એમ લાગે છે કે રાજ્યમાં ગરીબો રહ્યા નથી. એવું ખરેખર હોય તો આનંદ થાય. જો, એ બધાં લોઅર મિડલ ક્લાસમાં આવી ગયાં હોય તો ગરીબોનો ઉદ્ધાર થયો એમ માનવું પડે ને એને માટે સરકારને શાબાશી આપવી પડે, પણ આંકડાઓ એમ કહે છે કે બેકારી વધવાને કારણે લોઅર મિડલ ક્લાસ પણ ગરીબોમાં ફેરવાઈ રહ્યો છે. અત્યારે એમનું જ્ઞાન કેટલું વધ્યું હશે તે તો નથી ખબર, પણ નિમ્ન મધ્યમ વર્ગને પરવડે એવી હાઉસિંગ યોજના અંગે વાત કરતાં નાણાં મંત્રી નિર્મલા સીતારામને લોઅર મિડલ ક્લાસની વાર્ષિક આવક 6થી 18 લાખ મૂકેલી. બીજા શબ્દમાં, જે ગરીબી રેખાની જરા ઉપર છે તે વર્ગની વાર્ષિક આવક 6થી 18 લાખ છે એવું નાણાં મંત્રી માને છે. મતલબ કે જેની વાર્ષિક આવક 6 લાખથી નીચે છે તે ગરીબ કહેવાય. બીજા શબ્દોમાં જેની માસિક આવક 50,000થી ઓછી હોય તે ગરીબ ગણાય. જ્યારે 12 એપ્રિલ, 2021ને રોજ જાહેર થયેલ મજૂરોને અપાતો લઘુત્તમ વેતન દર રોજનો 176 રૂપિયા છે જે એશિયામાં સૌથી વધારે છે. એ હિસાબે માસિક આવક 5,280 થાય. નાણાં મંત્રીને હિસાબે મહિનાની આવક 50,000થી ઓછી હોય તે ગરીબ ગણાય, જ્યારે એ જ સરકારમાં ગરીબોની આવક મહિનાની 5,280 હોય તે ગરીબ છે.
હવે જેની આવક 50,000થી ઓછી છે તે ગરીબને 71 રૂપિયે કિલોની રેશનિંગની દાળ ખરીદવાનો બહુ વાંધો નહીં આવે, પણ જેને મહિને લઘુત્તમ વેતન મળે છે એને કિલો દાળ ખરીદવાના ફાંફાં પડી જશે. ખરેખર તો રેશનિંગ જ કાઢી નાખવા જેવું છે. એ ગરીબોને માટે છે, પણ ગરીબોને નામે સરકારથી માંડીને દુકાનદાર સુધીના બધાં જ ગરીબો જોડે રમે છે. દુકાનદારની દાદાગીરી ને છેતરપિંડીનો ભોગ બનવા જ ગરીબ સસ્તા અનાજની દુકાને જાય છે. એમાં સસ્તો તો ગરીબ જ છે. એ જીવાત પડેલું અનાજ ખરીદે છે ને અપમાનિત થઈને ઘરે જાય છે. સરકારે, અપમાન ન કરે એવી સસ્તા અનાજની દુકાન ખોલવી જોઈએ, પણ સરકાર જ ગરીબોની મશ્કરી કરતી હોય ત્યાં એવી આશા કેમ રખાય?
ગરીબોની કાળજી લેવાનો દેખાવ સરકાર કેવી રીતે રીતે કરે છે તે જોઈએ. ગરીબોને પ્રોટીન મળી રહે એ માટે સરકારે તુવેરદાળ આપવા માંડી છે. તે 61 રૂપિયે કિલો અપાતી હતી, તેમાં આવતા મહિનાથી સીધો દસ રૂપિયાનો વધારો કરી દેતાં દાળ 71 રૂપિયે કિલોના ભાવે વેચવાની જાહેરાત થઈ છે. અહીં હસવું એ વાતે આવે છે કે જે 71 રૂપિયે કિલોની દાળ ખાઈ શકે છે તે ગરીબ છે. આમ તો તંત્રોની દાનત એવી જ હોય છે કે ગરીબ ખાય જ નહીં. એ ન ખાય તો વેપારીઓ વધેલા અનાજનો તોડ નથી પાડતા એવું ક્યાં છે? એવું થાય છે કે નહીં તે તો વેપારીઓ જાણે, પણ અગાઉ રેશનિંગમાં ઘઉં, ચોખા ન વેચાય તો બજાર ભાવે વેપારીઓએ વેચ્યા છે, એટલું જ નહીં, સસ્તું અનાજ ગરીબ ન ખરીદે એટલે માલ નથી કે હજી આવ્યો નથી એવું કહી કહીને ગરીબોને પાછા પણ કઢાયા છે.
આ 71 રૂપિયાનો ખેલ પણ સમજવા જેવો છે. જુલાઈથી માર્ચ માટે 64,326 મેટ્રિક ટન તુવેરદાળની જરૂર હોવાનું સરકારે ઇન્ડેન કેન્દ્ર સરકારને મોકલ્યું જે મુજબ નાફેડે 3 મહિના માટે ત્રીજા ભાગથી પણ ઓછાની એટલે કે 21,442 મેટ્રિક ટનની ફાળવણી કરી, જેનો ભાવ પાડ્યો કિલોના 91.68 રૂપિયા. એના પર સરકારે પુરવઠા નિગમનો વહીવટી ખર્ચ 8.78 પ્રતિ કિલો ઉમેરીને પેટ્રોલની જેમ દાળ પણ કિલોના 100.46 પર પહોંચાડી. આ ભાવે પડતી દાળ પર સરકાર કિલોએ 30 રૂપિયા સબસિડી આપે છે. 100.46માંથી એ બાદ જાય તો રેશનિંગની દાળ 71.46ના ભાવે વેચાય. સાધારણ કક્ષાની દાળ 71ના ભાવે જ રેશનિંગમાં મળવાની હોય તો એવી દાળ તો બજારમાંથી પણ મળી રહે એમ માની કેટલાક ગરીબો રેશનિંગમાંથી દાળ નથી પણ લેતા.
નાફેડનો ભાવ જ કિલો દાળનો 91.68 હોય તો એ ભાવ રેશનિંગ માટે વાજબી છે? કે બધા માટે ભાવ એક જ છે ને સરકાર રેશનિંગમાં 30 રૂપિયાની સબસિડી આપી દે છે એટલે તેની જવાબદારી પૂરી થઈ જાય છે?સરકાર ગરીબો માટે અનાજ કે દાળ ઓછા ભાવે આપી જ ન શકે એટલી ગરીબ છે? કેન્દ્ર સરકાર જ 91.68ના ભાવે રાજ્ય સરકારને વેચે એ બરાબર છે? 100ના ભાવમાં 30ની સબસિડી મળતી હોય તો પણ રાજ્યનો ગરીબ એટલો અમીર નથી કે 71ને ભાવે દાળ ખરીદી શકે. હદ તો એ છે કે 91ની દાળ પર રાજ્ય સરકાર કિલો દીઠ વહીવટી ખર્ચ 8.78 રૂપિયા લગાવે છે. રાજય સરકારને જરા પણ સંકોચ નથી થતો કે 91નો ભાવ જ વધારે છે તો તેના પર વહીવટી ખર્ચ લગાવાય જ કેવી રીતે? એટલો ખર્ચ સરકાર ભોગવી ન શકે? બીજું, સરકાર કિલો કિલો દાળ મંગાવે છે કે દર કિલો દીઠ વહીવટી ખર્ચ લગાવવો પડે? કહેવાનું તાત્પર્ય એ છે કે કોઈ પણ બોજ સરકાર ઉપાડવા રાજી નથી ને એ જે તે ખર્ચ પ્રજાને માથે નાખી દે છે.
સાધારણ માણસને પણ સબસિડીની અપેક્ષા રહે એવી કારમી મોંઘવારીમાં ગરીબોને કેરોસીનમાં અપાતી સબસિડી બંધ કરી દેવાઈ છે. એટલું ઓછું હોય તેમ રાજકોટ જેવામાં તેની ફાળવણી 90 ટકાથી ઘટીને 63 ટકા પર આવી ગઈ છે. સબસિડી બંધ થઈ ને કેરોસીનના ભાવ વધીને લિટરના 40 રૂપિયા થઈ ગયા છે. સ્થિતિ એવી ઊભી થઈ છે કે ગરીબો વસ્તુ લેવાની બંધ કરી દે. આમ ભાવ પરવડે એવા હોય નહીં ને ઉપરથી વસ્તુનાં ઠેકાણાં ન હોય, ત્યારે મરવા વાંકે જ જીવવાનું રહે કે બીજું કૈં?
એક મહિનામાં પેટ્રોલ-ડીઝલમાં 4 રૂપિયા લિટરે વધ્યા છે ને આવું કરીને કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલના ટેક્સમાંથી 5.25 લાખ કરોડની કમાણી કરી છે. મોંઘવારી અને લોકડાઉનને કારણે વેચાણ ઘટ્યું, પણ સરકારનો નફો માત્ર પેટ્રોલ-ડીઝલમાં જ 25 ટકા વધ્યો છે. બધા વેપારીઓ ધંધા તૂટી જતાં માથે હાથ દઈને રડ્યા છે, પણ સરકાર ઈંધણમાં અગાઉ કદી કમાઈ ન હોય એટલું કમાઈ છે.
જો કે, ગરીબો પેટ્રોલ–ડીઝલ વાપરતા નથી, પણ દૂધ તો વાપરે છે. એ દૂધ લિટરે બે રૂપિયા મોંઘું થયું છે. એક જ દૂધ સુમુલ અને અમુલ ડેરીઓ એક જ ભાવે વેચતી નથી. તેમાં બેથી ચાર રૂપિયાનો ફરક છે. કમાલ તો એ છે કે અહીંથી ભેગું કરાયેલું દૂધ, અહીં જ પ્રોસેસ થાય છે, પણ તે દિલ્હી, વારાણસી કરતાં મોંઘાં ભાવે વેચાય છે. આ અહીંનું ખાઈને અહીં જ ખોદવા જેવું છે. ભાવ વધારાના કારણોમાં સુમુલ ડેરી ડીઝલ ભાવ વધારો, પશુ આહારને નડેલી મોંઘવારી જેવું કહે છે, જે અગાઉ પણ કહી ચૂકી છે. એટલું છે કે કોરોના કાળનો સરકારથી માંડીને અમુલ-સુમુલ જેવી સંસ્થાઓએ લાભ જ લીધો છે ને લોકોને અનેક રીતે વખતોવખત લૂંટયાં છે. માત્ર નફાખોરી એ જ હવે ધંધો ગણાય છે ને આ બધું લોકસેવાને નામે ચાલે છે. સીધો સવાલ એ છે કે બધું મોંઘું થયું એમાં ડેરીએ કેટલી ખોટ સહન કરી? એણે કૈં ગુમાવ્યું? સરકાર હોય કે સહકારી સંસ્થાઓ તેમના નફાને આંચ આવવા દેતી નથી. કૈં પણ વધે છે તો તે સીધું લોકોને પાસ ઓન કરી દેવાય છે. દાળ મોંઘી થાય છે તો વધારો લોકો ભોગવે છે. દૂધ વધે છે તો સહન લોકો કરે છે. પાકને નુકસાન થાય છે તો વધઘટ લોકોને માથે આવે છે. એમના સુધી જે કોઈ પહોંચાડે છે એમને લોકો માટે જરા જેટલી પણ હમદર્દી નથી. એ બધાં જ પૂરી નિર્દયતાથી લોકો પાસેથી વસૂલે છે. લોકો કોરોનામાં, વાવાઝોડામાં સપડાય છે તે જાણે સરકારને અને સંસ્થાઓને લોટરી લાગ્યા જેવું છે. કેવી યુક્તિથી લોકોને લૂંટી શકાય એમ છે એના દાખલા બધા ગણવા લાગે છે ને કટકે કટકે લોકોને વેતરતાં રહે છે.
આખા ભારતમાં સૌથી મોંઘું દૂધ અમુલ બ્રાન્ડ હેઠળ સુરત શહેર સહિત સુરત અને તાપી જિલ્લામાં વેચાય છે. આ વાજબી છે? સુમુલ પર તો એવો આરોપ પણ છે કે તેનો નફો ભા.જ.પ. પાર્ટી ફંડ માટે વપરાય છે. ડેરી સંચાલકો એવો બચાવ પણ કરે છે કે રૂપિયો વધે છે તો તેમાંથી 85 પૈસા પશુપાલકોને મળે છે. 15 પૈસા માટે સુમુલ આખો વેપલો કરે એ વાતમાં માલ નથી, છતાં માની લઈએ કે એમ છે, તો પણ પ્રશ્ન તો રહે જ છે કે પશુપાલકને પોષવા ભાવ વધારવો પડે ને એ રીતે ગરીબોને મદદ થાય, પણ જે દૂધ ખરીદે છે એ ગ્રાહકોમાં ઘણાં બધાં સાધારણ અને ગરીબ લોકો છે, એ જીવે એવું કૈં રાખવાનું છે કે કેમ? તો, ભાવ વધારીને એમનું ગળું કાતરવાથી કઈ સેવા થાય છે? ગાયને દોહીને બકરીને પાવા જેવું નથી આ?
પૂરી પ્રમાણિક્તા અને નિષ્ઠાથી વિચારીએ –
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 25 જૂન 2021