૧૯૩૧માં મળેલી બીજી ગોળમેજ પરિષદમાં ભારતના એક જ પ્રતિનિધિ હતા : મહાત્મા ગાંધી અને લેખિત સમજૂતીનો આગ્રહ ધરાવનારા જે તે વર્ગવિશેષના ૫૭ પ્રતિનિધિ હતા. આનો અર્થ એ થયો કે ભારતના જે તે સમાજના ૫૭ નેતાઓને ગાંધીજીનો અનાગ્રહી ભારતીય રાષ્ટ્રવાદ સ્વીકાર્ય નહોતો. તેઓ અંગ્રેજોની હાજરીમાં, અગ્રેજોની મધ્યસ્થીમાં અને અંગ્રેજો દ્વારા ઘડવામાં આવનારા કાયદા દ્વારા સત્તાની ભાગીદારીની સમજૂતીની માગણી સાથે લંડન ગયા હતા. ૫૭ જણાએ ગોળમેજ પરિષદમાં અમે અલગ છીએ અને અમને બીજા પર ભરોસો નથી એવી દલીલો કરી હતી. ત્યાં એકલા ગાંધીજી હતા જે ભારત વતી બોલતા હતા અને બાકીના ૫૭ જણા પોતાના સમાજ વતી બોલતા હતા અને એકબીજાનો છેદ ઉડાડતા હતા.
આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ એના કેન્દ્રમાં રાજકીય પ્રભાવ અર્થાત્ પોલિટિકલ સ્પેસ છે. પોતાનો પ્રભાવ વિસ્તારવાની સ્પર્ધા આઝાદી મળી એના પહેલાં શરુ થઈ ગઈ હતી. આનું એક કારણ ભારતને આઝાદી મળે ત્યારે એકલા સત્તા ભોગવવા મળે કે પછી સંખ્યા ઓછી પડતી હોય તો સત્તામાં ભાગીદારી મળે એ તો હતું જ અને બીજું એના કરતાં વધારે મહત્ત્વનું કારણ દરેકની પોતપોતાની સ્વતંત્ર ભારત વિશેની કલ્પના હતી. સ્વતંત્ર ભારતની એ કલ્પના કેટલાક લોકો માટે ઉત્તેજના પેદા કરનારી હતી તો કેટલાક માટે ડરાવનારી હતી. ત્રીજો પક્ષકાર (અંગ્રેજો) જતો રહેશે ત્યારે આપણું શું થશે? ત્રીજો પક્ષકાર જતો રહે એ પહેલાં જ આઝાદી મોંઘી ન પડે એની કોઈ તજવીજ કરવામાં આવે તો? અને ત્રીજું, જ્યાં સુધી કોઈ તજવીજ હાથ ન લાગે ત્યાં સુધી ત્રીજા પક્ષકારે ભારતમાં રહેવું જોઈએ. ઇન્ડિપેન્ડન્સ કેન વેઇટ.
અહીં એક હકીકત ગાંઠે બાંધી લો. અંદાજે ૨૦ ટકા ઉજળિયાત હિંદુઓ(બ્રાહ્મણ, વાણિયા, કાયસ્થ, ચેટ્ટીયાર વગેરે)ને છોડીને ભારતની બાકીની તમામ પ્રજાઓ સત્તામાં ભાગીદારીની સમજૂતીની માગણી કરતી હતી. છેલ્લા ત્રણ શબ્દો ફરીવાર વાંચો: સત્તામાં ભાગીદારીની સમજૂતી. ભારતને સંપૂર્ણ આઝાદી મળે કે પછી બ્રિટિશ સામ્રાજ્ય અંતર્ગત સ્વાયત્તતા (ડોમિનિયન સ્ટેટસ) મળે, પણ એના પહેલાં સત્તામાં ભાગીદારીની સમજૂતી થઈ જવી જોઈએ. અંગ્રેજોની ઉપસ્થિતિમાં અને અંગ્રેજોની મધ્યસ્થી દ્વારા સમજૂતી થાય અને એ સમજૂતીને અંગ્રેજો કાયદાકીય સ્વરૂપ આપતા જાય. જી હા, આ આજે આપણને ન ગમે એવી કડવી વાસ્તવિકતા છે.
મુસલમાનોને ત્રીજા પક્ષકારની ઉપસ્થિતિમાં સમજૂતી જોઈતી હતી એમ વાંચતાની સાથે જ તમારા મનમાં મુસલમાનો માટે અણગમો પેદા થશે, પણ સમજૂતીની માગણી કરવામાં મુસલમાનો ક્યાં એકલા હતા. સિખોને સમજૂતી જોઈતી હતી, દલિતોને સમજૂતી જોઈતી હતી, હિંદુઓમાં બહુજન સમાજ સમજૂતીની માગણી કરતો હતો, આદિવાસીઓ સમજૂતીની માગણી કરતા હતા, ઇશાન ભારતની વાંશિક પ્રજા સમજૂતીની માગણી કરતી હતી, દક્ષિણમાં દ્રવિડો સમજૂતીની માગણી કરતા હતા વગેરે. કુલ સરવાળો કરો તો ભારતની ૮૦ ટકા પ્રજા અંગ્રેજો જાય એ પહેલાં સત્તાની સમજૂતીની માગણી કરતા હતા. બીજા શબ્દોમાં કહીએ તો ભારતની ૮૦ ટકા પ્રજાનું વલણ એવું હતું કે પહેલાં કોનું કેટલું વર્ચસ્વ હશે અને અમારી જગ્યા ક્યાં અને કેટલી હશે એની સ્પષ્ટતા થઈ જવા દો. ત્યાં સુધી? ઇન્ડિપેન્ડન્સ કેન વેઇટ.
ભારતમાં ગાંધીજી આવ્યા એ પહેલાં અને પછી કૉન્ગ્રેસમાં અનેક કૉન્ગ્રેસી નેતાઓ હતા જેઓ હળવા (સોફ્ટ) હિંદુત્વવાદી હતા. લોકમાન્ય ટિળક, લાલા લાજપત રાય, મદનમોહન માલવિય જેવા કેટલાક કોંગ્રેસી નેતાઓનો હિંદુ પક્ષપાત ઉઘાડો હતો. કેટલાક લોકોએ કૉન્ગ્રેસમાં રહીને હિંદુ મહાસભા નામના હિંદુઓના હિતમાં વેગળા પક્ષની સ્થાપના કરી હતી. તેઓ આજના નિર્વીર્ય રાષ્ટ્રવાદીઓ કરતાં વીર્યવાન રાષ્ટ્રવાદી હતા. આમ છતાં ૧૮૮૫માં કૉન્ગ્રેસની સ્થાપના થઈ એ પછીથી ત્રણ દાયકામાં તેમને સમજાઈ ગયું હતું કે ભારતના પ્રજાસમૂહો વચ્ચે સમજૂતી કર્યા વિના કોઈ ઉપાય નથી. કોઈને કોઈના પર ભરોસો જ નથી. દેશપ્રેમ, સ્વતંત્રતા, રાષ્ટ્રવાદ, રાષ્ટ્રનિર્માણ જેવી ગદગદિત કરી મૂકનારી કલ્પનાઓ દેશની ૮૦ ટકા પ્રજાને અપીલ જ નથી કરતી. તેઓ તો એક જ વાતનો ચીપિયો પછાડે છે કે અંગ્રેજો જાય એ પહેલાં અમારા સ્થાન વિષે અને ભાગીદારી વિષે ખુલાસો કરો, ખુલાસો નહીં સમજૂતી કરો એ પછી બીજી વાત. ત્યાં સુધી? ઇન્ડિપેન્ડન્સ કેન વેઇટ.
આગલા લેખમાં કહ્યું હતું એમ લોકમાન્ય ટિળક અને મહમ્મદ અલી જિન્નાહ વચ્ચે ૧૯૧૬માં થયેલી લખનૌ સમજૂતી ભારતની વાસ્તવિકતાના થયેલા બ્રહ્મજ્ઞાનનું પરિણામ હતું. વિનાયક દામોદર સાવરકર અને બીજા ધગધગતા રાષ્ટ્રવાદીઓ ઇટાલિયન અને જર્મન રાષ્ટ્રવાદથી પ્રેરાઈને દેશપ્રેમ અને રાષ્ટ્રવાદનો જે પોપટજાપ કરતા હતા તેનાથી તેઓ અનભિજ્ઞ નહોતા. પહેલી નજરે શીરાની જેમ ગળે ઊતરી જાય એવી મીઠી મધુરી સુગંધીદાર દલીલોથી તેઓ અપરિચિત નહોતા. તેમને પણ એ દલીલો ભાવતી હતી, પરંતુ ભારતની ૮૦ ટકા પ્રજા દેશપ્રેમ અને રાષ્ટ્રવાદનો એ શીરો ખાવા તૈયાર નહોતી, ત્યાં શું કરવું? ખૂબ મથામણ પછી કૉન્ગ્રેસના નેતાઓ સમજૂતી કરવા તૈયાર થઈ ગયા હતા.
અહીં એક વાત નોંધી લેવી જોઈએ કે કૉન્ગ્રેસના સેક્યુલર આધુનિક નેતાઓ કરતાં હળવા હિન્દુત્વવાદી નેતાઓ ભાગીદારીની સમજૂતી કરવા વધારે આતુર હતા. આવું કેમ? આવું એટલા માટે કે પ્રત્યેક ભારતીય પોતાની તમામ ઓળખ ઘરે મૂકીને ઘરની બહાર માત્ર નાગરિક તરીકેની સેક્યુલર ઓળખ અપનાવે એવું આધુનિક રાજ્ય તેમને પણ સ્વીકાર્ય નહોતું. અસ્મિતાઓની ઓળખમુક્ત આધુનિક રાજ્ય નહીં, ઓળખયુક્ત ભાગીદારીવાળું રાજ્ય. આપણી ઓળખ રાષ્ટ્રીય ઓળખ ન બનતી હોય તો છેવટે આપણા હિસ્સામાં જેટલી ઓળખ અને ઓળખ આધારિત સત્તા આવતી હોય એની સમજૂતી કરી લેવી જોઈએ. હળવા હિન્દુત્વવાદીઓ મુસલમાનો સહિત દરેક પ્રજા સાથે સમજૂતી કરવા આતુર હતા એનું કારણ આ હતું.
અહીં દક્ષિણ આફ્રિકાની નાનકડી વાત કરી લેવી જોઈએ. ૧૯૯૦ પછી આફ્રિકન નેતા નેલ્સન મંડેલાને જેલમાંથી છોડવામાં આવ્યા અને દક્ષિણ આફ્રિકામાં રંગભેદનો અંત આવ્યો એ પછી દક્ષિણ આફ્રિકામાં સત્તાની સાઠમારી શરૂ થઈ હતી. ૧૯૯૦થી ૧૯૯૪ના વરસોમાં ઝુલુ અને ઝોસા નામની બે વાંશિક કોમ વચ્ચે હુલ્લડો થયા હતા જેમાં ૨૦ હજાર લોકો માર્યા ગયા હતા. આ ઉપરાંત બીજી વાંશિક પ્રજાઓ પણ સત્તામાં ભાગીદારી માટે ઝઘડતી હતી. એમ લાગતું હતું કે ભારતની જેમ દક્ષિણ આફ્રિકા પણ વિભાજન વગર રંગભેદમુક્ત થવાનું નથી. કહો કે ગોરાઓ પાસેથી આઝાદી મળવાની નથી. નેલ્સન મંડેલાએ સમય વર્તીને ઝુલુ નેતા મંગોસુથુ બુથેલેઝી અને બીજા જૂથોના નેતાઓ સાથે સમજૂતી કરી લીધી હતી. એ સાથે કાયમી ધોરણે ટ્રુથ એન્ડ રિકન્સિલિયેશન કમિશનની રચના કરી હતી જે આફ્રિકન નાગરિકો અને જૂથોની ફરિયાદો સાંભળે છે અને તેનો નિકાલ કરે છે.
નેલ્સન મંડેલા ગાંધીજીના અનુયાયી હતા. તેઓ પણ પરસ્પર શ્રદ્ધા આધારિત આફ્રિકન રાષ્ટ્રનાં સપનાં જોતા હતા. દાયકાઓ સુધી જેલ વેઠી હતી અને યાતનાઓ સહી હતી, પરંતુ તેમને જ્યારે સમજાઈ ગયું કે એકજીવી (હોમોજિનિયસ) અખંડ આફ્રિકા શક્ય નથી ત્યારે તેમણે સમજૂતી કરી લીધી હતી. ટૂંકમાં, આફ્રિકન પ્રજાએ પોતાના આંતરિક વિભાજનનો સ્વીકાર કરીને, તેને કાયમ માટે બંધારણીય માન્યતા આપીને આપસમાં સત્તાની સમજૂતી કરીને દેશ અખંડ રાખ્યો હતો.
આ વિકલ્પ કદાચ ભારત માટે પણ ઉપલબ્ધ હતો, પરંતુ ગાંધીજીને એ સ્વીકાર્ય નહોતો, કારણ કે તેઓ મહાત્મા હતા. શા માટે પરસ્પર વિશ્વાસ અને શ્રદ્ધાના આધારે એકજીવી (હોમોજિનિયસ) રાષ્ટ્રનું નિર્માણ ન થાય? શા માટે આપણે આપણી અંદર રહેલી દરેક ઓળખને ઓગાળીને અને જે ઓળખ ઓગાળવી નથી તેને ઘરમાં અંગત જીવન પૂરતી મર્યાદિત રાખીને ભારતીય ઓળખ ન વિકસાવીએ? ઘરની બહાર આપણી માત્ર એક જ ભારતીય ઓળખ હોય એવું કેમ ન બને? આપણે આપણા અતીતમાંથી ભારતીય પ્રજાને જોડનારાં તત્ત્વો જુદાં તારવીએ અને તેને અપનાવતા જઈએ અને તોડનારાં તત્ત્વો જુદાં તારવીને છોડતાં જઈએ એવું કેમ ન બને?
આપણે આપણો પાંચ હજાર વરસનો ઇતિહાસ અંગ્રેજોએ લખ્યો હતો તેના કરતાં બીજા અંતિમેથી લખીએ તો કાંઈ વાંધો છે? અંગ્રેજોએ લાંબો સમય ભારત પર રાજ કરવાના ઈરાદે ભારતીય પ્રજા વિભાજીત થાય એ રીતે ઇતિહાસ લખ્યો હતો તો આપણે બીજા અંતિમેથી પ્રજા વચ્ચે એકતાની ભાવના વધે એ રીતે લખવો જોઈએ. શા માટે આપણે પરસ્પર શ્રદ્ધા પર આધારિત અનાગ્રહી રાષ્ટ્રવાદ ન વિકસાવીએ જે પશ્ચિમના આગ્રહી રાષ્ટ્રવાદ કરતાં અલગ હોય. શુદ્ધ ભારતીય રાષ્ટ્રવાદ જેને સમાજશાસ્ત્રીઓ ગાંધિયન નેશનાલિઝમ તરીકે ઓળખાવે છે.
આ ગાંધીજીનો આદર્શવાદી ભાવનાત્મક પક્ષ થયો તો તેમનો તેની સાથે વ્યવહાર પક્ષ પણ હતો. ભારતની વિવિધતા જોતાં સત્તાની ભાગીદારીની કેટલી સમજૂતી કરવાની? નેલ્સન મંડેલાએ આઠ મુદ્દાની અકે સમજૂતી કરી હતી, પણ ભારતમાં તો ૮૦૦ મુદ્દાની ૮૦ સમજૂતી કરવી પડે એમ હતી. ભાગીદારીની સમજૂતીઓ કરવા કરતાં સહઅસ્તિત્વની સંભાવના વિકસાવવી સહેલી પણ છે અને ટકાઉ પણ છે. વેદાંત, શ્રમણ દર્શન, મધ્યકાલીન સંત સાહિત્ય, સૂફી સાહિત્ય, સંગીત, મેળાઓ અને ઉર્સ જેવા તહેવારો એમ અનેક અનુકૂળ પદાર્થો ઉપલબ્ધ છે, જે ભારતની પ્રજાને ભારતીય તરીકે જોડી શકે છે. જો સેંકડો વરસ સુધી ભારતની અશિક્ષિત કે અલ્પ શિક્ષિત પ્રજા વિભાજીત થયા વિના સાથે જીવી શકે તો ભવિષ્યમાં કેમ ન જીવી શકે? હવે તો આપણે આધુનિક શિક્ષણ મેળવીને વિદ્યાવિભૂષિત થઈ રહ્યા છે. ટૂંકમાં એવાં અનેક તત્ત્વો છે જેણે આપણને જોડી રાખ્યાં છે, જોડી રાખે છે અને જોડી રાખશે એટલે તેની ઉપાસના કરવી જોઈએ.
ગાંધીજીના ભારતીય રાષ્ટ્રવાદના મૂળમાં ત્રણ તત્ત્વો હતાં: પરસ્પર પ્રેમ, અનાગ્રહ અને દરેક પ્રકારની ઓળખની સંકુચિતતા છોડીને રાષ્ટ્રભાવનાની ઉપાસના. આને માટે અનુકૂળ પદાર્થો આપણી અંદર અને આપણી પરંપરામાં રહેલા છે તેને શોધી કાઢીને તેની ઉપાસના. કોઈ વિરોધ છે ગાંધીજીના રાષ્ટ્રવાદ સામે? કોઈ ડાહ્યો સમજદાર માણસ આનો વિરોધ કરે? એમાં પાછું ગાંધીજીનું મહાત્માનું કેરેક્ટર એટલે ભારતની પ્રજા ગાંધીમય બની ગઈ હતી. ભારતની સમાન્ય પ્રજાએ પોતપોતાની સમાજિક ધાર્મિક-ઓળખ છોડીને ગાંધીજીની આંગળી પકડી લીધી હતી. એનો અર્થ એ થયો કે તેમણે ભારતીય હોવાની ઓળખ અપનાવી લીધી હતી.
આનો અર્થ એવો નથી કે ઓળખનું અને હિસ્સેદારીનું રાજકારણ કરનારાઓએ ગાંધીજીના ભારતમાં આવ્યા પછી હાટડી સંકેલી લીધી હતી. સંકેલી લેવી જોઈતી હતી, પરંતુ તેમણે સંકેલી નહોતી. એના બે મુખ્ય કારણ હતાં. એક કારણ ગાંધીજીની લોકપ્રિયતાની બાબતે અસૂયા તેમ જ ઈર્ષા, પણ તેનાથી વધારે મહત્ત્વનું કારણ ભરોસાનો અભાવ હતો. અંગ્રેજોએ લખેલો ઇતિહાસ તેમને સાચો લાગતો હતો. ગાંધીજી મહાત્મા છે, પરંતુ તેમના અનુયાયીઓ થોડા મહાત્મા છે એમ દલિતો, તેમ જ બીજી શોષિત પ્રજાના નેતાઓને અને લઘુમતી કોમના નેતાઓને લાગતું હતું. આના કરતાં લેખિત સમજૂતી વધારે સારી એમ તેમને લાગતું હતું. આ ઉપરાંત તેમાંનામાંથી કેટલાક પોતાની અસ્મિતા છોડવા નહોતા માંગતા.
૧૯૩૦ના દાયકામાં આનાં બે પરિણામો જોવા મળ્યા હતાં. ૧૯૩૧માં મળેલી બીજી ગોળમેજ પરિષદમાં ભારતના એક જ પ્રતિનિધિ હતા : મહાત્મા ગાંધી અને લેખિત સમજૂતીનો આગ્રહ ધરાવનારા જે તે વર્ગવિશેષના ૫૭ પ્રતિનિધિ હતા. આનો અર્થ એ થયો કે ભારતના જે તે સમાજના ૫૭ નેતાઓને ગાંધીજીનો અનાગ્રહી ભારતીય રાષ્ટ્રવાદ સ્વીકાર્ય નહોતો. તેઓ અંગ્રેજોની હાજરીમાં, અગ્રેજોની મધ્યસ્થીમાં અને અંગ્રેજો દ્વારા ઘડવામાં આવનારા કાયદા દ્વારા સત્તાની ભાગીદારીની સમજૂતીની માગણી સાથે લંડન ગયા હતા. ૫૭ જણાએ ગોળમેજ પરિષદમાં અમે અલગ છીએ અને અમને બીજા પર ભરોસો નથી એવી દલીલ કરી હતી. ગાંધીજી મહાત્મા છે એ ખરું, પરંતુ તેમના બધાને સાથે રાખનારા અનાગ્રહી ભારતીય રાષ્ટ્રવાદ પર પણ અમને ભરોસો નથી એમ તેમણે કહ્યું હતું. ત્યાં એકલા ગાંધીજી હતા જે ભારત વતી બોલતા હતા અને બાકીના ૫૭ જણા પોતાના સમાજ વતી બોલતા હતા અને એકબીજાનો છેદ ઉડાડતા હતા.
૧૯૩૧માં બનેલી આ પહેલી ઘટના. બીજી ઘટના ૧૯૩૭માં બને છે જેમાં ૧૯૩૫ના કાયદા હેઠળ યોજાયેલી પ્રાંતીય ધારાસભાઓની ચૂંટણીમાં અલગ ઝંડો લઈને લંડન પહોંચી ગયેલાઓનો ઘોર પરાજય થાય છે. આજે જ્યાં પાકિસ્તાન છે એ પ્રત્યેક પ્રાંતમાં મુસ્લિમ લીગનો પરાજય થયો હતો. દેશભરની કુલ ૧,૫૮૫ બેઠકોમાંથી હિંદુ મહાસભાને ૨૫ બેઠકો નહોતી મળી. ડૉ.આંબેડકરના પક્ષનો તો પરાજય થયો હતો, પરંતુ ખુદ ડૉ. આંબેડકર મહારાષ્ટ્રમાંથી હારી ગયા હતા. મદ્રાસ પ્રાંતમાં દ્રવિડોની જસ્ટિસ પાર્ટીનો પરાજય થયો હતો. પંજાબમાં સિખોનો પરાજય થયો હતો. પંજાબ અને બંગાળ છોડીને આખા દેશમાં રાજકીય પ્રભાવ અર્થાત્ પોલિટિકલ સ્પેસ ગાંધીજીએ કબજે કરી લીધી હતી. ગાંધીજીએ એક એવી ઇન્દ્રધનુષી એકતા (રેઇનબો કોએલિશન) વિકસાવી હતી જેમાં કોઈ રંગ બાકી નહોતો. દરેક રંગ અલગ અને છતાં ઇન્દ્રધનુષ રચી શકાય એવી રાષ્ટ્રીય એકતા ગાંધીજીએ વિકસાવી હતી.
હજુ છ વરસ પહેલાં ગોળમેજ પરિષદમાં સત્તામાં ભાગીદારીની સમજૂતીની માગણી કરનારાઓનો અને એકબીજાનો છેદ ઉડાડનારા ઝંડાધારીઓનો ચૂંટણીમાં છેદ ઊડી ગયો હતો. કારણ કે દરેક પ્રજાસમૂહના લોકો ગાંધીજીની સાથે હતા. પરિણામ સ્પષ્ટ હતું. ૧૯૩૭ના કૉન્ગ્રેસના પ્રચંડ વિજયના કારણે અથવા ૫૭ ઝંડાધારીઓના કારમાં પરાજયના કારણે ગાંધીજીને સતાવવામાં કાંઈ બાકી નહોતું રાખવામાં આવ્યું અને તેનો અંત તેમની હત્યા દ્વારા આવ્યો હતો. એક રીતે જુઓ તો ગાંધીજીની હત્યા એ તેમની યાતનામાંથી મુક્તિ સમાન હતી કારણ કે ૫૭ દિશાએથી તેમના પર તીર વરસાવવામાં આવતા હતા. તેમનો અપરાધ શું હતો? તેમણે બીજી ઓળખોને બાજુએ મૂકીને ભારતીય તરીકેની ઓળખને વિકસાવીને દેશને જોડવાનો પ્રયાસ કર્યો હતો.
ખેર, આઝાદી પછી કૉન્ગ્રેસને ગાંધીજીએ વિકસાવેલી ઇન્દ્રધનુષી એકતાનો લાભ મળ્યો હતો અને પાંચ પાંચ દાયકા સુધી એકચક્રી શાસન કર્યું હતું. બીજી બાજુ ગાંધીજીને કારણે જમીનદોસ્ત થઈ ગયેલાઓએ ધીરેધીરે પોતાની જગ્યા બનાવવાની હતી. કૉન્ગ્રેસ ગાંધીજીના ખભા પર બેઠી હતી એટલે તેની ગુસ્તાખીનો કોઈ પાર નહોતો તો બીજી બાજુ ગાંધીજીના અનાગ્રહી એકત્વનો વિરોધ કરનારા પક્ષો ગાંધીજીના પગ નીચે કચડાયેલા હતા એટલે તેમની ગાંધીજી પરત્વેની અસૂયાનો પણ પાર નહોતો.
આઝાદી પછી બે અંતિમેથી સ્પેસ મેળવવાની બે યાત્રા શરૂ થાય છે જેની વાત આવતા સપ્તાહે.
સૌજન્ય : ‘નો નોનસેન્સ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સન્ડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 26 અૉગસ્ટ 2018