અભિનેત્રી તબુ આજે તો અદાકારીના વ્યવસાયમાં ઘણી ઊંચાઈ પર પહોંચી ગઈ છે, પરંતુ તેણે જ્યારે ફિલ્મોમાં પદાર્પણ કર્યું હતું, ત્યારે બીજાને તો ઠીક, ખુદ તેને ખબર નહોતી કે તે એટલું સારું કામ કરી શકશે. તબ્બસુમ ફાતિમા હાશમી ઉર્ફે તબુની શરૂઆતની ફિલ્મો ખાસ નોંધપાત્ર નહોતી. જો કે, અમુકે પૈસા સારા બનાવ્યા હતા એટલે તબુ લોકોની નજરમાં આવી ગઈ હતી.
લગભગ દસેક જેટલી ‘મસાલા’ ફિલ્મો પછી, 1996માં આવેલી ગુલઝાર સા’બની ‘માચિસ’ ફિલ્મથી તબુને એક ઉત્તમ કલાકાર તરીકે સ્થાપિત થવાનો અવસર મળ્યો. ‘માચિસ’માં વિરેન્દ્ર કૌર ઉર્ફે વીરનની તેની ભૂમિકા એક શાંત પણ ખાલિસ્તાની જૂથની ગેંગ મેમ્બર તરીકેની હતી. તબુને આ ભૂમિકા કેવી રીતે કરવા મળી તેનો એક રસપ્રદ કિસ્સો છે. તબુ એક ઇન્ટરવ્યૂમાં તે ગુલઝાર સા’બને મળી હતી તે યાદ કરીને કહે છે;
“હું ઘણીવાર ગુલઝાર સાહેબ સાથેની મારી મુલાકાત વિશે વાત કરું છું કારણ કે તે મારી સૌથી મજબૂત યાદોમાંની એક છે. શબાના (આઝમી) આન્ટીએ મને કહ્યું કે તે મને મળવા માંગે છે. હું તેમને મળવા ગઈ તે સમયે તેમને શરદી હતી. હું ત્યાં ગઈ અને તેમની પાસે બેઠી. તે પણ ત્યાં બેઠા હતા. અમે લગભગ એક કલાક ત્યાં બેઠા હતા. હું ગભરાઈ ગઈ હતી અને વિચારતી હતી કે ‘તે મને શું કહેશે? હું કેવી રીતે જવાબ આપીશ?’ તે કંઈક લખી રહ્યા હતા અને હું રાહ જોતી રહી. અમે એક કલાક કંઈ બોલ્યા નહીં. એક કલાક પછી મેં કહ્યું, ‘અચ્છા ગુલઝાર સાહેબ, હું જાઉં,’ અને તેમણે કહ્યું, ‘અચ્છા ઠીક છે.’ હું ગઈ. મને લાગે છે કે તેમણે પહેલેથી જ નક્કી કરી લીધું હતું કે તે મને ફિલ્મમાં લેવા માંગે છે. બે-ત્રણ દિવસ પછી, તેમણે મને ફોન કર્યો અને મને માચિસની સ્ક્રિપ્ટ આપી. મારે ફિલ્મમાં આવું જ કરવાનું છે તે તેમણે મને આ રીતે કહ્યું હતું.”
ગુલઝાર દ્વારા નિર્દેશિત માચિસ એક દુર્લભ અને કટ્ટર રાજકીય ફિલ્મ હતી. તેમાં પંજાબના ખાલિસ્તાની આતંકવાદના અશાંત સમયને સમજવાનો પ્રયાસ કર્યો હતો. 80ના દાયકાના અંતમાં, સશસ્ત્ર આતંકવાદીઓને બહાર કાઢવા માટે સુવર્ણ મંદિરમાં કરવામાં આવેલા ઓપરેશન બ્લુ સ્ટાર પછીના સમયની પૃષ્ઠભૂમિ પર ફિલ્મ બનાવામાં આવી હતી.
ફિલ્મનું શિર્ષક, માચિસ, એક રૂપકના અર્થમાં હતું કે દેશના યુવાનો દીવાસળી જેવા છે, તેમનો ઉપયોગ દીવો પ્રગટાવવા માટે થઇ શકે કે પછી ડાઈનેમાઈટ ફૂંકવા માટે પણ થઇ શકે છે. ફિલ્મમાં એ પંજાબને બતાવવામાં આવ્યું હતું, જેમાં ભ્રષ્ટ રાજકીય અને પોલીસ વ્યવસ્થાઓ ધાર્મિક ભેદભાવના આધારે લોકોને નિશાન બનાવે છે અને તેમના બદઈરાદાઓ પાર પાડે છે.
‘માચિસ’ મૂળભૂત રીતે એવા લોકો વિશે છે જે સમાજની મુખ્ય ધારામાંથી ઉખડી ગયા છે અને પોતાના જ વતનમાં અલગાવ મહેસૂસ કરી રહ્યા છે.
જસવંત સિંહ રંધાવા ઉર્ફે જસ્સી (રાજ ઝુત્શી) અને તેની બહેન વિરેન્દ્ર “વીરન” (તબુ) પંજાબના એક ગામમાં તેમની વૃદ્ધ માતા બીજી સાથે રહે છે. કૃપાલ સિંહ (ચન્દ્રચૂર સિંહ) જસવંતનો બાળપણનો મિત્ર અને વીરનનો મંગેતર છે, અને તેના દાદા સાથે નજીકમાં રહે છે. પ્રદેશનો સહાયક પોલીસ કમિશનર ખુરાના અને ઇન્સ્પેક્ટર વોહરા તેમના શાંતિપૂર્ણ જીવનમાં પાડે. તેઓ જિમી (જિમી શેરગીલ) નામના એક આતંકીની શોધમાં તેમના ઘરે આવે છે, જેણે કથિત રીતે સંસદ સભ્ય કેદાર નાથની હત્યાનો પ્રયાસ કર્યો હતો.
જસ્સીને મજાક સૂઝે છે અને તે પોલીસને જિમી નામના કૂતરા પાસે લઇ જાય છે. તેની ઉદ્ધતાઈથી અકળાયેલા ખુરાના અને વોહરા જસ્સીને પૂછપરછના બહાને પકડીને લઇ જાય છે. કૃપાલ તેને શોધવા માટે તે વિસ્તારના પોલીસ સ્ટેશનોની મુલાકાત લે છે, પરંતુ જસ્સીની ભાળ મળતી નથી. આખરે 15 દિવસ પછી જસ્સી પાછો આવે છે. તે ખરાબ રીતે જખ્મી છે. કૃપાલ ગુસ્સે થાય છે કારણ કે જસવંતને એક ટીખળ માટે અમાનવીય પોલીસ નિર્દયતાનો સામનો કરવો પડ્યો હતો.
પોલીસની ક્રૂરતા સામે લડવા માટે કાયદાકીય મદદ મેળવવામાં નિષ્ફળ ગયેલો કૃપાલ અંતે તેના પિતરાઇ ભાઇ જીતેને મળવા માટે નીકળે છે. જીત આતંકવાદી જૂથો સાથે સંબંધ ધરાવે છે અને એ રીતે કૃપાલ ધીમે ધીમે આતંકવાદીઓની એક એવી ગિરોહમાં સામેલ થઇ જાય છે.
કૃપાલ વીરન સાથે ટૂંક સમયમાં લગ્ન કરવાનો હતો, પરંતુ મિત્ર સાથે થયેલા ગંભીર પોલીસ અન્યાયથી વ્યથિત તે આંતકીઓ સાથે ભટકતો રહે છે અને અંતે ન્યાય માટે બંધૂક ઉપાડી લે છે. બીજી તરફ, પરિવાર પર પોલીસની ધોંસ વધી જાય છે અને તેનાથી ત્રાસેલી વીરન પણ કૃપાલને શોધવા માટે બંધૂક ઉપાડી લે છે અને તેની ગિરોહમાં સામેલ થઇ જાય છે.
‘માચિસ’ એક તરફ પોલીસ અત્યાચારનો ભોગ બનતા પંજાબના નિર્દોષ યુવાનોની વાર્તા હતી અને બીજી તરફ બંધૂકો અને બોમ્બની દુનિયામાં પ્રેમની તલાશ કરતાં યુગલની વાર્તા હતી. ફિલ્મના અંતે બંને, કૃપાલ પોલીસ કસ્ટડીમાં અને વીરન ટ્રેકટરની ટ્રોલીમાં, સાઈડનાઈડ ખાઈને જીવનનો અંત લાવે છે, પણ ફિલ્મનો મુખ્ય સૂર એવા કોઈપણ રાજકીય સંઘર્ષને લાગુ પડે છે, જ્યાં અત્યાચારીઓ તેમના વિચારોને ન્યાયી ઠેરવવા માટે હિંસાનો ઉપયોગ કરે છે, પણ એ અત્યાચારનો ભોગ બનેલાઓ જ્યારે એવો જ રસ્તો અપનાવે છે, ત્યારે તેમની પર આતંકવાદીનું લેબલ મારવામાં આવે છે.
ગુલઝાર પૂરી તટસ્થતાથી એ બતાવે છે કે કેવી રીતે યુવાનો એવું માનવા ઉશ્કેરાય છે કે અન્યાયનો એક માત્ર ઉપાય હિંસા છે. ગુલઝારે તેમની પહેલી ફિલ્મ ‘મેરે અપને’માં કોલેજમાં ભણતા છોકરાઓ કેવી રીતે હિંસાના રસ્તે વળી જાય તે બતાવ્યું હતું. ‘માચિસ’ તે જ વિષયનો એક સમકાલીન વિસ્તાર હતો. ‘માચિસ’ અસરકારક રીતે એ દર્શાવે છે કે કેવી રીતે એક વ્યક્તિગત બાબત રાજકીય બની જાય છે.
ફિલ્મમાં, સનાથન નામના આતંકવાદીની મહત્ત્વની ભૂમિકા ભજવનાર ઓમ પૂરી એક જગ્યાએ આ જ ભાવ વ્યક્ત કરતાં કહે છે કે, “કોઈની સાથે સાથે વારંવાર અન્યાય થાય, ત્યારે તે તેના જેવા લોકો સાથે ભળી જાય છે … કોઈની પણ સામે તે લડતો હોય, તેની પ્રતિક્રિયા અન્યાયના જવાબમાં જ હોય છે.”
આ ફિલ્મ યુવાન સંગીતકાર વિશાલ ભારદ્વાજ માટે સીમાચિન્હ રૂપ હતી. ‘છોડ઼ આયે હમ’ અને ‘ચપ્પા ચપ્પા” જેવાં ગીતો અત્યંત લોકપ્રિય બન્યાં હતાં અને આજે પણ લોકો તેને યાદ કરે છે. ‘માચિસ’નું સંગીત જેમનું જીવન તબાહ થઇ ગયું હોય તેવાં યુવા સ્ત્રી-પુરુષોની આશા અને નિરાશા બંનેને પ્રતિબિંબિત કરતું હતું.
આ ફિલ્મથી ચંદ્રચુર સિંહનું નામ ઘેર ઘેર જાણીતું થઇ ગયું હતું. તેને એક ગેરમાર્ગે દોરાયેલા ક્રોધિત યુવાનની અસરકારક ભૂમિકા માટે ખૂબ પ્રશંસા મળી હતી. ગુલઝારની ફિલ્મોમાં મહિલા પાત્રોની ભૂમિકા હંમેશાં મજબૂત રહી છે. જેમ કે ‘આંધી’ ફિલ્મમાં સુચિત્રા સેને એક રાજકારણી આરતી દેવીની સશક્ત ભૂમિકા કરી હતી. આજે પણ લોકો તેને યાદ કરે છે. ‘માચિસ’ પણ તબુ માટે એવા જ એક આશીર્વાદ સમાન હતી. તબુએ તેમાં સાબિત કર્યું હતું કે તે હીરોની આસપાસ ફેરફૂદડી ફરતી શોભાના ગાંઠિયા જેવી નથી. ‘પાની પાની રે’ ગીતમાં તેનું હળવું અને પીડાદાયક આંસુ આજે પણ ચાહકોને મંત્રમુગ્ધ કરે છે.
કોઈ અપવાદ ન હતો કારણ કે તબ્બુનું પાત્ર તેની મુખ્ય વિશેષતાઓમાંનું એક સાબિત થયું હતું. પાવરહાઉસ પર્ફોર્મરને તેમની ફિલ્મમાં તેમના કામ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. તેણીએ ચાંદની બાર અને હૈદર જેવી ફિલ્મોમાં અભિનય કર્યો, જે ભારતીય સિનેમાના પ્રામાણિક ‘લેડી સુપરસ્ટાર્સ’માંથી એક તરીકે ઉભરી આવી. તબુને આ ભૂમિકા માટે પહેલો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો.
ગુલઝારે એક ઇન્ટરવ્યૂમાં તબુ અંગે કહ્યું હતું, “શબાનાએ મને તેનું નામ સૂચવ્યું હતું. હું તેને જોવા માંગતો હતો. ‘માચિસ’ માટે હું એક લાંબી, પંજાબી દેખાતી છોકરી ઇચ્છતો હતો. એ જ્યારે મારી પાસે આવી, ત્યારે તેને જોતાં વેંત મને તરત ખબર પડી ગઈ હતી કે આ છોકરી કામ કરી શકશે.“
(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”, 17 જાન્યુઆરી 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર