લોખંડી પુરુષ સ્વ. સરદાર વલ્લભભાઈ પટેલની સ્મૃિત કાયમ જળવાઈ રહે એ હેતુથી સાંપ્રત સરકારના ઉચ્ચ પદાધિકારીઓએ નર્મદા નદી પર બંધાયેલા સરદાર સરોવર ડેમથી 3.5 દૂર આવેલા કેવડિયા ગામમાં સરદારનું 182 મિટર ઊંચું લોખંડનું બાવલું બનાવવાનો મનસૂબો કર્યો છે. એ પ્રતિમાને પૂર્ણ થતાં ચાર વર્ષ લાગશે, સરકારી તિજોરીમાંથી માત્ર રૂ. 2063 કરોડનો ખર્ચ થશે અને વિશ્વમાં સહુથી ઊંચું બાવલું હોવાનું માન મેળવશે તે છોગામાં. છે ને ભારતીય પ્રજા માટે ગૌરવ લેવા જેવી વાત? વળી આ કામ માટે આમ આદમી પાસે (અને આમ નારીઓ પાસે પણ) ઘેર ઘેરથી લોખંડના નાના ટુકડાઓ ઉઘરાવી લાવવાની ટહેલ પણ નાખી છે.
સરદાર વલ્લભભાઈ કયા સિદ્ધાંતોને વરેલા હતા, તેમણે ભારતની જનતા માટે કયા કયા મુદ્દાઓ પર લડાઈ આપેલી હતી અને સ્વાતંત્ર્ય સંગ્રામથી માંડીને પ્રજાસત્તાક થવા સુધીના માર્ગમાંથી કયા કયા કંટકો દૂર કરવામાં પોતાની જિંદગી ખર્ચેલી તે વિષે જરા સરખી પણ માહિતી હોય એ સરદારનું આવું ખર્ચાળ બાવલું બનાવવાની વાત જ ન કરે.
આમ જોઈએ તો મૂર્તિ પૂજકો જ ભગવાનની મૂર્તિ કે સંત-મહંતો અને મહાપુરુષોના બાવલાં મૂકે છે એવું નથી. દુનિયામાં ઠેકઠેકાણે રાજકીય ક્ષેત્રે નામના મેળવનારનાં સ્ટેચ્યુ બનતાં આવ્યાં છે. એમની જન્મ કે મૃત્યુ તિથિ પર શ્રધ્ધાસુમન ચડાવાય છે, એમનાં સત્કૃત્યો વિષે બે બોલ બોલવામાં આવે છે અને બોલનાર તથા સાંભળનાર લોકો ફરી પાછા એ મહાપુરુષોનાં મૂલ્યોને વિસ્મૃિતની ચાદર નીચે ઢાંકીને રાબેતા મુજબ તેમના ચિંધેલા માર્ગથી તદ્દન વિરુદ્ધ દિશામાં જીવન જીવવા લાગે છે. ખરું પૂછો તો મહમ્મદ પયગંબર, જીસસ, બુદ્ધ કે મહાવીર જેવા ધર્મ સંસ્થાપકો કે ગાંધીજી, નેલ્સન મંડેલા કે માર્ટીન લ્યુથર કિંગ જેવા રાજકીય-સામાજિક ક્રાંતિકારીઓ હોય તેઓએ હંમેશ એમ જ ઈચ્છેલું કે પ્રજા તેમના વિચારો સમજે, એમાંના શક્ય તેટલા સિદ્ધાંતોને અમલમાં મૂકે અને જગતમાં એ વિચારધારાઓનો પ્રેમથી પ્રચાર-પ્રસાર કરે. એમાંના કોઈને દેવત્વ, સંતનું પદ, રાજ્ય લાલસા, ધન કે નામનાની ખેવના નહોતી. ભગવાન રામ અને કૃષ્ણના સદ્ગુણોને જીવનમાં ઉતારી પોતાનું જીવન ઉજ્વળ બનાવવાને બદલે એમની પ્રતિમાઓ ઘડી, તેમને વાઘા પહેરાવ્યા, રોજ ભોગ ધર્યા, રાત્રે સુવાડ્યા, સવારે ઉઠાડ્યા. વર્ષો જતાં માનવ જાત પોતે આદર્શ પુત્ર-પુત્રી, ભાઈ, પતિ, મિત્ર, રાજા અને પ્રજા થવાનો પ્રયત્ન છાંડીને નીતિમત્તાને નેવે મૂકીને નરાધમ બની બેઠી.
રામ, કૃષ્ણ, મહાવીર અને બુદ્ધના અવતારો એળે ગયા. હવે આપણે આપણા આગવાન નેતાઓની પણ એવી જ ભૂંડી હાલત કરવા કૃતનિશ્ચય થયા છીએ. ગાંધીનાં બાવલાં કર્યાં, સમાધિ કરી, શું વળ્યું? એમાં વળી સરદારનો ઉમેરો કરવો? જીનિવામાં યુ.એન.ના હેડ ક્વાર્ટર પાસે ભારતની સરકારે ગાંધીજી પ્રાર્થના ભૂમિ પર અર્ધનીમીલિત આંખે બેઠા હોય તેવું બાવલું ભેટ ધર્યું છે એ જોયું ત્યારે થયું કે યુ.એન.નાં શાંતિ સ્થાપવાના પ્રયત્નો નિષ્ફળ નીવડ્યા છે એટલે ગાંધીજી હજુ આંખ ઊંચી કરીને માનવ જાત સામે જોઈ શકતા નથી. આવાં બાવલાંઓ પર ધૂળ ચડે, પક્ષીઓની વિષ્ટાનો અભિષેક થાય અને આપણા પછીની પેઢી – “આ કોણ છે?” એમ પૂછે તો એવી પ્રતિમાઓ પાછળ એ જ પ્રજાની મહેનતની કમાઈનો આટલો ધુમાડો કાં કરવો?
તત્કાલીન સરકારે પોતાની સારાસારના વિવેકનું દેવાળું કાઢ્યું છે એ જગ જાહેર છે, તો હવે જાગૃત પ્રજા, કે જેણે આ સરકારને મુગટ પહેરાવ્યો છે તેણે સંગઠિત થઈને સરદારનું બાવલું મુકવા જવાબદાર અધિકારીઓને એ વાત ગળે ઉતરાવી શકે કે સરદાર પટેલની સ્મૃિતને અમર કરવી હોય તો ખેડૂતોને ખેત સુધારણા કરવા માર્ગદર્શન અને મદદ મળે અને કોમી એખલાસ દ્વારા ઐક્ય સ્થપાય અને જળવાય એ કાર્ય પાછળ રૂ.2063 કરોડ ખર્ચાય તેમ પ્રજા ઈચ્છે છે. જો સરકાર પોતાનો નિર્ણય ન બદલે તો તેનો સવિનય વિરોધ કરવો પણ યોગ્ય થશે. ચાલો આપણે એટલે કે સામાન્ય પ્રજાજનો સરકારી અધિકારીઓને માહિતી આપીએ કે ગ્રામાલય નામનું સંગઠન છેલા પચીસ વરસથી ગ્રામ્ય જનતાને પોસાય તેવાં શૌચાલયો માત્ર રૂ.1500માં બાંધી રહ્યા છે. તો રૂ.2063 કરોડમાંથી તો કેટલા બધાં શૌચાલયો બાંધી શકાય? એવી જ રીતે Mr. John Wood દ્વારા ન નફો ન નુકસાનના પાયા પર એક Room to Read નામનું સંગઠન ઊભું થયું છે અને તેમની સહાયથી લાઓસ, નેપાળ અને શ્રી લંકામાં ત્રણથી ચાર ઓરડાની પ્રાથમિક શાળાનું મકાન 35 હજાર ડોલર (રૂ. 17,50000) અને પાંચ કે છ ઓરડાનું મકાન 50 હજાર ડોલર(રૂ.25,0000)ના ખર્ચે બાંધવામાં સફળ થયા છે. એ જ રીતે કોમી એખલાસનું વાતાવરણ ઊભું કરવા માટે શૈક્ષણિક, સામાજિક અને સાંસ્કૃિતક પ્રવૃત્તિઓ કરવા માટે જે ખર્ચ થશે તેનાથી સરદાર પટેલનું યોગ્ય સ્મારક રચાશે.
e.mail : 71abuch@gmail.com