શાનથી ને શોખથી જીવેલો વૃદ્ધ પિતા, 80 વટાવ્યા પછી પણ પોતાના દબદબામાં સમાધાન કરવા નથી માગતો અને દીકરીની પણ મદદ લેવાનું નકારે છે. પણ વાસ્તવિકતા એ છે કે પિતા અલ્ઝાઈમરનો ભોગ બન્યા છે, એમને ભ્રમણાઓ થાય છે, કાલ્પનિક પાત્રો દેખાય છે, વર્તમાન અને ભૂતકાળમાં ગરબડ થાય છે – આ બાજુ દીકરીને બીજા શહેરમાં જવાનું છે. એ રોજ આવી શકવાની નથી. શું કરશે બન્ને?
ફાધર્સ ડેની ઊજવણી તાજી છે. વાત કરીએ 2020ની ઑસ્કાર નૉમિનેટેડ ફિલ્મ ‘ધ ફાધર’ની. શરૂઆતમાં એક વૈભવી અપાર્ટમેન્ટમાં એકલા રહેતા જાજરમાન વૃદ્ધ, તેના મિજાજને કારણે બદલાતા રહેતા કૅરગિવર્સ ને દીકરી પર ચિડાતા રહેતા વૃદ્ધનું નવી કૅરગિવર સાથે ફ્લર્ટિંગ જોઈ ફિલ્મ મધ્યવયના સંતાનને વૃદ્ધ પિતાના વાલી બનવું પડે એવી સ્થિતિ પરની કૉમેડી ફિલ્મ હોવાનો ભાસ થાય.
પછી, પિયરે નામનો એક પુરુષ આ વૃદ્ધને મળવા આવે છે અને કહે છે કે આ અપાર્ટમેન્ટ, વૃદ્ધનો નહીં; પણ એન અને પિયરેનો છે. દીકરી પણ આ વાત સાચી હોવાનું જણાવે છે. વૃદ્ધ ખૂબ મૂંઝવણમાં મુકાઈ જાય છે. તે જે સમજતો હતો અને તેણે જે જાણ્યું છે તેની વચ્ચે આ કેવો વિરોધાભાસ છે? પોતે ચોક્કસ ક્યાં છે? આ પુરુષ અને દીકરી થઈને આવેલી આ સ્ત્રી તેને ઓળખાતા નથી. એ ખોવાઈ ગયેલી ઘડિયાળ શોધ્યા કરે છે અને સમય સાથેનું અનુસંધાન ખોઈ બેઠો છે. લોકો વારેવારે કહ્યા કરે છે, ‘ડોન્ટ યુ રિમેમ્બર?’ ત્યારે ભારોભાર મૂંઝવણ સાથે કહે છે, ‘યા, ઑફ કોર્સ.’ કોમેડી ક્યારે ટ્રેજેડીમાં બદલાઈ ગઈ તેની દર્શકોને ખબર રહેતી નથી.
આ ફિલ્મ જેના પરથી બની હતી એ નાટક ‘લે પેર’ના પ્રેક્ષકોને પણ આ અનુભવ થયો હતો. નાટકને 2014નો પ્રસિદ્ધ મોલિયેર અવૉર્ડ મળ્યો ત્યારે એક વિવેચકે લખેલું કે તેનાં બે કારણ છે : એક તો તેની પિન્ટરેસ્ક (હૅરોલ્ડ પિન્ટરની એક જ વખતે કોમેડી અને ટ્રેજેડી બન્નેનો અનુભવ આપતી) શૈલી અને બીજું એ કે નાટક માત્ર સ્મૃતિભ્રંશ વિશે બતાવતું નથી, એ તમને તેનાથી થતાં માનસિક ખળભળાટનો અનુભવ આપે છે.
અહીં પણ દિગ્દર્શકની પ્રયુક્તિ એ જ છે કે તે વૃદ્ધ એન્થની સાથે દર્શકોને પણ વિભ્રમોની અતળ ખીણની ધાર પર મૂકી દે છે. ચીજો, માણસો, પરિસ્થિતિઓ, સંદર્ભો બધું એન્થનીના સ્મૃતિપટલ પર દેખા દે છે, છટકી જાય છે. કહેલું-સાંભળેલું ભુલાઈ જાય છે, શું ક્યાં મૂકેલું યાદ રહેતું નથી. આસપાસ જે ઘટે છે, જે લોકો હરેફરે છે તેમાંથી વાસ્તવિક શું છે તે સમજવા માટે બુદ્ધિ લડાવતા દર્શકોને એન્થનીની જેમ જ તૂટક-છૂટક ખબર પડે છે કે એન (દીકરી) એન્ટોનિયો સાથે લગ્ન કરીને લંડન જવાની હતી એ તો પાંચ વર્ષ પહેલાની વાત છે. એ પછી તેણે છૂટાછેડા લીધા છે અને હવે એ આ પિયરે સાથે પેરિસ જવાની છે. એન્થની એન અને પિયરેના અપાર્ટમેન્ટમાં શિફ્ટ થયો છે? કે પછી આ તેનો પોતાનો અપાર્ટમેન્ટ છે? નવી કૅરગિવર લોરા સાથે તે ફ્લર્ટ કરે છે? કે પછી તેનામાં તેને નાની દીકરી દેખાય છે?
પિયરેનો આગ્રહ એન્થનીને નર્સિંગ હોમમાં મૂકી દેવાનો છે, જે એનને ગળે ખાસ ઊતર્યો નથી. બન્ને વચ્ચે વારંવાર આ બાબતે ચડભડ થતી રહે છે જે ક્યારેક એન્થનીના કાને પણ પડે છે. પાત્રો અને પરિસ્થિતિઓને ભૂલતો-યાદ કરતો એન્થની આસપાસની પરિચિત દુનિયાને તૂટી પડતી જુએ છે. એની સાથે દર્શકો પણ પોતાને એક જટિલ માનસિક સંઘર્ષના અંતહીન સમુદ્રમાં હાથપગ મારતા હોવાનું અનુભવે છે.
બનાવો મહત્ત્વના રહેતા નથી – મહત્ત્વનો બની જાય છે ભય. પોતે કોણ છે, આસપાસના માણસો કોણ છે, એમાંથી કયા ખરેખર છે અને કયા ભ્રામક છે, જે બનાવો બને છે તેમાંના કેટલા ખરેખર બન્યા છે, સમયનો આ ખંડ ચોક્કસ કયો છે – આ બધું સમજાવાનું બંધ થઈ જાય તો? અને એ વખતે પોતે ખૂબ વૃદ્ધ હોય તો? તેને સંભાળવા માગતા સંતાનને પોતાની સ્થિતિ સમજાવી ન શકાતી હોય તો? તો શું થાય? આ ભયથી દર્શક ઘેરાતો જાય છે. પિતાનું શું થયું કે દીકરીએ શું કર્યું તે નહીં, ફિલ્મના કેન્દ્રમાં આ ભય છે.
ફિલ્મ ગુસ્સો, પ્રેમ, કોમળતા, આનંદ, ઉદાસી, ભય અને હતાશાના મેઘધનુષમાંથી પસાર થતી જાય છે. એક પણ સંવેદન કૃત્રિમ નથી. એન્થનીનો સ્મૃતિભ્રંશ તેને પોતાની લાગણીઓ અને વિચારોથી વિખૂટો પાડતો જાય છે. એ પોતાની ઓળખ માટે ઝઝૂમતો રહે છે. આમ એ શોખીન, ચીવટથી સરસ તૈયાર થતો, આનંદી, નૃત્ય કરતો ને વૃદ્ધ છતાં સોહામણો પુરુષ છે પણ મૂડ બદલાય ત્યારે ખિજાળ, કઠોર ને ક્રૂર બની જાય છે. આ અંતિમોની વચ્ચે મોટા ભાગનો સમય તે ખોવાયેલો, અટવાયેલો, સ્થિતિને કાબૂમાં લેવા મથતો સંદર્ભ ખોઈ બેઠેલો વૃદ્ધ છે. આનો ઉપાય શો તેનો જવાબ નથી એન્થનીને મળતો, નથી એનને મળતો કે નથી દર્શકોને મળતો કારણ કે એનો જવાબ છે જ નહીં.
એન્થનીનું પાત્ર કરનાર 83 વર્ષના એન્થની હૉપ્કિન્સને શ્રેષ્ઠ અભિનેતા તરીકેનો ઍકેડમી અવૉર્ડ મળ્યો છે. આટલી મોટી ઉંમરે આ અવૉર્ડ મેળવનાર તે એકમાત્ર અભિનેતા છે. પિતાના બદલાતા મૂડને સંભાળવા મથતી દીકરી એન(ઓલિવિયા કોલમ)ના પાત્રમાં બ્રિટિશ કન્ટ્રોલ છે. એ રડતી, બહુ બોલતી કે વલોપાત કરતી નથી પણ પિતા સાથે ધીરજ જાળવતી વખતે તેનું જે ફ્રસ્ટ્રેશન દેખાય છે તે દર્શકોની આંખ ભીની કરે છે. લેખક અને નાટ્યકાર ફ્લૉરિયન ઝેલર 41ની ઉંમરે પાંચ નવલકથાઓ અને બાર નાટકો સર્જી ચૂક્યો છે. તેણે ‘ધ મધર’ અને ‘ધ સન’ નામના નાટકો પણ કર્યાં છે. ‘ધ ફાધર’ તેની પહેલી ફિલ્મ છે.
કવિ અનિલ જોશીની પંક્તિ છે, ‘મારી કોઈ ડાળખીમાં પાંદડાં નથી, મને પાનખરની બીક ન બતાવશો … ‘ધ ફાધર’નો એન્થની કહે છે, ‘આઈ થિંક આઈ એમ લુઝિંગ ઑલ માય લિવ્ઝ એન્ડ ધ બ્રાન્ચિઝ એન્ડ ધ વિન્ડ એન્ડ ધ રેઈન …’
દરેક પિતાને અલ્ઝાઈમર થતું નથી, પણ દરેક પિતા વૃદ્ધ થાય છે. જિંદગી પરથી, જાત પરથી, ઘર પરથી, સંબંધો પરથી પકડ ગુમાવતા જવાના એ તબક્કામાં જ્યારે મા પણ ચાલી જાય ત્યારે તેની માનસિક સ્થિતિ કેવી થાય છે એનો અંદાજ સંતાનને આવતો નથી. મા હોય તો ય તે પણ પકડ ગુમાવતા તબક્કામાંથી પસાર થઈ રહી હોય છે. એવું નથી કે સંતાન સંવેદનહીન કે કૃતઘ્ન હોય છે, પણ તેને આ સમયે દુનિયામાં પોતાની જાતને સાબિત કરવાની હોય છે. તેને માટે આ કંઈક બની બતાવવાનો તબક્કો હોય છે. એક છત નીચે બે જુદા જુદા તબક્કા બે જુદા જુદા અનુભવવિશ્વમાં શ્વાસ લેતા જાય છે. રોફ જમાવતા પિતાને ઢીલા પડતા જોઈ યુવાન સંતાનોને અંદરથી એક રાહત થાય છે, ક્યારેક એક વિકૃત આનંદ પણ આવે છે. હવે એ રોફ જમાવે છે ને પિતા વધુ ઢીલા પડી જાય છે. યુવાન પિતાની ‘હું મારા બાળક માટે ખૂબ બધું કરીશ.’ એ ભાવના સુંદર છે, પણ ક્યારેક તેમાં ‘મારા બાપાએ મારા માટે કંઈ કર્યું નહીં’ એવો અલિખિત ધોખો ભળી જતો હોય છે.
પિતા અને સંતાનો વચ્ચે આવી કે બીજી કોઈ પ્રકારની ખાઈ ન રચાય અને એ મધુર-પવિત્ર સંબંધનું સૌંદર્ય અને સુગંધ લુપ્ત ન થાય તે જ અભ્યર્થના.
e.mail : sonalparikh1000@gmail.com