સૅમિયોસિસ અથવા સાઇન-પ્રોસેસ. ગુજરાતીમાં, સંજ્ઞાપ્રક્રિયા. એ એક પ્રક્રિયા છે, ક્રિયા છે, ને તેથી સૅમિયોસિસ એક કર્મ છે, વર્તન છે. સંજ્ઞાઓને સાથે રાખીને હું એક એવું કર્મ કરું છું જેમાં સંજ્ઞાઓ અને તેનાં અર્થઘટનોનો મેં સમાસ કર્યો હોય છે; અને એ સઘળું લઈને હું આગળ ચાલું છું. મારી એ પ્રવૃત્તિ સૅમિયોસિસ છે. (લેખમાં હું ‘સંજ્ઞાપ્રક્રિયા’ ને સ્થાને ‘સૅમિયોસિસ’ પ્રયોજીશ).
સંજ્ઞાઓ મને વસ્તુઓ દર્શાવે છે. જેમ કે ખુરશી એક સંજ્ઞા છે. હું એનો અર્થ ઘટાવું છું, ખુરશી મને દેખાય છે, ને હું ખુરશી સુધી પ્હૉંચી જઉં છું. સંજ્ઞા, વસ્તુ (ખુરશી) અને (હું) અર્થઘટનકાર, ત્રણ મળીને જે સંકુલ રચાય છે એને સંકેતવિજ્ઞાનમાં ‘સાઈન રીલેશનલ કૉમ્પલેક્સ’ કહે છે. સંકેતવિજ્ઞાનની એ એક અગત્યની વિભાવના છે.
સૅમિયોસિસ એ સંકુલની ભૂમિકાએ સંભવે છે. સમજીએ :
ખુરશી લાકડાની કે લોખંડની? ગાદીવાળી પોચી કે આરામ આપનારી આરામખુરશી? કે પ્લાસ્ટિકની? એમાંનો એક પણ વિશેષ કે ગુણવિશેષ ‘ખુરશી’ સંજ્ઞામાં પોતામાં નથી. એટલું જ નહીં, એ સંજ્ઞાથી જે કંઈ સૂચવાતું નથી હોતું એ માટે મારે, એટલે કે, અર્થઘટનકારે સર્વસાધારણ સ્વરૂપની વિભાવનાઓમાં જવું જરૂરી બની જાય છે. શાસ્ત્રીય રીતે એમ કહેવાય કે એથી રીલેશનલ ડેટાબેઝની કૉલમ્સમાં જે ડેટા ખૂટતો હોય તેને પામી શકાય છે અને તે માટે પૂર્તિ કરી શકાય છે.
બાકી, જનસામાન્ય અને શિક્ષિતો પણ એમ માનીને ચાલે છે કે સંજ્ઞાએ સરજેલા બધા જ અર્થસમ્બન્ધો સરળ અને અકબંધ છે; પણ હકીકત જુદી છે, સંજ્ઞાઓ માત્ર ચિહ્નો છે. ગુજરાતીમાં તો ‘સંજ્ઞા’ એટલે જ, ચિહ્ન.
મુદ્દાની બીજી વાત એ છે કે સંજ્ઞાની પાછળ તેનો યોજક પોતાના આશયને છુપાવી શકે છે. અર્થઘટનકાર એ સંજ્ઞાવૃત આશયોને પામી શકતો નથી.
પેલાએ કરેલો પ્રયોગ : ‘એ બિલ્લી છે’.
દાખલા તરીકે, કોઈ કહે કે ‘એ બિલ્લી છે’ તો ‘બિલ્લી’ સંજ્ઞા એણે અમુક યુવતી માટે પ્રયોજી છે અને તે યુવતીમાં ચપળતાથી શિકાર કરવાની ક્ષમતા છે એવો એ કહેનારનો આશય હોય, તો તે મને નથી પ્હૉંચતો. એટલું જ નહીં, એના ‘એ બિલ્લી છે’ પ્રયોગથી ‘બિલ્લી’ સંજ્ઞાનો અત્યારલગીમાં મારામાં સંચિત થયેલો અર્થ જાગે છે. મારામાં સંચિત અર્થ આ છે : બિલ્લી એક ક્યુટ અને વ્હાલ કરવું ગમે એવું પ્રાણી છે, એને પાળી-પોષી શકાય છે. એટલું જ નહીં, અમારા બે સિવાયની ત્રીજી વ્યક્તિ પાસે, કદાચ એ જ યુવતી પાસે, એક ત્રીજો અર્થ આ પણ છે : બિલ્લીથી ડરતા રહેવું કેમ કે એ વાઘતણી માસી છે.
અમારા ભાષા-સાહિત્ય ભવનમાં એક પટાવાળો દુબળો-પાતળો અને ઢીલા સ્વભાવનો હતો, કરમાયેલો લાગે, છતાં એનું નામ ગુલાબ હતું. જોગાનુજોગ, અમારી કામવાળીનું નામ પણ ગુલાબ હતું. સાહિત્યકારોમાં ગુલાબદાસ બ્રોકર સૌને જાણીતું નામ. હું જાતે સુમન છતાં નર-નારીના ભેદ વગરનાં એ બધાં ગુલાબની સુગન્ધ લેવાનો માત્ર પ્રયત્ન કરી શકતો. મુમ્બઇ ગયો હોઉં ને કામસર ગુલાબદાસને મળવા ગયો હોઉં, તો ક્હેતા – સુમન, એનું (એમનાં પત્નીનું) નામ પણ સુમન છે ને ઘણી વાર એ મને ગુલાબ કહે છે. સ્વીકારવામાં મને થોડી મૂંઝવણ તો થતી જ ! યાદ કરો, ગુજરાતી વ્યાકરણમાં નામોને ‘સંજ્ઞા’વાચક કહ્યાં જ છે.
આમ, સંજ્ઞા એટલે ઘણું બધું અને સંજ્ઞા એટલે કંઈ નહીં. સંજ્ઞાની પ્રકૃતિ ધૂંધળી છે. સંજ્ઞાઓ વિશ્વસનીય નથી. એને કારણે પ્રજાઓ અને કોમો વચ્ચે વાદવિવાદ મતભેદ દુ:ખો ઝઘડા અને રાષ્ટ્રો વચ્ચે યુદ્ધો થયાં છે. ભારતીય વર્ણવ્યવસ્થામાંથી અસ્પૃશ્યતા જેવું મહા દુ:ખદ દૂષણ જન્મ્યું કે સંસારમાં હિન્દુ-મુસ્લિમ કે નાઝી-જ્યૂ જેવા ઘાતક ભેદ પેદા થયા, એમાં એ સંજ્ઞાઓ અને એ સંજ્ઞાતન્ત્રોનો ફાળો ઓછો ન્હૉતો.
એમ પણ કહેવું જોઈએ કે સંજ્ઞા એટલે સાવચેતીસૂચક લક્ષણ – સિમ્પટમ. મારું મૉં લેવાઈ ગયું હોય ને હું કણસતો હોઉં એ, મને આવેલા કે આવનારા તાવનું લક્ષણ છે. સંજ્ઞાને સાવધાનીસૂચક લક્ષણ ગણીને હું તપાસ, ગવેષણા, ઇન્વેસ્ટિગેશન ચલાવું એ મારી ગતિશીલ પ્રવૃત્તિ કહેવાય અને તે પ્રવૃત્તિ સૅમિયોસિસ છે.
મારા ‘સંરચના અને સંરચન’ પુસ્તકમાં, એક લેખમાં, મેં ‘ઑલ આઉટ ફૉર અમૂલ’ અને બીજી જાહેરાતોની સંરચનાવાદની રીતે ચર્ચા કરી છે. અમદાવાદના નહેરુ બ્રિજના એક છેડેના હોર્ડિન્ગમાં ક્રિકેટરને અમૂલ માટે આઉટ થતો ચીતર્યો હતો અને એ દિવસોમાં શ્હૅરમાં મૅચ પણ રમાતી હતી. અમૂલ કમ્પનીનો આશય તો એટલું જ સૂચવવાનો હતો કે અમૂલબટર પૌષ્ટિક, સ્વાદિષ્ટ અને આકર્ષક છે એટલે તો જુઓ ને, બધા જ ખેલાડીઓ આઉટ થઈ ગયા. મને એ સૂત્રના રચયિતા કલાકારનું નામ યાદ હતું પણ આ ક્ષણે નથી યાદ આવતું.
પણ શ્હૅરમાં રમાઈ રહેલી મૅચના જીવન્ત સંદર્ભ સાથેનું અને શ્હૅરની અતિખ્યાત જગ્યા પરનું એ પેઇન્ટિન્ગ મારા માટે સંજ્ઞાતન્ત્ર હતું ને મને એના અર્થઘટન માટે પ્રેરતું હતું. અને પ્રેરાઈને મેં જે લખ્યું એ ક્રિયા કે મારી એ પ્રવૃત્તિ સૅમિયોસિસ હતી.
હું એવી પ્રવૃત્તિ કેમ કરું છું? કેમ કે ‘ઑલ આઉટ ફૉર અમૂલ’-નું એ વિશાળ હોર્ડિન્ગ કે ચિહ્નરૂપ તેમ જ લક્ષણરૂપ સંજ્ઞાઓ મને જંપવા દેતાં નથી. હું સંજ્ઞાનો સામાના અર્થ જોડે અને મારામાં કે અન્ય કોઈમાં રહેલા સંચિત અર્થ જોડે મેળ પાડતો હોઉં છું.
એમ કરીને હું એક એવો મૅસેજ રચું છું જે મને તો પ્હૉંચ્યો જ હોય છે પણ મને સાંભળનાર સૌને પ્હૉંચવાની ક્ષમતા ધરાવતો હોય છે. જેમ કે, હું કહું કે અમૂલે પોતાનું બટર વધુ ને વધુ વેચાય એવી ધંધાદારી દૃષ્ટિથી એ જાહેરાત બનાવરાવેલી અને તે માટે ‘ક્રિકેટર’ ‘ઑલ’ અને ‘આઉટ’ સંજ્ઞાઓનો ઉપયોગ કરેલો, ચિત્ર અને જાહેરાત જેવાં સંજ્ઞાતન્ત્રોનો ઉપયોગ કરેલો, તો સૌને એ મૅસેજ ગળે ઊતરવાનો. એને કહેવાશે, એક સાર્થક સંક્રમણ – કૉમ્યુનિકેશન.
અને, એવા સાર્થક કૉમ્યુનિકેશન્સથી સૅમિયોસિસ પ્રવૃત્તિનો આકાર બંધાય છે.
પણ કૉમ્યુનિકેશનની સુખ્યાત પદ્ધતિ છે – ડીકોડિન્ગ અને તે પૂર્વે થતું ઍન્કોડિન્ગ.
ઍન્કોડિન્ગ-ડીકોડિન્ગ પણ ડીનોટેશન-કોનોટેશન અને સાઈન રીલેશનલ કૉમ્પ્લેક્સ જેવી સંકેતવિજ્ઞાનની નૉંધપાત્ર વિભાવના છે.
એ વિશે હવે પછી.
= = =
(Jan 20, 2023 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર