અમેરિકામાં રોજર આઈલ્સ નામનો એક પત્રકાર હતો જેને આપણા અવર્ણ ગોસ્વામીઓના પિતામહ તરીકે ઓળખાવી શકાય. પત્રકારત્વનું અત્યારે જે કૂળ જોવા મળી રહ્યું છે એનો કૂળસ્થાપક. ૧૯૯૬માં રૂપર્ટ મુરડોક નામના કુબેરપતિ ‘ફોક્સ ન્યુઝ' નામના મીડિયા હાઉસમાં મેજોરિટી શેર હસ્તગત કર્યા એ પછી તેમણે રોજર આઈલ્સ નામના પત્રકારની સલાહ લીધી હતી. રોજર આઈલ્સે કહ્યું હતું કે જુઓ મિ. મુરડોક, સમાજ જમણી અને ડાબી એમ બે બાજુએ વહેંચાયેલો હોય છે. આ દસ્તુર છે. વચ્ચે કોઈ હોતું નથી. જે વચ્ચે હોય છે કે હોવાનો દાવો કરે છે એ પણ કેન્દ્રની ડાબે કે જમણે હોય છે. જેમનામાં વિચારવાની શક્તિ હોય છે એ મોટાભાગે ડાબી બાજુએ હોય છે, કારણ કે તેમને પ્રસ્થાપિત વ્યવસ્થા સામે પ્રશ્નો હોય છે. સ્વાભાવિક રીતે પ્રશ્નો એ જ પૂછી શકે જે વિચારી શકે.
વિચારવાની ક્ષમતા ધરાવતા કેન્દ્રની જમણી બાજુએ પણ હોય છે, પણ તેમની સંખ્યા બહુ ઓછી હોય છે. તેમને એમ લાગે છે કે પ્રસ્થાપિત સમાજ વ્યવસ્થાને ટકાવી રાખીને તેનો વધુ પરિણામકારક ઉપયોગ થઈ શકે. શરત એટલી કે જમણી બાજુએ વધારે પડતું આગળ નહીં જવાનું. એમાં કાયદાનું રાજ જોખમાવાનું જોખમ છે. એમાં પછી લોકો કાયદો હાથમાં લેવા માંડે તો વ્યવસ્થા તૂટી પડે અને ફાયદાની જગ્યાએ નુકસાન થાય. ટૂંકમાં ડાબી બાજુએ વિચારનારા લોકો હોય છે, મૂલ્યોની રક્ષા કરનારા લોકો હોય છે, ગરીબોની ભેર તાણનારા લોકો હોય છે, લડનારા-ઝઘડનારા લોકો હોય છે અને કેન્દ્રની સાવ નજીક જમણે રહેતા લોકો ચાલાક હોય છે. એમની ચાલાકી તેમને જમણી બાજુએ આગળ જતા રોકે છે. એ એક મર્યાદા પછી અટકી જાય છે.
હવે સ્થિતિ એવી છે મિ. મુરડોક, કે ડાબી બાજુ વાળાઓ પાસે એના મીડિયા છે, કેન્દ્રની નજીક જમણી બાજુએ રહેતા લોકો માટે એના મીડિયા છે, પણ એની આગળ જમણી બાજુએ એક કેન્દ્રથી થોડે દૂર એટલા બધા લોકો છે જેનો મીડિયાએ ઉપયોગ જ નથી કર્યો. એનો ઉપયોગ કરવો જોઈએ. હું ખાતરી આપું છું કે તમે નોટ છાપશો. રાજકારણીઓ માટે એ મતદાતા છે અને કોર્પોરેટ કંપનીઓ માટે એ ગ્રાહક છે. એનો બિચારાઓનો એટલો જ ખપ જોયો છે. જો તમે હિંમત કરવા તૈયાર હોય તો આપણે એ વર્ગનો ઉપયોગ કરી શકીએ.
હિંમત? એમાં હિંમતની ક્યાં વાત આવી? મુરડોકે સવાલ કર્યો.
ના, સાવ એવું નથી. હિંમત તો જોઈએ, મિ. મુરડોક. શરમ છોડવી પડે, બેશરમ બનવું પડે, ભૂંડા દેખાવાની તૈયારી હોવી જોઈએ. તમે જો લાજ શરમ છોડીને નિર્વસ્ત્ર થવા તૈયાર હોય તો હું તમારી સાથે જોડાવા તૈયાર છું. તમે પૈસા છાપશો એની ગેરંટી.
પણ એમાં લાજ-શરમ શું કામ નેવે મુકવાં પડે? મુરડોકે પ્રશ્ન કર્યો.
વાત એમ છે કે જમણી બાજુએ જે પ્રજા છે એ ખાસ પ્રકારનું વલણ ધરાવતી હોય છે. એ લોકો કોઈને કોઈ અસ્મિતાનું કે ઓળખનું અભિમાન ધરાવતા હોય છે. કોઈ પોતાના ધર્મનું, કોઈ ચોક્કસ સંપ્રદાયનું, કોઈ દેશનું, કોઈ વંશનું, કોઈ ભાષાનું, કોઈ પ્રાંતનું, કોઈ જ્ઞાતિનું, કોઈ પરંપરાનું, કોઈ રીતિરિવાજનું અભિમાન ધરાવતા હોય છે. આ બાજુ ડાબેરી વલણ ધરાવનારા લોકો અને ડાબરી મીડિયા તેમની નિંદા કરે છે, ટોકટોક કરે છે અને સુધરવાની સલાહ આપે છે. જમણેરી લોકો અને જમણેરી મીડિયા તેમની ઉપેક્ષા કરે છે.
ટૂંકમાં આપણે તેમની લાગણીને વાચા આપવાની એમ? મુરડોક.
ના, માત્ર વાચા આપો તો ગોળા સાથે ગોફણ પણ ગુમાવો. પ્રતિષ્ઠા ગુમાવો અને ફાયદો કોઈ જાતનો નહીં. આપણે હવા નાખવાની, તેમને ઉશ્કેરવાના. તેમને ધુણાવવાના. સામે કોઈ બુદ્ધિપૂર્વકનો પ્રતિવાદ કરે તો ઘાંટા પાડીને ચૂપ કરી દેવાના. બુદ્ધિ, નૈતિકતા, સામાજિક જવાબદારી વગેરે બધું ભૂલી જવાનું. એક વાર તમે એને નશો ચખાડ્યો પછી એ તમને છોડીને બીજે કશે જવાના નથી. તમે અતિશયોક્તિ કરો છો, અતિરિક કરો છો એની જાણ હોવા છતાં તમને છોડીને અન્યત્ર નહીં જાય, કારણ કે એને નશો જોઈએ છે. અત્યાર સુધી જેની ઠઠ્ઠા-મશ્કરી કરવામાં આવી છે તેમને તેમની ભેર તાણનાર કોઈક જોઈએ છે. વિવેક અને તર્કને પરાજીત થતા જોઇને એ પોરસાશે.
બુદ્ધિ, નૈતિકતા, સામાજિક જવાબદારી વગેરેની ઐસીતૈસી, પણ કાયદાઓનું શું? જેલમાં ન જઈએ? સજા ન થાય? પ્રતિબંધો ન આવે? મુરડોકે સવાલ કર્યો.
આ જ તો ખેલ છે. બહુ જલદી ઉશ્કેરાયેલા લોકો મીડિયા દ્વારા સંગઠિત થવા લાગશે. લોકો હસી કાઢશે એવા ભયથી જે લોકો બોલવામાં સંકોચ અનુભવતા હતા એ હવે પછી બોલતા થશે. હસી કાઢવા જેવી વાત પણ આત્મવિશ્વાસ સાથે છાતી કાઢીને કરશે. એમની રાજકીય તાકાત બનશે. રાજકારણીઓ માટે વોટબેંક બનશે. વિવેક અને સભ્યતાની કોઈ વાત કરે તો તેઓ પોતે જ કહેવા લાગશે કે પહેલા મુસલમાનોને સુધારીને પછી અમારી પાસે આવજો અથવા ફલાણાને સુધારીને પછી આવજો. આ લોકો માટે એક કરતા વધુ દુશ્મન હોય છે. એ પછી જુઓ કેવી નવી તાકાત પેદા થાય છે. કોઈ કાયદો તમને હાથ નહીં લગાડી શકે. બીજું કાયદાના રખેવાળોના ગોરખધંધા ઓછા હોય છે? તેમને પણ વિચારવાની ક્ષમતા નહીં ધરાવનારા લોકો સંગઠિત થાય એ જોઈએ છે.
મારી તૈયારી છે. તમે પગાર શું લેશો? મુરડોક.
પગાર? પગાર નહીં ભાગીદારી. મીડિયા, કોર્પોરેટ અને શાસકોની ભાગીદારીની આ યોજના હું વેચવા માગું છું.
અને એ પછી ‘ફોક્સ ન્યુઝ’ નામની રૂપર્ટ મુરડોકની ટી.વી. ચેનલે જે નવું પત્રકારત્વ દાખલ કર્યું એણે આજે દુનિયામાં સંકટ પેદા કર્યું છે. અર્ણવ ગોસ્વામીઓ આઈલ્સના ચેલાઓ છે. ભારતમાં કાયદાનું રાજ વધારે પડતું નિર્બળ છે એટલે અર્ણવની હિંમત વધારે પડતી વધતી ગઈ. નીચતાની પણ એક સીમા હોય.
અહીં મુરડોક અને આઈલ્સ વચ્ચે જે સંવાદ આપ્યો છે એ કાલ્પનિક છે અને નથી પણ. ૨૦૧૭માં અવસાન પામેલો રોજર આઈલ્સ દંતકથા સમાન પત્રકાર હતો. તેના વિષે અનેક વેબ સિરીઝ બની છે જેમાં લગભગ આવા સંવાદ સાંભળવા મળશે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 08 નવેમ્બર 2020