પાકિસ્તાનમાં કરાંચીમાં ગયા રવિવારે જે ઘટના બની એ ચોંકાવનારી હતી, પણ એ ઘટના એવડી મોટી પણ નહોતી જેવી ભારતીય મીડિયામાં બતાવવામાં આવતી હતી. આપણને શ્વાન પત્રકારો દ્વારા કહેવામાં આવતું હતું કે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આંતરવિગ્રહ ફાટી નીકળ્યો છે. લશ્કર અને પોલીસ સામસામે આવી ગયા છે જેમાં દસ પોલીસ અધિકારીઓ માર્યા ગયા છે, રણગાડીઓ કરાંચીની સડક ઉપર ફરી રહી છે. આંતરવિગ્રહ પાકિસ્તાનના બીજાં પ્રાંતોમાં, ખાસ કરીને બલુચિસ્તાનમાં પણ ફેલાવાનો છે, વગેરે વગેરે. આનાથી પણ હજુ ઘણું વધારે કહેવાયું હતું. જેવું જેનું મોટું ગજવું, જેવી જેની બેશરમી અને જેવી જેની ખોટું બોલવાની ક્ષમતા. બંગલાદેશની માથાદીઠ આવક ભારત કરતાં વધુ છે અને જી.ડી.પી.માં બંગલાદેશ આગળ નીકળી ગયું છે એવા આંતરરાષ્ટ્રીય નાણાં નિધિએ બહાર પાડેલા સત્તાવાર આંકડાની વાત ન થાય એ માટે આ જરૂરી હતું. જોઈએ તો પાકિસ્તાનનું કાસળ કાઢી નાખીએ પણ સાહેબની પ્રતિષ્ઠા ઝાંખી પડવી ન જોઈએ.
એમાં કોઈ શંકા નથી કે પાકિસ્તાનમાં જે ઘટના બની એ પાકિસ્તાનના ઇતિહાસમાં ક્યારે ય ન બની હોય એવી અભૂતપૂર્વ ઘટના હતી, ચોંકાવનારી ઘટના હતી, અસાધારણ ગંભીર હતી, પણ એ સાથે આપણે માટે એ ધડો લેવા જેવી ઘટના પણ હતી. બન્યું એવું કે પાકિસ્તાનમાં વિરોધ પક્ષો વચ્ચે મોરચો રચાયો છે, અને તેમનું નિશાન વડા પ્રધાન ઇમરાન ખાન ઉપરાંત લશ્કર અને આઈ.એસ.આઈ. નામની પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા પણ છે. હકીકતમાં ઇમરાન ખાન કરતાં લશ્કર વધુ છે, કારણ કે પાકિસ્તાનમાંના લગભગ દરેક અનર્થનાં મૂળમાં લશ્કર છે. લશ્કર પાકિસ્તાનમાં પવિત્ર ગાય છે. લશ્કર એમ માને છે અને કેટલાક લોકો પણ એમ માને છે કે પાકિસ્તાન જો ટકી શક્યું છે અને અસ્તિત્વ ધરાવે છે તો એ લશ્કરના કારણે. લશ્કર તારણહાર છે એટલે લશ્કર પાકિસ્તાનમાં સર્વેસર્વા છે. અનુકૂળતા હોય તો જનરલો સીધી સત્તા ભોગવે અને જો જોઈએ એવી અનુકૂળતા ન હોય તો જનરલો ચૂંટાયેલી સરકારને ખિસ્સામાં રાખીને સત્તા ભોગવે. આ ઉપરાંત લશ્કરના ભ્રષ્ટાચારની કોઈ સીમા નથી. માટે વિરોધ પક્ષના સંયુક્ત મોરચાનું પહેલું નિશાન લશ્કર છે.
વિરોધ પક્ષના મોરચાનું નેતૃત્વ ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ લંડનમાં રહીને કરી રહ્યા છે અને પાકિસ્તાનમાં તેમની પુત્રી મરિયમ અને તેના પતિ મહમ્મદ સફદર અવાન આંદોલનમાં અગ્રેસર છે. આ મહમ્મદ સફદર અવાન પોતે લશ્કરી અધિકારી હતા અને અત્યારે પાકિસ્તાનની સંસદના સભ્ય છે. એ તો જાણીતી વાત છે કે પાકિસ્તાનમાં નવાઝ શરીફ અને બેનઝીર ભુટ્ટો વચ્ચે બાપે માર્યું રાજકીય વેર હતું. પરંતુ હવે બેનઝીર હયાત નથી અને નવાઝ લંડનમાં છે ત્યારે બન્ને નેતાઓનાં સંતાનોએ રાજકીય સમજૂતી કરી લીધી છે. બેનઝીરના પુત્ર બિલાવલ ભુટ્ટો ઝરદારી અને મરિયમ સાથે મળીને કરી રહ્યાં છે. આ નવા રાજકીય સમીકરણોએ જે નવી તાકાત પેદા થઈ છે, તેને પરિણામે નવાઝ શરીફે લશ્કરના પ્યાદા ગણાતા ઇમરાન ખાનને લલકારવાની જગ્યાએ સીધું લશ્કરને જ લલકાર્યું છે. એ વાત જુદી છે કે આજથી ૩૫ વરસ પહેલાં ખુદ નવાઝ શરીફ જનરલ ઝીયાનું પ્યાદું હતા.
ગયા રવિવારે લશ્કરી અધિકારીઓએ સિંધના પોલીસ વડાને નવાઝ શરીફના જમાઈ મહમ્મદ સફદર અવાનની ધરપકડ કરવાની સલાહ આપી. ગુનો મહમ્મદ અલી ઝીણાની મઝારમાં રેલીંગ ઠેકીને ઘૂસવાનો અને મઝારને અપવિત્ર કરવાનો હતો. હકીકતમાં આ કોઈ મોટો ગુનો જ નહોતો કે તેમની ધરપકડ કરવી પડે. પોલીસ વડાએ ધરપકડ કરવી યોગ્ય નથી એવા કેટલાક કાનૂની પ્રશ્નો ઉઠાવ્યા; એટલું જ નહીં, ઘર આંગણેના કાયદો અને વ્યવસ્થાના પ્રશ્ને લશ્કરને માથું મારવાનો અધિકાર નથી એવી દલીલ પણ કરી. ત્યારે તો તેમને જવા દીધા પણ પછી લશ્કરને અધિકારીઓએ પોલીસ વડાનું અપહરણ કર્યું અને જબરદસ્તી એરેસ્ટ વોરંટ પર સહી કરાવી. મહમ્મદ સફદર અવાનની ધરપકડ પણ કરવામાં આવી અને પાછળથી જામીન ઉપર છોડવામાં આવ્યા.
આ ઘટનાની પ્રતિક્રિયારૂપે પોલીસે વળતો મોરચો માંડ્યો. સિંધના તમામ પોલીસ અધિકારીઓ એક સરખી અરજી કરીને એક સાથે બે મહિનાની રજા ઉપર ઊતરી ગયા. આ ઘટના પછી લશ્કરી વડા જનરલ બાજવાને ભાન થયું કે જવાનોએ સત્તાના મદમાં જરાક વધારે પડતી ચરબી બતાવી છે અને મસ્તી કરી નાખી છે. જનરલ બાજવા સિંધની પોલીસને શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તપાસ કરવાના આદેશો બહાર પાડ્યા છે અને જવાબદાર લશ્કરી અધિકારીઓ સામે પગલાં લઈ રહ્યા છે. તેઓ વિરોધ પક્ષોને પણ સમજાવવાની કોશિશ કરી રહ્યા છે.
વાત આટલી હતી. કોઈ ગોળીઓ નહોતી ચાલી, કોઈ પોલીસ અધિકારીઓ માર્યા નહોતા ગયા, કોઈ રણગાડી રસ્તા ઉપર નહોતી ઊતરી અને કોઈ આંતરવિગ્રહ નહોતો થયો. એ તો આપણા શ્વાનોની કલ્પના હતી કે જેથી બંગલાદેશ ભારત કરતાં આગળ નીકળી ગયું (હકીકતમાં ભારત બંગલાદેશ કરતાં નીચે ઊતરીને પાછળ થઈ ગયું) તેના તરફ લોકોની નજર ન જાય. છતાં ય વાત ગંભીર છે અને પ્રારંભમાં કહ્યું એમ આપણા માટે આમાં ધડો લેવા જેવી ઘટના છે. ધડો લેવા જેવી વાત એ છે કે વિવેક તેમ જ બંધારણીય મર્યાદા ઓળંગીને કેટલાક ખાસ લોકો જ્યાંને ત્યાં ચરબી બતાવે તો ક્યારે ય મોંઘુ પડી શકે છે. અભિમાન તો રાજા રાવણનું પણ ક્યાં ટક્યું હતું!
ટૂંકમાં કરાંચીની ઘટના રાજી થવા જેવી નથી, ધડો લેવા જેવી છે. આ તમને શ્વાન નહીં કહે, અમારા જેવા કહેશે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 25 ઑક્ટોબર 2020