1905માં ફિનલેન્ડના ટામ્પરેમાં યોજાયેલા રૂસી સોશિયલ ડેમોક્રેટિક લેબર પાર્ટીના પ્રથમ સંમેલન દરમ્યાન લેનિન અને સ્તાલિન પહેલીવાર મળ્યા હતા
રૂસી સર્વેસર્વા પુતિન કહે છે કે સ્તાલિને રૂસી રાજ્ય (સામ્રાજ્ય) ઊભું કર્યું. એ કુશળ પ્રબંધક હતા, પણ લેનિન? એમની વાત તો ખેર છોડો … એમણે રશિયાના એકંદર અસ્તિત્વ તળે જાણે કે બોમ્બ મૂકી એને ઉરાડી મેલ્યું! ઝાર અને સ્તાલિન વચ્ચે ખેંચાતા પુતિનને પરિવર્તનની રાજનીતિનો કદાચ અહેસાસ જ નથી
થોડા દિવસ પછી વિશ્વભરમાં લેનિન(22-4-1870 : 21-1-1924)ની મૃત્યુ શતાબ્દી ઊજવાશે. લેનિન, આમ તો રૂસી ક્રાંતિની પિતૃપ્રતિમા કહેવાય. પણ છેલ્લા ત્રણ દાયકાના રશિયાના પ્રવાહો જોતાં, પુતિન શાસનને લેનિનની મૃત્યુ શતાબ્દી મનાવવામાં સમ ખાવા પૂરતો રસ હોય તો હોય. બજારવાદી અધિનાયકવાદી તરાહ પર રોડવનાર પુતિનને લેનિનને મુકાબલે સોવિયેતપૂર્વ ઝારશાહીમાં કદાચ વધુ રસ હશે.
સામ્યવાદને સ્થાને બજારવાદને ગોઠવનાર પુતિનને તેમ છતાં સ્તાલિનમાં ચોક્કસ રસ હોઈ શકે – શાસનવિધાનની એની શૈલી અને ખાસ તો વિશ્વયુદ્ધમાં રશિયાને નિર્ણાયક નેતૃત્વ પૂરું પાડનાર વિજેતા તરીકે. કોમ્યુનિસ્ટ ઈન્ટરનેશનલથી છૂટા પડેલા ભારતીય ક્રાંતિકારી, નવમાનવવાદના પ્રણેતા માનવેન્દ્ર નાથ રાય(એમ.એન. રોય)નાં સંભારણાંમાં નોંધાયું છે કે બીજા વિશ્વયુદ્ધ વખતે એ યુદ્ધ-સમાચારોની સમીક્ષા કરતાં હંમેશ કહેતા કે ‘અંકલ જો’ (સ્તાલિન) છેલ્લે યશસ્વીપણે બહાર આવશે.
હમણાં સ્તાલિનનો ઉલ્લેખ કર્યો ત્યારે સાંભર્યું કે લેનિન પોતાના અનુગામી તરીકે સ્તાલિનને ઈચ્છતા નહોતા. એમની ભલામણ ત્રોત્સ્કી તરફે ઝૂકતી હતી. આ પરથી સ્વાભાવિક જ એક એવી અપેક્ષા બંધાઈ શકે કે સ્તાલિનના શાસને દુનિયાભરના ચુનંદા બૌદ્ધિકોમાં પુનર્વિચાર પ્રેર્યો અને ક્યારેક જેની દૈવી અપીલ હતી તે તો, ‘પથ્થરના દેવ’ છે – ‘ધ ગોડ ધેટ ફેઈલ્ડ’ એવી લાગણી જગવી, એનો અર્થ એ કે લેનિન અને સ્તાલિનમાં ગુણાત્મક ફરક હશે. જો કે, પાછળના ગાળામાં બહાર આવેલી અધિકૃત વિગતો પ્રમાણે શાસકીય જુલમોમાં લેનિન એટલા પાછળ નહોતા.
રહો, આ ચર્ચા હિંસા-અહિંસાની નિ:સંદર્ભ ચર્ચામાં સરી પડે તે પૂર્વે એટલું સમજીએ કે 1917માં વિદેશવટામાંથી લેનિનનું વતન રશિયામાં પાછું ફરવું અને 1915માં દક્ષિણ આફ્રિકેથી ગાંધીનું વતન ભારતમાં પાછું ફરવું એ બંને વીસમી સદીની શકવર્તી ઘટનાઓ છે.
એક રાજનો કબજો બીજું રાજ લે એવી સામંતી ઘટનાથી ઉફરાટે પરિવર્તનની રાજનીતિ ચિત્રમાં આવે એવી વિરલ વાત એ હતી. વિશ્વવિશ્રુત પત્રકાર લુઈ ફિશરે તો આ બે પ્રતિભાને સાથે રાખીને એક ખાસ પુસ્તક પણ કર્યું છે. વિશ્વશાંતિના ચાહક સર્જક રોમે રોલાં, જિન ક્રિસ્તોફના લેખક, એમણે નવલકથા લેખનમાં ખંડ પાડીને લેનિન અને ગાંધી બેઉનાં ચરિત્રો આલેખ્યાં છે અને ભલે વણમળ્યે પણ બંને ઇતિહાસપુરુષો વચ્ચે સંવાદની અપેક્ષા સેવી છે.
દેશનેતાઓમાં લેનિનના સમકાલીનો કેવી રીતે વિચારતા હશે એ લક્ષમાં લેતાં તરત થઈ આવતું સ્મરણ નેહરુ પિતાપુત્રનું છે. 1927માં રૂસી ક્રાંતિની દશાબ્દી પ્રસંગે બંને મોસ્કો ગયા હતા. જવાહરલાલે લેનિનના વારસાનું ગૌરવ કરતાં રૂસી પ્રયોગને એક ‘નવી સભ્યતા’ તરીકે વધાવ્યો હતો અને ગાંધીનો રાહ જુદો હોવા છતાં અમારે માટે રૂસી પ્રયોગ પણ એક પ્રેરણાસ્થાન છે એ મતલબનું કહ્યું હતું.
એક પા ફ્રેન્ચ ક્રાંતિ, અમેરિકી ક્રાંતિ ને રૂસી ક્રાંતિ તો બીજી પા ઇંગ્લેન્ડની ક્રમિક વિકાસરીતિ, આ બેનાં ખેંચાણ ત્યારે તરુણાઈમાં સહજ હતા. કાર્લ માર્ક્સે જેમ 1857ના સંગ્રામ વિશે અને બીજા ભારતીય પ્રવાહો વિશે સતત નોંધ લીધેલી છે તેમ લેનિન પણ વિશ્વપ્રવાહો પર ચાંપતી નજર રાખતા હતા અને 1909માં તિલકને છ વરસની સજા સાથે મ્યાનમાર ખસેડાયા ત્યારે આકરી ટીકા કરતા કહ્યું હતું કે બ્રિટનના ઉદ્દામો અને ઉદારમતવાદીઓ આ વિશે કેમ કંઈ બોલતા નથી … બિલકુલ ચંગીઝ ખાન જેવા જણાય છે એ સૌ!
લેનિન અને ગાંધીનાં નામ કેવી રીતે સામસામે છતાં સાથે સાથે લેવાય છે એનું કૌતુક કરવા જેવું છે. ત્રિપુરામાં લાંબા સત્તા-ભોગવટા પછી માર્ક્સવાદી સરકાર ગઈ ત્યારે ‘ઉત્સાહ’માં લોકટોળાએ લેનિનની પ્રતિમાને ધ્વસ્ત કરી હતી. ભા.જ.પ.ના તત્કાલીન મંત્રી રામ માધવે અને રાજ્યપાલ તથાગત રોયે (પોતાની બંધારણીય ગરિમા છોડીને) આ ઘટનાને વધાવી લીધી હતી. પછી ઊહાપોહ થયો ત્યારે કોઈક છેડેથી ‘સમાધાન’નો વાવટો ફરકાવાયો હતો કે એને સ્થાને ગાંધીપ્રતિમા મૂકીશું.
જે થવું જોઈતું નહોતું એનો આ બેહૂદો બચાવ હતો. અગરતલા-ત્રિપુરાની આ ઘટનાનાં કેટલાંક વરસ પૂર્વે ઓડિશાના બાલાસોર જિલ્લામાં વળી કંઈક જુદું જ થયું હતું. સ્થાનિક સામ્યવાદી પક્ષે લેનિનની પ્રતિમા મૂકવાનું નક્કી કર્યું હતું અને કેન્દ્ર સરકાર તરફથી મંજૂરી પણ મેળવી લીધી હતી. કોલકાતાથી રૂસી કોન્સલ જનરલ એ ખુલ્લી મૂકવા આવવાના હતા. છેલ્લી ઘડીએ મામલો ઘાંચમાં પડ્યો અને સમાધાન રૂપે લેનિનની સાથોસાથ ગાંધીપ્રતિમા મૂકવાનું ઠરાવાયું – અને રૂસી કોન્સલે બેઉ પ્રતિમા ખુલ્લી મૂકી! વીસ ફૂટને અંતરે બેઉ ઊભી છે, સાથોસાથ.
વાતનો બંધ વાળતાં વળી પુતિન પાસે જઈશું જરી? પુતિન કહે છે, સ્તાલિન કુશળ પ્રબંધક હતા. પણ લેનિન? એની વાત તો ખેર છોડો – એમ તો રશિયાના એકંદર અસ્તિત્વ તળે જાણે કે બોમ્બ મેલી એને ઉરાડી મૂક્યું! સ્તાલિને રૂસી રાજ્ય (અને સામ્રાજ્ય) ઊભું કર્યું. ઝાર અને સ્તાલિન વચ્ચે ખેંચાતા પુતિનને કશુંક નવું કરવા ઈચ્છતી પ્રલયંકર પ્રતિભાનો કદાચ અહેસાસ જ નહીં હોય, બીજું શું.
અલબત્ત, ઉત્તર ઝારકાલીન સુધારા, તોલ્સ્તોય સરખા પ્રતિભાપુરુષની સક્રિય ઉપસ્થિતિ, આ બધો વારસો ઘટતા નિંદામણ સાથે લઈને આવેલ કેરેન્સ્કીને ઇતિહાસે સમય આપ્યો હોત તો ક્રમિક વિકાસની શક્યતા હતી – ઇતિહાસનું એ ‘જો’ અને ‘તો’ છે.
શાસન વ્યવસ્થામાં ચોક્કસ ‘ક્રીડ’ સાથે સત્તારૂઢ થઈ સર્વ સૂત્રો સાહનાર લેનિન અને છતે સ્વરાજે, છતી શક્યતાએ શાસનથી ઉફરાટે ચાલનાર ગાંધી : નેતૃત્વની આ બે મિસાલ વીસમી સદીએ એકવીસમીને આપેલી ઇતિહાસ-ખો છે.
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 17 જાન્યુઆરી 2024