કૉંગ્રેસની સ્થિતિ એવી છે કે તે પોતાના બળે તો ઊભી થઈ શકતી નથી, પરંતુ જે રાજ્યોમાં અન્ય વિરોધ પક્ષો સાથે સમજૂતિ કરે છે ત્યાં તે સાથી પક્ષોને પણ ડૂબાડે છે. ઉત્તર પ્રદેશ, તામિલનાડુ, મહારાષ્ટ્ર અને હવે બિહારમાં પણ આવો જ અનુભવ થયો છે.
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં રાષ્ટ્રીય જનતા દળ (આર.જે.ડી.), કૉંગ્રેસ અને ત્રણ ડાબેરી પક્ષોએ મળીને મહાગઠબંધનની રચના કરી હતી. એમાં વિધાનસભાની કુલ ૨૪૩ બેઠકોમાંથી આર.જે.ડી.એ ૧૪૪ બેઠકો ઉપર ચૂંટણી લડી હતી અને ૭૫ બેઠકો મેળવી હતી. અંગ્રેજીમાં જેને સ્ટ્રાઈક રેટ (લડેલી બેઠકો સામે જીતેલી બેઠકોનું પ્રમાણ) કહેવામાં આવે છે તે આર.જે.ડી.નો બાવન ટકા હતો. કૉંગ્રેસે ૭૦ બેઠકો લડી હતી અને માત્ર ૧૯ બેઠકો જીતી હતી. કૉંગ્રેસનો સ્ટ્રાઈક રેટ ૩૬ ટકા હતો અને ડાબેરી પક્ષોને માત્ર ૨૯ બેઠકો ફાળવવામાં આવી હતી જેમાંથી ૫૫ ટકાના સ્ટ્રાઈક રેટ સાથે ૧૬ બેઠકો જીતી હતી. મહાગઠબંધનના ઘટક પક્ષોમાં સૌથી વધુ.
આમ કેમ બન્યું? એક ખુલાસો એવો આપવામાં આવે છે કે મતદાતાઓએ હવે કૉંગ્રેસનો સાથ છોડવા માંડ્યો છે. તે જેની આંગળી પકડે એ પક્ષને લોકો મત આપે છે, પણ કૉંગ્રેસને ધરાર મત આપતા નથી. એનો અર્થ એ થયો કે આર.જે.ડી.ના અને ડાબરી પક્ષોના સમર્થક મતદાતાઓએ કૉંગ્રેસ તેની ભાગીદાર હોવા છતાં મત આપ્યા નથી. ચૂંટણીની પરિભાષામાં ટ્રાન્સફર ઑફ વોટ કૉંગ્રેસની તરફેણમાં થયા નહોતા. મહાગઠબંધનનો વિરોધી પક્ષ ચાલશે પણ કૉંગ્રેસ નહીં જોઈએ એવું વલણ મતદાતાઓ ધરાવતા થયા છે.
બીજો ખુલાસો એવો આપવામાં આવે છે કે કૉંગ્રેસના નેતાઓ જોઈએ એટલી મહેનત કરતા નથી. તેમણે આત્મવિશ્વાસ જ ગુમાવી દીધો છે. કૉંગ્રેસ અત્યાર સુધી ગાંધીપરિવાર ઉપર મદાર રાખતી આવી છે અને હવે એ પરિવારનું કાંઈ ઉપજતું નથી. ઉપજતું નથી એનું એક માત્ર કારણ એ નથી કે તેનો પ્રભાવ બચ્યો નથી. પ્રભાવ ઘટ્યો છે એની ના નહીં, પણ પરિવારનાં સભ્યો મહેનત પણ કરતાં નથી, એ બીજું કારણ છે અને તે એટલું જ મહત્ત્વનું કારણ છે જેટલું પહેલું. કદાચ પહેલા કરતાં પણ વધારે મહત્ત્વનું કારણ હોઈ શકે છે. ઇન્દિરા ગાંધી જેટલી જદ્દોજહદ કરતાં હતાં એની દસમાં ભાગની મહેનત પણ રાહુલ અને પ્રિયંકા ગાંધી કરતાં નથી. બીજાના ખભા ઉપર ચડીને જે હાથ લાગે એ મેળવવું અને રાજકારણમાં ટકી રહેવું એવી કૉંગ્રેસના નેતાઓની મનોવૃત્તિ છે. કૉંગ્રેસના બાકીના નેતાઓમાંથી લોકસંપર્ક ધરાવનારા નેતાઓ બહુ ઓછા છે. જે નેતાઓ લોકસંપર્ક ધરાવે છે તે તેમની મહેનતનું ફળ માગે છે. મધ્ય પ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયાનું પક્ષાંતર અને રાજસ્થાનમાં સચિન પાયલોટનો તાજેતરનો બળવો આનાં ઉદાહરણ છે.
આવું જ ગયે વરસે મહારાષ્ટ્રમાં બન્યું હતું. મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણી કાઁગ્રેસે રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષ (એન.સી.પી.) સાથે મળીને લડી હતી. વિધાનસભાની કુલ ૨૮૮ બેઠકોમાંથી કાઁગ્રેસે ૧૪૭ બેઠકો લડી હતી અને ૪૪ બેઠકો મેળવી હતી. કૉંગ્રેસનો સ્ટ્રાઈક રેટ માત્ર ૩૦નો હતો. આની સામે એન.સી.પી.એ ૧૨૧ બેઠકો ઉપર ચૂંટણી લડી હતી અને ૫૪ બેઠકો મેળવી હતી. એન.સી.પી.નો સ્ટ્રાઈક રેટ કૉંગ્રેસ કરતાં ઘણો વધુ ૪૫ ટકાનો હતો. કાઁગ્રેસે જે ૪૪ બેઠકો મેળવી એમાં પણ શરદ પવારની મહેનતનું પરિણામ હતું. રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રમાં માત્ર બે રેલીને સંબોધી હતી. ૨૦૦૯માં કૉંગ્રેસ અને એન.સી.પી.એ સાથે મળીને ચૂંટણી લડી ત્યારે કૉંગ્રેસનો સ્ટ્રાઈ રેટ ૪૮ ટકા હતો. ૨૦૧૪માં કાઁગ્રેસે એકલે હાથે ચૂંટણી લડી હતી અને તેનો સ્ટ્રાઈક રેટ માત્ર ૧૪ ટકાનો હતો.
૨૦૧૭માં ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી જેમાં કૉંગ્રેસ અને સમાજવાદી પક્ષ વચ્ચે જોડાણ થયું હતું. વિધાનસભાની કુલ ૪૦૩ બેઠકોમાંથી કાઁગ્રેસે ૧૧૪ બેઠકો લડી હતી અને માત્ર સાત બેઠકો જીતી હતી. કૉંગ્રેસનો સ્ટ્રાઈક રેટ માત્ર છ ટકાનો હતો. સમાજવાદી પક્ષે ૩૧૧ બેઠકો લડી હતી અને ૪૭ બેઠકો જીતી હતી. સમાજવાદી પક્ષનો સ્ટ્રાઈક રેટ પણ ઘણો ઓછો ૧૫ ટકાનો હતો. એનો અર્થ એ થયો કે ઉત્તર પ્રદેશમાં મતદાતાઓનો ઝુકાવ બી.જે.પી. તરફ હતો. બી.જે.પી.એ ૭૮ ટકાના સ્ટ્રાઈક રેટ સાથે ૩૧૨ બેઠકો મેળવી હતી. કૉંગ્રેસનો માત્ર છ ટકાનો સ્ટ્રાઈક રેટ બન્ને સંભાવનાઓ સિદ્ધ કરે છે. કૉંગ્રેસના નેતાઓની મહેનત ઓછી પડી હતી, એ તો ખરું જ પણ એનાથી વધુ મહત્ત્વનું કારણ એ હતું કે યુ.પી.માં મતદાતાઓએ કૉંગ્રેસ તરફથી મોઢું ફેરવી લીધું છે.
તામિલનાડુ વિધાનસભાની ચૂંટણી ૨૦૧૬માં યોજાઈ હતી. કૉંગ્રેસે ત્યારે દ્રવિડ મુનેત્ર કળગમ (ડી.એમ.કે.) સાથે સમજૂતિ કરી હતી. વિધાનસભાની કુલ ૨૩૪ બઠકોમાંથી કૉંગ્રેસે ૪૧ બેઠકો ઉપર ચૂંટણી લડી હતી અને આઠ બેઠક જીતી હતી. કૉંગ્રેસનો સ્ટ્રાઈક રેટ ૧૯.૫ ટકાનો હતો. ડી.એમ.કે.એ ૧૮૦ બેઠકો ઉપર ચૂંટણી લડી હતી અને ૮૮ બેઠકો જીતી હતી. ડી.એમ.કે.નો સ્ટ્રાઈક રેટ ૪૯ ટકાનો હતો.
આગળ બે સવાલ ઉઠાવ્યા છે. એક છે મતદાતાઓ દ્વારા સ્વીકાર અને બીજો છે મહેનત. જો સારી રીતે મહેનત કરવામાં આવે તો મતદાતાઓના સ્વીકારમાં વૃદ્ધિ થાય અને અને તેને કારણે સ્ટ્રાઈક રેટ પણ સુધરે છે. પણ એનું પ્રમાણ કેટલું? આ મહત્ત્વનો સવાલ છે. જો ચૂંટણી ટાણે ગણતરીપૂર્વક સમજૂતિ કરવામાં આવે અને મહેનત કરવામાં આવે તો થોડો ફાયદો જરૂર થાય પણ કોઈ મોટો ફરક નહીં પડે. મોટા પ્રમાણમાં સ્વીકાર પામવો હોય તો માત્ર ચૂંટણી ટાણે નહીં, રોજેરોજ મહેનત કરવી જોઈએ. લોકોની વચ્ચે જવું જોઈએ. લોકોના પ્રશ્નો હાથ ધરવા જોઈએ. રસ્તા ઉપર ઉતરવું જોઈએ. સંઘર્ષ કરવો જોઈએ અને જેલમાં જવું જોઈએ. આવી કાળી મજૂરી કરવામાં આવે ત્યારે કોઈ પણ રાજકીય પક્ષને લોકોની સ્વીકૃતિ મળે છે.
હવે ચૂંટણીઓમાં કૉંગ્રેસને કેટલા ટકા મત મળ્યા હતા એના ઉપર એક નજર કરી લઈએ. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસને ૯.૪૮ ટકા મત મળ્યા હતા. મહારાષ્ટ્રમાં ૧૫.૮૭ ટકા મત મળ્યા હતા. ઉત્તર પ્રદેશમાં ૬.૨ ટકા મત મળ્યા હતા. તામિલનાડુમાં કૉંગ્રેસને ૬.૪૭ ટકા મત મળ્યા હતા. ગયા વર્ષે લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસને ૧૯.૪૯ ટકા મત મળ્યા હતા. આનો અર્થ એ થયો કે સ્વીકારની બાબતમાં પણ કૉંગ્રેસ ખૂબ પાછળ છે એટલે માત્ર ચૂંટણી ટાણે મહેનત કરવાથી ચાલવાનું નથી.
બીજી બાજુ બિહારમાં ડાબેરી પક્ષોને મત પણ વધુ મળ્યા છે અને સ્ટ્રાઈક રેટ પણ ઘણો ઊંચો છે. આમાં પણ એક મેસેજ છૂપાયેલો છે જેમાંથી કૉંગ્રેસ બોધ મેળવી શકે છે.
પણ ખાટલે મોટી ખોડ એ છે કે કૉંગ્રેસમાં એ વિશે કોઈ ચર્ચા જ નથી!
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 29 નવેમ્બર 2020