ગયા લેખમાં મેં કહ્યું હતું એમ ધર્મ, ભાષા અને વંશ આ ત્રણ એવી પ્રબળ અસ્મિતા છે જે પ્રજાસમૂહોને રચે છે અને આ ત્રણમાં ધર્મ સૌથી વધુ તકલાદી અસ્મિતા છે. ધર્મમાં નવા ફણગા ફોડી શકાય, વિચારો અને શ્રદ્ધાઓનું મિશ્રણ કરીને કલમ કરી શકાય, છીંડાં પાડી શકાય, સંખ્યા વધારી શકાય, કોઈની સંખ્યા ઘટાડી શકાય, કોઈ સંપ્રદાય કે ફિરકાના અસ્તિત્વને મિટાવી શકાય એમ બધું જ કરી શકાય, જે ભાષા અને વંશની બાબતમાં અસંભવ નહીં તો અઘરું છે. કોઈ ધારે તો ધર્મને નકારી શકે છે અને ધર્મ બદલી પણ શકે છે, જે ભાષા અને વંશની બાબતમાં શક્ય નથી. હું મારી જાતને નાસ્તિક જાહેર કરી શકું, હિંદુ નથી એમ પણ કહેવું હોય તો કહી શકું, ધર્મપરિવર્તન કરી શકું; પણ હું ગુજરાતી નથી એમ ન કહી શકું. કાકાસાહેબ કાલેલકર જેવા બિન ગુજરાતીને ગુજરાતી ભાષામાં પ્રવેશતા હું રોકી પણ ન શકું.
ધર્મનું આ સ્વરૂપ કે ધર્મસંસ્થાની મર્યાદા સાતમી સદીમાં થયેલા મહમ્મદ પેગંબરના ધ્યાનમાં આવી હતી. જો આ રીતે ધર્મોમાં ફણગા ફૂટતા રહે, કલમ થતી રહે, છીંડાં પડતા રહે તો કોઈ ધર્મ એના એ સ્વરૂપમાં લાંબો વખત ટકી ન શકે. જો ધર્મ વિખરાય તો અનુયાયી પ્રજા વિખરાય અને જો પ્રજા વિખરાય તો જગતમાં ધર્મની સરસાઈ સ્થાપિત ન થાય. માટે ધર્મનું સ્વરૂપ એવું હોવું જોઈએ જેમાં ફણગા, કલમ કે છીંડાં માટે કોઈ જગ્યા જ ન રહે. ઇસ્લામમાં ચાર વાક્યો ધ્રુવવાક્યો છે જે મુસલમાન માટે આદેશ છે. અલ્લાહ સકળ જગતની માનવજાતનો એકમાત્ર ઈશ્વર છે. ઈશ્વર સમયે સમયે પેગંબર મોકલતો રહ્યો છે જેમાં મહમ્મદ સાહેબ છેલ્લા પેગંબર છે. હવે પછી ઈશ્વર કોઈ પેગંબર મોકલવાનો નથી, એટલે છેલ્લા પેગંબર દ્વારા ઈશ્વરે જે સંદેશ આપ્યો છે એ ઈશ્વરનો અંતિમ સંદેશ છે. સકળ માનવજાતનું કલ્યાણ ઈશ્વરના છેલ્લા સંદેશાને અનુસરવામાં છે.
ધર્મનિરીક્ષકો કહે છે કે ઇસ્લામની આ વ્યવસ્થા મુસલમાનોને વાડે પૂરવા જેવી છે. એક રૂપક વિખ્યાત છે. પેગંબર સાહેબે મુસલમાનોને એક મકાનમાં પૂરીને બહારથી તાળું વાસી દીધું અને ચાવી પણ એ રીતે ફેંકી દીધી કે ક્યારે ય મળે જ નહીં. પણ એ છતાં ય, જડબેસલાક તકેદારી રાખી હોવા છતાં ય, શિર્ક (ખુદાની બરાબરી કરવી) અને બિદ્દ્ત (ઇસ્લામચિંધ્યા માર્ગમાં છીંડાં પાડવાં કે માર્ગ ચાતરવો)ને ગંભીર ગુના જાહેર કરવામાં આવ્યા હોવા છતાં ય હકીકત એ છે કે ઇસ્લામમાં ફાટા પડ્યા છે. સંગઠન જળવાઈ રહે એવી સુરક્ષાની પાક્કી વ્યવસ્થા કરી હોવા છતાં ઇસ્લામમાં ફાટા પડ્યા છે અને મુસલમાનો સંગઠિત નથી. એ એટલા જ વિભાજીત છે, જેટલી જગતની બીજી પ્રજા વિભાજીત છે.
હિંદુઓએ એક હિંદુ ધર્મ, એક હિંદુ આદેશ. એક હિંદુ જીવનરીતિ અને સંગઠિત એક હિંદુ પ્રજાની ક્યારે ય ચિંતા કરી નહોતી. કોઈ ફણગા ફોડે, કલમ કરે, છીંડાં પાડે, કોઈ નીકળી જાય તો એનાથી ક્યારે ય ડર અનુભવ્યો નહોતો. આશ્ચર્યની વાત એ છે કે આ છતાં ય હિંદુ સનાતન ધર્મ જગતમાં સૌથી જૂનો અને ટકાઉ ધર્મ સાબિત થયો છે. આ ટકાઉપણું ફણગા, કલમ અને છીંડાં પાડવાની આઝાદીનું પરિણામ છે? વિચારવું પડશે! દુન્યવી અર્થમાં જગતનો સૌથી અસુરક્ષિત ધર્મ સૌથી વધુ ટકાઉ સાબિત થયો છે.
આમાં બે વ્યક્તિ અપવાદરૂપ છે જેમણે સનાતન ધર્મની અથવા હિંદુ ધર્મની ચિંતા કરી હતી. પહેલા હતા આદિ શંકરાચાર્ય જે આઠમી સદીમાં થયા હતા અને બીજા હતા દયાનંદ સરસ્વતી જે તેમના પછી અગિયાર સો વરસે ૧૯મી સદીમાં થયા હતા. આદિ શંકરાચાર્ય સામે બૌદ્ધો હતા. બૌદ્ધોએ ભિક્ષુઓનો સંઘ રચ્યો હતો, તેમના માટે આચારસંહિતા વિકસાવી હતી, સાધુ અને સંસારી વચ્ચેના સંબંધનું સ્વરૂપ નક્કી કર્યું હતું, તેમના વિહાર સ્થાપ્યા હતા, અધ્યન માટે ગ્રંથાલયો અને વિદ્યાલયો સ્થાપ્યા હતા, વ્યવસ્થિત ક્રમિક સ્વરૂપમાં અભ્યાસક્રમ વિકસાવ્યો હતો, વગેરે. આદિ શંકરાચાર્યને આમાં સનાતન ધર્મનો પરાજય નજરે પડ્યો હતો. તેમણે પણ બૌદ્ધોનું અનુકરણ કરીને નિર્ગુણ-નિરાકાર એક જ ઈશ્વરની કલ્પના કરી, સાધુઓ માટે દશનામી અખાડાની રચના કરી હતી, દેશમાં ચારે ય દિશાએ પીઠ સ્થાપી હતી, સાધુઓ માટે આમનાય (આચારસંહિતાનું બંધારણ) ઘડ્યું હતું અને પાઠશાળાઓ સ્થાપી હતી.
આમાં બન્યું એવું કે શંકરાચાર્યે ભગવાન બુદ્ધના શૂન્યવાદને નિરસ્ત કરવા શૂન્યવાદને જ અલગ રીતે રજૂ કરતા વિવર્તવાદનું દર્શન વિકસાવ્યું, જેણે સનાતન ધર્મની એકતા અને સંગઠિત સ્વરૂપને ફાયદો કરી આપવાની જગ્યાએ નુકસાન પહોંચાડ્યું. એમના પછી થયેલા અનેક આચાર્યોએ શાંકરમતનો પ્રતિકાર કર્યો અને દ્વૈત-અદ્વૈતના ફાંટા પડ્યા. સનાતન ધર્મમાં અત્યારે જે સંપ્રદાય પેટા-સંપ્રદાય નજરે પડે છે એ શંકર પછીની સ્થિતિ છે.
દયાનંદ સરસ્વતી સામે મુસલમાનો અને ખ્રિસ્તીઓ હતા. તેમને એમ લાગ્યું કે તેઓ સંગઠિત છે કારણ કે તેઓ સંપ્રદાય અને પેટા સંપ્રદાયમાં વહેંચાયેલા નથી અથવા તો હિંદુઓ જેટલા વહેંચાયેલા નથી. તેમના સંગઠિત હોવાનું કારણ એકેશ્વરવાદ છે, એક જ ધર્મગ્રન્થ છે અને ખુદા અને બંદા વચ્ચે વચેટિયાનો અભાવ છે. આ સિવાય મુસલમાનો અને ખ્રિસ્તીઓમાં જ્ઞાતિઓ નથી. દયાનંદ સરસ્વતીએ પણ પશ્ચિમના ધર્મનું અનુકરણ કરીને ૐકારને પ્રતિક રૂપ એક માત્ર ઈશ્વર તરીકે સ્વીકારવાનો અને વેદોને એક માત્ર ધર્મગ્રંથ તરીકે અપનાવવાનો આગ્રહ કર્યો. તેમણે જ્ઞાતિઓનો અને બ્રાહ્મણોના પુરોહિતપદનો અસ્વીકાર કર્યો. શંકરાચાર્યના વિવર્તવાદની જેમ દયાનંદ સરસ્વતીના જ્ઞાતિવિરોધે અને બ્રાહ્મણવિરોધે હિંદુઓમાં એકતા સ્થાપવાની જગ્યાએ વિખવાદ પેદા કર્યો. સનાતનીઓ અને આર્યસમાજીઓને જરા ય બનતું નહોતું.
આના પ્રમાણરૂપે એક પ્રસંગ યાદ આવે છે. આઝાદી પહેલાં કૉન્ગ્રેસમાં લાલા લાજપતરાય અને મદનમોહન માલવિયા બે નેતા હતા જે હિંદુવાદી હતા અને હિંદુ મહાસભામાં સક્રિય હતા. આમાં લાલા લાજપતરાય પાક્કા આર્યસમાજી હતા અને માલવિયાજી પાક્કા સનાતની હતા. તેમને બન્નેને ઉદ્યોગપતિ ઘનશ્યામદાસ બિરલા આર્થિક મદદ કરતા હતા. બન્ને હિંદુવાદી, બન્ને હિંદુ મહાસભામાં પણ બન્નેને એકબીજા સાથે બને નહીં. દેશમાં હિંદુ એકતાની નિષ્ફળતા વિષે ગાંધીજીને લખેલા એક પત્રમાં ઘનશ્યામદાસ બિરલાએ લખ્યું છે કે આ બે નેતાઓ વચ્ચે મેળ બેસાડવા માટે મહેનત કરીકરીને હવે હું થાકી ગયો છું.
જગતમાં કોઈ ધર્મમાં એકતા નથી અને કોઈ ધાર્મિક પ્રજા સંગઠિત નથી. હોય શકે પણ નહીં અને નહીં હોવાનાં કારણો અહીં પ્રારંભમાં જ બતાવી દીધાં છે. આમ છતાં ય જગત આખામાં દરેક ધર્મની પ્રજાને એમ લાગે છે કે બીજા સંગઠિત છે અને માત્ર આપણે જ અસંગઠિત છીએ. ઝાંઝવાનાં જળ જેવી આભાસી એકતાની પાછળ લોકો દોડે છે.
પણ હા, એનો રાજકીય ખપ છે અને એ આભાસી નથી, વાસ્તવિક છે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 12 સપ્ટેમ્બર 2021