કલ્યાણજીભાઈ તો એક ઉમદા વ્યક્તિ હતા. તેમણે ફિલ્મ સંગીતમાં હંમેશાં નવા યુવાન ચહેરાઓને તક આપી છે. સંગીત કલાનું ક્ષેત્ર ખેડવા માટે યુવાન પેઢીને તૈયાર કરવામાં મનથી એમને બહુ જ આનંદ થતો હતો. કલાના હીરા પારખુ ઝવેરી કલ્યાણજીભાઈને પ્રથમ મુલાકાતમાં જ યુવાન મનહરભાઈના સ્વરમાં મૂકેશજીના કંઠના આબેહૂબ દર્શન થયાં. તેમને મનહરભાઈના કંઠમાં ભરપૂર શ્રદ્ઘા હતી. આ નવોદિત યુવાન કલાકારને બસ ફકત એક જ સોનેરી તક મળવાની જરૂર છે. કલ્યાણજીભાઈની આ વાત ઈશ્વરને પણ મંજૂર હશે! કલ્યાણજીભાઈ મૂકેશજીની પાસે ફિલ્મ “વિશ્વાસ”નું ગીત “આપસે હમકો બિછડે હુએ, એક જમાના બીત ગયા”નું રેકોંર્ડિગ કરાવવા ઈચ્છતા હતા. ગીતનું જે દિવસે રેકોર્ડિંગ કરવાના હતા તે સવારે મૂકેશજીની તબિયત જરા ઠીક ન હતી. કલ્યાણજીભાઈએ આ ગીતની સંપૂર્ણ તૈયારી કરી લીઘી હતી. તેમના મનમાં વસી ગયેલા નવોદિત યુવાન કલાકાર મનહરભાઈ પાસે તેમણે આ ગીત ગવડાવી તેનું રેકોર્ડિંગ કરી લીઘું. મનહરભાઈ પાસે જ્યારે આ ગીત ગવડાવ્યું ત્યારે કલ્યાણજીભાઈના મનમાં હતું કે એક વાર આ ગીત મનહરભાઈના સ્વરે રેકોર્ડિંગ કરાવી લઈએ પાછળથી ફરી મૂકેશજીના સ્વરમાં રિટેક કરી લઈશું. મૂકેશજીએ જ્યારે વિશ્વાસનું આ ગીત મનહરભાઈના સ્વરમાં સાંભળ્યું ત્યારે તેમને કલ્યાણજીભાઈને વિશ્વાસ સાથે કહ્યું, “આ ગીતનું રેકોર્ડિંગ મનહરભાઈના સ્વરમાં અદ્ભુત થયું છે. મનહરભાઈએ ગીતને દિલથી ગાયું છે. મારા માટે ખરેખર આ એક ખુશીની વાત છે. કલ્યાણજીભાઈ, મને નથી લાગતું કે મારા સ્વરમાં તમારે આ ગીત ફરીથી રેકોર્ડિંગ કરવું જોઈએ. તમે આ ગીતને મનહરના જ સ્વરમાં ફિલ્મમાં રહેવા દો.”
ભાગ્યે જ કોઈ સંગીત પ્રેમીઓને આ વાતની ખબર હશે. મનહરભાઈના સ્વરના જાદુને મહમ્મદ રફી સાહેબે પણ પારખ્યો હતો. મનહરભાઈ રફી સાહેબ સાથે એક ગીત કોરસમાં ગાતા હતા. અચાનક ગીતના રેકોર્ડિંગ વખતે કોરસ કલાકાર સાથે ગાતા મનહરભાઈનો સ્વર રફી સાહેબના કાને પડયો. તેમના કાન ચમકી ઊઠ્યા. તે જ વખતે તેમણે સંગીતકાર મિત્રને જણાવ્યું કે, આ કોરસ કલાકાર વચ્ચે ગાતા આ મનહર નામના છોકરાને તમે કોરસમાંથી કાઢી બહાર બેસાડી દો. આ વાતથી મનહરભાઈને મનમાં થયું, “અરે, શું હું કોરસ કલાકાર સાથે બરાબર ગાઈ રહ્યો ન હતો કે રફી સાહેબે મને દૂર કરી બહાર બાંકડે બેસાડી દીઘો?” ગીતનું રેકોર્ડિંગ પૂર્ણ થયું એટલે રફી સાહેબે સંગીતમમિત્ર પાસે આવીને બહુ જ મૃદુ સ્વરે તેમને જણાવ્યું. “અરે, ભાઈ, યહ મનહર નામકા લડકા કિતના બેહતરિન ગા રહા હૈ ઉસકો કભી કોરસ મેં ગાને કે લિએ આપ મજબૂર મત કરના. બસ, મેરી એક બાત આપ માન લો. ઈસ લડકે કો આપ બસ એક દો ગીત કિસી ફિલ્મ કે લિયે રેકોર્ડિંગ કરા કે ઊસે આગે બઢને કા આપ એક મૌકા દો.”
આઠ મે, ૨૦૧૦ને શનિવારે ટોરેન્ટોના વિશાળ કાઁગ્રેસ ભવન સભાગૃહનો પાછલો દરવાજો જે ફકત કલાકારોના પ્રવેશ માટે ખુલ્લો રાખવામાં આવ્યો હતો તે દરવાજેથી કવિ ચન્દ્રકાન્ત શાહ, અભિનય સમ્રાટ પરેશ રાવલ, હું અને લોક સાહિત્યના નામાંકિત ગાયક પ્રફુલ્લ દવે પ્રવેશી રહ્યા હતા. રંગમંચની પાછળ અમારી નજરે પડતા વિશાળ સિનેમા સ્ક્રીન પર મનહરભાઈ દસથી બાર હજાર ગુજરાતી શ્રોતાઓ વચ્ચે મન બહેલાવીને આનંદવિભોર, સિસોટીના અવાજ અને તાલીઓના ગડગડાટ વચ્ચે વેણીભાઈ પુરોહિત રચિત અને દિલીપ ઘોળકિયા દ્વારા સ્વરબદ્ધ ગીત,’ તારી આંખનો અફીણી’ ગાઈને શ્રોતાઓને ખુશખુશાલ કરી રહ્યા હતા, આ જોઈ મને પ્રફુલ્લ દવેએ કહ્યું કે, ‘મનહરભાઈએ તો આજે ટોરેન્ટોને સંગીત સાગરમાં ડુબાડી દીઘું છે.” આ વાકય તેમનું પૂરું થયું ન થયું અને મને બીનાએ કહ્યું, ‘મનહરભાઈને મેં આજથી ત્રીસ વર્ષ પહેલા મુંબઈમાં સાંભળ્યા હતા. તેમનો અવાજ આજે પણ આટલો જ અદ્દભુત અને સુરીલો છે. ‘પ્રફુલ્લભાઈએ તરત જ કહ્યું, “બહેન, આ બાબતમાં કોઈ બે મત નથી.” ટોરાન્ટોની જનતા મનહરભાઈનાં ગીતો અને ગઝલમાં એવી તરબોળ ભીંજાઈ રહી હતી, ને મનહરભાઈ તેમના આનંદ સાગરમાં એવા ડૂબી ગયા હતા કે તેની વાત જ પૂછો મા! લોકલાગણીમાં મસ્ત થઈ ગયેલા મનહરભાઈએ જ્યારે બરકત વિરાણી ‘બેફામ”ની ગઝલ, “નયનને બંઘ રાખીને મેં જ્યારે તમને જોયાં છે” ગાવાની શરૂઆત કરી, અને લોકો એવા ખુશખુશાલ થઈ ગયા કે, મનહરભાઈ, તેમની ખુશીમાં ઝૂમતા સિકયોરિટીની કોઈ પરવા કર્યા વગર હાથમાં માઈક લઈને ગઝલ ગાતા મંચ પરથી નીચે ઊતરી બાર હજાર શ્રોતાઓની વચ્ચે જે રીતે ગઝલ ઉત્સાહ સાથે ગાતા હતા તે અદ્ભુત દૃશ્યને અહીંયા શબ્દોમાં કંડારવા માટે મારી કલમને શબ્દો ટૂંકા પડે છે.
ગુજરાતી કવિ, નાટ્ય કલાકાર, સંગીત ક્ષેત્રના નામાંકિત કલાકાર મનહરભાઈ લાંબા અને દેખાવડા તો છે જ, પણ મનહરભાઈ આ બઘાંમાં એક અલગ વ્યક્તિત્વ ઘરાવે છે. મનહરભાઈ વિશે જો મારે એક જ વાકયમાં કહેવું હોય તો હું કહી શકું કે મનહરભાઈ લાંબા નથી પણ એક ઊંચા કલાકાર તો ખરા અને ઊંચું વ્યક્તિત્વ ઘરાવતા માણસ છે.
મનહરભાઈ જેટલા ઉચ્ચ કોટિના ગાયક છે એવા જ એક સારા વાચક પણ છે. તેમની યાદશક્તિને પણ આપણે દાદ આપવી જ પડે. તમે જો તેમની સાથે નિરાંતે બેઠા હો તો અત્યાર સુઘીમાં તેમણે ગાયેલ મોટા ભાગના ગઝલકારોની ગઝલો તો તેમને કંઠસ્થ ખરી, પણ સાથોસાથ આ બઘા ગઝલકારોના ઘણા શેરો સાંભળવાની મજા ગઝલો જેટલી જ આવે છે. ટોરેન્ટોમાં કાર્યક્રમ બાદ હું, મનહરભાઈ, બીના તેમ જ ટોરેન્ટોના બેચાર તેમના યુવાન ગઝલપ્રેમીઓ હોટેલની લૉબીમાં મોડી સાંજ સુઘી બેઠાં હતાં. તે સાંજે મનહરભાઈ બહુ જ ખુશમિજાજ હતા. આ યુવાન મિત્રોએ તે દિવસે કાર્યક્રમમાં ન ગાયેલી ગઝલો તેમને યાદ કરાવેલી. મનહરભાઈએ પોતે આટલા મોટા કલાકાર છે તેનું કોઈ અભિમાન રાખ્યા વગર જાણે અમારી સાથે અંતાક્ષરી રમતા હોય તેવા ભાવ સાથે પોતે ગાયેલ અગણિત ગઝલો અને ફિલ્મી ગીતો મોડી રાત સુઘી અમારી સાથે બેસીને ગાયાં.
વર્તમાન ગુજરાતી પેઢી અને ગઈકાલની પેઢીને આજે એકાંતમાં ગુજરાતી ગઝલ ગુનગુનાવતી કરી દીઘી છે તેનો યશ મનહરભાઈને ફાળે જાય છે, એમ કહેવું કોઈ અતિશયોક્તિ નથી. ઈશ્વરની ઈચ્છા કંઈ ઓર હશે. ભલે, મનહર ઉઘાસ જેવા ગાયકનું મયખાનું હિન્દી ફિલ્મમાં નથી ખૂલ્યું પણ તેનું શિવાલય ગુજરાતી ગઝલમાં સોળે કળાએ ઊઘડ્યું છે.
e.mail : preetam.lakhlani@gmail.com