પ્રગતિશીલતાનું લેબલ : યુરોપની નકલ કરતા પહેલાં આપણી સામાજિક સ્થિતિ અને માનસિકતાનો ઊંડો અભ્યાસ કરવો જરૂરી
યુરોપનાં કેટલાક પ્રગતિશીલ દેશોમાં વેશ્યાવૃત્તિને ગુનાખોરી ગણવાનાં કાયદાઓ નાબૂદ કરવામાં આવ્યા છે. કોઈ સ્ત્રી દેહવિક્રયનાં ધંધા દ્વારા પોતાની આજીવિકા રળવા માગતી હોય તો તે માટેની પરવાનગી આપવામાં આવી છે. આવો કાયદો ભારતમાં પણ થવો જોઈએ અને વેશ્યાવૃત્તિ કરવા ઈચ્છતી સ્ત્રીઓનાં વ્યવસાય પરનાં તમામ પ્રતિબંધો રદ થવા જોઈએ તેવી માગણી સ્ત્રી-સેવામાં જોડાયેલી કેટલીક સંસ્થાઓ તરફથી કરવામાં આવી, ત્યારે ભારતનાં રાષ્ટ્રીય મહિલા આયોગે (National Women Commission) તે માગણીને ટેકો આપ્યો છે અને ભારત સરકારમાં પણ આ બાબતમાં ગંભીર વિચારણા ચાલી રહી હોવાનું કહેવાય છે. વેશ્યાઓ અધમ અને પાપી સ્ત્રીઓ છે. તેમનાં સહવાસનાં કારણે પુરુષો વ્યસની, જુગારી અને ગુનાખોર બને છે. સમાજમાં તેમનાં કારણે જીવલેણ જાતિય સંસર્ગ રોગો ફેલાય છે. કુટુંબજીવનની પવિત્રતા ખંડિત થાય છે. આવા બધા પૂર્વગ્રહો આપણાં સમાજમાં એટલા વ્યાપક અને દૃઢ છે કે વેશ્યા વ્યવસાય પરનો પ્રતિબંધ ઉઠાવી લેવાનું ભારત સરકાર માટે કદાચ શક્ય નહીં બને, પણ આ વ્યવસાય અંગે અને સમાજે અપનાવેલા અભિગમ અંગે નવેસરથી ફેરવિચારણા કરવાનો સમય પાકી ગયો છે. તે માટે આપણા દૃષ્ટા પુરુષોએ તૈયારી રાખવી પડશે.
વેશ્યાઓ અધમ નથી, લાચાર છે. નાણા ફગાવનાર કોઈ પણ પુરુષને પોતાનું શરીર સોંપી દેનાર સ્ત્રીઓએ પોતાનાં જીવનનો સર્વોત્તમ અને સૌથી વધારે નાજુક સંવેદનશીલ આનંદ માત્ર પેટ ભરવા માટે જતો કરવો પડે છે, તે વેશ્યા વ્યવસાયની સૌથી મોટી કરુણતા છે. હજારો-લાખો સ્ત્રીઓ અને તેમનાં બાળકોએ ટુકડા રોટલા માટે ટળવળવું પડતું હોય તેવી પરિસ્થિતિમાં વેશ્યાવૃત્તિ નાબૂદ થવાની આશા રાખવી વ્યર્થ છે. માત્ર ગાળો ભાંડવાથી, તિરસ્કાર કરવાથી, વેશ્યાઓ કે તેમનાં સહવાસીઓને કારાવાસમાં ધકેલી દેવાથી આ સમસ્યાનો અંત આવવાનો નથી. આદિ-અનાદિ કાળથી ચાલ્યો આવતો વેશ્યા વ્યવસાય નેસ્તનાબૂદ કરવાનાં તમામ પ્રયાસો નિષ્ફળ ગયા છે. યુરોપીય સમાજમાં ચાલતી વેશ્યાવૃત્તિ અને આપણા દેશનાં વેશ્યા-વ્યવસાય વચ્ચે આસમાન જમીનનો તફાવત છે. યુરોપમાં પેટ ભરવા માટે, મોજ શોખ માટે, ધંધાદારી કમાણી માટે મોટા ભાગની સ્ત્રીઓ સ્વૈચ્છાએ આ વ્યવસાયમાં જોડાય છે. સામૂહિક વેશ્યા ગૃહો(Brothels)ની સંચાલિકા (Madam) વ્યવસ્થા ગોઠવે છે અને સુવિધાઓ પૂરી પાડે છે. ગ્રાહકો જોડે વાટાઘાટો કરીને ભાવતાલ અને શરતો ઠરાવી આપે છે.
ભારતમાં આ વ્યવસાય અંગેનાં છૂટાછવાયા ગ્રંથો અને અન્ય સામગ્રીનાં આધારે ચાલીએ તો મોટા ભાગની વેશ્યાઓને બહુ નાની ઉંમરે ફસામણી, ધાકધમકી અને ક્યારેક તો નરી જોરતલબીથી ઉઠાવીને આ ધંધો કરનાર કોઠાવાળીઓને વેચી મારવામાં આવે છે. મારપીટ, કનડગત અને બળાત્કારનો ભોગ બનેલી આ બાળાઓને આ વ્યવસાયમાં પરાણે જોતરી દેવામાં આવે છે. ગ્રાહકોએ ચૂકવેલા નાણામાંથી મોટાભાગની રકમ માલકણ બાઈનાં હાથમાં જાય છે. આપણા દેશમાં વેશ્યા વ્યવસાયની પરવાનગી આપવામાં આવે તો એક નવા પ્રકારની ગુલામગીરીને પરવાનગી આપવા જેવું થાય. સ્વૈચ્છિક વેશ્યાવૃત્તિ અને જોરતલબીથી ચલાવાતા વેશ્યા વ્યવસાય વચ્ચે આસમાન જમીનનો તફાવત છે. કોલગર્લનાં આધુનિક નામે ઓળખાતી થોડી સ્ત્રીઓને બાદ કરીએ તો મોાટા ભાગની વેશ્યાઓ અતિશય ગરીબ અને મોટા ભાગે અભણ હોય છે. પોતાનાં વ્યવસાયનાં પરિણામે અનિવાર્યપણે આવનાર રોગ અને તેનાં પ્રતિકારનું જ્ઞાન તેમને હોતું નથી. સરકારી પરવાનગીનાં પરિણામે આ વ્યવસાય પરનાં રહ્યાં સહ્યાં બંધનો કાઢી નાખવામાં આવે તો આ સ્ત્રીઓની તંદુરસ્તી, વૃદ્ધાવસ્થા દરમિયાનની દેખભાળ અને તેમનાં બાળકોની સારસંભાળ અને વિકાસ માટેની સગવડો પણ ઊભી કરવી પડશે.
વેશ્યા વ્યવસાય ધંધો હોવા છતાં અન્ય સર્વ સામાન્ય ધંધા રોજગાર કરતાં અનેક રીતે અલગ પડી જાય છે. યોગ્ય ઉંમર, બાંધો અને દેખાવ ધરાવનાર સ્ત્રીઓ આ ધંધામાંથી મબલખ કમાણી કરી શકે છે, પણ એકલવાયા જીવતર અને માનસિક પરિતાપનાં પરિણામે તેમનું જીવન સુખમય હોતું નથી. પોતાની બુદ્ધિશક્તિનો ઉપયોગ કરવાની સગવડ તેમને કદી મળતી નથી. તેમનાં પ્રત્યે સદીઓથી સેવાઈ રહેલી હીણપતની ભાવના સમાજમાંથી દૂર થવામાં અનેક સદીઓ નહીં તો દાયકાઓ લાગી જશે. સમાજની ઉપેક્ષા અને તિરસ્કાર જીરવવા માટે અને પોતાનાં વ્યવસાયની કરુણતા ભૂલવા માટે મોટા ભાગની વેશ્યાઓ વ્યસનોનો ભોગ બનીને નશાખોર બની જાય છે અને તેમની જિંદગીને વધારે રોગીષ્ટ, કષ્ટાળુ અને દુ:ખમય બનાવી મૂકે છે. પ્રગતિશીલ હોવાનું લેબલ મેળવવા માટે અને યુરોપની નકલ કરીને વાહ વાહ મેળવી લેવા પરદેશી અભિગમને અપનાવતા અગાઉ આપણે આપણી સામાજિક સ્થિતિ અને માનસિકતાનો વધારે ઊંડાણથી અભ્યાસ કરવો જરૂરી છે.
–
લેખક વરિષ્ઠ રાજકીય સમીક્ષક છે.
સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, Nov 10, 2014