યોગ એ આંતરિક વિકાસની એક શુદ્ધ સેક્યુલર પ્રક્રિયા છે. હવે તો બાબા રામદેવે એને આંતરિક પણ રહેવા નથી દીધી અને એને શારીરિક કસરતમાં ફેરવી નાખી છે. રામદેવના યોગમાં અને જિમ્નૅસ્ટિકમાં હવે બહુ ફરક નથી. આપણે જે યોગાસન વિશ્વમાં પહોંચાડી રહ્યા છીએ એ યોગશાસ્ત્રમાં બતાવેલા હેતુ વિનાનાં આસનો છે અને એટલે કસરત છે
આ વર્ષથી દર વર્ષે ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઊજવવાનો યુનોએ નિર્ણય લીધો છે. યુનોએ કૅલેન્ડરના ઘણા દિવસોને અલગ-અલગ મૂલ્યો, પરંપરાઓ અને વ્યક્તિઓ સાથે જોડ્યા છે જેથી જગતમાં જાગૃતિ તેમ જ સહિયારાપણું વિકસે. દાયકા પહેલાં મહાત્મા ગાંધીના જન્મદિવસ બીજી ઑક્ટોબરને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે ઊજવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને હવે યોગને વૈશ્વિક માન્યતા આપી છે. ભારતમાં વિકસેલા યોગશાસ્ત્રને યુનોએ માન્યતા આપી એ જોઈને રાજી થવું હોય તો એમાં કોઈ વાંધો નથી, પરંતુ એમાં બહુ પોરસાઈને ગાંડા થવાની જરૂર નથી. યુનોએ ચીંધેલા વિશેષ દિવસોની ઉજવણીને વિશ્વદેશો અને પ્રજા ગંભીરતાથી લેતાં નથી. ચોક્કસ મૂલ્યોના વિસ્તાર અને સ્વીકાર માટે યુનો કોઈ મોટી જહેમત ઉઠાવે છે એવું પણ નથી. આને કારણે કૅલેન્ડરના પચાસેક દિવસોએ કોઈ ને કોઈ ઔપચારિક ઉજવણી કરવામાં આવે છે. બીજી ઑક્ટોબરને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે ઊજવવાથી જગતમાંથી હિંસા સમાપ્ત નથી થઈ છતાં લોકજાગૃતિ માટે આવા અવસર ખપના છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગયા વર્ષે યુનો ગયા હતા ત્યારે તેમણે યુનોની સામાન્ય સભાને સંબોધતાં સૂચન કર્યું હતું કે યોગશાસ્ત્ર આખા વિશ્વ માટે ઉપયોગી છે અને એના પચાર-પ્રસાર માટે યુનોએ પહેલ કરવી જોઈએ. તેમણે વર્ષમાં એક દિવસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઊજવવાની ભલામણ કરી હતી જે યુનોએ મંજૂર રાખી છે.
યુનોના આ નિર્ણયનો જગતના કોઈ મુસ્લિમ બહુમતી દેશે કે ખ્રિસ્તી બહુમતી દેશે વિરોધ કર્યો હોય એવું મારા જોવામાં આવ્યું નથી, પરંતુ ભારતમાં કારણ વિના વિવાદ ચાલી રહ્યો છે. વિવાદ પેદા કર્યા વિના જાણે આપણને ચાલતું જ નથી. હિન્દુત્વવાદીઓ આમાં હિન્દુ ધર્મનો વિજય સમજે છે, જ્યારે યોગ એ આંતરિક વિકાસની એક શુદ્ધ સેક્યુલર પ્રક્રિયા છે. હવે તો બાબા રામદેવે એને આંતરિક પણ રહેવા દીધી નથી, એને શારીરિક કસરતમાં ફેરવી નાખી છે. રામદેવના યોગમાં અને જિમ્નૅસ્ટિકમાં હવે બહુ ફરક નથી. અત્યારે આપણે જે યોગાસન વિશ્વમાં પહોંચાડી રહ્યાં છીએ એ યોગશાસ્ત્રમાં બતાવેલાં હેતુ વિનાનાં આસનો છે એટલે કે કસરત છે. બાકી તો યોગસૂત્રમાં પહેલું સૂત્ર યોગ: ચિત્તવૃત્તિ નિરોધ: છે. આનો અર્થ થાય છે ચિત્તની વૃત્તિઓને રોકવી. બીજું સૂત્ર છે તદ દ્રક્ટુ: સ્વરૂપે અવસ્થાનમ્ જેનો અર્થ થાય છે પોતાના મૂળ સ્વરૂપમાં સ્થિર થવું. આ ત્યારે જ બને જ્યારે વૃત્તિઓ સમેટાઈ ગઈ હોય અને આત્મસ્વરૂપ (સત્) સમજાઈ ગયું હોય. સમજાવું પણ બરોબર નથી, પમાયું હોય. પ્રારંભમાં જ આવતાં આ બે સૂત્રો પરથી ખ્યાલ આવી જશે કે યોગશાસ્ત્ર અને એના રચયિતા પતંજલિ માણસને ક્યાં પહોંચાડવા માગે છે. બાબા રામદેવ અને બીજા કેટલાક કહેવાતા યોગીઓ જે કરે છે એ મહદંશે યોગાસનોનો ધંધો કરે છે. બાબા રામદેવે યોગસૂત્રનાં અહીં ટાંકેલાં પહેલાં બે વચનો પામી લીધાં હોત તો તેઓ અત્યારે જે કરે છે એ કરતા જ ન હોત. ૧૧૦૦ કરોડ રૂપિયાનો વેપલો જેની વૃત્તિઓનો નિરોધ થઈ ચૂક્યો હોય, પોતાના મૂળ સ્વરૂપને પામી લીધું હોય અને એમાં સ્થિર થઈ ગયો હોય એ કરે નહીં. આ ગંગાસતીના શબ્દોમાં અધૂરિયાઓનો ખેલ છે.
આમ વિશ્વમાં જે યોગાસનો જઈ રહ્યાં છે એ અધૂરિયાઓ દ્વારા કસરતના સ્વરૂપમાં કે બીમારીના ઇલાજ (થેરપી)ના સ્વરૂપનાં જઈ રહ્યાં છે એના મૂળ સ્વરૂપમાં તેના આત્મા સાથે નથી જઈ રહ્યાં. યુનોના નિર્ણયથી રાજી જરૂર થઈએ, પણ હરખપદૂડા થવાની જરૂર નથી. ભારતમાં જે લોકો યોગનો વિરોધ કરી રહ્યા છે એ પણ એટલા જ બેવકૂફ છે જેટલા હરખપદૂડા હિન્દુવાદીઓ છે. જે શાસ્ત્રને ચોક્કસ કોઈ ધર્મ સાથે, બાહ્ય કર્મકાંડી ધાર્મિકતા સાથે, દેખીતી રીતે ઈશ્વર સાથે કોઈ જ સંબંધ નથી એનો ધર્મના નામે શા માટે વિરોધ કરવામાં આવે છે? સાંખ્ય અને યોગ ભારતનું દાર્શનિક યુગ્મ છે. એકમાં દર્શન છે અને બીજામાં પ્રક્રિયા છે. આમાં સાંખ્ય તો અનીશ્વરવાદી દર્શન તરીકે ઓળખાય છે. યોગ હિન્દુઓની ધાર્મિક વિધિ છે એવી જે સમજ કેટલાક ગેરહિન્દુઓ ધરાવે એ કેવળ એક અજ્ઞાન છે. અજ્ઞાન જ્યારે હિન્દુઓ ધરાવતા હોય ત્યાં બીજાની શી ફરિયાદ કરવી. મુસ્લિમો હિન્દી ભાષાને હિન્દુઓની સમજીને એનો અસ્વીકાર કરે. હિન્દુઓ ઉર્દૂ ભાષાને મુસ્લિમોની સમજીને એનો અસ્વીકાર કરે. મુસ્લિમો આયુર્વેદને હિન્દુઓનો સમજીને એનો અસ્વીકાર કરે અને હિન્દુઓ યુનાનીનો મુસ્લિમોની સમજીને એનો અસ્વીકાર કરે એના જેવી આ વાત થઈ. આવો વિરોધ બુદ્ધિ વિનાનો છે.
આગળ કહ્યું એમ, જગતના કોઈ મુસ્લિમ બહુમતીવાળા કે ખ્રિસ્તી બહુમતીવાળા દેશોમાં યુનોના નિર્ણયનો વિરોધ નથી થઈ રહ્યો, માત્ર ભારતમાં વિરોધ થઈ રહ્યો છે. આનું એક કારણ વિતંડાના આપણા જૂના સંસ્કાર છે. અમર્ત્ય સેન કહે છે એમ, આપણે આગ્યુર્મેન્ટેટિવ ઇન્ડિયન છીએ. એટલે તો નિર્દોષ ભાષાઓને ધર્મ સાથે જોડીને આપણે એને ટાર્ગેટ બનાવીએ છીએ. બીજું કારણ ઓળખ ઓગાળી નાખવાના અને ઓળખ ટકાવી રાખવાના દુરાગ્રહો છે. વાસ્તવમાં યોગાસન કરવાથી નથી કોઈની ઓળખ ઓગળી જવાની કે નથી કોઈની ઓળખ ટકવામાં કોઈ વધારો થવાનો. વળી યોગાસન ક્યાં કોઈ માટે ફરજિયાત છે? ૯૦ ટકા હિન્દુઓ યોગાસન નથી કરતા તેમને તો કોઈએ સજા કરી નથી. યુનોએ તો અંદાજે પચાસેક જેટલા દિવસોને ચોક્કસ ધોરણ, મૂલ્યો કે પ્રણ સાથે ઊજવવાનું કહ્યું છે એની કેટલા લોકોને જાણ છે? હમણાં ૩૧ મેએ ઍન્ટિ ટબૅકો ડે મનાવાયો હતો. તમાકુ ખાનારો તમાકુ ખાય જ છે, તો પછી વિવાદ શા માટે?
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામે લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 17 જૂન 2015
http://www.gujaratimidday.com/features/columns/feature-columns-17-6-2015-4