ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે જેણે એના આંગણામાં તુલસી ક્યારો જોયો ન હોય. ભગવાન વિષ્ણુની ભક્તિમાં સતી થઈ ગયેલી વૃંદા તુલસી બનીને જન્મી હતી.
એટલે, બને છે એવું કે ઠાકુર રાજનાથ સિંહ ચૌહાણ (વિજય આનંદ) માતાએ પસંદ કરેલી ઉચ્ચ ખાનદાનની છોકરી સાથે લગ્ન કરી લે તે માટે તુલસી (આશા પારેખ) પોતાનો પ્રેમ જતો કરે છે અને ઠાકુર સામે દલીલ પેશ કરતાં કહે છે : ‘હું જેને સપનાનું ઘર કહી શકું એવા આ ઘરમાં તુલસી માટે ક્યાં જગ્યા છે? હું તો જન્મોજનમથી ઘર બહાર રહી છું. હું તો આજના યુગની વૃંદા છું જેને ભગવાન કૃષ્ણ ઘરમાં લાવી શક્યા ન હતા. મારું વૈવાહિક સુખ તો તુલસીના છોડની જેમ ઘર બહાર રહેવામાં જ છે.’
બસ, આટલા સંવાદ પરથી રાજ ખોસલાએ એ ફિલ્મનું નામ ‘મૈં તુલસી તેરે આંગન કી’ (1978) રાખેલું અને આનંદ બક્ષીએ એમાં બીજી પંક્તિ ‘કોઈ નહીં મૈં તેરે સાજન કી’ જોડીને અફલાતૂન ગીત બનાવેલું.
ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે જેણે એના આંગણામાં તુલસી ક્યારો જોયો ન હોય. ભગવાન વિષ્ણુની ભક્તિમાં સતી થઈ ગયેલી વૃંદા તુલસી બનીને જન્મી હતી અને દરેક હિન્દુસ્તાનીના ઘરની બહાર એ ભગવાન સાથે વિવાહની રાહમાં ખીલેલી રહેલી હતી એવી કપોળ કલ્પનાને બાજુએ રાખીએ તો ય આપણા જીવનમાં તુલસીનાં મહત્ત્વને ઓછું આંકી શકાય તેમ નથી.
તુલસીનાં ઔષધીય ગુણોની દાદા-દાદી, નાના-નાની, મા-ભાભીને ખબર હતી અને કદાચ એ કારણસર જ 1થી 3 ફૂટ ઊંચા અને 2 થી 3 વર્ષની આયુ ધરાવતા આ છોડને ઈશ્વરની કક્ષાએ મૂકવામાં આવ્યો હતો. વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક અનુસંધાન પરિષદના નિષ્ણાતોએ હવે તુલસીનો પૂરો જીનોમી કોડ બ્રેક કરીને એની અંદર રહેલી ઈશ્વરીય તાકાતને જગત સમક્ષ મૂકવાની કામયાબી હાંસલ કરી છે.
જીનોમી કોડ એટલે વંશસૂત્ર જેમાં પ્રત્યેક વંશાણુ(જીન)માં આપણા (ગઈકાલના અને આવનારા) જીવનની તમામ માહિતી બંધ પડેલી છે. આપણે જેવા દેખાઈએ છીએ, જેવો વ્યવહાર કરીએ છીએ, જેવી શારીરિક યા માનસિક મુશ્કેલીઓ અથવા તો સરળતાનો અનુભવ કરીએ છીએ એનું આખું રિમોટ કંટ્રોલ આ જીનમાં હોય છે. માનવ શરીરમાં (અથવા તો, સમસ્ત જીવ શરીરમાં) આવી હજારો લાખો જીવિત કોશિકા હોય છે. કોશિકાઓના આવા વિશાળ સમૂહને જીનોમી કહે છે.
માનવ જીનોમી કોડને વાંચવાનું કામ 1990માં શરૂ થયું હતું અને માનવ શરીરમાં કાર્યરત એક લાખ વંશાણુની અંદર પડેલા ત્રણ અરબ જીનેટિક અક્ષરોમાંથી બે અરબ અક્ષરોની પહેચાન થઈ ચૂકી છે. જીન વૈજ્ઞાનિકોનું માનવું છે બે એક વખત માનવ જાતિની સમસ્ત જીનની રચનાની ખબર પડી જાય તો માણસની જીન કુંડળીના આધારે એના જીવનની તમામ જૈવિક ઘટનાઓની ભવિષ્યવાણી કરવાનું અને એને અનુરૂપ તૈયારીઓ કરવાનું મુમકીન થઈ જશે. માનવ જીનોમીનું કામ તો દુનિયાના અનેક દેશોમાં ચાલી રહ્યું છે પરંતુ ભારતીય વૈજ્ઞાનિકોએ તુલસીના 386 મિલિયન જીનેટિક અક્ષરો વાંચીને તુલસીની પૂરી કુંડળી ખોલી નાખી છે. લખનૌ સ્થિત વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક અનુસંધાન પરિષદમાં છેલ્લાં પાંચ વર્ષથી આ કામ ચાલતું હતું. તુલસી તમામ જડીબુટ્ટીની મા ગણાય છે અને હજારો વર્ષોથી શરદી-તાવથી લઈ અસ્થમા, મલેરિયા, ડિસેંટ્રી, ડાયેરિયા, હાડકાંનાં દર્દ, ચામડીના રોગ અને જીવ-જંતુના દંશ જેવી મુસીબતોમાં એનો ઉપયોગ થતો રહ્યો છે.
તુલસીની જીન કુંડળી ખૂલી ગયા પછી હવે એ જાણવું આસાન થઈ જશે કે એનું કયું જીન્સ કયા રોગ સામે ઉપચારક છે અને તુલસી બીજા કયા રોગની સાફસફાઈ માટે કામ આવી શકે છે. જીન્સની પહેચાન થવાથી હવે તાકાતવર તુલસીના છોડ પેદા કરવાનું પણ શક્ય બનશે. વનસ્પતિ શાસ્ત્રમાં તુલસીનું નામ ઓસીમમ સૈક્ટમ છે. તુલસી શબ્દ તુલ ધાતુ પરથી આવે છે, જેના મૂળમાં વજન લેવું, માપવું, ઉપર ઉઠાવવું, વિચાર મંથન કરવું જેવા અર્થ છે. તુલ પરથી જ તુલા, તોલક, શબ્દ આવે છે. એ અર્થમાં તુલસી એટલે એવી વનસ્પતિ જેની તુલના ના થઈ શકે. હિન્દુ શાસ્ત્રોમાં તુલસીનાં આઠ નામ છે : વૃંદા (બધી વનસ્પતિની આધિ દેવી), વૃંદાવની (જેનો જન્મ વ્રજમાં થયો હતો), વિશ્વપૂજીતા (સમસ્ત જગતમાં પૂજનીય), વિશ્વપાવની (ત્રણે લોકને પવિત્ર કરનારી), પુષ્પસરા (દરેક પુષ્પનો સાર), નંદિની (ઋષિમુનિઓને આનંદ પ્રદાન કરનારી), કૃષ્ણ જીવની (શ્રીકૃષ્ણની પ્રાણ જીવની), અને તુલસી (અતુલ્ય).
ઓસીમમ સૈક્ટમને મુખ્ય તુલસી મનાય છે અને એની બે પ્રજાતિ છે : શ્રી રામ તુલસી (જે લીલી હોય છે) અને શ્રીકૃષ્ણ તુલસી (જે શ્યામ રંગી હોય છે.) સંસ્કૃત પંડિત શ્રી ભાવ મિશ્ર કહે છે, ‘શ્યામા શુકલા કૃષ્ણા ચે તુલસી ગુણૈસ્તુલ્યા પ્રકીર્તિત’ અર્થાત્ કૃષ્ણા તુલસી અને શ્રી તુલસી ગુણોમાં સરખી જ છે. તુલસીના ઔષધિય ગુણોને લઈને જ ભારતીય સંસ્કૃિત અને ધર્મમાં એનું મહત્ત્વ રહ્યું છે. ભાગવત પુરાણ પ્રમાણે તુલસીનું મૂળ નામ વૃંદા હતું જે જલંધર નામના રાક્ષસની પત્ની હતી. આ જલંધર દેવતાઓને ખૂબ પરેશાન કરતો હતો અને કેમેય કરીને પરાજિત થતો ન હતો. ભગવાન વિષ્ણુએ એનો નાશ કરવા જલંધરનું રૂપ ધરીને વૃંદાના ઘરમાં પ્રવેશ કર્યો. વૃંદા પતિને આવેલો જોઈને એની પૂજામાંથી ઊઠી ગઈ અને દેવતાઓ સાથે યુદ્ધ મગ્ન જલંધર કમજોર પડી ગયો અને હણાઈ ગયો.
દેવતાઓએ જ્યારે જલંધરનું માથું વૃંદાનાં ચરણોમાં ફેંક્યું ત્યારે એને ખબર પડી કે ભગવાન વિષ્ણુએ બનાવટ કરીને એની સાથે સંગ માણ્યો હતો. વૃંદાએ ક્રોધમાં આવીને શ્રાપ આપ્યો અને વિષ્ણુ પથ્થર બની ગયા. દેવોમાં હાહાકાર મચી ગયો. લક્ષ્મીએ રોકકળ કરીને ભગવાનને પાછા જીવતા કરવા આજીજી કરી એટલે વૃંદાએ શ્રાપ પાછો ખેંચી લીધો અને જલંધરનું માથું ખોળામાં લઈ સતી થઈ ગઈ. વૃંદાની એ અસ્થીઓમાંથી જે છોડ નીકળ્યો તેને વિષ્ણુએ તુલસી નામ આપ્યું અને કહ્યું કે મારું એક રૂપ શાલિગ્રામ નામના પથ્થરના રૂપમાં રહેશે અને બંનેની સાથે જ પૂજા થશે. દેવઊઠી એકાદશીનો મહિમા આ તુલસી વિવાહમાં છે. આધુનિક ભારતના ફ્લેટ કલ્ચરમાં આ તુલસી ક્યારા ખોવાઈ ગયા છે જે દરેક ઘરની સામે રહેતા હતા અને મા અથવા દાદી રોજ સવારે સૂરજનાં પ્રથમ કિરણોના પ્રકાશમાં એમાં જળ સિંચન કરતી હતી. આજે જૂની હિન્દી ફિલ્મોમાં એવાં ગીતો સાંભળીને એ યાદો તાજી થઈ જાય છે. ગામડામાં તો હજુ ય તુલસી ક્યારા સચવાયા છે. એ સિવાય ફિલ્મોમાં કે ટેલિવિઝન ધારાવાહિકોમાં એ જોવા મળી જાય છે.
1966માં ‘નિરમાળ’ સંગ્રહમાં તુલસી ક્યારો નામની કવિતામાં નિનુ મઝુમદારે લખેલું :
તુલસી ક્યારો રે બનાવ્યો મારે આંગણે,
બહાનાં કાઢી જોતી વાટ આવી બારણે,
પાણી સીંચતી વ્હાલમને સાંભારણે.
ઝવેરચંદ મેઘાણીની એક નવલિકાનું નામ તુલસી ક્યારો હતું. દિનકર જોશીએ પરિવારમાં દીકરીઓનાં મહત્ત્વ પર એક પુસ્તક લખેલું તેનું શીર્ષક તેમણે ‘દીકરી એટલે તુલસી ક્યારો’ એવું રાખેલું. દ્વારકામાં સૂર્ય-રન્નાદેના મંદિર સંકુલમાં તુલસી ક્યારાનું એક આગવું સ્થાપત્ય છે અને પ્રાચીનકાળના કોઈ ભગ્ન મંદિરની ગવાહી પૂરી પાડે છે. દ્વારકાની વૈષ્ણવ સ્ત્રીઓ આજે ય સ્નાન બાદ તુલસી ક્યારે દીવો અને કુમકુમ કરીને જળ સિંચન કરે છે. ચતુર્માસ દરમિયાન શ્રીજીને તુલસીની માળા પહેરાવવાની પ્રથા અહીંથી જ શરૂ થઈ હતી. નરસિંહ મહેતાના કાકા પર્વત મહેતા ચોમાસામાં માંગરોળથી પગપાળા આવતા હતા અને શ્રીજીને તુલસીનો છોડ અર્પણ કરતા હતા.
‘ભાભી કી ચૂડિયાં’ ફિલ્મના મશહૂર ગીત ‘જ્યોતિ કલશ છલકે’માં કોઈ કસર ન રહી જાય તે માટે મુસ્લિમ મીના કુમારી વહેલી ઊઠીને હિન્દુ સ્ત્રીઓના તુલસી ક્યારાની પૂજાનો અભ્યાસ કરતી હતી. હિન્દીના પ્રસિદ્ધ કવિ પંડિત નરેન્દ્ર શર્મા લીખિત આ ગીતમાં તુલસીનાં ઔષધીય, ધાર્મિક અને સાંસ્કૃિતક મહત્ત્વને ઉજાગર કરવામાં આવ્યું હતું : ઘર આંગન વન, ઉપવન ઉપવન, કરતી જ્યોતિ અમૃત કે સિંચન, મંગલ ઘટ ઢલકે, જ્યોતિ કલશ છલકે …
સમાચાર છે કે મુંબઈની એક મોટી ફિલ્મ કંપનીએ ‘મેગી’ નામ રજિસ્ટર કરાવી લીધું છે જેથી ભવિષ્યમાં નૂડલ્સના આ નામ પર ફિલ્મ બનાવવી હોય તો વાંધા-અરજી ના આવે. આપણે તુલસી છોડીને મેગી સુધી પહોંચી ગયા એ બતાવે છે કે આપણી કેવી અને કેટલી પ્રગતિ થઈ છે.
મૈં મેગી તેરી આંગન કી,
કોઇ નહીં મૈં તેરે સાજન કી.
e.mail : rj.goswami007@gmail.com
સૌજન્ય : ‘સન્નડે ભાસ્કર’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 14 જૂન 2015
http://www.divyabhaskar.co.in/news/MAG-breaking-news-by-raj-goswami-in-sunday-bhaskar-5021688-NOR.html