આશીષ કક્કડ વિશે ફેસબૂક પર શ્રદ્ધાંજલીના શબ્દો લખવાની મને ઈચ્છા નહોતી. કારણ કે, એક વર્ષ પછી, ફરી એ શ્રદ્ધાંજલી મેમરી તરીકે સામે આવે, અને મનને ધુંધવી નાખે. છતાં ય લખવી એટલા માટે પડી કે ક્યાંક તો હૈયામાં કણસી રહેલી પીડાને વિરેચન આપવું ને! આપણી પાસે શબ્દો સિવાય બીજું છે પણ શું કે આપણે આપી શકીએ!?
આશીષભાઈ ગયા એને ચાર-પાંચ દિવસ થયા પણ રોજ કોઈક ને કોઈક કારણસર યાદ આવ્યા જ કરે. એ યાદો સામે આંખ આડા કાન કરીએ તો પણ ઊઘડતાં જૂઈનાં ફૂલોની જેમ એ યાદ સતત ઝબકી જ જાય.
સુશાન્તસિંહ રાજપૂતના નિધન બાદ દેશ આખામાં ડિપ્રેસનની ચર્ચાએ ગોકીરો મચાવ્યો હતો, ત્યારે આશીષભાઈ સાથે છેલ્લે વાત થઈ હતી. તેમણે બારીક વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે, “ડિપ્રેસન એ અવસ્થા છે કે આપણા શરીર અને મનમાં આનંદ ઊગવાનો જ બંધ થઈ જાય. જેમ ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિ માટે ઈન્સ્યુલિન શરીર પોતે પેદા નથી કરતું, માટે તેને એ બહારથી આપવું પડે છે, એમ ડિપ્રેસન દરમ્યાન શરીર આનંદ જ પેદા કરતું નથી. લોકો કહે કે ફલાણા-ફલાણીએ આત્મઘાતી પગલું ભર્યું, એને બદલે તેણે કોઈ સાથે વાત કરી લીધી હોત તો હળવાશ મહેસૂસ કરત અને આવું પગલું ન ભરત; પણ વાત કરી લેવી જોઈએ એવી સલાહ આપનારાઓને ખબર જ નથી હોતી કે જે વ્યક્તિ ડિપ્રેસનમાંથી પસાર થઈ રહી છે તેને વાત જ કરવાનું મન જ ન થાય. તેની અંદર એ રસાયણ જ ન ઊગતું હોય કે તેને વાત કરવાનું મન થાય. તેથી ડિપ્રેસન-ગ્રસ્ત માણસે વાત કરવી જોઈએ એવી વાતો કરનારા નાદાન લોકો છે.”
જેણે ‘બેટર હાફ’ જેવી ટકોરાબંધ ફેમિનીસ્ટ ગુજરાતી ફિલ્મ આપી, તેણે સોશ્યલ મીડિયા પર કે સમૂહમાં લોકો વચ્ચે મળ્યા હોય ત્યારે એનાં ગાણાં ગાયા નથી. બાકી આજકાલ તો લોકો એકાદ પુસ્તક આવે ત્યારે આખું સોશ્યલ મીડિયા ગજવી દે છે.
આશીષભાઈને કોઈ પણ કામ કરવાની પ્રક્રિયામાં રસ પડતો અને એ પૂરું થઈ જાય પછી એનો સંતોષ મહત્ત્વનો હતો. પછી એ તેમણે રસોઈમાં કરેલો કોઈ નવો પ્રયોગ હોય કે પોતે બનાવેલી ફિલ્મ હોય. મને યાદ છે કે એક વખત તેમણે કહ્યું હતું કે મરચું ખોરાકમાં તમે વધારે ભભરાવો પછી તમે એની તીખાશને તો માણી શકો પણ એ તીખાશ હાવી થઈ જાય પછી અન્ય તત્ત્વોના જે સ્વાદ હોય તે દબાઈ જાય છે. કેટલી કોઠાસૂઝવાળી આ વાત છે. હવે હું જમણવારોમાં જૈન ફૂડનો સ્વાદ એટલા માટે માણું છું કે એમાં મરચા સહિતનાં સ્વાદ લોકશાહીઢબે આવે છે. સામયિક 'સાર્થક જલસો'માં તેમણે લખેલો 'મારા રસોઈના પ્રયોગો'વાળો લેખ રેસિપીનો લેખ આ રીતે પણ લખી શકાય તેનું ઉમદા ઉદાહરણ છે.
આશીષભાઈને જ્યાં પણ મળીએ ત્યારે તે એટલા સહજ હોય કે દરેક ઉંમરના લોકોને એમ જ થાય કે આ તો આપણા જેવો જ માણસ છે. આશીષભાઈની વાત કે દલીલ હંમેશાં તર્કસભર રહેતી, પણ તેમની ધ્યાનાર્હ લાક્ષણિકતા એ હતી કે તેઓ પાંચ કે પચાસ માણસોની વચ્ચે પોતાનો તર્ક અલગ પડતો હોય તો પણ એ પોતાની તર્કસભર વાત જતી ન કરતા. મોટા ભાગના લોકોનો સૂર અલગ પડતો હોય છતાં તેઓ પોતાની વાત તો મૂકતા જ. જરા પણ ડંખ રાખ્યા વગર, ઉષ્માસભર રીતે તેઓ જે અસહમતિ દર્શાવતા એ તેમની કળા હતી.
બાળકો સાથે તેઓ જે પ્રકારે ગમ્મત કરતા એ જોવાની મને મજા પડતી.
આશીષભાઈ, મને ખબર હોત કે તમે આમ અચાનક ચાલ્યા જશો તો હું એક આખો દિવસ મારી દીકરી રાવીને તમારે ઘરે રમવા મોકલત અને હું પણ એ ગમ્મતમાં સામેલ થાત. મેં મારી દીકરી સાથે ઘરમાં કેવાં રંગબેરંગી ચિતરામણાં કર્યાં છે એ તમને દેખાડવા બોલાવત અને એ વખતે તમારા હાવભાવ જોઈને મને કેટલો હરખ થાત.
જેમની સાથે સહેજ પણ ઔપચારિક થયા વગર મળી શકીએ અને માણી શકીએ એવા માણસો આ શહેરમાં ઓછા છે. એ ઓછામાંથી કોઈક જાય ત્યારે જેમ શરીરનો કોઈ ભાગ ખોટો પડી ગયો હોય એમ જીવનનો કોઈ ભાગ ખોટો પડી ગયો હોય એવું લાગે.
(તસવીર – અંકિત પટેલ)
તેજસભાઈ વૈદ્યની ફેઈસબૂક દિવાલેથી સ-આદર સાભાર, 06 નવેમ્બર 2020