ઇન્દુબહેન એ ગ્રામવિકાસને વરેલા સ્વર્ગસ્થ અનિલભાઈ શાહનાં પત્ની હતાં, ઝવેરચંદ મેઘાણી અને દમયંતીબહેનનાં પુત્રી હતાં, પલ્લવી ગાંધી અને આશિષ શાહનાં વહાલસોયાં માતા હતાં. અને, સાસુ, દાદી, પરદાદી, બહેન, મિત્ર … સગપણની યાદી લાંબી છે.
આયુના નવ દાયકા એમણે આ બધી ભૂમિકા સુપેરે નિભાવી. ૧૨ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ ૯૪ વર્ષની વયે અમદાવાદમાં એમનું નિધન થયું.
ઝવેરચંદ મેઘાણીનાં બીજા સંતાન ઇન્દુબહેનનો જન્મ 12 ઑક્ટોબર, 1928ના રોજ ગુજરાતના ભાવનગરમાં થયો હતો. ઇન્દુબહેનને બાળપણથી જ નૃત્યનો અને ગાવાનો ઘણો શોખ. ખાસ કરીને તેઓ પિતાનાં ગીતો જેવાં કે ‘કોઈનો લાડકવાયો,’ ‘હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ’ ‘મા મને કોઈ દી સાંભરે નૈ’ અને બીજી રચનાઓ મૂળ સૂરમાં, હૃદય ડોલાવતા બુલંદ અવાજમાં ગાતાં ત્યારે શ્રોતાઓને ઝવેરચંદ મેઘાણીની યાદ આવી જતી. આકાશવાણી રેડિયોના એ માન્ય ગાયિકા હતાં અને તત્કાલીન જાણીતા કવિઓનાં ગીતો ગાવાનો અને સુગમ સંગીતનો અનન્ય શોખ હતો.
ઇન્દુબહેનને નૃત્યકલાનું પણ નાનપણથી જ ઘેલું લાગ્યું હતું. બચપણથી શરૂ થયેલી નૃત્યસાધના માતા બન્યા પછી પણ ચાલુ રહી હતી. તેઓએ સ્ટેજ પર નૃત્યનાટિકા ‘અભિસાર-સન્યાસી ઉપગુપ્ત,’ છાયા નૃત્ય ‘મારા નાના ખેતરને શેઢે’ અને અન્ય નૃત્યો રજૂ કરેલાં. તેઓ લાસ્યપૂર્વક રાસ-ગરબા મોટી ઉંમરે પણ કરતાં.
ઇન્દુબહેને પોતાનું સમગ્ર જીવન પરિવારને સમર્પિત કર્યું હતું. એમણે ભજવેલી વિવિધ સાંસારિક ભૂમિકામાં માતા અને પત્ની તરીકેની ભૂમિકા નોંધનીય છે. પતિ અનિલભાઈએ ૧૯૪૨માં ગાંધીજી સાથે આઝાદીની લડાઈની ચળવળમાં ભાગ લીધો એ સાથે ઇન્દુબહેનની સમર્પણગાથા આરંભાઈ. અનિલભાઈને ૧૭ વરસની ઉંમરે એક વર્ષનો જેલવાસ થયો હતો. ઇન્દુબહેને પણ આઝાદીની ચળવળમાં ટૂંકી જેલયાત્રા વેઠી હતી.
ઉલ્લેખનીય છે કે તેમણે વિજ્યાલક્ષ્મી પંડિતનાં પુત્રી નયનતારા સાથે ઐતિહાસિક હરિપુરા કૉન્ગ્રેસ અધિવેશનમાં ભાગ લીધો હતો, જેમાં એમને પંડિત જવાહરલાલ નેહરુની કુટિરની દેખભાળની જવાબદારી સોંપવામાં આવી હતી.
લોકવિકાસકાર્યો માટે જીવન સમર્પિત કરનાર અનિલભાઈની સરકારી નોકરીને લીધે ગુજરાત અને અન્ય રાજ્યોમાં બદલીઓ થતી. ઇન્દુબહેન વંથલી અને રાજપુર (દેહરાદૂન) જેવા નાનાં ગામોમાં સામાન્ય સગવડ વગર રહ્યાં અને લોકહિતનાં કાર્યોમાં પતિનો સાથ આપ્યો. સમાજના ગરીબ અને નિઃસહાય વર્ગના લોકો માટે એમનામાં કરુણાભાવ અને સહાનુભૂતિ રહેતાં. સરકારમાં લાંબો સમય લોકવિકાસ કાર્ય કરી નિવૃત્તિ પછી “આગા ખાન રુરલ સપોર્ટ પ્રોગ્રામ” (એ.કે.આર.એસ.પી.) અને “ડેવેલપમેન્ટ સપોર્ટ સેન્ટર” (ડી.એસ.સી.) જેવી બિનસરકારી સંસ્થાની સ્થાપનામાં ઇન્દુબહેન પતિ સાથે સહભાગી રહ્યાં.
ઇન્દુબહેનનાં બન્ને સંતાનોને જીવનભર એમના સાથ-સહકાર-પ્રેમ-હૂંફ સતત મળતાં રહ્યાં. પુત્ર-પુત્રીથી લઈને પૌત્ર-પૌત્રી-પ્રપૌત્રો-પ્રપૌત્રી, સગાંસ્નેહી, સૌનાં એ ‘બા’ હતાં.
ઇન્દુબહેન ભરપૂર જીવ્યાં, પરંતુ જીવનના વિવિધ તબક્કે તેમણે સંઘર્ષ પણ ઘણો કરવો પડ્યો. માત્ર પાંચ વર્ષની વયે માતાનું છત્ર ગુમાવ્યું, ૧૯ વર્ષની વયે પિતાને ગુમાવ્યા. આ ઉપરાંત ૨૦૦૭માં ૭૯ વર્ષની વયે પતિને ગુમાવ્યા. એમણે પોતે પણ બ્રેસ્ટ કૅન્સરને હિંમતભેર લડત આપી હતી. છેલ્લે, કોવિડ -19થી ગ્રસ્ત થતાં હૉસ્પિટલમાં દાખલ થયેલાં, પણ એમાંથીયે એ સાજાં થઈ ગયેલાં.
ઇન્દુબહેન અડીખમ જીવ્યાં અને આખરી શ્વાસ સુધી લડાયક રહ્યાં. ઇન્દુબહેન ઘણી બાબત માટે યાદ રહેશે, પરંતુ એ સૌથી વધારે યાદ રહેશે એમના નિર્વ્યાજ પ્રેમ માટે. એમની કર્તવ્યપરાયણતા માટે. કૌટુંબિક ભાવના માટે.
આવાં એક પ્રેમાળ, વાત્સલ્યસભર, કર્તવ્યનિષ્ઠ ‘બા’ અને ‘બા’નું જીવન ‘બા’ની વાતો આવનારી પેઢી માટે એક અણમોલ, પ્રેરણાદાયી વારસો બની રહેશે.
e.mail : pallavigandhi@yahoo.com