વૃદ્ધો એક સમયે આશીર્વાદ આપવા પૂરતા કામના હતા, પણ હવે અપવાદરૂપે એવું હોય તો હોય ! મોટે ભાગે વૃદ્ધો ઇચ્છનીય નથી, સિવાય કે એમની પાસેથી કોઈ આશા હોય. યુવાની જિંદગીનો સૌથી સુંદર કાળ હોય છે, એમાં બેમત નથી, પણ જગતમાં કૈં પણ, છેવટે તો પૂરું થવા માટે જ હોય છે. યૌવન પણ પૂરું થાય જ છે. અમરત્વ સરસ કલ્પના છે, પણ વાસ્તવિકતા તો મૃત્યુ જ છે. જન્મ અને મૃત્યુ એ હકીકત છે. કલ્પના કે સ્વપ્નો પણ જીવન દરમિયાન જ શક્ય છે. જીવનની બહાર કલ્પના નથી કે નથી તો સ્વપ્નો પણ ! જીવનની આગળ કે જીવનની પાછળ જે તે વ્યક્તિ માટે કૈં નથી. અન્ય વ્યક્તિ, જનાર વ્યક્તિને તેનાં કાર્યોને લીધે વખાણે કે વખોડે એ શક્ય છે, પણ જનાર વ્યક્તિને એની જાણ થતી નથી તે પણ એટલું જ સાચું છે, કારણ તે હયાત નથી.
એવું નથી કે મૃત્યુ ક્રમ કે ઉંમર જોઈને વ્યક્તિને ઉપાડે છે. તે બાળક કે યુવાનનો શિકાર પણ કરી શકે છે. પણ, કુદરતી ક્રમ બાળપણ, યુવાની અને વૃદ્ધત્વનો છે, એ હિસાબે વૃદ્ધત્વ જીવનનો છેલ્લો તબક્કો છે ને મૃત્યુ આવતું નથી ત્યાં સુધી વૃદ્ધોએ તો જીવવાનું જ હોય છે. આ સારું હોય કે ખરાબ, પણ તે છે ને તે જ છે. કોઈ અકુદરતી રીતે મૃત્યુ પામે એ જુદી વાત છે, પણ કુદરતી ક્રમ તો મૃત્યુની રાહ જોવાનો જ છે.
કેટલી ય ઘરડી આંખો ઊંઘે છે ને સવારે ઊઠે છે, ઊંઘે છે ને ઊઠે છે એમ ચાલ્યા કરે છે. એમાં જ એવું બનવાનું છે કે કોઈ સવારે આંખો નથી ખૂલવાની ને ત્યારે, આ જગતનું બારણું વસાઈ જાય છે. એટલું નક્કી છે કે એ ફરી ક્યારે ય ખૂલવાનું નથી. એટલું પણ નક્કી છે કે ફરી આ જગતમાં એ ને એ સ્વરૂપે કોઈથી કદી અવાવાનું નથી. એમાં ઈશ્વર હોય તો એ પણ બાકાત નથી. ઘણી ઝાંખી આંખોને એવું લાગે છે કે આજે જોયેલું પારિજાત કદાચ કાલે જોવા નહીં મળે, આજે માણેલી ગંધ કાલે નહીં અનુભવાય, આજે થયેલો પાંખડીઓનો રેશમી સ્પર્શ ટેરવે જ રહી જાય એવું બને.
ટૂંકમાં, જવાનું નિશ્ચિત થતું જાય છે તેમ તેમ ભય વધતો આવે છે ને ઘણીવાર તો એ ભય પણ, સામેથી મૃત્યુ તરફ જવાનું દ્વાર ખોલી આપે છે. ડરવાથી મૃત્યુ દૂર જાય છે એવું નથી. ડરીએ કે ના ડરીએ, મૃત્યુ અફર અને અટલ છે.
વૃદ્ધોની સ્થિતિ અનેક રીતે દયનીય હોય છે. તેમાં જો તેઓ કમાતા ન હોય તો વૃદ્ધ એટલે ખર્ચ – એ જ એમની વ્યાખ્યા બની રહે છે. એક સમય હતો ત્યારે એ કમાયા, હવે ઉંમરને કારણે કમાણી શક્ય નથી ને ઉંમરને કારણે જ માંદગી, સારવારના ખર્ચ વધે છે ને એ બધાં જ કુટુંબોને પરવડે એમ હોતું નથી. એમાંથી જન્મે છે સંઘર્ષ, પીડા અને સંતાપ. બધાં જ કુટુંબો વૃદ્ધોની ઉપેક્ષા કરે છે એવું નથી, પણ આવાં કુટુંબો રોજ વધતી મોંઘવારીને કારણે પહોંચી વળી શકતાં નથી ને અનિચ્છા છતાં વડીલો તરફ દુર્લક્ષ સેવતાં થઈ જાય છે. આવી સ્થિતિ મોટે ભાગે મધ્યમવર્ગની હોય છે. નીચલા થરમાં તો બધાં જ ઉપેક્ષિત હોય છે એટલે ત્યાં તો આભ ફાટે તો થીંગડાં મારવા જેવી સ્થિતિ જ હોય છે. ઉપલા થરમાં પૈસા ઘણી મુશ્કેલીઓનો ઈલાજ હોય છે એટલે ત્યાં પણ પ્રશ્નો ઓછા છે. તકલીફ મધ્યમ વર્ગની વિશેષ હોય છે. જે વડીલો કમાતા નથી એ તો બોજ જેવા લાગે જ છે, પણ જેની પેન્શન કે ધંધામાં થોડી ઘણી આવક છે એમની સ્થિતિ પણ બહુ સારી નથી જ. એમાં કોરોનાએ તો ઘણાંની હાલત પાણીથી ય પાતળી કરી નાખી છે.
કાલના જ કોઈ છાપામાં એક ફોટો જોયો જેમાં લાંબી લાઈન હતી ને એમાં વૃદ્ધ સ્ત્રી, પુરુષો ભાંગેલું, તૂટેલું ઊભાં હતાં. મોટે ભાગના ફૂટપાથની ધારે જેમ તેમ બેઠેલાં હતાં. બધા જ ચહેરા ઉદાસીના, અશક્તિના બનેલા હતા. એ બધાં પ્રોવિડન્ટ ફંડ માટે, પ્રોવિડન્ટ ફંડ ઓફિસની બહાર ઊભાં હતાં. આ રીતે સવારે સાત વાગ્યાથી આ લોકો લાઈનમાં હતાં. ફોટો એ વાતની ચાડી ખાતો હતો કે તેમની અને ભિખારીઓ વચ્ચે બહુ ઓછો ફરક આવી લાઈને રહેવા દીધો હતો. પાછલી ઉંમરે તકલીફ ન પડે એ માટે પી.એફ., પેન્શન વગેરે વ્યવસ્થાઓ આપણે ત્યાં છે, પણ તે લેવા પાછલી ઉંમરે કલાકો લાઈનમાં ઊભાં રહેવું પડે એ કોઈ રીતે યોગ્ય નથી ! લાઈનની બહુ નવાઈ આપણે ત્યાં નથી. નોટબંધી હોય કે સ્કૂલ-કોલેજમાં પ્રવેશ હોય, રેશનિંગનું અનાજ હોય કે કોરોનાના મૃતદેહોના અંતિમ સંસ્કાર હોય, લાઈન ન લાગે તો સત્તાવાળાઓની આંખોને ઠંડક થતી નથી. આપણે ત્યાં ઘણું બધું ઓનલાઈન ચાલે છે. પેન્શન, પગાર ખાતાઓમાં જમા થઈ જાય છે, તો પી.એફ. માટે આવી લાઈનો રોકી ના શકાય એવું નથી. લાચાર, અશક્ત વૃદ્ધોને આમ લાઇનમાં કલાકો ઊભા રાખવાનો જે તે ઓફિસને સંકોચ થવો જોઈએ. કારણ કોઈ પણ હોય, આ કોઈ પણ રીતે સહ્ય નથી.
આમ સિનિયર્સ માટે વાતો તો મોટી મોટી થાય છે, તેમને ઘણી બધી રાહતો અપાયાનો રાજકીય દાવો છાશવારે થતો રહે છે, પણ સ્થિતિ જરા પણ સારી નથી. જે સિનિયર્સને પી.એફ. કે અન્ય ફંડનું વ્યાજ મેળવીને પાછલી જિંદગી જીવી જવાની આશા હતી એમને ઝેર ખાવા જેટલું પણ વ્યાજ ન મળે એટલા કંગાળ હાલના વ્યાજ દરો છે. વધારે વ્યાજ લેવા જતાં મોટે ભાગે છેતરાવાનું જ થાય છે. આમ સિનિયર્સને અડધો ટકો વધારે વ્યાજ અપાય છે ને બીજી બાજુએ ટી.ડી.એસ. એ વધારો કાતરી લે છે. સિનિયર્સ માટે જે ખાસ યોજનાઓ બહાર પડી છે એના વ્યાજ દરો પણ બદલાતા રહે છે ને એમાં બદલાવું એટલે ઘટાડો એટલો જ અર્થ હાલ બાકી બચ્યો છે. સાચું તો એ છે કે સિનિયર્સને લગતી બધી જ જાહેરાતોમાં દેખાડો અને વ્યાજમાં ઘટાડો એ જ નકરી વાસ્તવિક્તા છે.
સાંસદથી માંડીને તમામ નોકરિયાતોમાં પગાર વધે છે. ખાનગી ક્ષેત્રોમાં શોષણ હશે, પણ સરકારી અને બેંકિંગ કે વીમા ક્ષેત્રોમાં સેટલમેન્ટ પ્રમાણે પગાર વધે જ છે. સાંસદોનો પગાર વધારો તો સ્વૈચ્છિક અને મનસ્વી છે. પગાર વધારામાં હશે, પણ પેન્શનમાં કોઈ પ્રકારનું સેટલમેન્ટ નથી. બધે બેઝિક વધે છે, પણ પેન્શનમાં એ વધારો લાગુ પડતો નથી. કેમ? એટલા માટે કે પેન્શનરો નબળા, અશક્ત અને લાચાર છે? એ હડતાળ પાડે તો જ પેન્શન વધે? આમાં લાચારીનો લાભ ઉઠાવાય છે ને એ બધી રીતે શરમજનક છે. પેન્શનરોનાં યુનિયનો છે જ. તમામ પેન્શન યુનિયનોએ ભેગાં થઈને સંગઠિત અવાજ ઉઠાવીને સરકારના ટેવાયેલા બહેરા કાનો સુધી વાત પહોંચાડવી જોઈએ. કોઈ પણ સરકારમાં સમજદારી પાયામાંથી હોતી નથી. આ સ્થિતિ હોય ત્યારે યુનિયનોના હોદ્દેદારોએ આળસ ખંખેરીને, જાગતી સરકારની ઊંઘ ઉડાડવી જોઈએ. એમ થશે તો જ સિનિયર્સની સ્થિતિ સુધરશે ને તેઓ માનભેર જીવી અને ટકી શકશે.
મોટે ભાગની વૃદ્ધ આંખો આંસુ સારીને જ જિંદગી પૂરી કરતી હોય છે. એમને કુટુંબ, સમાજ, મિત્રો, સરકાર, સંસ્થાઓ પાંખમાં નહીં લે તો એ કેટલું ઊડવાના હતાં ! આમે ય તૂટેલી પાંખે આકાશે ઊડવાનું અઘરું છે. એવે વખતે સરકાર અને સમાજ, વૃદ્ધોને પાંખમાં લે એ જ એમના ટકવાનો એક માત્ર ઉપાય છે એવું નહીં?
0
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 06 નવેમ્બર 2020