ્રશ્ન લેતી વખતે નરેન્દ્ર મોદીને ટોણો મારવાનો મોકો છોડ્યો નહોતો. એક વિદ્યાર્થીએ તેમને પૂછ્યું હતું કે ગાંધી અટક સિવાય તમે બીજી કઈ લાયકાત ધરાવો છો? રાહુલ ગાંધીએ જરા પણ વિચલિત થયા વિના ઉત્તર આપ્યો કે ‘તમારે મારી ક્ષમતાનું મૂલ્યાંકન ચોક્કસ પરિવારમાં મારો જન્મ થયો છે અને ચોક્કસ અટક ધરાવું છું એ ભૂલીને તટસ્થતાથી કરવું જોઈએ. જો મારી અંદર કોઈ ક્ષમતા હોય તો એ મારી પોતાની છે અને ગાંધી હોવા માત્રથી આપોઆપ એ મળતી નથી અને જો ન હોય તો એ મારી પોતાની નિષ્ફળતા છે જેમાં ચોક્કસ પરિવારના સભ્ય હોવાની લાયકાત કોઈ રીતે મદદરૂપ થઈ શકતી નથી. તમે મને ગમે તે પ્રશ્ન પૂછો; વિદેશનીતિ, અર્થનીતિ, કૃષિનીતિ, ભારતનો વિકાસ અને વિકાસને લગતા પ્રશ્નો ગમે તે. કોઈ પણ પ્રકારના સંકોચ વિના પ્રશ્ન પૂછો અને તમે પોતે નક્કી કરો કે હું લાયકાત ધરાવું છું કે નહીં. મારું મૂલ્યાંકન તમારે કરવાનું છે’.
અહીં તેમણે નરેન્દ્ર મોદીને ટોણો મારતા કહ્યું હતું કે અમારા વડા પ્રધાનને તમે આવો પ્રશ્ન પૂછી નહીં શકો. એટલા માટે નહીં કે તમારામાં હિંમત નથી, પરંતુ એટલા માટે કે તેઓ અહીં આ રીતે તમારી સામે બેસશે જ નહીં. અત્યાર સુધી તેમણે લોકોનો અને લોકોના પ્રશ્નનો સામનો નથી કર્યો. તેઓ પ્રશ્નોથી દૂર ભાગે છે. રાહુલ ગાંધીએ આ જે વાત કહી એ બી.જે.પી.ના નેતાઓને સ્વાભાવિકપણે ગમી નથી.
બી.જે.પી.ના નેતાઓ કહી રહ્યા છે કે વિદેશની ધરતી પર દેશના રાજકારણની ચર્ચા નહીં કરવાની અને પ્રતિસ્પર્ધી પક્ષ અને નેતાઓની નિંદા નહીં કરવાની પરંપરા રાહુલ ગાંધીએ તોડી છે. બી.જે.પી.ના નેતાઓએ સમયને જરાક રિવાઇન્ડ કરવાની જરૂર છે. આ પરંપરા આપણા મહાન વડા પ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદીએ તોડી હતી. ૨૦૧૪ના સપ્ટેમ્બર મહિનામાં અમેરિકાની મુલાકાત વખતે મેડિસન સ્ક્વેર ખાતે અમેરિકન ભારતીયોને સંબોધતી વખતે તેમણે આ પરંપરા તોડી હતી. એ પ્રવચન ભારતમાં ચૂંટણી સભા જેવું હતું જેમાં જવાહરલાલ નેહરુને પણ છોડવામાં નહોતા આવ્યા. એ પ્રવચન યુ ટ્યુબ પર ઉપલબ્ધ છે અને ત્યારે જ નરેન્દ્ર મોદીની ટીકા કરતા પત્રકાર રાજદીપ સરદેસાઈને ભારતીય ટોળાંએ માર્યા હતા.
વિરોધીઓને કચડી નાખવાથી તેઓ ક્યારે ય ઊભા નહીં થઈ શકે એ પહેલો, આપણો સમય ક્યારે ય નહીં બદલાય એ બીજો અને જો જરાક અસંતોષ વધશે તો આંગળિયાત મીડિયા અને ટ્રોલ્સ જયજયકાર કરીને અસંતોષના અવાજને દબાવી દેશે એ ત્રીજો એમ ત્રણ ભ્રમનો વડા પ્રધાન શિકાર બની ગયા છે. સમય ભલભલાનો બદલાય છે અને અભિમાન રાજા રાવણનું પણ ટક્યું નહોતું એ હિંદુ પરંપરામાં શીખવાડમાં આવતું સનાતન સત્ય છે અને બી.જે.પી.વાળાઓ તો સવાયા હિંદુ છે. એમાં કોઈ શંકા નથી કે વિદેશની ધરતી પર રાહુલ ગાંધીએ વડા પ્રધાનની બુઝદિલી વિષે નહોતું બોલવું જોઈતું, પણ શરૂઆત કોણે કરી?
રાહુલ ગાંધીને બીજો પ્રશ્ન ૧૯૮૪માં ઇન્દિરા ગાંધીની હત્યા પછી દિલ્હી અને ઉત્તર ભારતમાં સિખોના કરવામાં આવેલા નરસંહાર વિષે પૂછવામાં આવ્યો હતો. અંદાજે ત્રણ હજાર સિખોને રહેંસી નાખનારો નરસંહાર કૉન્ગ્રેસીઓએ કર્યો હતો એવો પ્રશ્નકર્તાનો પ્રશ્ન હતો. રાહુલ ગાંધીએ એ ઘટના વિષે ખેદ વ્યક્ત કર્યો હતો, પરંતુ એ વાતની કબૂલાત નહોતી કરી કે એમાં કૉન્ગ્રેસીઓનો હાથ હતો. યુ આર રોંગ મિ. રાહુલ ગાંધી. એ નરસંહારમાં કૉન્ગ્રેસીઓનો અને એ પણ સિનિયર કૉન્ગ્રેસીઓનો હાથ હતો એમાં કોઈ શંકા નથી. રાહુલ ગાંધીએ નિખાલસતાપૂર્વક સિખોની માફી માગી લેવી જોઈએ. ૧૯૮૪નો સિખોનો નરસંહાર અને ૨૦૦૨નો ગુજરાતમાં મુસલમાનોનો નરસંહાર એ શાસક પક્ષના લોકોએ સરકારની સંમતિ અને સહયોગ સાથે કરેલો નરસંહાર હતો. એ બન્ને ઘટના દેશનું કલંક છે.
રાહુલ ગાંધીને ત્રીજો પ્રશ્ન ૨૦૧૪માં કૉન્ગ્રેસના થયેલા પરાજય વિષે પૂછવામાં આવ્યો હતો. આ પ્રશ્નના ઉત્તરમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે કૉન્ગ્રેસમાંની જૂની અને નવી પેઢી વચ્ચેની ખાઈ અને કાંઈક અંશે બે પેઢીના નેતાઓ વચ્ચે અણબનાવનું એ પરિણામ હતું. તેમનો આ ઉત્તર કાંઈક અંશે ગળે ઊતરે એવો છે. ઘણા સમયથી એમ કહેવામાં આવતું હતું કે મા-દીકરા વચ્ચે પેઢી પરિવર્તન (જનરેશનલ ચેન્જ) વિષે મતભેદ હતો. સોનિયા ગાંધી સંભાળીને જૂના હલેસે કામ લેવામાં માનતા હતા અને રાહુલ ગાંધી જૂની કૉન્ગ્રેસને ૨૧મી સદીની કૉન્ગ્રેસમાં રૂપાંતરિત કરવા માગતા હતા. તેઓ જૂના સિનિયર નેતાઓને ધીરે-ધીરે હટાવીને યુવા નેતાઓને આગળ કરવા માંગતા હતા. સોનિયા ગાંધીનો આની સામે વિરોધ હતો એટલે રાહુલ ગાંધી કોંગ્રેસનું પ્રમુખપદ નહોતા સંભાળતા અને વચ્ચે વચ્ચે ગાયબ થઈ જતા હતા.
આવું ઘણા સમયથી કહેવામાં આવતું હતું અને રાહુલ ગાંધીએ કૉન્ગ્રેસ પ્રમુખ બન્યા પછી પહેલીવાર તેનો સ્વીકાર કર્યો છે. તેમની ૨૧મી સદીની કૉન્ગ્રેસ વિષે કેવી કલ્પના છે એ વિષે હજુ વધુ ફોડ પાડીને તેમણે કહ્યું હોત તો વધારે સારું થાત. એક વાતની નોંધ લેવી જોઈએ કે તેઓ મુક્ત રીતે લોકોને મળે છે અને સાંભળે છે. આ જે નમ્રતા છે એ આજના યુગમાં બીજા અંતિમે આપોઆપ પ્રતીત થતી શક્તિ છે. અભિમાન નમ્રતાને મોટી અને શક્તિશાળી બનાવે છે. આ પણ હિંદુદર્શનનું સનાતન સત્ય છે જેને માટે હિન્દુત્વવાદીઓ ગર્વ લે છે.
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 28 અૉગસ્ટ 2018