ગયા અઠવાડિયે દિલ્હીમાં એક ખાસ બેઠક યોજવામાં આવી હતી અને દેશને જણાવવામાં આવ્યું હતું કે એ મહત્ત્વની બેઠક હતી. ના, તમે ખોટું વિચારો છો. એ બેઠક કોરોનાનો મુકાબલો કઈ રીતે કરવો કે ચીનનો સામનો કઈ રીતે કરવો એ માટેની નહોતી. ખાડે ગયેલા અર્થતંત્રને કેવી રીતે પાટે ચડાવવું એ માટેની પણ એ બેઠક નહોતી. એ બેઠક હતી આવતા વર્ષે ઉત્તર પ્રદેશમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં કેવી રીતે વિજય મેળવવો એ માટેની. એ માટે ખાસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત અને બીજા નેતાઓને બોલાવવામાં આવ્યા હતા. પ્રશ્ન હતો કે કોરોનાના સંકટને મેનેજ કરવામાં મળેલી નિષ્ફળતાને કારણે દેશમાં કેન્દ્ર સરકારે અને ઉત્તર પ્રદેશમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બન્નેએ જે રીતે નાક કપાવ્યું છે એ પછી મતદાતાઓને કઈ રીતે રીઝવવા.
મેં મારી કોલમમાં હજુ અઠવાડિયા પહેલાં જ લખ્યું હતું કે ફાસીવાદી શાસકોને શાસનમાં એટલે ધોરણસરના રાજકાજમાં રસ હોતો નથી. તેમની એવી કોઈ પ્રાથમિકતા હોતી નથી અને આવડત પણ હોતી નથી. જો નિષ્ફળતા મળે તો શરમ પણ અનુભવતા નથી. જગતનો ઇતિહાસ આમ કહે છે. જોઈએ તો ઇતિહાસ તપાસી જુઓ.
તેમને રસ હોય છે અપરિપક્વ માનસ ઉપર કબજો કરવામાં અને પરિપક્વ માનસ ધરાવનારા લોકો પાસેથી રાજકીય વિકલ્પ છીનવી લેવામાં. અંગ્રેજીમાં આને ઓક્યુપાઇન્ગ માઈન્ડ સ્પેસ અને ઓક્યુપાઇન્ગ પોલિટિકલ સ્પેસ કહેવામાં આવે છે. જે વિચારે છે, પ્રશ્ન કરે છે, અસંમત થાય છે, વધારે સારા વિકલ્પની શોધ કરે છે તેની પાસે કોઈ રાજકીય વિકલ્પ જ બચવો ન જોઈએ. આને માટે રાજકીય પ્રતિસ્પર્ધીઓને યેનકેન પ્રકારેણ ખતમ કરી નાખવાના. તેમના કાર્યકર્તાઓને, નેતાઓને અને લોકપ્રતિનિધિઓને ખરીદો અને ડરાવો. ચૂંટણીમાં ચૂંટણીપંચને દબાવીને તેમ જ મબલખ રૂપિયા ખર્ચીને વિરોધીઓને તોડી નાખો. ધીરેધીરે વન નેશન વન પાર્ટીની સ્થિતિ પેદા કરવાની જેમ બ્રાઝિલ, તુર્કી અને જગતના બીજા ઘણાં દેશોમાં જોવા મળે છે.
હવે બન્યું છે એવું કે દેશમાં રાજકીય પ્રતિસ્પર્ધીઓની પોલિટિકલ સ્પેસ ખતમ કરવામાં આવે એ પહેલાં કોરોનાનું સંકટ વકર્યું અને એ એટલી હદે વકર્યું કે માઈન્ડ સ્પેસ જાળવી રાખવાની બાબતે પણ પડકાર પેદા થયો છે. જો મુસલમાનનું બુરું થતું હોય તો આપણું ભલે ધનોતપનોત નીકળી જાય એવું ખારીલું વિકૃત માનસ ધરાવનારા હિંદુઓને છોડીને બાકીના હિંદુઓ વિચારવા લાગ્યા છે કે શાસકો આવા તો ન જ હોય. માણસ જ્યારે વિચારવા લાગે ત્યારે તે ભૂતકાળમાં બનેલી ઘટનાઓનાં, કહેવાયેલા શબ્દોનાં, છાતી ઠોકીને કરવામાં આવેલા નિવેદનોનાં અને વાયદાઓનાં બિંદુઓને જોડવા લાગે છે. પાંચ વરસ પછી અત્યારે અચાનક નોટબંધીની ચર્ચા નીકળી છે, એ આનું પ્રમાણ છે. લોકો સમગ્રતામાં વિચારતા થયા છે કે સાહેબના શાસનમાં તો શાસનનો જ અભાવ છે. દુનિયા આખી આમ કહે છે અને જગતભરના રાજકીય નિરીક્ષકો એક અવાજે આવા અભિપ્રાય વ્યક્ત કરી રહ્યા છે. આ અભિપ્રાયો પણ ભારતમાં લોકો સુધી પહોંચી રહ્યા છે.
આટલું ઓછું હોય એમ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓમાં અને પંચાયતોની ચૂંટણીઓમાં જોઈએ એવી સફળતા મળી નથી. ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં તો નાક કપાયું છે. ટૂંકમાં માઈન્ડ સ્પેસ અને પોલિટિકલ સ્પેસ ઉપર કબજો કરવાના મિશનમાં કોરોનાના કારણે અધવચ્ચે અપશુકન થયું છે.
જો ધોરણસરનું શાસન કરનારા ધોરણસરના શાસકો હોત તો સંકટ સામે વિજય મેળવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હોત. સંકટને દૂર કરવામાં ઉપયોગી થાય એવા માણસોની મદદ લીધી હોત. લોકોનો સામી છાતીએ સામનો કર્યો હોત. રાજ્યોને મદદ કરી હોત. મીડિયા દ્વારા પ્રજા સાથે રોજેરોજ સંવાદ કર્યો હોત. લોકોની ફરિયાદ સાંભળી હોત. વડા પ્રધાન અને બીજા પ્રધાનો ચોવીસે કલાક લોકોની વચ્ચે હોત, જે રીતે ૨૦૧૮માં કેરળમાં આવેલા પૂર વખતે કેરળના મુખ્ય પ્રધાન અને તેમની ટીમ લોકોની વચ્ચે હતા. દરેક પ્રકારના મીડિયાનો પ્રજા સાથે સંવાદ કરવા, તેનું માર્ગદર્શન કરવા અને મનોબળ ટકાવી રાખવા માટે ઉપયોગ કરવામાં આવ્યો હોત, જે રીતે વિન્સ્ટન ચર્ચિલે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટનમાં કર્યું હતું.
પણ આ બધા ધોરણસરના શાસનમાં માનનારા ધોરણસરના શાસકોનાં લક્ષણો છે. આપણા શાસકોને તો લોકો મરી રહ્યા છે, ત્યારે ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી કઈ રીતે જીતવી એની ચિંતા છે. ઉચ્ચ સ્તરની તાકીદની બેઠક સંઘના નેતાઓ સાથે યોજવામાં આવી હતી. એક તો માઈન્ડ સ્પેસ કબજે કરીને જે ઘેટાંઓને વાડામાં પૂર્યાં છે એ નાસી ન જવાં જોઈએ અને એ માટે સોશ્યલ મીડિયા ઉપર અંકુશ મુકવાની તજવીજ શરૂ કરી છે. વિધિનો ખેલ જુઓ, એક સમયે ઘેટાંઓને વાડામાં પૂરવાં માટે જે માધ્યમોનો ઉપયોગ કર્યો હતો, એ માધ્યમોનો અત્યારે ડર લાગે છે. ‘જે પોષતું તે મારતું -’ એવી કવિ કલાપીની પંક્તિ છે. જે માધ્યમો ઉપર જયજયકાર થતો હતો ત્યાં હવે પ્રશ્ન પૂછવામાં આવી રહ્યા છે અને ફિટકાર વરસી રહ્યો છે. આ સ્થિતિમાં કોરોના-ફિયાસ્કોનો લાભ વિરોધ પક્ષોને મળવો ન જોઈએ. જો માઈન્ડ સ્પેસ ઉપરનો કબજો ઢીલો પડે અને વિરોધ પક્ષોને રાજકીય સરસાઈ મળે તો પોલિટિકલ સ્પેસ ઉપરનો કબજો પણ અઘરો થઈ જાય.
કોરોના સંકટનો સામનો કરવાની જગ્યાએ સોશ્યલ મીડિયાની આઝાદી (હકીકતમાં પ્રજાની અભિવ્યક્તિની આઝાદી) ઉપરની તરાપ, વિરોધ કરનારાઓને જેલમાં પૂરવા અને નદીઓમાં શબ વહેતાં હોય ત્યારે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી કઈ રીતે જીતવી, એ માટેની તાકીદની બેઠક એવી આ ત્રણ ઘટનાઓને સાથે જુઓ તો શા સંકેત મળે છે? એ જ કે હવે પછીનાં ત્રણ વરસ દેશ માટે અઘરા હશે. આ એવા શાસકો છે જેઓ સત્તા નહીં છોડવા માટે આકાશ-પાતાળ એક કરશે. ઘણું એવું બનશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય!
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 30 મે 2021