પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કોઓપરેટિવ બેંકમાં એકસાથે 4,355 કરોડ રૂપિયાનું મોટું કૌભાંડ થયું. જેમાં એક મોટી કંપનીના માલિકો અને બેંકના સત્તાધારીઓ જોડાયેલા છે. આ કૌભાંડને લઈ તેનાં નાનામોટા ખાતાધારકોને અત્યારે રડવાનો વારો આવ્યો છે. પોતે જ પોતાની મહેનતની કમાણીનાં નાણાં પોતાની બેંકમાંથી ના ઉપાડી શકે એનાથી મોટી કરુણતા કઈ હોઈ શકે ?
આ બેંકનું નામ વાંચતા 'કોઓપરેટિવ બેંક' – સહકારી બેંક શબ્દો પર હું અટકી ગયો. 'સહકારી' શબ્દ કેટલો સરસ ! અને તેની પાછળનું વ્યક્ત થતું ધ્યેય પણ કેટલું ઉમદા !
આઝાદી પૂર્વેથી આવી સહકારી પ્રવૃત્તિઓથી સૌએ ગાંધીમાર્ગે ગ્રામીણ ઉદ્ધાર અને ગરીબી નિર્મૂલનનાં સપનાં જોયાં હતાં.
વિદેશી અંગ્રેજ માલના બહિષ્કાર તરીકેનાં આઝાદી આંદોલનોનાં એક ભાગ રૂપે પણ સહકારી પ્રવૃત્તિઓની એક અગત્યની ભૂમિકા હતી.
દેશ આઝાદ થયો તે પછી ય દેશના સ્થાનિક ઉદ્યોગો-હસ્તકળાને પ્રોત્સાહન મળે અને ટકી રહે તે માટે સહકારી મંડળીઓની રચનાને ઉત્તેજન આપવા સરકારે ઘણી યોજનાઓ અને રાહતો ઊભી કરી.
પણ તેનું પરિણામ શું આવ્યું ?
દરેક ક્ષેત્રોના સ્થાપિત હિતોએ, એ પછી બિલ્ડરો હોય કે લોખંડના વેપારીઓ, સૌએ પોતાના જાતિ-જ્ઞાતિ ને ધંધાના હિતમાં સહકારી મંડળીઓ, કોઓપરેટિવ સોસાયટીઓ ઊભી કરી.
અલબત્ત, ગ્રામીણ ગરીબોની સહકારી મંડળીઓ પણ ઊભી થઈ. ચર્મકામ, વણાટકામથી માંડી હસ્તકળાઓની સહકારી મંડળીઓ ઊભી થઈ અને પરંપરાગત ગ્રામીણ ઉદ્યોગોને, ખાસ કરીને ગૃહઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું.
પરંતુ સૌથી વધારે સહકારી પ્રવૃત્તિઓનાં લાભ અને લૂંટ તો સ્થાપિત તત્ત્વોએ જ મેળવ્યાં. વેપારીઓ, ઉદ્યોગપતિઓ એ સસ્તા વ્યાજે લોનો મેળવવા, ગોટાળાઓ કરવા જ ઉપયોગ કર્યો અને રાજકારણીઓ એ સહકારી પ્રવૃત્તિઓને નામે ગ્રામકક્ષાએથી માંડી ઉપર લગી સત્તાકેન્દ્રો ઊભાં કરવા સહકારી મંડળીઓનો ભરપૂર ઉપયોગ કર્યો.
અને તેને લઈને જ છેલ્લાં વીસેક વર્ષમાં મોટાભાગની કોઓપરેટિવ બેંકો ફડચામાં ગઈ યા માલામાલ બની ગઈ !
એક દૂધમંડળીઓ જ એવી સહકારી પ્રવૃત્તિ રહી કે તે આઝાદી બાદ સતત વિસ્તરતી રહી. ગુજરાતમાં તો તે મોટા પાયે વિસ્તરતી જ ગઈ પણ સાથે સાથે દેશમાંથી ય દૂધના ખાનગી વેપારીઓ કરતાં સહકારી મંડળીઓનું દૂધ શહેરી લોકો પાસે વધુને વધુ પહોંચવા માંડ્યું છે.
એક સમયે વિદેશી અંગ્રેજ પોલસન ડેરીનું મહત્ત્વ દેશમાં હતું. વેપારીઓ અને ખાનગી ડેરી માલિકો દૂધ ઉત્પાદક ગ્રામીણોનું ભારે શોષણ કરતા. ખરેખર તો દૂધના ધંધાની મલાઈ તો વેપારીઓ જ ખાઈ જતા.
વળી મોટાભાગે તો રોડરસ્તા અને વાહન વ્યવહાર સુવિધાઓનાં અભાવમાં દૂધ એક મોટો અને વ્યાપક ધંધો બની શકે એમ તે સમયે હતો જ નહીં.
આ પોલસન વિદેશી ડેરીની સામે ગાંધીમાર્ગે જ સહકારી મંડળીઓની સ્થાપનાથી જ એક પડકાર મંડાયો અને તેમાંથી અમુલનો જન્મ થયો, ને ખેડા જિલ્લાનાં ગામોમાં દૂધમંડળીઓની સ્થાપનાથી શરૂઆત થઈ અને અત્યારે દેશભરમાં અમુલ એ દૂધ ઉત્પાદન ક્ષેત્રનું ઘરે ઘરે પહોંચેલું નામ બની ચૂક્યું છે.
આપણા દેશમાં દૂધ ઉત્પાદન એ કૃષિક્ષેત્રમાં મોટી આવકનું સ્થાન ધરાવે છે. દેશના દસ કરોડ ખેડૂતો દૂધ ઉત્પાદન સાથે સંકળાયેલા છે. દેશના જી.ડી.પી.ની દૃષ્ટિએ જોઈએ તો કૃષિક્ષેત્રમાંથી સૌથી મોટું પ્રદાન ડેરી ઉદ્યોગનું તેમાં રહેલું છે.
આપણા દેશમાં રોજનું 48 કરોડ લીટર દૂધનું ઉત્પાદન થાય છે અને દુનિયાના કુલ દૂધ ઉત્પાદનમાં ભારતનું યોગદાન 17% જેટલું છે.
આપણા ગુજરાતમાં અને ખાસ કરીને ખેડા જિલ્લામાં સૌથી પહેલાં દૂધ મંડળીઓ બની જ્યાં સવાર-સાંજ ગામની સહકારી મંડળીનાં કેન્દ્ર પર દૂધ ભરી શકાય અને પૂરક આવક નિયમિત મેળવી શકાય.
જ્યાં જે ગામોમાં દૂધ મંડળીઓ છે અને જે ગામોમાં નથી એ બન્ને ગામોના ખેડૂતોના આર્થિક સામાજિક ભેદ પારખી શકાય એવો છે. એક અભ્યાસ મુજબ નાના ખેડૂતોના સામાજિક વિકાસના સંદર્ભમાં જોઈએ તો તેમાં દૂધ ઉત્પાદનનો 70% જેટલો ફાળો છે.
મહારાષ્ટ્રમાં રોકડિયા પાક નિષ્ફળ જતાં, દેવાદાર બનતા ખેડૂતો જે પ્રમાણમાં આપઘાત કરે છે તેટલા મોટા પ્રમાણમાં ખેડૂતોના આપઘાતનું પ્રમાણ આપણા ગુજરાતમાં જોવા મળતું નથી એનું કારણ પણ આ દૂધ મંડળીઓ છે જે ખેડૂતોને પૂરક આવક પૂરી પાડે છે. પાક નિષ્ફળ જતાં આ દેવાદાર બનતા ખેડૂત પરિવારોને બે ટંક રોટલા ભેગા કરવામાં આ આંગણે બાંધેલાં દૂધાળા ઢોરની આવક ઉપયોગી નીવડે છે.
જો કે એટલી વાત પણ નોંધવી જ ઘટે અને મેં જાતે જ ખેડા જિલ્લાના ગામોમાં ફરતાં અનેકવાર જોયું છે કે સાવ છેવાડાના જમીન વિહોણા ખેતમજૂરો કે સીમાંત ખેડૂતોના જીવનમાં, જેમને ત્યાં એકાદ ભેંસ કે ગાય છે તેમનાં જીવનમાં દૂધ સહકારી મંડળીઓ થવાથી બહુ મોટો ફેર પડ્યો નથી. ખરેખર તો એવું જોવા મળ્યું છે કે ગામમાં દૂધ મંડળી ન હતી, ત્યારે આવું એકાદ દૂધાળું ઢોર પરિવાર ને ચા-દહીં કે બાળકોનો પીવાનો પોષક આહાર દૂધ બની રહેતો. પણ દૂધ મંડળી આવવાથી રોકડ આવકની લાલચે દૂધ પરિવારજનોના ઉપયોગને માટે રહેવા દેવાને બદલે બધું જ દૂધ મંડળીમાં વેચી દે છે.
અને છેવટે જોઈએ તો શું હાંસલ થાય છે ? રોકડ આવક મેળવે છે પણ એ આવક તો અંતે અન્ય બજારની વસ્તુઓ ખરીદવામાં જ વપરાય છે ને આખરે રૂપિયા તો વેપારીઓ પાસે જ પહોંચે છે !
આ કડવી વાસ્તવિકતા સાવ છેવાડાના લોકોનાં સંદર્ભે છે જ પરંતુ વ્યાપક સમાજ હિતમાં જોઈએ તો દૂધ મંડળીઓ થવાથી દેશના લોકોને દૂધ અને દૂધ ઉત્પાદનો ઉઘાડી લૂંટ વિના મળી રહે છે. બારે મહિના દેશમાં ક્યાં ય દૂધની અછત થઈ યા રાતોરાત ડુંગળી, બટાકા, ટામેટાંના ભાવની જેમ ભારે ઉછાળો આવતો નથી. દૂધના નામે વચેટિયાઓથી લૂંટ ચાલતી નથી એ મુદ્દો પણ ખાસ આજે દેશમાં જે પ્રકારે મોંઘવારી કૂદકેને ભૂસકે વધી રહી છે અને ખુલ્લી લૂંટ ચાલી રહી છે ત્યારે નોંધવો જ રહ્યો.
પણ હમણાં જુલાઈ મહિનામાં ચીન ખાતે પંદર દેશોના વેપારખાતાના પ્રતિનિધિઓની રિજિયોનલ કોમ્પ્રિહેન્સીવ ઈકોનોમિક પાર્ટનરશીપના નેજા હેઠળ મુલાકાત યોજાઈ. આ મુલાકાત દરમિયાન જે મુક્ત વેપારના કરારો થયા તેમાં ન્યુઝીલેન્ડ સાથે તેમના દૂધ ઉત્પાદનોના કુલ નિકાસના 5% આપણા દેશમાં નજીવી ડ્યુટી સાથે આયાત કરવાના કરાર મહત્ત્વના રહ્યા.
આ 5% મીલ્ક પ્રોડક્ટ્સની આયાતની છૂટથી આપણા દેશના ડેરી ઉદ્યોગના કેવા હાલ બેહાલ થાય તે ચિંતાજનક બાબત બની રહે છે.
ન્યુઝીલેન્ડમાં લોકોની જેટલી વસતી છે તેનાં કરતાં વધારે દૂધાળાં ઢોરની વસતી છે અને દૂધ ઉત્પાદનોના 93% તો નિકાસ થાય છે. દૂધ ઉત્પાદનોની નિકાસ ન્યુઝીલેન્ડના અર્થતંત્રમાં અગત્યની ભૂમિકા ભજવે છે.
ચીન ખાતેની ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની આ મિટીંગમાં ન્યુઝીલેન્ડના નિકાસકર્તાઓના પેરવીકારોએ એવી રજૂઆત કરી કે આગામી થોડાં વર્ષોમાં ભારતમાં દૂધની તંગી ઊભી થવાની છે. અને તેના માટે થઈ સસ્તા ભાવના દૂધ ઉત્પાદનોની જરૂર ભારતને તાત્કાલિક ઊભી થશે અને તેને લઈ બન્ને દેશો વચ્ચેના મુક્ત વેપારીના કરારને લઈ આ 5% દૂધના ઉત્પાદનોની આયાત, ઓછી ડ્યુટી એ સ્વીકારવી રહી.
અને આપણા અધિકારીઓ એ આ મુદ્દા સાથે સહમત થઈ સ્વીકૃતિ પણ આપી દીધી એ હવે એક હકીકત છે ! જો કે આ વાતને લઈ છેલ્લા બે મહિનાથી દેશના ડેરી ઉદ્યોગે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.
અમુલના સત્તાધારીઓ તો આ કરારનો કડક વિરોધ કરતા જણાવે છે કે અત્યારે તો ભારતમાં રોજનું દૂધ ઉત્પાદન 48 કરોડ લીટર છે તે વધીને આગામી 2034 સુધીમાં રોજનું 90 કરોડ લીટર સુધી પહોંચવાનું છે.
ન્યુઝીલેન્ડ હમ્મેશાં પોતાના ભાવ ટકાવી રાખવા, દૂધાળાં પશુ આધારિત અર્થતંત્ર ટકાવી રાખવા પ્રયત્નશીલ રહે છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં દૂધ ઉત્પાદનોના ભાવ નીચે જાય, મંદી આવે ત્યારે આ જ દૂધાળાં પશુઓના માંસ ના ધંધો,બીફ નિકાસ ના ધંધો પર ભાર આપે છે.
અત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં સ્કીમ મીલ્ક પાવડરના ભાવ કિલોના 150થી160 રૂપિયા છે અને આપણા દેશમાં તેના ભાવ 280થી300 રૂપિયા કિલોના છે.
હવે જો ન્યુઝીલેન્ડ થી સસ્તા ભાવે આ મીલ્ક પાવડર દેશમાં 5% પણ ઠલવાય તો દેશમાં દૂધના ભાવમાં શી અસર થાય ? એક અંદાજ પ્રમાણે આપણા અહીં ના દૂધના ભાવમાં 40% કાપ મૂકવો પડે.અને આ 40% ભાવ કાપ તો છેવટે દૂધ ઉત્પાદક ખેડૂતોને જ વેઠવાનો આવે ને ?
એક જમાનામાં જ્યારે અમુલ ડેરીનો વિકાસ થઈ રહ્યો હતો ત્યારે યુરોપના દેશો તેમના સ્થાનિક બજારમાં દૂધ ઉત્પાદનોના ભાવ જળવાઇ રહે તે માટે, દેશમાં વધુ પડતું ઉત્પાદન થઈ ગયું હોય ત્યારે આપણા દેશમાં મફતમાં મીલ્ક પાવડરના પહાડો ખડકી દેતાં ! જો કે સામે શરત એ કરતાં કે આપણે ડેરી ઉદ્યોગની મશીનરી જે તે મફતમાં મીલ્ક પાવડર આપતાં દેશોની જ ખરીદવાની !
અમીર દેશો દ્વારા ગરીબ દેશોનું શોષણ કેવી રીતે થાય છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે !
આ રીતે જ અગાઉ દેશમાં સ્થાનિક દૂધ ઉત્પાદકોને, ડેરી વિકાસના નામે આડકતરો અન્યાય દૂધના ભાવમાં વેઠવાનો આવેલો જ છે.
પરંતુ આજે દેશના ખેડૂતોની હાલત, ગ્રામીણ અર્થતંત્રની હાલત બદતર છે. અને તેવા સમયે જો આવા મુક્ત વેપારની સામે, વિદેશો સામે ઝૂકી જવાની નીતિ કેટલા મોટા પ્રમાણમાં દેશમાં બરબાદી ઊભી કરશે તે વિચારવું પડે એમ છે.
આમ પણ જ્યારે મોંઘવારીને કારણે ઘાસચારાને અમુલદાણના ખર્ચા ખેડૂતોને પોસાતા નથી અને દૂધની આવક તેને લઈ ઘટતી જાય છે ત્યારે આ ભાવ ઘટાડાનો નવો માર ખેડૂતોની કમર તોડી નાખશે એ સ્પષ્ટ વાત છે.
જો કે હજી આ મુક્ત વેપારીના કરાર માત્ર અધિકારીઓએ કરેલાં છે. પાર્લામેન્ટની મંજૂરી પછી જ તે અમલમાં આવે. આપણા ગુજરાતના મુખ્યપ્રધાને આ સંભવિત દૂધ ઉત્પાદનોની આયાતનો વિરોધ કર્યો જ છે.
દેશની મુક્ત બજારની આજની નીતિ અને ગતિ જે દિશામાં વધી રહી છે ત્યારે આ ભયસ્થાન વિશે વ્યાપક ઊહાપોહ સિવાય બીજો કોઈ રસ્તો જનતા પાસે રહ્યો હોય એવું આજની ઘડીએ કંઈ દેખાતું નથી.
સૌજન્ય : ‘ચિંતા’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “ગુજરાત ગાર્ડિયન”, 09 ઓકટોબર 2019